TOP NEWS - 'વિજય રૂપાણીએ કહ્યું, '191 કરોડનું વિમાન મારા માટે નથી લીધું, સરકારનું છે'

વિજય રૂપાણી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
પ્રકાશિત

ગુજરાત સરકારે મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને વીવીઆઈપીઓને લાવવા-લઈ જવા માટે 191 કરોડ રૂપિયાનું નવું વિમાન ખરીદ્યાના સમાચારને પગલે ઊઠેલી ચર્ચા વિશે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી છે.

અત્રે નોંધવું રહ્યું કે આ નવા વિમાનની ખરીદીને પગલે લોકોમાં ચર્ચા ઊઠી છે કે પ્રજાના પૈસે નેતાઓને સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

જે મામલે રાજ્યના મુખ્ય મંત્રીએ સ્પષ્ટતા કરી છે કે જે વિમાન વાપરવામાં આવી રહ્યું હતું તે સુરક્ષાના કારણોસર જોખમી હતું.

તેમણે કહ્યું, "નાગરિક ઉડ્ડયને આ અંગેનો અહેવાલ પણ સોંપ્યો હતો. આથી 20 વર્ષ જૂના વિમાનની સુરક્ષામાં કમી જણાતા નવું વિમાન ખરીદવામાં આવ્યું છે."

તેમણે મીડિયાને સંબોધતા કહ્યું, "આ વિમાન મારા પોતાના માટે નહીં પણ રાજ્ય સરકાર માટે ખરીદવામાં આવ્યું છે. બધી રાજ્ય સરકાર આવી રીતે ખરીદી કરતી હોય છે."

"રાજ્ય સરકારે 20 વર્ષ બાદ ઍરક્રાફ્ટની ખરીદી કરી છે. મીડિયામાં ભૂતકાળમાં અનેક વખત લેખો લખાયા છે કે સીએમ કૉફિન પર સવારી કરી રહ્યા છે."

"દરેક રાજ્ય સરકારનાં પોતાનાં ઍરક્રાફ્ટ છે, આ કોઈ રૂપાણીનું પોતાનું ઍરક્રાફ્ટ નથી. આ રાજ્ય સરકારનું ઍરક્રાફ્ટ છે."

line

વરસાદને પગલે પાકને નુકસાન જતા ખેડૂતનો આપઘાત

ખેતર

ઇમેજ સ્રોત, PRATAPBHAI

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર રાજકોટના જેતપુર તાલુકાના મેવાસા ગામના એક ખેડૂતે કમોસમી વરસાદને પગલે ઊભા પાકને થયેલા નુકસાનના કારણે આપઘાત કરી લીધો હતો.

'મહા' અને 'ક્યાર' વાવાઝોડાની અસરને કારણે વરસેલા કમોસમી વરસાદને પગલે આ ખેડૂતનો કપાસનો તમામ પાક નષ્ટ થઈ જતા તેમણે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો.

વળી બીજી તરફ રાજ્યભરમાં આ પ્રકારના વરસાદને પગલે ઘણા ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું હોવાના કારણે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ નિવેદનમાં જાહેરાત કરી હતી કે તમામ ખેડૂતોને વળતર આપવામાં આવશે.

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર રૂપાણીએ કહ્યું,"કમોસમી વરસાદને પગલે જે ખેડૂતોના પાકને નુકસાન થયું છે તેમને પૂરતું વળતર આપવામાં આવશે. સર્વે શરૂ કરી દેવાયો છે તેમની મહેનત એળે નહીં જાય."

એક્સપ્રેસના એક અન્ય અહેવાલ મુજબ કમોસમી વરસાદને પગલે પાક નુકસાન સામે વળતર માટે રાજ્યમાંથી 1.57 લાખથી વધુ ખેડૂતોએ અરજીઓ કરી છે.

line

અમદાવાદમાં ડેન્ગ્યૂના કેસમાં વધારો

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Science Photo Library

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ મુજબ અમદાવાદ મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડા અનુસાર વર્ષ 2019ના પ્રથમ 10 મહિનામાં ડેન્ગ્યૂના 3,345 કેસો નોંધાયા છે.

જે વર્ષ 2018ના 3,135 કેસ કરતા વધુ છે. આમ આ વર્ષે અમદાવાદ શહેરમાં ડેન્ગ્યૂના કેસમાં ઘણો વધારો નોંધાયો છે.

વળી આરોગ્યની બાબતોના નિષ્ણાતોનું માનવું છે કે કમોસમી વરસાદ બાદ ફરીથી પાણીના ભરાવાના લીધે આ કેસોમાં હજુ વધારો થઈ શકે છે.

રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ હાલ ડેન્ગ્યૂના કેસોમાં વધારો થઈ રહ્યો છે.

line

કરતારપુર જવા પાસપોર્ટ ફરજિયાત?

ગુરુદ્વારા

ઇમેજ સ્રોત, GURINDER BAJWA/BBC

'ઇન્ડિયા ટુડે' ન્યૂઝ વેબસાઇટ અનુસાર પાકિસ્તાનમાં આવેલા કરતારપુર સાહિબ ગુરુદ્વારા જવા માગતા શીખ શ્રદ્ધાળુઓ માટે પાસપોર્ટ ફરજિયાત છે કે નહીં તે મામલે મોટી મૂંઝવણ ઊભી થઈ છે.

બાબા ગુરુનાનકની 550મી જયંતીને દિવસે કરતારપુર ગુરુદ્વારા જનારા શીખ શ્રદ્ધાળુઓના સંઘોને રવાના થવા માટે માત્ર 48 કલાક બાકી છે તેવામાં આવી સ્થિતિ સર્જાઈ છે.

કેમ કે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને 1લી નવેમ્બરે ટ્વીટ કરી જાહેરાત કરી હતી કે શ્રદ્ધાળુઓને પાસપોર્ટની જરૂર નહીં પડે અને તેમણે 10 દિવસ પહેલાંથી નોંધણી પણ નહીં કરાવવી પડે.

ટ્વીટ

ઇમેજ સ્રોત, @ImranKhanPTI

વળી તેમણે તો એવું પણ કહ્યું કે શ્રદ્ધાળુઓ પાસેથી ફી પણ વસૂલવામાં નહીં આવે પરંતુ તાજેતરમાં જ પાકિસ્તાનની સેના તરફથી નિવેદન આવ્યું કે કરતારપુર જનારા શ્રદ્ધાળુઓએ વિઝા લેવાની જરૂર નથી પણ પાસપોર્ટ હોવો જરૂરી છે.

આમ આ પ્રકારની મિશ્ર જાહેરાતોએ મૂંઝવણ ઊભી કરી છે. જોકે બાદમાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ખુલાસો કર્યો હતો કે આ સુવિધા માત્ર ગુરુનાનકની જયંતીને પગલે જ રાખવામાં આવી છે. જેનો ભારત સરકારે ઇન્કાર કર્યો છે.

બન્ને દેશો વચ્ચે થયેલા એમઓયુ અનુસાર કરતારપુર સાહિબ જવા માટે પાસપોર્ટ જરૂરી હોવાની શરતનો તેમાં ઉલ્લેખ કરાયેલો છે.

line

બંગાળની ખાડીમાં વાવાઝોડું બુલબુલ તીવ્ર બન્યું

બુલબુલ વાવાઝોડું

ઇમેજ સ્રોત, Imd

'ઇકૉનૉમિક ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર ચક્રવાતી તોફાન બુલબુલ ગંભીર શ્રેણીમાં પરિવર્તિત થઈ ગયું છે.

હવામાન વિભાગ અનુસાર તે બંગાળની ખાડીના પૂર્વ-મધ્ય, ઓડિશાના દક્ષિણ-પૂર્વમાં 680 કિમી, બંગાળમાં 780 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં સ્થિત છે. આગામી કેટલાક કલાકોમાં તે ઘાતક થઈ શકે છે.

તે ઓડિશા થઈને પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠા તરફ આગળ વધી શકે છે.

તેની અસરમાં આવેલા વિસ્તારોમાં 70-80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાયા છે. જ્યારે કેન્દ્રમાં તેની ઝડપ 90 કિમી પ્રતિ કલાકની રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો