સૌરવ ગાંગુલી BCCIના અધ્યક્ષ બન્યા, ભારતમાં ક્રિકેટમાં કેવી રીતે ચાલે છે પરિવારવાદનું રાજકારણ?

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ભારતીય ટીમના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના અધ્યક્ષનું પદ ગ્રહણ કરી લીધું છે.

ભારતના સૌથી સફળ કપ્તાનોમાંના એક સૌરવ ગાંગુલી બીસીસીઆઈના 39મા અધ્યક્ષ બન્યા છે.

છેલ્લા 33 મહિનાથી બીસીસીઆઈને પ્રશાસક સમિતિ ચલાવી રહી છે, જેની કમાન હવે ગાંગુલીના હાથમાં આવશે.

બીસીસીઆઈના અધ્યક્ષ તરીકે ગાંગુલીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પુત્ર જય શાહ બીસીસીઆઈના નવા સચિવ બન્યા છે.

ઉપરાંત ઉત્તરાખંડના મહિમ વર્મા નવા ઉપાધ્યક્ષ, જ્યારે બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ અને કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરના નાના ભાઈ અરુણ ધુમલ કોષાધ્યક્ષ અને કેરળના જયેશ જ્યૉર્જ સંયુક્ત સચિવનું પદ સંભાળશે.

IPLમાં આરોપો, બીસીસીઆઈ માટે નવી સમિતિ

2013માં આઈપીએલ દરમિયાન સ્પૉટ ફિક્સિંગ અને સટ્ટેબાજીના આરોપો બાદ સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈના કામકાજમાં દખલ કરવી પડી હતી.

વિશ્વના સૌથી અમીર ક્રિકેટ બોર્ડમાં પારદર્શિતા લાવવા, ભ્રષ્ટાચાર ખતમ કરવા સહિતના અનેક સુધારા માટે સુપ્રીમ કોર્ટે જાન્યુઆરી 2015માં જસ્ટિસ આર. એમ. લોઢાના નેતૃત્વમાં એક સમિતિનું ગઠન કર્યું હતું.

જે બાદ આ સમિતિએ એ જ વર્ષે જુલાઈ મહિનામાં પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો.

લોઢા કમિટીની ભલામણોને લાગુ કરવા માટે સુપ્રીમ કોર્ટે જાન્યુઆરી 2017માં પૂર્વ સીએજી વિનોદ રાય, લેફ્ટન્ટ જનરલ(રિટાયર્ડ) રવિ થોગડે અને પૂર્વ ક્રિકેટર ડાયના એડ્ડુલ્જીની કમિટી ઑફ એડમિનિસ્ટ્રેટર્સના (સીઓએ) બનાવી હતી.

ત્યારથી અત્યાર સુધી સીઓએ જ બીસીસીઆઈનું કામકાજ સંભાળી રહી છે.

એવું માનવામાં આવે છે કે હવે આ સમિતિ તમામ કામકાજ બીસીસીઆઈની આ નવી ટીમને આપી દેશે.

બીસીસીઆઈમાં પરિવારવાદ

નવા નિર્દેશો પ્રમાણે 70થી વધુ ઉંમરના લોકો, મંત્રીઓ કે સરકારી સેવકો, અન્ય ખેલ સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો અને બોર્ડના સભ્ય તરીકે પહેલાં જ નવ વર્ષ પૂરાં કરી ચૂકેલા પદાધિકારીઓને બોર્ડના સભ્ય બનાવવા પર પ્રતિબંધ છે.

એટલે કે પૂર્વ અધ્યક્ષ એન. શ્રીનિવાસન અને પૂર્વ સચિવ નિરંજન શાહ અયોગ્ય થઈ ગયા છે.

બંનેની ઉંમર 70થી વધુ વર્ષ છે અને તેઓ બોર્ડમાં નવ વર્ષનો કાર્યકાળ પૂરો કરી ચૂક્યા છે.

ભૂતકાળમાં બીસીસીઆઈના અધ્યક્ષ રહી ચૂકેલા 78 વર્ષીય એનસીપી નેતા શરદ પવાર પણ અયોગ્ય ઠર્યા છે.

અનુરાગ ઠાકુર, જેમને બીસીસીઆઈએ 2017માં બીસીસીઆઈના અધ્યક્ષપદેથી દૂર કર્યા હતા, તેઓ હવે કેન્દ્ર સરકારમાં મંત્રી છે. આથી તેઓ પણ ક્રિકેટ પ્રશાસનમાં પરત ફરી શકતા નથી.

નવા બંધારણમાં પુત્ર-પુત્રીઓને બીસીસીઆઈના બોર્ડની ચૂંટણીમાં ઊતરવાથી કોઈ રોક નથી.

આથી પોતાનાં પુત્ર-પુત્રીઓના માધ્યમથી જૂના લોકો પણ પોતાનું આધિપત્ય યથાવત્ રાખી શકે છે.

તો આ સાથે જ ભારતીય ક્રિકેટ પ્રશાસનમાં જૂના સંચાલકો નવા ચહેરા સાથે પરત ફર્યા છે.

આઈસીસી અને બીસીસીઆઈના અધ્યક્ષ રહી ચૂકેલા એન. શ્રીનિવાસનનાં પુત્રી રૂપા ગુરુનાથ તામિલનાડુ ક્રિકેટ ઍસોસિયેશનનાં નવા અધ્યક્ષ છે.

નિરંજન શાહના પુત્ર જયદેવ શાહ સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશનના પ્રૅસિડેન્ટ છે.

ભાજપ નેતા અને પૂર્વ બીસીસીઆઈના અધ્યક્ષ અનુરાગ ઠાકુરના ભાઈ અરુણ ધુમલ હવે બીસીસીઆઈના કોષાધ્યક્ષ બનવાના છે.

દેશના ગૃહમંત્રી અને ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશનના પૂર્વ અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહ બીસીસીઆઈના એજીએમમાં ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશનના સભ્ય છે અને હવે તેઓ બીસીસીઆઈના આગામી સચિવ બનશે.

જેસીએના નવા ઉપાધ્યક્ષ ધનરાજ પણ રાજ્યસભાના સાંસદ અને જીસીએના પૂર્વ ઉપાધ્યક્ષ પરિમલ નથવાણીના પુત્ર છે.

નથવાણી ઝારખંડથી રાજ્યસભાના સંસદસભ્ય છે.

બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રહી ચૂકેલા ચિરાયુ અમીનના પુત્ર પ્રણવ વડોદરા ક્રિકેટ ઍસોસિયેશનના અધ્યક્ષ છે.

તો દિવંગત જયવંત લેલેના પુત્ર અજિત સચિવનું પદ સંભાળશે. તેમજ બીસીસીઆઈના પૂર્વ પ્રમુખ શશાંક મનોહરના પુત્ર અદ્વૈત વિદર્ભ ક્રિકેટ ઍસોસિયેશન (વીસીએ)માં છેલ્લાં પાંચ વર્ષથી ઉપાધ્યક્ષ છે.

ઉત્તર પ્રદેશ ક્રિકેટ ઍસોસિયેશનના પ્રમુખ યદુપતિ સિંઘાનિયા છે. આ અગાઉ અંદાજે બે દાયકા સુધી તેમના પતિ ગૌર હરિ આ પદ પર રહ્યા હતા.

છત્તીસગઢ ક્રિકેટ સંઘની ખુરશી પણ પૂર્વ અધ્યક્ષ બળદેવસિંહ ભાટિયાના પુત્ર પ્રભતેજ પાસે છે.

રાજસ્થાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષનું નામ વૈભવ ગેહલોત છે જે મુખ્ય મંત્રી અને કૉંગ્રેસ નેતા અશોક ગેહલોતના પુત્ર છે.

બીસીસીઆઈની વાર્ષિક જનરલ મિટિંગમાં રાજકુમાર સિંહને ઍસોસિયેશનના પ્રતિનિધિ તરીકે નૉમિનેટ કરાયા છે.

તેઓ બીજી વાર કૉંગ્રેસના ધારાસભ્ય બન્યા છે અને મણિપુર પ્રદેશ કૉંગ્રેસ કમિટીના મહાસચિવ છે.

લોઢા સમિતિની ભલામણ અનુસાર કોઈ પણ સરકારી હોદ્દોદાર પદગ્રહણ ન કરી શકે.

પણ નવાઈની વાત એ છે કે સુપ્રીમ કોર્ટ તરફથી નિયુક્ત સીઓએએ જ એમસીએનું બંધારણ માન્ય રાખ્યું છે અને એમસીએએ રાજકુમારને બીસીસીઆઈ એજીએમમાં પોતાના પ્રતિનિધિ તરીકે માન્ય રાખ્યા છે.

પૂર્વ સંસદસભ્ય અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન હૈદરાબાદ ક્રિકેટ ઍસોસિયેશનના અધ્યક્ષ છે.

ફિક્સિંગમાં તેમનું નામ આવતાં બીસીસીઆઈએ તેમના પર પ્રતિબંધ લાદ્યો હતો. હાઈકોર્ટે બાદમાં આ પ્રતિબંધ ખસેડી લીધો હતો.

નાગાલૅન્ડ ક્રિકેટ ઍસોસિયેશનના પ્રૅસિડેન્ટ કેચનગુલી રિયો મુખ્ય મંત્રી નેફિયો રિયોના પુત્ર છે.

ઓડિશા ક્રિકેટ ઍસોસિયેશનના પૂર્વ સચિવ આશીર્વાદ બહેરાની ખુરશી હવે તેમના પુત્ર સંજયને મળી ગઈ છે.

વિજય પાટીલ હવે મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશનના પ્રૅસિડેન્ટ છે.

તેઓ બિહારના પૂર્વ રાજ્યપાલ ડી. વાય. પાટીલના પુત્ર છે. 10-15 દિવસ અગાઉ થયેલી ચૂંટણીમાં કૉંગ્રેસ નેતા શાહઆલમ એમ.સી.એ.ના નવા સભ્ય તરીકે ચૂંટાયા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો