IND VS SA : રાંચીમાં દક્ષિણ આફ્રિકાને ટીમ ઇન્ડિયાની જેમ ફાઇવસ્ટાર હોટલ કેમ ન મળી?

    • લેેખક, રવિ પ્રકાશ
    • પદ, બીબીસી ગુજરાતી માટે, રાંચીથી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 3 મિનિટ

ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે શનિવારે ત્રણ ટેસ્ટ મૅચની સિરીઝની છેલ્લી મૅચ રાંચીમાં રમાઈ રહી છે. પરંતુ આ છેલ્લી મૅચ માટે રાંચી પહોંચેલી બેઉ ક્રિકેટ ટીમને અલગ-અલગ હોટલમાં જગ્યા આપવામાં આવી છે.

ભારતીય ક્રિકેટ ટીમને ફાઇવસ્ટાર હોટલ રેડિસન બ્લૂમાં રોકાણ આપવામાં આવ્યું છે. જ્યારે, દક્ષિણ આફ્રિકાની ટીમને લી-લેક પૉર્ટિકો હોટલમાં રાખવામાં આવ્યા છે.

જે હોટલમાં મહેમાન ટીમને રાખવામાં આવી છે તે ફાઇવસ્ટાર નથી અને જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો માટે જરૂરી માનવામાં આવે છે એવી કેટલીક જરૂરી સુવિધાઓ પણ ધરાવતી નથી, આ કારણે આ મુદ્દો ચર્ચામાં છે.

આ પહેલી વખત બન્યું છે કે જ્યારે રાંચીમાં રમતી બે આંતરરાષ્ટ્રીય ટીમોને અલગ-અલગ હોટલોમાં ઉતારો આપવામાં આવ્યો હોય.

આ પહેલાં રાંચી રમવા ગયેલી તમામ ટીમોને એક જ હોટલ રેડિસન બ્લૂમાં ઉતારો આપવાની પંરપરા છે. આ રાંચીની એક માત્ર ફાઇવસ્ટાર હોટલ છે.

આઈપીએલ,વન-ડે અને ટેસ્ટ મૅચ માટે અનેક દેશના ખેલાડીઓ રાંચીમાં પહેલાં પણ રહી ચૂક્યા છે.

બે ટીમો અલગ-અલગ હોટલમાં કેમ?

ઝારખંડ સ્ટેટ ક્રિકેટ ઍસોસિયેશન (જેએસસીએ)ના ઉપાધ્યાક્ષ અજયનાથ શાહદેવે બીબીસીને કહ્યું કે ક્રિકેટ ટીમોનું હોટલ-બુકિંગ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બૉર્ડ એટલે બીસીસીઆઈ કરે છે અને તેમાં જેએસસીએની ભૂમિકા નથી.

જોકે તેમણે ટીમોની વચ્ચે ભેદભાવની વાતને નકારી કાઢી છે.

આની સાથે જ તેમણે એ પણ કહ્યું, "બંને ટીમો અલગ-અલગ ઉતારો આપવાનું કારણ રાંચીમાં ચાલી રહેલી ડૉક્ટરોની કૉન્ફરન્સ છે. એના માટે ડૉક્ટરોના યજમાને એક વર્ષ પહેલાં જ અહીં બુકિંગ કરાવી રાખ્યું હતું."

"આ જ કારણે બંને ક્રિકેટ ટીમોને એક સાથે રાખી શકાય એટલી સંખ્યામાં રેડિસન બ્લૂમાં રૂમ ખાલી ન મળ્યા. જેથી, બીસીસીઆઈએ દક્ષિણ આફ્રિકાની ટીમ માટે હોટલ લી-લેકનું બુકિંગ કર્યું."

પહેલાં સાથે હતું બુકિંગ

હોટલ રેડિસન બ્લૂના ઍસોસિયટ ડિરેક્ટર(સેલ્સ) દેવેશ કુમારે પણ આ વાતને દોહરાવી.

તેમણે કહ્યું કે અત્યાર સુધી તેમની જ હોટલે બંને ટીમોની યજમાની કરી હતી. આ પહેલી વખત છે જ્યારે તેઓ માત્ર એક જ ટીમને પોતાની સેવા આપી રહ્યા છે.

તેમણે બીબીસીને કહ્યું, "બીસીસીઆઈએ જ્યારે પહેલી વખત બુકિંગ કરાવ્યું, ત્યારે અમારી પાસે રૂમ હતા. ત્યારે બંને ક્રિકેટ ટીમો માટે અમારી જ હોટલનું બુકિંગ કરાવ્યું હતું."

"આ સમય દરમિયાન ટેસ્ટ મૅચની તારીખ બદલાઈ ગઈ. હવે જે તારીખો પર બીસીસીઆઈને રૂમની જરૂરિયાત હતી ત્યારે ઉપલબ્ધ કરાવી શકવું અમારા માટે મુશ્કેલ હતું."

"કારણ કે, યુરોલૉજીના ડૉક્ટરોના સંમેલન માટે અહીં ઘણા રૂમનું બુકિંગ પહેલાંથી કરાવવામાં આવ્યું હતું. જો જૂની તારીખો પ્રમાણે મૅચ થઈ હોત તો અમે બંને ટીમના ક્રિકેટરોના યજમાન હોત. પરંતુ આવું ન થઈ શક્યું."

દક્ષિણ આફ્રિકા ટીમની તકલીફ

બિરસા મુંડા ઍરપૉર્ટથી હોટલ લી-લેક સરોવર પૉર્ટિકો પહોંચેલી દક્ષિણ આફ્રિકાની ટીમની બસ હોટલના મુખ્ય ગેટની પહોળાઈ ઓછી હોવાના કારણે ફસાઈ ગઈ.

આ પછી ક્રિકેટરોએ બસમાંથી ઊતરીને ચાલીને રિસેપ્શન સુધી જવું પડ્યું હતું. વળી, હોટલમાં સ્વિમિંગ-પુલ નથી. જેથી મહેમાન ક્રિકેટરોને જેએસસીએ સ્ટેડિયમના સ્વિમિંગ-પુલમાં તરવું પડ્યું.

ક્રિકેટરોએ લંચ પણ સ્ટેડિયમની બહાર લીધું. આ પછી ચર્ચાએ જોર પકડ્યું કે તેમને હોટલનું ખાવાનું પસંદ નથી આવી રહ્યું. જોકે, ટીમે નાસ્તો અને રાતનું ભોજન હોટલમાં જ લીધું હતું.

દક્ષિણ આફ્રિકાની ટીમે ફરિયાદ કરી નથી

હોટલ લી લેક સરોવર પૉર્ટિકોના જનરલ મેનેજર રાહુલ ભટ્ટે બીબીસીને કહ્યું કે આ અફવા છે કે ક્રિકેટરોને તેમની હોટલમાં ખાવાનું પસંદ આવ્યું નથી.

તેમણે કહ્યું કે આફ્રિકાની ટીમના ખેલાડીઓ અને સ્ટાફે હોટલમાં ખાધું અને ખાવાની પ્રશંસા પણ કરી, માત્ર તેમનો લંચ જ સ્ટેડિયમમાં થયો. કારણ કે તેઓ પ્રેક્ટિસ કરવા માટે ગયા હતા.

રાહુલ કુમારે કહ્યું, "એ વાત સાચી છે કે બસ અમારા ગેટમાં ફસાઈ ગઈ હતી, પરંતુ તેમાં ડ્રાઇવરની ભૂલ હતી. એ વખતે ડ્રાઇવર બસને વાળી શક્યા ન હતા. હાલ આ જ બસ અમારા કૅમ્પસમાં અવર-જવર કરી રહી છે."

"હા, અમારી હોટલમાં સ્વિમિંગ-પુલની વ્યવસ્થા નથી પરંતુ આના માટે કોઈએ ફરિયાદ કરી નથી. અમારી યજમાનીથી ક્રિકેટ ટીમના સભ્યો ખુશ છે. અમારા માટે તેમને સર્વ કરવું ગર્વની વાત છે."

2000થી પણ ઓછી ટિકિટ વેચાઈ

રાંચી ભારતના પ્રખ્યાત ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીનું ઘર છે. પરંતુ તેમના ઘરઆંગણે થઈ રહેલી ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ મૅચમાં લોકોને વધારે રસ પડ્યો નથી.

39 હજાર દર્શકની ક્ષમતાવાળા જેએસસીએ સ્ટેડિયમમાં આ મૅચ માટે 2000થી પણ ઓછી ટિકિટ વેચાઈ હતી. સામાન્ય રીતે આ સ્ટેડિયમ ખચાખચ ભરેલું રહે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો