TOP NEWS : વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમના રૅન્કિંગમાં ભારતનું સ્થાન ગબડ્યું

પ્રકાશિત

વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમ (WEF)ના વાર્ષિક રિપોર્ટમાં ભારતનું સ્થાન ગબડી ગયું છે.

ગ્લૉબલ કૉમ્પિટિટિવ ઇન્ડેક્સમાં ગત વર્ષે ભારતનું સ્થાન 58મા નંબરે હતું, પરંતુ હવે 68મા નંબરે રહ્યું છે.

આ ઇન્ડેક્સમાં સૌથી ઉપર સિંગાપુર છે. બાદમાં અમેરિકા અને જાપાન છે. મોટા ભાગે આફ્રિકન દેશો આ ઇન્ડેક્સમાં સૌથી નીચે છે.

અન્ય દેશોના સારા પ્રદર્શનને કારણે ભારતનું રૅન્કિંગ ગબડ્યું હોવાનું માનવામાં આવે છે.

વિયેતનામ, કઝાકિસ્તાન અને અજરબેઇજાન જેવા દેશો પણ આ સૂચિમાં ભારતથી ઉપર છે.

વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમનું કહેવું છે કે ભારતની અર્થવ્યવસ્થા બહુ મોટી છે અને ઘણી સ્થિર છે, પરંતુ આર્થિક સુધારાની ગતિ ઘણી ધીમી છે.

આરએસએસ કાર્યકરની હત્યાથી રાજકારણ ગરમાયું

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે જોડાયેલા એક શિક્ષકની, તેમનાં ગર્ભવતી પત્ની અને આઠ વર્ષીય પુત્રની હત્યા કરી દેવાઈ છે.

ભાજપ અને સંઘના નેતાઓએ આ મામલે પશ્ચિમ બંગાળમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવ્યા છે.

વિજયાદશમીના દિવસે કેટલાક અજાણ્યા શખ્સોએ શિક્ષક બંધુપ્રકાશ પાલ (35), તેમનાં પત્ની બ્યુટી પાલ (28) અને પુત્ર અંગન પાલની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી નાખી.

પોલીસે આ મામલે વિવિધ પાસાંઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે.

જોકે તેઓએ રાજકીય અદાવતની શક્યતા નકારી દીધી છે. રાષ્ટ્રીય મહિલા આયોગે પણ આ મામલે રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટ માગ્યો છે.

આ ઘટનાના વિરોધમાં ભાજપ અને આરએસએસે ગુરુવારે એક વિસ્તારમાં રેલી પણ યોજી હતી.

રાહુલ ગાંધી આજે અમદાવાદમાં

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે અમદાવાદમાં કોર્ટમાં હાજર થાય તેવી શક્યતા છે.

રાહુલ ગાંધી પર અન્ય બે માનહાનિના કેસ થયેલા છે અને તેની કાર્યવાહી ચાલી રહી છે.

અમદાવાદમાં ચાલી રહેલા એક કેસમાં રાહુલ ગાંધી પર આરોપ છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને તેમણે ખૂનના આરોપી ગણાવ્યા હતા.

રાહુલ ગાંધી પર બીજો માનહાનિનો કેસ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઑપરેટિવ બૅન્ક તથા તેના વડા અને ચૅરમૅન અજય પટેલ દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો.

કૉંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ રાહુલ ગાંધી તથા કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આરોપ મૂક્યો હતો કે નોટબંધી જાહેર થઈ, તેના પાંચ દિવસની અંદર એડીસી બૅન્કમાં રૂ. 745.59 કરોડની જૂની નોટો બદલવામાં આવી હતી.

એડીસી બૅન્કે તેની સામેના આરોપોને નકાર્યા હતા અને તમામ વ્યવહારોમાં પારદર્શકતા જાળવવામાં આવી હોવાની વાત કહી હતી.

આ અગાઉ રાહુલ ગાંધી ગુનાહિત માનહાનિના કેસમાં સુરતની કોર્ટમાં હાજર રહ્યા હતા.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ આ ગુનો કબૂલ કરતા નથી. આ કેસમાં આગળની સુનાવણી માટે કોર્ટે 10 ડિસેમ્બરની તારીખ આપી છે.

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે કહ્યું છે કે લોકશાહીમાં સત્તા પર રહેલા પક્ષે વિપક્ષ તરફથી થતી ટીકાઓ સાંભળવી જોઈએ.

તેમણે કહ્યું, "રાહુલ ગાંધીએ કહ્યું હતું કે લલિત મોદી અને નીરવ મોદી ચોર છે અને નરેન્દ્ર મોદી નિષ્ફળ રહ્યા છે."

બે વર્ષના સાહિત્ય નોબેલ પુરસ્કારની એકસાથે જાહેરાત

પોલિશ લેખક ઓલ્ગા ટોકાર્ઝુક અને પીટર હૈંડકાને સાહિત્યનો નોબેલ પુરસ્કાર આપવાની જાહેરાત કરાઈ છે.

ઓલ્ગા ટોકાર્ઝુકને વર્ષ 2018નો અને પીટર હૈંડકાને વર્ષ 2019 માટેનો નોબેલ પુરસ્કાર એનાયત થશે.

વર્ષ 2018માં સ્વિડિશ એકૅડેમીએ એક યૌનશોષણના કેસને કારણે પુરસ્કારની જાહેરાત નહોતી કરી.

ટોકાર્ચુકને ગત વર્ષે મેનબુકર ઇન્ટરનેશનલ પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે.

એકૅડેમીએ એક નિવેદનમાં કહ્યું કે 76 વર્ષીય ઑસ્ટ્રિયાઈ નવલકથાકાર અને નાટ્યકાર હૈંડકાને ભાષાની સરળતાની સાથે માનવીય અનુભવોની વિશેષતા અને પરિધિની બહાર એક પ્રભાવશાળી કાર્ય કરવા બદલ આ પુરસ્કાર આપવામાં આવે છે.

તો વ્યાવસાયિક રીતે સૌથી સફળ લેખકોમાં એક 57 વર્ષીય પોલિશ લેખિકા ટોકાર્ઝુકને જીવનના પરિધિથી ઉપર ઊઠીને એક કથાત્મક પરિકલ્પના માટે આ પુરસ્કાર આપવામાં આવે છે.

રૈનબક્સીના પૂર્વ પ્રમોટર મલવિંદર સિંહ અને શિવિંદર સિંહની ધરપકડ

ફાર્મા કંપની રૈનબક્સીના પૂર્વ પ્રમોટર મલવિંદર સિંહ અને શિવિંદર સિંહની છેતરપિંડી અને ઠગાઈના આરોપમાં પોલીસે ધરપકડ કરી છે.

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે આર્થિક ગુના શાખા (Economic Offences Wing) દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે.

શિવિંદરની ગુરુવારે સાંજે દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે મલવિંદર સિંહને ગુરુવારે મોડી રાતે પંજાબથી પકડવામાં આવ્યા હતા.

બંને ભાઈ પર છેતરપિંડી અને ઠગાઈના આરોપ લાગ્યા છે.

શિવિંદરની સાથે અન્ય ત્રણ લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે.

ડીસીપી વર્ષા શર્માએ જણાવ્યું કે પોલીસે શિવિંદર સિંહ, સુનીલ ગોડવાણી, કવિ અરોરા અને અનિલ સક્સેનાની ધરપકડ કરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો