INDvSA : આ પાંચ કારણોને લીધે દક્ષિણ આફ્રિકા ભારત સામે શરમજનક રીતે હાર્યું

પ્રકાશિત

ભારતે દક્ષિણ આફ્રિકા સામે વિશાખાપટ્ટનમમાં રમાયેલી ટેસ્ટ મૅચ 203 રને જીતી લીધી છે.

આ ટેસ્ટ જીતતાની સાથે જ ભારત આ શ્રેણીમાં 1-0થી આગળ થઈ ગયું છે.

આ ટેસ્ટમાં પ્રથમ વખત ઓપનિંગમાં આવનારા રોહિત શર્માને તેમના શાનદાર પ્રદર્શનને કારણે મૅન ઑફ ધી મૅચ જાહેર થયા હતા.

ભારતીય ટીમે પ્રથમ ઇનિંગ્સમાં 502 રને ઇનિંગ્સ ડિકલેર કરી હતી, જ્યારે દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ઇનિંગ્સમાં 431 રન બનાવ્યા હતા.

જે બાદ ભારતે બીજી ઇનિંગ્સમાં 323 રન બનાવી દક્ષિણ આફ્રિકાને જીત માટે 395 રનનું લક્ષ્ય આપ્યું હતું.

પાંચમા દિવસે 11 રનેથી આગળ રમવાનું શરૂ કરનારી આફ્રિકાની ટીમ માત્ર 191 રનમાં આઉટ થઈ ગઈ હતી.

જાડેજા અને શમીની ઘાતક બૉલિંગ

રવીન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીની ઘાતક બૉલિંગને કારણે ભારતે પાંચમા અને અંતિમ દિવસે આફ્રિકાને 203 રને હરાવી દીધું.

જાડેજા અને શમીની બૉલિંગને કારણે સાઉથ આફ્રિકાની ટીમ બીજી ઇનિંગ્સમાં માત્ર 191 રનમાં પૅવેલિયન ભેગી થઈ ગઈ હતી.

શમીએ બીજી ઇનિંગ્સમાં પાંચ મહત્ત્વની વિકેટ લઈને ભારતને જીતની નજીક પહોંચાડી દીધું હતું.

દક્ષિણ આફ્રિકાના મિડલ ઑર્ડર બૅટ્સમૅન ભારતના ફાસ્ટ બૉલર શમી સામે ટકી શક્યા નહોતા.

શમીએ ટેમ્મા બાઉમા, કપ્તાન ડુપ્લેસિસ અને ડી કોકને આઉટ કરી દેતાં આફ્રિકા માટે જીતવું મુશ્કેલ થઈ ગયું હતું.

બાકીનું કામ રવીન્દ્ર જાડેજાએ પૂર્ણ કર્યું હતું. જાડેજાએ બીજી ઇનિંગ્સમાં 4 વિકેટ લીધી હતી.

રોહિત શર્માની બે સદી

રોહિત શર્માની ઓપનર તરીકે આ પ્રથમ ટેસ્ટ હતી. પ્રથમ વખત ઓપનિંગમાં આવનારા રોહિત શર્માએ સાબિત કરી આપ્યું કે તેઓ ભારતીય ટીમ માટે તમામ ફૉર્મેટમાં મહત્ત્વના છે.

પ્રથમ ઇનિંગ્સમાં ઓપનર તરીકે આવનાર રોહિત શર્માએ 244 બૉલમાં 176 રન બનાવ્યા હતા.

તેમણે મયંક અગ્રવાલ સાથે રહીને ભારતીય ટીમને એક મોટા સ્કૉર તરફ લઈ જવામાં મદદ કરી હતી.

જે બાદ બીજી ઇનિંગ્સમાં ઓપનર તરીકેની પોતાની જવાબદારી નિભાવતા રોહિત શર્માએ 149 બૉલમાં 127 રન ફટકાર્યા હતા.

રોહિત શર્માએ ઓપનર તરીકે બંને ઇનિંગ્સમાં સદીઓ ફટકારનારા બીજા બૅટ્સમૅન બની ગયા છે. આ પહેલાં સુનીલ ગાવસ્કરે ટેસ્ટ મૅચની બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હતી.

મયંક અગ્રવાલની બેવડી

રોહિત શર્માની સાથેસાથે મયંક અગ્રવાલે પણ ટેસ્ટ મૅચમાં ભારતીય ટીમમાં પોતાની દાવેદારી પાક્કી કરી લીધી છે.

પ્રથમ ઇનિંગ્સમાં મયંક અગ્રવાલે બેવડી સદી ફટકારી હતી. તેમણે 371 બૉલમાં 215 રન કર્યા હતા.

રોહિત શર્મા અને મયંક અગ્રવાલે પ્રથમ ઇનિંગ્સમાં ભારત માટે ઓપનર તરીકે વિક્રમી ભાગીદારી કરી હતી.

મયંક અગ્રવાલ અને રોહિત શર્માની ભાગીદારીને કારણે ભારત પ્રથમ ઇનિંગ્સમાં 502 રનનો મોટો સ્કૉર કરવામાં સફળ રહ્યું હતું.

અગ્રવાલ ભારતીય માટે કુલ પાંચ ટેસ્ટ મૅચ રમ્યા છે અને તેમાં કુલ 9 ઇનિંગ્સમાં તેમણે એક સદી અને ત્રણ અડધી સદી નોંધાવી છે.

અશ્વિન અને પૂજારાનો સપોર્ટ

ભારતીય ટીમના સ્પીન બૉલર આર. અશ્વિને આ ટેસ્ટમાં કુલ 350 વિકેટ પૂર્ણ કરીને શ્રીલંકાના સ્ટાર સ્પીનર મુરલીધરનના રેકૉર્ડની બરાબરી કરી છે.

આર. અશ્વિને આફ્રિકાની પ્રથમ ઇનિંગ્સમાં તરખાટ મચાવતા કુલ 7 વિકેટ ઝડપી હતી. જ્યારે બીજી ઇનિંગ્સમાં 1 વિકેટ ખેરવી હતી.

આ સાથે જ અશ્વિન ભારતીય ટીમમાં સૌથી ઝડપથી 350 વિકેટ લેનારા બૉલર બની ગયા છે.

અશ્વિને પોતાની કારકિર્દીની 66મી ટેસ્ટ મૅચમાં 350 વિકેટ પૂર્ણ કરી લીધી છે.

હવે અશ્વિન મુરલીધરન સાથે સંયુક્ત રૂપે 350 વિકેટ લેનારા સૌથી ઝડપી બૉલર બની ગયા છે. મુરલીધરને પણ 66મી ટેસ્ટમાં 350 વિકેટો ઝડપી હતી.

પ્રથમ ઇનિંગ્સમાં માત્ર 6 રનમાં આઉટ થઈ જનારા ચેતેશ્વર પૂજારાએ બીજી ઇનિંગ્સમાં રોહિત શર્માનો સાથ આપતાં 81 રન બનાવ્યા હતા.

પૂજારાની રોહિત શર્મા સાથેની ભાગીદારીને કારણે બીજી ઇનિંગ્સમાં ભારતીય ટીમ ઝડપથી 323 રન બનાવી શકી હતી.

આફ્રિકાના બૅટ્સમૅન-બૉલર નિષ્ફળ

આફ્રિકાના બૅટ્સમૅન અને બૉલર બંને તેમની ક્ષમતા મુજબનું પ્રદર્શન કરી શક્યા નહીં.

આફ્રિકાના ઓપનર બૅટ્સમૅન ડી એલગરે પ્રથમ ઇનિંગ્સમાં 160 રન ફટકાર્યા હતા, પરંતુ બીજી ઇનિંગ્સમાં તેઓ માત્ર 2 રને જાડેજાના બૉલનો શિકાર થઈ ગયા હતા.

વિકેટકીપર ડી કોકે પ્રથમ ઇનિંગ્સમાં 111 રન બનાવ્યા હતા, પરંતુ બીજી ઇનિંગ્સમાં તેઓ મોહમ્મદ શમીના બૉલે શૂન્યમાં બૉલ્ડ થઈ ગયા હતા.

આ ઉપરાંત આફ્રિકાના કપ્તાન ડુપ્લસિસે પ્રથમ ઇનિંગ્સમાં 55 રન બનાવ્યા હતા, પરંતુ બીજી ઇનિંગ્સમાં માત્ર 13 રનમાં આઉટ થઈ ગયા હતા.

આ ત્રણ બૅટ્સમૅનો સિવાય ભારત આફ્રિકાના અન્ય બૅટ્સમૅનો ખાસ પ્રદર્શન કરી શક્યા નહોતા.

આફ્રિકાના બૉલરમાં માત્ર કેશવ મહારાજે સારું પ્રદર્શન કર્યું હતું.

તેમણે પ્રથમ ઇનિંગ્સમાં 3 વિકેટ અને બીજી ઇનિંગ્સમાં 2 વિકેટ લીધી હતી. આ સિવાય તમામ બૉલરો નિષ્ફળ ગયા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો