ભારતમાં પ્રથમ વખત હાઈકોર્ટના ન્યાયાધીશ વિરુદ્ધ કેસ ચાલશે

પ્રકાશિત

અલાહાબાદ હાઈકોર્ટના વર્તમાન જજ જસ્ટિસ નારાયણ શુક્લા ભારતના પ્રથમ એવા ન્યાયાધીશ હશે કે જેમના પર ખટલો ચાલશે.

ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ બુધવારે સીબીઆઈની અરજી સ્વીકારી લીધી અને તપાસ એજન્સીને જસ્ટિસ શુક્લા વિરુદ્ધ ભ્રષ્ટાચારના મામલે એફઆઈઆર દાખલ કરવાની મંજૂરી આપી દીધી.

આ પહેલાં જસ્ટિસ શુક્લા પર કેસ દાખલ કરવા માટે સીબીઆઈએ ભારતના મુખ્ય ન્યાયાધીશને એક પત્ર લખ્યો હતો.

પત્રમાં જણાવાયું હતું કે ભારતના પૂર્વ ન્યાયાધીશ દીપક જસ્ટિસ દીપક મિશ્રાની સલાહના આધારે જસ્ટિસ શુક્લા પર એક પ્રારંભિક તપાસ શરૂ કરાઈ હતી.

એ વખતે જસ્ટિસ શુક્લા દ્વારા કથિત રીતે આચરવામાં આવેલી અનિયમિતતાના મામલે ભારતના એ વખતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપક મિશ્રાનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.

આ પત્ર મળ્યા બાદ વર્તમાન મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ સીબીઆઈને જસ્ટિસ શુક્લા વિરુદ્ધ એફઆઈઆઈ દાખલ કરવાની મંજૂરી આપી દીધી છે.

જસ્ટિસ શુક્લા પર આરોપ છે કે તેમણે કથિત રીતે એક ખાનગી કૉલેજને ફાયદો પહોંચાડ્યો અને વર્ષ 2017-18ની બૅચના વિદ્યાર્થીઓના પ્રવેશની અંતિમ તારીખ ખોટી રીતે વધારી દીધી હતી.

વડોદરામાં અતિભારે વરસાદ

'ઇન્ડિયન એક્સપ્રેસ'માં પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર વડોદરામાં બુધવારે વરસાદે ભારે જમાવટ કરી શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જી હતી અને 20 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

મીડિયાના અન્ય અહેવાલો અનુસાર બેથી ચાર વાગ્યા સુધી માત્ર બે કલાકમાં છ ઇંચ અને છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં સાત ઇંચ વરસાદ પડ્યો હતો અને એક લાખ ઘરોમાં અંધારપટ છવાઈ ગયો હતો.

વરસાદને પગલે શહેરભરમાં પાણી ભરાઈ ગયાં હતાં તો વિશ્વામિત્રી નદીની સપાટીમાં પણ ઝડપી વધારો નોંધાયો હતો.

વરસાદે વાહનવ્યવહારને પણ પ્રભાવિત કર્યો હતો. મુંબઈ તરફથી આવતી કેટલીય ટ્રેનોને અટકાવી દેવાઈ હતી કાં તો રદ કરી દેવાઈ હતી.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ મુજબ શૉક લાગવાથી શહેરમાં એક યુવાનનું મૃત્યુ થયું છે.

નોંધનીય છે કે શહેરમાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે.

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે.

વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

સાથે જ સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ તથા અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં હાલ 190 તાલુકા પર મેઘરાજા મહેરબાન થયા છે અને સમગ્ર રાજ્યમાં છેલ્લા 4 દિવસથી વરસાદ પડી રહ્યો છે.

આજે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી હળવા વરસાદની આગાહી છે.

શ્રીલંકા ભારતીયોને મફત વિઝા આપશે

શ્રીલંકાએ બુધવારે ભારત સહિત 48 દેશોના પ્રવાસીઓને મફતમાં વિઝા આપવાની જાહેરાત કરી છે.

દેશના પ્રવાસનક્ષેત્રના પ્રસાર માટે શ્રીલંકાએ આ પગલું ભર્યું છે.

ઇસ્ટરના દિવસે થયેલા ઉગ્રવાહી હુમલા બાદ શ્રીલંકામાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. જેને પગલે સંબંધિત નિર્ણય લેવાયો છે.

પ્રવાસનમંત્રી જૉન અમારતુંગાએ કહ્યું છે કે 48 દેશોમાંથી આવનારા પ્રવાસીઓની વિઝા મફત કરી દેવાઈ છે.

આ યોજના ગુરુવારે એટલે કે આજથી લાગુ થઈ જશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો