ઉન્નાવ રેપ કેસ : ભાજપના ધારાસભ્ય સામે ખુદ ભાજપ જ કેમ લાચાર?

ઇમેજ સ્રોત, FACEBOOK/IKULDEEPSENGAR
- લેેખક, પ્રદીપ કુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
15 મહિના પછી ફરી એકવાર ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરના નામે સનસનાટી મચી છે.
કુલદીપસિંહ સેંગર પર બળાત્કારનો આરોપ લગાવનારી પીડિતાની કારને 28 જુલાઈએ એક ટ્રકે જોરદાર ટક્કર મારી હતી.
કારમાં તેમની સાથે રહેલાં તેમનાં માસી અને કાકીનાં મૃત્યુ થઈ ગયાં. કારમાં તેમની સાથે વકીલ પણ હતા.
રાયબરેલી પાસે તેમની કારનો જોરદાર અકસ્માત થયો. વકીલ અને પીડિતા બંને અત્યારે લાઇફ સપોર્ટ પર હૉસ્પિટલમાં છે.
આ મામલાના વિરોધમાં વિપક્ષના નેતાઓ રસ્તા પર ઊતરી આવ્યા અને સંસદમાં પણ આ મુદ્દે ભારે ધમાલ મચાવીને સવાલો ઊઠાવ્યા હતા.
હવે આ મામલે સુપ્રિમ કોર્ટે સંજ્ઞાન લીધું છે અને સેક્રેટરી જનરલને પૂછયું છે કે ઉન્નાવ બળાત્કાર કેસનાં પીડિતાએ મોકલેલો પત્ર કોર્ટ સામે કેમ રજૂ ના કર્યો.
કોર્ટે પીડિતાનો મેડિકલ રિપોર્ટ પણ મંગાવ્યો છે અને ગુરુવારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ આ કેસને સાંભળશે.

અકસ્માતનો સૌથી મોટો સવાલ

ઇમેજ સ્રોત, ANUBHAV SWARUP YADAV
આ દુર્ઘટના પછી સૌથી મોટો સવાલ એ છે કે પીડિતાની સુરક્ષા માટે અપાયેલા પોલીસ કર્મચારીઓ ક્યાં ગાયબ થઈ ગયા હતા?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સવાલનો જવાબ આપવાના બદલે યુપી પોલીસના વડા ઓમપ્રકાશ સિંહે બહુ સહજતાથી પત્રકારોને કહી દીધું કે પ્રથમ દૃષ્ટિએ આ મામલો ઓવર સ્પિડિંગ અને અકસ્માતનો લાગે છે.
સિંહ જેટલી સહજતાથી જવાબ આપી રહ્યા છે, તેના કારણે 15 મહિના પહેલાનો તેમનો ચહેરો યાદ આવી જાય છે.
તે વખતે પણ તેમનો પોલીસ વિભાગ કુલદીપસિંહ સેંગરની ધરપકડ કેમ નથી કરી રહ્યો તેના સવાલોનો મારો તેમની સામે હતો.
તે વખતે પણ તેઓ એવી જ સહજતાથી કહેતા હતા કે માનનીય ધારાસભ્ય પર હજી તો માત્ર આરોપ લાગ્યા છે.
તે વખતની અને અત્યારની પરિસ્થિતિમાં એટલો જ ફરક પડ્યો છે કે અત્યારે સેંગર જેલમાં છે.
જોકે, જેલમાં બંધ હોવા છતાં તેમનો દબદબો કે પ્રભાવ જરાય ઓછો થયો હોય તેવું કહી શકાય નહીં.
આ મામલામાં અનેક સવાલો એવા છે કે જેના જવાબો મળી રહ્યા નથી. સૌથી મોટો સવાલ એ જ છે કે સેંગરને હજી સુધી પક્ષમાં કેમ છે?

ભાજપ માટે કુલદીપસિંહ સેંગર કેમ મહત્ત્વના?

ઇમેજ સ્રોત, Getty Images
પત્રકારોએ ભાજપના યુપીના સાંસદ રીટા બહુગુણા જોશીને સંસદ બહાર આવા જ સવાલો પૂછ્યા હતા, પણ તેમણે જવાબો ટાળી દીધા.
તેમણે એટલું જ કહ્યું કે ભાજપ આવા અપરાધીઓને ક્યારેય સાચવતો નથી.
ભાજપના ઉત્તર પ્રદેશ એકમના પ્રમુખ તરીકે હાલમાં જ નિમાયેલા સ્વતંત્રદેવ સિંહે જોકે એવું કહ્યું કે, "કુલદીપસિંહ સેંગરને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા હતા અને હજી પણ સસ્પેન્ડ થયેલા જ છે."
સેંગરને સસ્પેન્ડ કરાયેલા હતા તો તેના વિશે શા માટે ક્યારેય જાહેરાત નહોતી કરાઈ અને ખરેખર સસ્પેન્ડ કરાયા હતા કે કેમ તે વિશે પક્ષમાંથી કોઈ સ્પષ્ટતા થઈ રહી નથી.
ભાજપની રાષ્ટ્રીય કારોબારીના સભ્ય એવા ભાજપના એક વરિષ્ઠ નેતાએ સ્વીકાર્યું કે આ મામલાના કારણે ભાજપની છાપ ખરડાઈ છે, પણ પક્ષ હવે આ બાબતે યોગ્ય વિચાર કરીને નિર્ણય જાહેર કરશે.
સમગ્ર ઘટનાક્રમને જોઈએ તો એ સમજવું મુશ્કેલ લાગે છે કે સેંગરના દબદબા સામે શા માટે પહેલાં યોગી આદિત્યનાથની સરકાર અને હવે ભાજપ લાચાર દેખાઈ રહ્યાં છે.
જ્યારે કુલદીપસિંહને ભાજપની ટિકિટ મળી
સમગ્ર મામલો ક્યારથી શરૂ થયો તે પહેલાં જોઈએ. કુલદીપસિંહ સેંગર ભાજપની ટિકિટ પર ઉન્નાવ જિલ્લાની બાંગરમાઉ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા.
તેઓ માખી ગામમાં રહે છે. તેમના જ ગામની એક સગીરાએ 4 જૂન 2017ના રોજ તેમના પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો.
જોકે પોલીસે વિધાનસભ્ય સામેની પીડિતાની ફરિયાદ સાંભળી નહોતી.
કેસ દાખલ થાય તે પહેલાં ઉન્નાવ પોલીસે 8 એપ્રિલ, 2018ના રોજ પીડિતાના પિતાને આર્મ્સ એક્ટ હેઠળ પકડી લીધા.
તે પછી પીડિતાએ મુખ્ય મંત્રીના નિવાસસ્થાન સામે અગ્નિસ્નાન કરવાની કોશિશ કરી હતી, જોકે, તેને બચાવી લેવાઈ હતી.
પીડિતાના પિતા સાથે પોલીસ કસ્ટડીમાં મારપીટ થઈ, તેના કારણે 9 એપ્રિલ, 2018ના રોજ તેમનું મૃત્યુ થઈ ગયું.
સોશિયલ મીડિયામાં તસવીરો અને પીડિતાના પિતાનો વીડિયો વગેરે ફરતા થયા હતા.
તે જોઈને એમ જ લાગે સત્તા તમારા હાથમાં હોય તો સિસ્ટમને તમે કઈ રીતે ખોખલી કરી શકો છો.
આમ આદમી સત્તામાં અંધ તંત્ર સામે કેવો લાચાર થઈ જાય છે તે જોઈ શકાતું હતું.
તેની ઝલક યોગી આદિત્યનાથના એ નિવેદનમાં પણ મળી કે કોઈને પણ માફ કરવામાં આવશે નહીં.
તેમના નિવેદન છતાં ગૃહ વિભાગના સચિવ અને યુપી પોલીસના વડા સેંગરને ધારાસભ્યજી અને માનનીય ધારાસભ્ય કહેતા રહ્યા હતા.
પોલીસ વડા તેમને માનનીય કહેતા હતા તેની સામે પત્રકારોએ વાંધો ઉઠાવ્યો હતો.
ત્યારે તેમણે કહ્યું કે હજી તો આરોપો જ લાગ્યા છે, હજી તેમને દોષી માની શકાય નહીં.
આ મામલે મીડિયામાં ભારે ઉહાપોહ થયો તે પછી 12 એપ્રિલ, 2018ના રોજ કેસ સીબીઆઈને સોંપી દેવાયો.
ત્યારબાદ 7 જુલાઈ, 2018ના રોજ સીબીઆઈએ પીડિતાના પિતાના મોતના કેસમાં એફઆઈઆર દાખલ કરી.
11 જુલાઈ 2018ના રોજ સેંગર પર બળાત્કારનો કેસ દાખલ કરવામાં આવ્યો.
પીડિતા સગીરા હતાં તેથી પૉક્સો હેઠળ પણ કેસ નોંધાયો હતો.
13 જુલાઈએ સીબીઆઈએ સેંગરની 16 કલાક પૂછપરછ કરી હતી અને પછી તેમની ધરપકડ કરી હતી.
ત્યારબાદ 13 જુલાઈએ જ સીબીઆઈએ સેંગર પર પીડિતાના પિતા સામે ખોટો આરોપો મૂકવા બદલ કેસ દાખલ કર્યો હતો.
જોકે, આ બધી ફરિયાદો પછી હજીય સુનાવણી શરૂ થઈ નથી.

સેંગરનો દબદબો શા માટે?

ઇમેજ સ્રોત, AFP
પીડિતાના પરિવારને સતત ડરાવવાની અને ધમકી આપવાની વાતો બહાર આવી રહી છે.
પીડિતાના કાકાને પણ એક જૂના કેસમાં જેલમાં પૂરી દેવાયા હતા. તે કેસના એક સાક્ષીનું શંકાસ્પદ હાલતમાં મોત થયું હતું.
હવે રાયબરેલીમાં થયેલા અકસ્માત પછી તેમની સામે ફરથી હત્યા અને હત્યાના પ્રયાસો સહિતના કેસ દાખલ કરવામાં આવ્યા છે. આમ છતાં પક્ષમાં તેમના સ્થાન વિશે કોઈ અવાજ ઉઠાવી રહ્યું નથી.
કુલદીપસિંહ સેંગર ભાજપના જૂના નેતા નથી કે પક્ષના સંગઠનમાં કામ કરીને આગળ આવેલા નેતા નથી.
આમ છતાં તેમનો ભારે દબદબો જોવા મળે તે નવાઈની વાત છે.
સંઘની શાખામાં ઘડાયેલા કે ભારતીય જનતા પક્ષના મૂલ્યોમાં વિશ્વાસ રાખનારા નેતા પણ નથી. તેમની છાપ એક તકવાદી નેતાની જ વધારે છે.
2002માં બહુજન સમાજવાદી પાર્ટીમાંથી ધારાસભ્ય બન્યા હતા. તે પછી સમાજવાદી પક્ષમાં જતા રહ્યા અને 2007 અને 2012માં ધારાસભ્ય બન્યા.
2017માં ચૂંટણીના થોડા વખત પહેલાં જ ભાજપમાં જોડાવા નેતાઓની લાઇન લાગી હતી, તેમાં તેઓ પણ જોડાઈ ગયા હતા.
તેમનો પરિવાર 50 વર્ષથી સ્થાનિક પંચાયતની ચૂંટણીમાં છવાયેલો રહ્યો છે અને તેઓ 17 વર્ષથી ધારાસભ્ય છે.
સેંગરની આ દબંગાઈ એ રીતે પણ દેખાતી રહી છે કે બળાત્કારના આરોપો છતાં તેઓ મુખ્ય મંત્રીની કચેરીમાં ખુશખુશાલ ફરતા રહેતા હતા.
લખનૌના વરિષ્ઠ પોલીસ અધિકારીના નિવાસસ્થાને પણ બિનધાસ્ત દેખાયા હતા અને કહેતા હતા કે માત્ર આરોપો લાગ્યા છે, પોતે કંઈ ભાગેડું નથી.
આવા દબદબાનું કારણ શું? બે પરિબળો તેના માટે જવાબદાર દેખાય છે - એક તો કુલદીપસિંહ સેંગર યોગી આદિત્યનાથની ઠાકુર જ્ઞાતિના જ છે.
બીજું, જે પોલીસ સ્ટેશને બળાત્કારની ફરિયાદ નોંધવાની ના પાડી હતી તેના પીઆઈથી માંડીને, જિલ્લા પોલીસ વડા અને રાજ્યના પોલીસવડા બધા ઠાકુર છે.
યુપીની રાજનીતિ પર નજર રાખનારા વરિષ્ઠ પત્રકાર શરદ ગુપ્તા કહે છે, "યુપીના મુખ્ય મંત્રી અને પોલીસવડા પણ ઠાકુર છે અને સેંગર પણ ઠાકુર છે. તેના કારણે શું ફાયદો થયો તે સમજવું મુશ્કેલ નથી. યુપીના રાજકારણમાં જ્ઞાતિવાદ મોટી ભૂમિકા ભજવે છે."
એ સિવાય હાલના સમયમાં રાજપૂત કે ઠાકુર વર્ગના લોકો ભારતીય જનતા પક્ષના સૌથી મોટા ટેકેદારો પણ છે.
તેના કારણે જ કદાચ પક્ષ દબંગ ઠાકુર વિધાનસભ્ય સામે કાર્યવાહી કરીને પોતાના મોટા સમર્થક વર્ગને નારાજ કરવા નથી માગતો.
જોકે, એવું પણ કહેવામાં આવે છે કે જેમને કારણે સેંગર ભાજપમાં આવ્યા છે, તે યોગી આદિત્યનાથના હરિફ જૂથના લોકો છે.
એવું માનવામાં આવે છે કે ભાજપના સંગઠન મંત્રી સુનીલ બંસલ અને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય સેંગરને ભાજપમાં લઈ આવ્યા છે.
પોતાના વિસ્તારમાં તેમનો ખાસ્સો પ્રભાવ છે એટલે તેમને ભાજપમાં સામેલ કરી દેવાયા હતા.

સેંગરની ખાસિયત

ઇમેજ સ્રોત, FACEBOOK/IKULDEEPSENGAR
કુલદીપસિંહ સેંગર 2002માં પ્રથમવાર ઉન્નાવ સદર બેઠક પરથી બીએસપીની ટિકિટ પર જીત્યા હતા.
પ્રથમવાર તે બેઠક બીએસપીને આ રીતે મળી હતી. બાદમાં 2007માં તેઓ સમાજવાદી પાર્ટીની ટિકિટ પર બાંગરમાઉથી વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા.
2012માં ભગવંતનગર વિધાનસભા બેઠક પરથી ભાજપના વિધાનસભ્ય બન્યા.
આ રીતે છેલ્લાં 17 વર્ષમાં ઉન્નાવ જિલ્લાની ત્રણ જુદીજુદી બેઠકો પરથી જુદીજુદી ત્રણ પાર્ટીમાંથી તેઓ જીતતા આવ્યા છે. આ રીતે સમગ્ર જિલ્લામાં તેમનો પ્રભાવ છે.
તેના કારણે જ ઉન્નાવમાંથી સંસદસભ્ય તરીકે જીત્યા બાદ સાક્ષી મહારાજ સેંગરનો આભાર માનવા માટે તેમને જેલમાં મળવા પહોંચી ગયા હતા.
શરદ ગુપ્તા કહે છે, "ઉન્નાવની લોકસભા બેઠક પર કુલદીપસિંહ સેંગરનો એટલો પ્રભાવ છે કે તેઓ કોઈને પણ અહીં જીતાડી શકે છે કે હરાવી શકે છે."
મજાની વાત એ છે કે સેંગરના પરિવારના અન્ય ઠાકુર રાજકીય પરિવારો સાથે પારિવારિક સંબંધો પણ છે. તેના કારણે બીજા પક્ષોમાં પણ તેમના સગાઓ નેતાઓ તરીકે છે.
શરદ ગુપ્તા વધુમાં જણાવે છે કે, "હકીકતમાં સેંગર પોતાના વિસ્તારમાં બહુ લોકપ્રિયતા ધરાવે છે. તેના કારણે પક્ષના હાઇકમાન્ડની બહુ પરવા કરતા નથી."
અખિલેશ યાદવની સરકાર વખતે પણ તેનું ઉદાહરણ મળી ગયું હતું. તે વખતે તેઓ એસપીના ધારાસભ્ય હતા.
પક્ષના મોવડીઓની ઇચ્છા વિરુદ્ધ જઈને કુલદીપસિંહ સેંગરે તેમનાં પત્ની સંગીતા સેંગરને જિલ્લા પંચાયતના અધ્યક્ષા બનાવવા માટે મેદાનમાં ઉતાર્યા હતાં.
શરદ ગુપ્તા કહે છે, "એસપી સરકારની મશીનરીએ સંગીતા સેંગરને હરાવવા માટે પૂરતું જોર લગાવ્યું, તેમ છતાં કુલદીપસિંહ સેંગર તેમને અધ્યક્ષા બનાવીને જ રહ્યા."
"આજે પણ રાજીનામું આપીને ફરીથી ચૂંટણી લડે તો જીતી જાય એવી તેમની ગુડવીલ છે."
રાજકારણ સાથે કૉન્ટ્રેક્ટર તરીકે કામ કરીને કુલદીપસિંહ સેંગર ખૂબ કમાયા છે.
તેમણે પોતાની કમાણી પોતાના ક્ષેત્રના લોકો માટે વાપરી છે એમ કહેવાય છે. પોતાના વિસ્તારમાં કોઈના પણ ઘરે પ્રસંગ હોય ત્યાં પહોંચીને તેમને જરૂરી મદદ કરવા તત્પર રહેતા હોય છે.
તેના કારણે એવું પણ થાય કે સેંગર વધારે લીડથી જીતી જાય. એવું પણ બને કે ભારતીય જનતા પક્ષની પણ તેમને જરૂર ના પડે.
તેમની સામે રાજકીય કાવતરું કરવામાં આવી રહ્યું છે તેવા આક્ષેપો થતા રહે છે. જોકે, તેની પાછળ કોઈ નક્કર કારણો હોય તેવું લાગતું નથી.
જોકે, સૌથી મોટો સવાલ એ છે કે તેઓ ભારતીય જનતા પક્ષ માટે શા માટે આટલા જરૂરી છે?
તેના જવાબમાં ભાજપના એક નેતા કહે છે કે, તેઓ જેલમાં જ છે. સીબીઆઈ તેમની સામે તપાસ પણ કરી જ રહી છે. એ સિવાય તો બીજું શું થાય. આરોપો હજી સાબિત નથી થયા ત્યારે પક્ષ તેમને હટાવી શકે નહીં.
જોકે, જાણકારો કહી રહ્યા છે કે બેટી બચાવો, બેટી ભણાવોનું સૂત્ર આપનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની છાપ કુલદીપસિંહ સેંગરને કારણે સમગ્ર દેશમાં ખરડાઈ રહી છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો























