Top News: બેથી વધુ બાળકો હોય તેનો મતાધિકાર છીનવી લેવો : ગિરિરાજ સિંહ

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે જે પણ યુગલને બેથી વધુ બાળકો હોય તેમનો મતાધિકાર છીનવી લેવો જોઈએ.

'ધ હિંદુ' અખબારના અહેવાલ મુજબ વર્લ્ડ પૉપ્યુલેશન ડે પર 'વસતિ વધારા'ની ગંભીરતા પર ગિરિરાજ સિંહે પોતાનો પક્ષ રાખતા આ વાત કરી હતી.

ગિરિરાજ સિંહે ટ્વિટર પર વસતિ વધારાને લઈને એક ગ્રાફિક શેર કર્યું જેમાં 1947થી 2019 વચ્ચે ભારતની જનસંખ્યામાં 366%નો વધારો થયો હોવાનો ઉલ્લેખ છે.

ભારતમાં આવશે ફેસિયલ રૅકગ્નિશન

દેશમાં પોલીસ માટે ક્રાઇમનો ડેટા એકઠો કરતા નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરોએ અપરાધીઓ, બિનવારસુ લાશ તથા લાપતા લોકોને શોધવા માટે ઑટોમૅટેડ ફેસિયલ રૅકગ્નિશન સિસ્ટમ (AFRS) ટૅકનૉલૉજી લાગુ કરવા ભલામણ કરી છે.

ઇંડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, તાજેતરમાં આ સંબંધિત નિવિદા મંગાવવામાં આવી હતી. હાલમાં આ કામગીરી પોલીસ દ્વારા જાતે કરવામાં આવે છે.

AFRSમાં મોટા પ્રમાણમાં તસવીરો તથા વીડિયો ફૂટેજનો ડેટા એકઠો કરવામાં આવે છે.

પોલીસ કે સુરક્ષાબળોને સીસીટીવી ફૂટેજ (કે અન્ય કોઈ રીતે) સંદિગ્ધની તસવીર મળે ત્યારે તેને ડેટાબેઝ સાથે સરખાવવામાં આવે છે.

મિલિંદ દેવડાએ આ પગલા વિશે ટ્વિટર ઉપર ચિંતા પ્રગટ કરી હતી. તેમણે લખ્યું :

'ભારતમાં ડેટા પ્રૉટેક્શન સંબંધિત કાયદા નથી એટલે ભારતીય નાગરિકો માટે વધુ મોટું જોખમ છે'.

ISRO દ્વારા ચંદ્રયાન-2 માટે તૈયારીઓ ચાલુ

ઇંડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશને ભારતના બીજા ચંદ્ર મિશનયાન માટેની લગભગ બધી તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

ગુરુવારે શ્રીહરિકોટા ખાતે જિયોસિન્ક્રૉનસ સેટેલાઇટ લૉન્ચ વ્હિકલ માર્ક III (GSLV MK III) તા. 15મી જુલાઈએ રાત્રે 2.51 કલાકે લૉન્ચ થશે.

ચંદ્રયાન- IIમાં ઑર્બિટર, લૅન્ડર તથા રૉવરનો સમાવેશ થાય છે. સેટેલાઇટનું કુલ વજન 3.8 ટન છે. તે છઠ્ઠી કે સાતમી સપ્ટેમ્બરે ચંદ્ર ઉપર લૅન્ડ કરે તેવી શક્યતા છે.

ઈસરોના વડા કે. સિવનના કહેવા પ્રમાણે ભારતનું યાન ચંદ્રના દક્ષિણના છેડે ઊતરશે, અત્યારસુધી વિશ્વના કોઈ પણ દેશે ત્યાંનું મિશન હાથ નથી ધર્યું.

આસામમાં પૂરનું સંકટ

આસામમાં ભારે વરસાદનને કારણે 4.23 લાખ લોકો બેઘર બની ગયા છે. બ્રહ્મપુત્રા તથા તેની સહયોગી નદીઓનું જળસ્તર સતત વધી રહ્યું છે.

'ધ હિંદુ'ના અહેવાલ પ્રમાણે, આસામના 33માંથી 17 જિલ્લા પૂરથી પ્રભાવિત છે. રાજ્યમાં 16 હજાર 730 હેકટર પાક ધોવાઈ ગયો છે.

આ સિવાય નાના-મોટા 64 રસ્તા અને ડઝનેક પુલ ધોવાઈ ગયા છે અથવા તો તેમને ભારે ક્ષતિ પહોંચી છે.

રાજ્યનાં 19 ગામડાના અસ્તિત્વ ઉપર જોખમ ઊભું થાય, તે હદે નદીઓનું જળસ્તર વધી રહ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો