સોના ઉપર 12.5 ટકા આયાતજકાતનું શું પરિણામ આવી શકે છે?

નિર્મલા સીતારમણ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ડૉ. જયનારાયણ વ્યાસ
    • પદ, વરિષ્ઠ અર્થશાસ્ત્રી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

નિર્મલા સીતારમણે પાંચમી જુલાઈએ પોતાનું નાણામંત્રી તરીકેનું પહેલું અંદાજપત્ર રજૂ કરતાં કેટલીક જાહેરાતો કરી. તેમાંની એક સોના ઉપરની કસ્ટમ ડ્યૂટી 10 ટકાથી વધારીને 12.5 ટકા કરવાની હતી.

આમ તો ઘણા લાંબા સમય સુધી સોનાની આયાત ઘટાડવા માટે આવી કોઈ ડ્યૂટી લાદવામાં આવી ન હતી.

ઊલટાનું ઍન્ટિ સ્મગલિંગ મીજર એટલે કે દાણચોરી ઘટાડવાના એક મહત્ત્વના પ્રયાસ તરીકે આ પ્રકારનાં ભારણો દૂર કરી દેવામાં આવ્યાં.

ત્યારબાદ ક્રૂડઑઇલના ભાવમાં એકાએક આવેલો ઉછાળો અને દેશમાં નિકાસની સરખામણીમાં વધતી જતી આયાત બંને કારણસર કરંટ એકાઉન્ટ ડેફિસિટ કાબૂ બહાર ન જતી રહે તે હેતુથી સોનાની આયાત ઉપર તારીખ 28 ફેબ્રુઆરી, 2013ના રોજ નાણામંત્રી પી. ચિદમ્બરમે રજૂ કરેલા બજેટમાં યૂપીએ સરકારે સોના ઉપર 10 ટકા કસ્ટમ ડ્યૂટી નાખી હતી.

ત્યારબાદ પણ આ દેશમાં 2016-17 અને 2018-19નાં વરસોમાં સોનાની આયાતમાં થોડો ઘટાડો નોંધાયા બાદ 2019ના વરસમાં વળી પછી 750 ટન સોનાની આયાત થવાનો અંદાજ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે મૂક્યો છે.

ભારતમાં સોનાની આયાત . .  .

વિશ્વમાં સોનાની ખરીદી કરનારા દેશોમાં ભારત સૌથી મોટો ખરીદદાર દેશ છે.

આમેય ગુજરાતીમાં કહેવત છે "સુખમાં સાંભળે સોની અને દુ:ખમાં સાંભળે રામ".

લગ્નસરા જેવો સુખનો પ્રસંગ હોય કે પછી ખેડૂતને પાક સારો થયો હોય, કોઈ પણ વ્યક્તિનો વ્યાવહારિક અથવા અન્ય કામે, એની પાસે નાણાંની છૂટ હોય ત્યારે સોનાની ખરીદી તરફ સ્વાભાવિક રીતે જ ઝોક રહેતો હોય છે.

આ કારણથી વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અંદાજ મુજબ ભારત વિશ્વનો સૌથી મોટો ખાનગી હાથમાં સોનું ધરાવતો દેશ છે.

લગભગ 23000-25000 ટન જેટલું સોનું ભારતમાં ખાનગી રોકાણકારોના હાથમાં છે. આની બજારકિંમત 1135 અબજ ડૉલર અથવા તો વરસ 2019ના નૉમિનલ જીડીપીના 40 ટકા જેટલી થાય.

ભારતમાં ખાનગી રોકાણકારો પાસે ઉપલબ્ધ સોનું અને તેની સરખામણીમાં ચીન અથવા અમેરિકાના ખાનગી હાથમાં સોનું કેટલું છે તે અંગેની વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ દ્વારા 2018 સુધીની વિગતો નીચે આપી છે.

આ વરસના બજેટમાં સોના ઉપરની આયાત ડ્યૂટી વધારીને 12.5 ટકા કરવામાં આવી એની સીધી અસર આભૂષણ અને રત્નકલાકારી ઉદ્યોગ ઉપર પડશે.

line
પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

આ અસર અંગે ચર્ચા કરતાં પહેલાં જેમ્સ ઍન્ડ જવેલરી સૅક્ટરની જૂન 2019ની સ્થિતિએ શું પરિસ્થિતિ છે તે ઉપર એક નજર નાખી લઈએ.

  • આ સૅક્ટર દેશના કુલ જીડીપીના સાત ટકા જેટલો ફાળો ધરાવે છે.
  • ભારતમાંથી થતી કુલ મર્ચેંડાઈઝ ઍક્સપૉર્ટનો 15 ટકા હિસ્સો ધરાવે છે.
  • 46.6 લાખ કારીગરોને રોજગારી આપે છે, જે વધીને 2022 સુધીમાં 82.3 લાખ થવાની ધારણા છે.

આમ સૌથી ઝડપથી વિકસતું જતું આ સૅક્ટર નિકાસલક્ષી તેમજ રોજગારીલક્ષી એટલે કે શ્રમપ્રચુર છે.

  • આપણે ત્યાં ઘડતરની પ્રમાણમાં નીચી કિંમત અને જરૂરી કૌશલ ધરાવતા માનવબળની ઉપલબ્ધિને કારણે આ ઉદ્યોગ ત્યાં વિકસ્યો છે.
  • ડાયમંડ કટિંગ અને પૉલિશિંગ ક્ષેત્રે પણ ભારત અગ્રણી છે.
  • નિકાસલક્ષી ક્ષેત્ર હોવાને કારણે ભારતના વિદેશી હૂંડિયામણની કમાણીમાં આ ક્ષેત્ર મહત્ત્વનો ફાળો આપે છે અને આ કારણે ભારત સરકારે આ ક્ષેત્રને ઍક્સપૉર્ટ પ્રમોશન એટલે કે નિકાસવૃદ્ધિ માટે મહત્ત્વનું ક્ષેત્ર ગણ્યું છે. એટલું જ નહીં પણ 100 ટકા વિદેશીરોકાણને ઑટોમૅટિક રૂટ થકી આ ક્ષેત્ર માટે મંજૂરી આપવામાં આવી છે.
  • ભારતની જેમ્સ અને જ્વેલરી ઍક્સપૉર્ટ એપ્રિલ 2018 અને ફેબ્રુઆરી 2019ના વચ્ચે 27.52 અબજ અમેરિકન ડૉલર જેટલી હતી.
  • આજે કટ અને પૉલિશ્ડ ડાયમંડની ઍક્સપૉર્ટ 21.95 અબજ અમેરિકન ડૉલર છે જે જેમ્સ ઍન્ડ જ્વેલરી નિકાસના 76.96 ટકા જેટલી થાય.
  • સોનાના સિક્કા તેમજ મેડેલિયનની નિકાસ 68.65 કરોડ અમેરિકન ડૉલર અને ચાંદીની જ્વેલરીની નિકાસ 76.66 કરોડ અમેરિકન ડૉલર જેટલી હતી, જે આ જ ગાળામાં (એપ્રિલ 2018- ફેબ્રુઆરી 2019) થવા પામી હતી
  • આ પ્રવૃત્તિનો વ્યાપ એવડો મોટો છે કે ભારતમાં આ ક્ષેત્ર લગભગ ત્રણ લાખ નાના-મોટા ધંધાદારીઓ કાર્યરત છે અને બજારનું કુલ કદ 2017માં 75 અબજ અમેરિકન ડૉલર હતું તે 2025માં 100 અબજ અમેરિકન ડૉલર થવાની ધારણા છે.
  • વિશ્વના સોનાનાં ઘરેણાંની ખરીદીના બજારમાં ભારતનો ફાળો 29 ટકા છે. આમ ઘરઆંગણે તેમજ નિકાસક્ષેત્રે સોનાચાંદીનાં ઘરેણાં અને હીરાજડેલ રત્ન-આભૂષણ એક મોટું બજાર ધરાવે છે. આ બજારને પોષવા 2019માં 850 ટન સોનાની આયાત ભારતે કરી હતી એવું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનું અનુમાન છે.
  • નાણામંત્રીએ સોના ઉપરની આયાત ડ્યૂટી 2.5 ટકા વધારીને 12.5 ટકા કરી છે. તેના કારણે આયાતી સોનું મોંઘું બનશે. વિશ્વબજારમાં સોનાની કિંમત અને ભારતની આયાત જકાત ઉમેર્યા બાદ સોનાની કિંમતમાં 15 ટકાનો ફરક રહેશે.
  • સોનાં અને આભૂષણોની માગને પ્રાઇઝ સેન્સિટિવિટી ઑફ ડિમાન્ડનો નિયમ લાગુ પડતો નથી અને એટલે કાચા સોનાની કિંમત વધશે. એને કારણે ઘરેણાંની કિંમતોમાં ઘટાડો થશે તેવી ધારણા મૂકવી યોગ્ય જણાતી નથી.
line

ડ્યૂટીમાં વધારો કરવાથી શું ફાયદો?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

સોનાના વધેલા ભાવ થોડા દિવસ ચોક્કસ ચર્ચામાં રહેશે. જેવો લગ્નસરાનો સમય આવશે એટલે બધું ભૂલીને બજારમાં ખરીદી તરફનું વલણ દેખાશે અને ગાડી પાટા ઉપર દોડતી થઈ જશે.

નિકાસકારોને તો આ વધારો નડતો નથી, કારણ કે એમને ડ્યુટી પાછી મળે છે. તો પછી આ ડ્યૂટીમાં વધારો કરવાથી શું ફાયદો?

આ વધારો કરવાથી નાણામંત્રી સરકારી તિજોરીમાં આવક ચોક્કસ વધારી શકશે અને કંઈક અંશે તો સોનાની માગ દબાય તો ટૂંકા ગાળા માટે કરંટ એકાઉન્ટ ડેફિસિટ પણ ઘટાડી શકશે.

આ પરિપ્રેક્ષ્યમાં બીજો મુદ્દો ધ્યાન બહાર ન જવો જોઈએ.

સોના ઉપરની વધેલી આયાતજકાતને કારણે વિશ્વબજારમાં સોનાની કિંમત અને ઘરઆંગણાની સોનાની કિંમતમાં જેટલો તફાવત વધે તેટલું દાણચોરીથી સોનું લાવવા માટેનું આકર્ષણ વધે.

આ કારણથી સોના ઉપર વધુ પડતી આયાતજકાત નાખવાથી દાણચોરીની જે ચેનલો અત્યાર સુધી લગભગ મૃતપાય થઈ ગઈ હતી, તે પુનઃ કાર્યરત થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવાની શરૂઆતને હળવાશથી લઈ શકાય નહીં.

આનું બીજું એક જોખમ પણ છે કે આગળ જતાં આ પરિસ્થિતિને સુધારવા સોનાની આયાતજકાત માની લઈએ કે કાઢી નાખવામાં આવે તો પણ એક વાર ભારત બહાર અને ભારતમાં ઊભી થઈ ગયેલી આ સિન્ડિકેટ અને દાણચોરીની ચેનલ, ડ્રગ્સ અથવા હથિયારો કે પછી બીજી કોઈ દાણચોરીની પ્રવૃત્તિ પકડીને અને એ થકી ફરી પાછા દેશમાં દાણચોરીનાં કેન્દ્ર ધમધમતાં થશે તો નવાઈ પામવા જેવું નહીં હોય.

line

ડ્યૂટીમાં વધારો બેધારી તલવાર

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

સોના ઉપરની આયાત ડ્યૂટીમાં થયેલા વધારાને બેધારી તલવાર ગણવી જોઈએ. એક બાજુ સરકારી તિજોરીમાં વધારે આવક કરાવી આપશે.

સામે સોનાની અધિકૃત આયાત ઓછી થઈ જાય અને માગની એક મોટી ટકાવારી દાણચોરી થકી પૂરાય એવી પરિસ્થિતિનું નિર્માણ સોના ઉપરની આયાતજકાતને કારણે થાય. નિર્મલા સીતારમણે આ ડ્યૂટી વધારી છે.

ઑગસ્ટ 2013ના સોના પર 10 ટકા ડ્યૂટી નખાઈ ત્યારબાદ બિનઅધિકૃત આંકડા મુજબ દર વરસે અંદાજે 150-200 ટન જેટલું સોનું દાણચોરીથી દેશમાં ઘૂસાડવામાં આવી રહ્યું છે.આમાં કેટલુંક પકડાય છે જે કાનખજૂરાના પગ જેટલું છે.

આમ છતાંય 2017-18માં આ દેશના માત્ર એક જ રાજ્યનાં વિવિધ ઍરપૉર્ટ પરથી 242 કિસ્સામાં 103.57 કિલો સોનું પકડાયું હતું.

તે એક જ વર્ષમાં 2018-19માં 455 ટકા વધીને 1102 કિસ્સા અને 417.49 કિલો સોનું પકડાયું છે.

કિંમતની દૃષ્ટિએ 2017-18માં પકડાયેલા સોનાની કિંમત 28.99 કરોડ સામે 2018-19માં 122.85 કરોડ જેટલી થવા જાય છે.

આ માહિતી માત્ર કોચીન ઍરપૉર્ટ, કોઝિકોડ ઍરપૉર્ટ, થિરુવનંતપુરમ ઍરપૉર્ટ પર પકડાયેલા સોનાની જ છે.

ડાયરેક્ટર રેવન્યુ ઇન્ટેલિજન્સ પાસેથી ઉપલબ્ધ માહિતી મુજબ 6 અને 7 ડિસેમ્બર 2018માં માત્ર બે દિવસમાં 21 કરોડ રૂપિયાની કિંમતનું 66 કિલો સોનું પકડાયું હતું.

એપ્રિલથી નવેમ્બર 2018 સુધીમાં ભારતીય કસ્ટમ દ્વારા 2.63 ટન સોનું જપ્ત કરવામાં આવ્યું હતું.

2017-18 (એપ્રિલથી માર્ચ) દરમિયાન 33.22 એટલે અગાઉના વર્ષ 2016-17 કરતાં 103 ટકા વધુ સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. આ એક માત્ર દિશાનિર્દેશ પૂરતું જ લખ્યું છે.

એક અંદાજ મુજબ દેશમાં 150થી 200 ટન સોનું દર વરસે સરહદ પારથી આ દેશમાં સોનું ઘૂસાડવામાં આવે છે. જેમજેમ એના ઉપરની કસ્ટમ ડ્યૂટી વધશે તેમતેમ દાણચોરીના કિસ્સા અને સોનાનો કુલ જથ્થો વધતો જવાનો.

line

સોનાની દાણચોરી અટકી જશે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

અંતમાં સોના ઉપર કસ્ટમ ડ્યૂટી નાખવાથી કદાચ અધિકૃત આયાતોમાં થોડોક ફરક પડશે. ઘરેણાંની માગમાં આના કારણે કોઈ મોટો તફાવત પડશે એવું માનવાનું કારણ નથી.

સોના ઉપરની કસ્ટમ ડ્યૂટી ન વધે હોત તો ભારતીય અર્થતંત્ર તેમજ આંતરિક સલામતિ સામેનું જોખમ અને અન્ય નકારાત્મક અસરો નિવારી શકાઈ હોત.

જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેને કારણે દાણચોરી માટેની એક અથવા વધુ ચેનલો અસ્તિત્વમાં આવશે એમાં કોઈ શંકા નથી.

ધારો કે ભવિષ્યમાં કોઈ સરકાર સોના ઉપરની જકાત સંપૂર્ણ નાબૂદ કરી દે ત્યારે પેલી ચેનલ ખાલી પડશે.

આ ખાલી ચેનલનો ઉપયોગ વૈકલ્પિક પ્રવૃત્તિ, જેવી કે કેફી દ્રવ્યોની દાણચોરી, બ્લડ ડાયમંડ કે પછી શસ્ત્રો સુધીની દાણચોરી માટે થવાની શક્યતા એક મોટી દહેશત ઊભી કરે છે.

એક જમાનો હતો જ્યારે દાણચોરીના ક્ષેત્રે કેટલાક ચોક્કસ ડૉનની બોલબાલા અને ધાક હતી.

આ સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને આ વિષય સાથે જોડાયેલા એક ચલચિત્રે બહુ મોટી ખ્યાતિ અપાવી હતી.

સોનાની દાણચોરીના કિસ્સામાં ભવિષ્યમાં એ બંધ થઈ જાય તોય "ડોશી મરશે પણ જમ ઘર ભાળી જશે" તેનું શું?

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો