Budget 2019 : જો નિવૃત્તિનાં વર્ષોમાં વધારો કરવામાં આવે તો શું અસર થશે?

ઇમેજ સ્રોત, REUTERS
દેશનાં પહેલા પૂર્ણકાલીન મહિલા નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું બજેટ રજૂ કર્યું હતું.
બજેટ રજૂ કર્યાના એક દિવસ અગાઉ એટલે કે ગુરુવારે નાણામંત્રીએ સંસદમાં દેશની આર્થિક સ્થિતિ અને દિશાનિર્દેશ કરનાર આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું હતું.
આ આર્થિક સર્વેને મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યને તૈયાર કર્યું હતું. સર્વેમાં ભારત અર્થવ્યવસ્થા મજબૂત રહેશે એવું અનુમાન કરાયું હતું અને સંભવિત પડકારો વિશે પણ વાત કરાઈ હતી.
આ સર્વે માત્ર ભલામણ છે જેને લાગુ કરવા માટે કોઈ કાનૂની બાધ નથી હોતી. એટલા માટે સરકાર તેને માત્ર નિર્દેશાત્મક રૂપમાં જુએ છે.
આ સર્વેમાં દેશમાં રિટાયરમૅન્ટની વયમર્યાદા વધારવાની પણ વાત કરાઈ છે.

રિટાયરમૅન્ટને લઈને સર્વેમાં શું કહેવાયું છે?

સંસદમાં રજૂ કરવામાં આવેલા આર્થિક સર્વેમાં કહેવાયું છે કે ભારતમાં વ્યક્તિ 60 વર્ષ સુધી સ્વસ્થ રહે તેવી આશા રાખવામાં આવે છે (જો વ્યક્તિને કોઈ જીવલેણ બીમાર કે ઈજા ન પહોંચે) અને છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતમાં આ વય પુરુષ અને મહિલા બંનેના સંદર્ભમાં વધી ગઈ છે.
સર્વેમાં કહેવાયું છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં મહિલાઓની ઉંમર 13.3 વર્ષ અને પુરુષોની 12.5 વર્ષ વધી છે. જો તેની સરેરાશ કાઢવામાં આવે તો 12.9 થાય છે.
એનો અર્થ એ થયો કે ભારતમાં વર્તમાન સમયમાં સરેરાશ એક વ્યક્તિ 72 વર્ષની વય સુધી સ્વસ્થ રહે છે. જોકે આ આંક ઘણા વિકસિત અને ઊભરતા દેશની તુલનામાં ઘણો ઓછો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વધતી વૃદ્ધ જનસંખ્યા અને પેન્શન નિર્ભરતા પર વધતું દબાણ જોતાં ઘણા દેશોએ રિટાયરમૅન્ટની ઉંમર વધારી દીધી છે.
હવે જ્યારે ભારતમાં મહિલા અને પુરુષની ઉંમર વધી ગઈ છે તો અહીં પણ અન્ય દેશોની જેમ રિટાયરમૅન્ટની ઉંમર વધારવા પર વિચાર કરાઈ રહ્યો છે.

સર્વેમાં કહેવાયું છે કે ઉંમરમાં ફેરફાર જોતા નીતિનિર્માતાઓએ નવી નીતિઓ ઘડવી જોઈએ. તેમજ રિટાયરમૅન્ટની ઉંમરમાં તબક્કા વાર વૃદ્ધિ કરવાની યોજનાઓ પણ ઘડવી પડશે.
ભારતમાં આગામી બે દશકમાં જનસંખ્યામાં ઘણી ઓછી વૃદ્ધિ થશે. મોટી સંખ્યામાં યુવાઓની આબાદીને કારણે દેશને ફાયદો થશે, પરંતુ 2030ની શરૂઆતમાં કેટલાંક રાજ્યોમાં જનસંખ્યાના સ્વરૂપમાં બદલાવથી વધુ ઉંમરવાળા લોકોની સંખ્યા પણ વધશે.
સર્વે અનુસાર દેશમાં ફર્ટિલિટી રેટમાં આવેલા ઘટાડાને કારણે 19 વર્ષની ઉંમરવાળા વર્ગની જનસંખ્યા ઝડપથી વધી છે.
2021-31 દરમિયાન ઉદ્યમી જનસંખ્યા 9.7 મિલિયન પ્રતિ વર્ષ અને 2031-41માં 4.2 મિલિયન પ્રતિ વર્ષ વધશે.
ઉંમર પ્રત્યે ધ્યાન આપવા માટે નીતિનિર્માતાઓએ નીતિ ઘડવી જોઈએ.

શું કહે છે નિષ્ણાતો?

ઇમેજ સ્રોત, ECONOMIC SURVEY
આર્થિક બાબતોના જાણકાર ભરત ઝુનઝુનવાલા આ મામલે બે તથ્ય રજૂ કરે છે.
તેઓ કહે છે કે આ બાબતે બે પક્ષ છે. એક તો એ કે સરકાર કોઈને રિટાયરમૅન્ટ આપે તો તેને એક જ સરકારી પદ માટે બે લોકોને ચુકવણી કરવી પડે છે. એક તો એ શખ્સ જે પેન્શનધારક છે અને બીજો એની જગ્યાએ રાખવામાં આવે તે. આથી સરકાર પર ચુકવણીનો બોજ વધી જાય છે.
ઝુનઝુનવાલા કહે છે કે આથી સરકારની એ ધારણા હશે કે જે પેન્શનનો બોજ છે તેને ઓછો કરી શકાય.
તેઓ કહે છે, "બીજો પક્ષ એ છે કે જો રિટાયરમૅન્ટ જલદી કરી દે તો નવી નોકરી પેદા થશે, પરંતુ નવી નોકરી માટે કેટલો ખર્ચ કરાય એટલે કે એક નવા માણસને દસ વર્ષ નવી નોકરી આપવા માટે તમે જૂના માણસને દસ વર્ષ પેન્શન આપો, એ જામતું નથી."
"એવામાં રિટાયરમૅન્ટની ઉંમર વધારવી યોગ્ય નથી. સરકાર પર ભારણ ઘટશે. અને હવે સરકારી નોકરી છે પણ કેટલી."

ઝુનઝુનવાલા કહે છે કે તેમને આશા છે કે આ જે સલાહ આપવામાં આવી છે એ સરકાર માટે સારી છે અને લાગે છે કે સરકારી કર્મચારી પણ એવું ઇચ્છશે. તો શક્ય છે કે આવનારા સમયમાં એ લાગુ થઈ જાય.
આર્થિક બાબતોના જાણકાર ડી. કે. મિશ્રાનું માનવું છે કે રિટાયરમૅન્ટની ઉંમર વધારવાથી ફાયદા ઓછા અને નુકસાન વધુ થશે. એક મોટી જનસંખ્યા ધરાવતા ભારતમાં નવયુવાન નવી ટૅક્નૉલૉજી અને જ્ઞાન સાથે આગળ વધી રહ્યો છે, જેની ક્ષમતાનો ફાયદો દેશને નહીં મળે. તેમજ રોજગારી પર પણ તેની નકારાત્મક અસર થશે.
તેઓ કહે છે કે સામાન્ય રીતે 25થી 50 વર્ષની ઉંમર સુધી વ્યક્તિની ક્ષમતા સૌથી વધુ હોય છે. આથી વયમર્યાદા વધારવાથી કદાય એ કક્ષાનું કામ ન પણ થાય.
ઇન્વેસ્ટમૅન્ટ ઍડ્વાઇઝર દીપક રાઘવનું માનવું છે કે જો આવું થાય તો એક બહુ નાનો વર્ગ તેનાથી પ્રભાવિત થશે.
'ધ હિંદુ'ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે વર્તમાન સમયમાં એવું તો નથી કે સરકાર ઘણી નોકરીઓ પેદા કરી રહી છે. આથી આ નિર્ણયની અસર માત્ર સરકારી કર્મચારી પર જ થશે. પ્રાઇવેટ કંપનીઓના પોતાના નિયમ હોય છે અને પોતાના કર્મચારીઓની નિવૃત્તિ માટે પોતાની શરતો.

અન્ય દેશોમાં શું છે સ્થિતિ?

વધતી વૃદ્ધ જનસંખ્યા અને પેન્શન નિર્ભરતા પર વધતા દબાણને જોતાં ઘણા દેશોએ રિટાયરમૅન્ટની ઉંમર વધારવાનું શરૂ કરી દીધું છે.
જર્મની, ફ્રાન્સ અને અમેરિકામાં રિટાયરમૅન્ટની ઉંમર વધારી દેવાઈ છે. કેટલાક દેશો, જેવા કે ઑસ્ટ્રેલિયા અને યુકેમાં મહિલાઓને પુરુષો કરતાં વહેલાં રિટાયર કરી દેવાય છે. પણ હવે નિયમોમાં ફેરફાર કરીને બંનેની ઉંમર સરખી કરી દેવાઈ છે.
ઘણા વિકસિત દેશોમાં પ્રિ-સેટ ટાઇમલાઇન પ્રમાણે રિટાયરમૅન્ટની ઉંમર વધારવાના સંકેત આપ્યા છે. જેમ કે બ્રિટનમાં વર્ષ 2020 સુધી પેન્શનની ઉંમર પુરુષ અને મહિલા માટે 66 વર્ષ રહેશે.
ઘણા દેશોમાં રિટાયરમૅન્ટની ઉંમરને લઈને સુધારા કરવામાં આવ્યા છે અને જ્યાં નથી કરાયા ત્યાં વિચારાધીન છે.
ચીન- રિટાયરમૅન્ટની ઉંમર વધારવા પર વિચાર કરાઈ રહ્યો છે. જેમાં મહિલાને દર ત્રણ વર્ષમાં એક વર્ષ અને પુરુષ માટે દર છ વર્ષમાં એક વર્ષ કરવા પર વિચારણા થઈ રહી છે. એવામાં વર્ષ 2045 સુધી બંને (પુરુષ-મહિલા) માટે રિટાયરમૅન્ટની ઉંમર 65 વર્ષ થઈ જશે.
જાપાન- રિટાયરમૅન્ટની ઉંમર 70 વર્ષ સુધી વધારવા પર વિચાર કરાઈ રહ્યો છે.
ઑસ્ટ્રેલિયા- પેન્શન યોગ્ય ઉંમરને વર્ષ 2023 સુધી 67 વર્ષ કરવા પર વિચાર કરાઈ રહ્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















