Top News: મસ્જિદમાં મુસ્લિમ મહિલાઓના પ્રવેશ અંગેની અરજી સુપ્રીમે ફગાવી

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

મુસ્લિમ મહિલાઓ મસ્જિદમાં પ્રવેશીને ઇબાદત કરી શકે તથા તેમને 'પડદાપ્રથા'માંથી મુક્તિ મળે તેવા મતલબની એક અરજી સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરવામાં આવી હતી, જેને ફગાવી દેવામાં આવી છે.

અંગ્રેજી અખબાર 'ધ હિંદુ'ના અહેવાલ પ્રમાણે, અખિલ ભારતીય હિંદુ મહાસભાની કેરળ પાંખના વડા સ્વામી દત્તાત્રેય સાંઈ સ્વરૂપ નાથે આ અરજી દાખલ કરી હતી.

આ પહેલાં કેરળ હાઈકોર્ટે પણ સ્વામી દત્તાત્રેયની અરજી કાઢી નાખી હતી, જેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી.

આ માટે બંધારણના અનુચ્છેદ 21 અને 14ને ટાંકતા પુરુષોની સરખામણીમાં મહિલાઓને અન્યાય થઈ રહ્યો હોવાની દલીલ આપવામાં આવી હતી.

અરજદારે કહ્યું હતું કે 'મુસ્લિમ મહિલાઓ મારી બહેનો જેવી છે.'

હિમા દાસે બીજો આંતરરાષ્ટ્રીય ગોલ્ડ જીત્યો

પોલૅન્ડ ખાતે રમાઈ રહેલી કુત્નો ઍથ્લેટિક્સમાં 'ઢીંગ એક્સપ્રેસ' તરીકે જાણીતાં ભારતીય મહિલા દોડવીર હિમા દાસે 200 મીટરની દોડમાં બીજો ગોલ્ડ મેડલ જીત્યો છે એવું 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'નો અહેવાલ જણાવે છે.

દાસે 23.97 સેકંડમાં દોડ પૂરી કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે. ચાલુ વર્ષની આ તેમની બીજી દોડ હતી જેમાં તેમણે ગોલ્ડ મેળવ્યો.

અગાઉ હિમાએ ફિનલૅન્ડના ટૅમ્પેયર શહેરમાં યોજાયેલી ઇન્ટરનેશનલ એસોસિયેશન ઑફ ઍથ્લેટિક્સ ફેડરેશન્સની (IAAF) વર્લ્ડ અંડર-20 ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપની 400 મીટર દોડની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

આ સાથે જ રાષ્ટ્રીય રેકોર્ડ ધરાવતા મુહમ્મદ અનાસે પણ પુરુષોની 200 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

રાહુલ દ્રવિડ નેશનલ ક્રિકેટ એકૅડેમીના પ્રમુખ નિયુક્ત

ભારતીય ક્રિકેટ ખેલાડી રાહુલ દ્રવિડની નેશનલ ક્રિકેડ એકૅડેમી (એનસીએ)ના પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર દ્રવિડ પ્રથમ જુલાઈથી આ પદ સંભાળી લેવાના હતા પરંતુ તેઓ ઇન્ડિયા સિમેન્ટમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કામ કરતા હોવાને કારણે મોડું થયું.

કમિટી ઑફ ઍડમિનિસ્ટ્રેશને રાહુલ તેમની નોકરી છોડવા તથા તેમનો કાર્યકાળ પૂર્ણ ન થાય ત્યાં સુધી રજા પર ઊતરવા જણાવ્યું છે.

બીસીસીઆઈએ પ્રેસનોટ મારફતે જણાવ્યું છે કે એનસીએ દ્વારા વિદેશમાં થતી દરેક ક્રિકેટ સંબંધિત ગતિવિધિ જેવી કે મૉનિટરિંગ, કોચિંગ, ટ્રેનિંગમાં રાહુલ દ્રવિડ સામેલ હોય છે.

વૉશિંગ્ટનમાં ભારે વરસાદ

અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન ડીસીમાં ભારે વરસાદને કારણે જનજીવન ઠપ થઈ ગયું છે.

ન્યૂ યૉર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ, શહેરના અનેક રસ્તા ઉપર પાણી ભરાઈ ગયું હતું અને ગાડીઓ ડૂબી ગઈ હતી. પોલીસે વાહનચાલકોને ગાડી લઈને નહીં નીકળવા સૂચના આપી હતી.

અમેરિકાની રાષ્ટ્રીય હવામાન સેવાના કહેવા પ્રમાણે એક જ કલાકમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડવાને કારણે આ સ્થિતિ ઊભી થઈ હતી.

માર્ગ અને રેલ વ્યવહારને માઠી અસર થઈ હતી તથા હજારો ઘરોમાં વીજ પ્રવાહ ખોરવાઈ ગયો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો