TOP NEWS: નહેરુની ભૂલને કારણે કાશ્મીરમાં આતંકવાદ : અમિત શાહ

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

લોકસભામાં દેશના ગૃહ મંત્રી તરીકે પોતાના પ્રથમ ભાષણમાં અમિત શાહે કૉંગ્રેસ અને નેહરુ પર શાબ્દિક હુમલો કર્યો.

શાહે કહ્યું કે કાશ્મીરમાં જે આતંકવાદની સ્થિતિ બનેલી છે તેની પાછળ દેશના પ્રથમ વડા પ્રધાન નહેરુ જવાબદાર છે.

શાહે કહ્યું, "એક તૃતીયાંશ કાશ્મીરની જનતા આપણી સાથે નથી. તેની પાછળ જવાબદાર કોણ છે?"

શાહે એવું પણ કહ્યું કે જ્યારે પાકિસ્તાનના ઘૂસણખોરો કાશ્મીરના ધસી આવ્યા હતા, ત્યારે નેહરુએ તેમને ખદેડવાની વિરુદ્ધમાં પગલાં લીધાં.

તેમણે કહ્યું, "એ નહેરુ હતા જેમણે કાશ્મીરનો હિસ્સ પાકિસ્તાનને આપ્યો."

લોકસભાની ચૂંટણીમાં હાર બાદ કૉંગ્રેસમાં રાજીનામાં

લોકસભાની ચૂંટણીમાં હાર બાદ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સ્વતંત્ર રીતે પોતાની નવી ટીમ બનાવી શકે તે હેતુથી પાર્ટીમાંથી જૂના નેતાઓનાં રાજીનામાં આપી રહ્યાં છે.

'એનડીટીવી ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર કૉંગ્રેસના કાયદા અને આરટીઆઈ સેલના ચેરમૅન વિવેક તન્ખાએ રાજીનામું આપ્યા બાદ દિલ્હી, મધ્ય પ્રદેશ અને હરિયાણાના નેતાઓએ પણ રાજીનામું આપી દીધું છે.

વિવેક તન્ખાએ ટ્વીટ કરી લખ્યું, "આપણે દરેકે પાર્ટીના પદેથી રાજીનામું ધરી દેવું જોઈએ અને રાહુલજીને તેમની ટીમની પસંદગી કરવાનો અધિકારી આપવો જોઈએ."

આ સિવાય હરિયાણા કૉંગ્રેસના મહિલા પ્રમુખ સુમિત્રા ચૌહાણ, મેઘાલયના પાર્ટી મહાસચિવ નેટ્ટા પી. સંગમા, સચિવ વીરેન્દ્ર રાઠોર, છત્તીસગઢના સચિવ અનિલ ચૌધરી, મધ્ય પ્રદેશના સચિવ સુધીર ચૌધરી અને હરિયાણાના સચિવ સત્યવીર યાદવે પણ રાજીનામું ધરી દીધું છે.

મધ્ય પ્રદેશમાં ભાજપ નેતા દ્વારા સરકારી અધિકારીની પીટાઈ

'ધ હિંદુ' અખબારના અહેવાલ મુજબ મધ્ય પ્રદેશના સતના ખાતે મુખ્ય સ્વાસ્થય અધિકારી (સીએમઓ) ની ભાજપ પંચાયત પ્રમુખ દ્વારા ડંડા વડે પીટાઈ કરવામાં આવી.

ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશમાં બે દિવસ અગાઉ ભાજપના દિગ્ગજ નેતા કૈલાશ વિજયવર્ગીયના પુત્ર આકાશ વિજયવર્ગીયે સરકારી અધિકારીની ક્રિકેટના બેટ વડે ધોલાઈ કરી હતી.

સતના ખાતે ભાજપ પંચાયત પ્રમુખ રામ સુશીલ પટેલ અને અન્ય લોકો દ્વારા સીએમઓ દેવરત્ન સોનીની ધોલાઈ કરવામાં આવી હતી જેનો વીડિયો વાઇરલ થયો હતો.

ઘટના બાદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

સતના પોલીસનું કહેવું છે, "બન્ને તરફથી ફરિયાદ કરવામાં આવી છે તેમનાં નિવેદનો નોંધવામાં આવ્યા છે."

ગુજરાતના વાતાવરણમાં પલટો થતાં મહારાષ્ટ્રમાં વરસાદ

'ઇંડિયા ટુડે'ના અહેવાલ અનુસાર મુંબઈમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. શુક્રવારના રોજ સતત પાંચ કલાક સુધી પડેલા વરસાદને મુંબઈમાં અમુક જગ્યાઓએ પાણી ભરાઈ ગયા છે.

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ શનિવારના રોજ ધોધમાર વરસાદ પડે તેવી આશંકા છે.

પુણે હવામાન વિભાગના અધિકારી અનુપમ કશ્યપીના જણાવ્યા અનુસાર ગુજરાત પરના વાતાવરણમાં પલટો આવતા મહારાષ્ટ્રના કોંકણ તરફ અરબ સાગરમાં પ્રેશર બન્યું છે જેને કારણે કોંકણમાં ભારે વરસાદની શક્યતા છે.

પાંચ કલાક સુધી સતત વરસાદને પગલે મુખ્ય શહેરમાં 43.23 મીમી, મુંબઈ પૂર્વમાં 64.14 મીમી અને મુંબઈ પશ્ચિમમાં 78.21 મીમી વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગ અનુસાર ઉત્તર કોંકણમાં 29 જૂનથી 2 જુલાઈ સુધીમાં ધોધમાર વરસાદ પડે તેવી શક્યતા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો