ગુજરાત કૉંગ્રેસે વધુ સાત ઉમેદવારો જાહેર કર્યા, ઇન્દ્રનીલ રાજગુરુને રાજકોટ પૂર્વથી ટિકિટ

પ્રકાશિત

ગુરુવારે ગુજરાત કૉંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર કર્યા બાદ શુક્રવારે વધુ સાત નામોની જાહેરાત કરી હતી.

ગુજરાતમાં ચૂંટણી આડે થોડાક દિવસો જ બાકી છે ત્યારે કૉંગ્રેસ, ભાજપ સહિત આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારો મોટા ભાગે જાહેર કરી દીધા હોઈ ચૂંટણીનો રંગ બરાબર જામ્યો છે.

આ અગાઉ 4 નવેમ્બરે ગુજરાત કૉંગ્રેસે 43 વિધાનસભા બેઠકો પર ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.

તેમજ ગુજરાત ભાજપ દ્વારા પણ એક ઝાટકે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી દેવાઈ હતી.

જેમાંથી કેટલાક ‘મોટાં માથાંને બાકાત રખાતાં’ આ યાદી ચર્ચાનો મુદ્દો બની હતી.

કૉંગ્રેસ ચૂંટણી સમિતિના મહામંત્રી મુકુલ વાસનિક દ્વારા જાહેર કરાયેલી યાદી અનુસાર, રાપર બેઠક પર બચુભાઈ અરેઠિયા, વઢવાણ બેઠક પર તરુણ ગઢવી, રાજકોટ પૂર્વ બેઠક પર ઇન્દ્રનીલ રાજગુરુ, ધારી બેઠક પરથી ડૉ. કીર્તિ બોરિસાગર, નાંદોદની એસસી અનામત બેઠક પરથી હરેશ વસાવા, નવસારી બેઠક પરથી દીપક બારોટ અને ગણદેવીની એસસી અનામત બેઠક પરથી શંકર પટેલના સ્થાને અશોક પટેલને ટિકિટ ફાળવવામાં આવી છે.

નોંધનીય છે કે ઇન્દ્રનીલ રાજગુરુ તાજેતરમાં જ આમ આદમી પાર્ટીમાંથી પક્ષપલટો કરીને કૉંગ્રેસમાં પાછા ફર્યા હતા.

ઇન્દ્રનીલ રાજગુરુ આ પહેલાં પણ કૉંગ્રેસમાં હતા. 2012માં તેઓ રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી પણ જીત્યા હતા.

ભાજપે અડધોઅડધ ધારાસભ્યો પડતા મૂક્યા

ભાજપે ગુરુવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 160 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી અને એમાં અડધોઅડધ એ ઉમેદવારોને પડતા મૂક્યા જેમને 2017ની ચૂંટણીમાં ટિકિટો અપાઈ હતી.

ભાજપે કુલ 69 વર્તમાન ધારાસભ્યોને પડતા મૂક્યા છે અને તેમાં વિજય રૂપાણીની કૅબિનેટના 11 પૂર્વ મંત્રીઓનો પણ સમાવેશ થાય છે. પડતા મુકાયેલા નેતાઓની જગ્યાએ પાટીદાર આંદોલનના 'પોસ્ટર બૉય' હાર્દિક પટેલ અને ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા જેવા નવા ચહેરાઓ પર દાવ લગાડવામાં આવ્યો છે.

એક વરસ જૂની ભૂપેન્દ્ર સરકારના પાંચ મંત્રીઓનાં પત્તાં પણ કપાયાં છે. જેમાં રાજેન્દ્ર ત્રિવેદી અને મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાનો પણ સમાવેશ થાય છે. આ સાથે ગુજરાતના પહેલા મહિલા સ્પીકર નીમા આચાર્યને પણ એક ટિકિટ નથી મળી.

નોંધપાત્ર છે કે, પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ, પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના ભાજપના વરિષ્ઠ નેતાઓ બુધવારે સાંજે એકસાથે આ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

આ વરિષ્ઠ નેતાઓના ચૂંટણી ન લડવાની જાહેરાત બાદ હવે ભાજપના દિગ્ગજ નેતાઓને સંગઠનમાં મહત્ત્વપૂર્ણ પદે કે અન્યત્રે ગોઠવવાની વાત ચર્ચાવા લાગી છે.

ગુજરાત કૉંગ્રેસે વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

ગુજરાતમાં ચૂંટણી આડે થોડા દિવસ બાકી છે ત્યારે ગુજરાત કૉંગ્રેસે પણ ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે.

ગુરુવારે ગુજરાત કૉંગ્રેસ વિધાનસભાની ચૂંટણી માટે વધુ 46 ઉમેદવારોની યાદી બહાર પાડી હતી.

આ પહેલાં 4 નવેમ્બરે પક્ષે 43 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.

આમ અત્યાર સુદી કૉંગ્રેસે 182 વિધાનસભાની બેઠકોમાંથી 89 બેઠકો માટે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.

બીજી યાદીમાં મમદભાઈ જંગ જાટ(અબડાસા), રાજેન્દ્રસિંહ જાડેજા (માંડવી), અરજનભાઈ ભુડિયા (ભુજ), નૌશાંદ સોલંકી (દસાટા- એસસી), કલ્પના કરમસીભાઈ મકવાણી (લિંબડી) સામેલ છે.

સંપૂર્ણ યાદી વાંચવા માટે અહીં ક્લિક કરો.

નોંધનીય છે કે ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે એમ બે ચરણમાં વિધાનસભાની ચૂંટણી માટેનું મતદાન યોજાવાનું છે. જેનું પરિણામ 8 ડિસેમ્બરે આવશે.

રાજીવ ગાંધી હત્યા કેસ : દોષિતોને મુક્ત કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ

સુપ્રીમ કોર્ટે રાજીવ ગાંધી હત્યાકાંડનાં દોષી નલિની શ્રીહરન અને આરપી રવિચંદ્રન સહિત તમામ દોષીઓને મુક્ત કરવાના આદેશ આપ્યા હતા.

સર્વોચ્ચ અદાલતે પોતાના આદેશમાં કહ્યું કે પેરારીવલનના મામલમાં અપાયેલ આદેશ નલિની અને રવિચંદ્રન પર લાગુ થાય છે.

કોર્ટે કહ્યું કે તામિલનાડુ સરકારે તમામ દોષીઓને મુક્ત કરવાની ભલામણ કરી છે.

બેન્ચે એવું પણ કહ્યું કે દોષી ત્રણ દાયકા કરતાં વધુ સમય સુધી જેલમાં પસાર કરી ચૂક્યા છે અને જેલમાં તેમનું આચરણ સંતોષજનક રહ્યું છે.

રાજીવ ગાંધી હત્યાકાંડનાં દોષી એસ. નલિનીએ સમય પહેલાં મુક્તિની માગ કરતાં ઑગસ્ટ માસમાં સુપ્રીમ કોર્ટના બારણે દસ્તક દીધો હતો. તેમણે મદ્રાસ હાઇકોર્ટના એ આદેશને પડકાર્યો હતો જેમાં તેમની જલદી મુક્તિની માગ ફગાવી દેવાઈ હતી.

સુપ્રીમ કોર્ટે 18 મે 2022ના રોજ બંધારણના અનુચ્છેદ 142ને લાગુ કરતાં પેરારીવલનને મુક્ત કર્યા હતા જેમણે આ હત્યાકાંડમાં 30 વર્ષ કરતાં વધુ સમય સજા કાપી હતી.

હાઇકોર્ટે એ સમયે તેમની અરજી ખારિજ કરતાં કહ્યું હતું કે અનુચ્છેદ 142 અંતર્ગત સુપ્રીમ કોર્ટને વિશેષ શક્તિ અપાઈ છે. જો તેઓ જલદી મુક્તિ ઇચ્છે છે તો સુપ્રીમ કોર્ટ આવી શકે છે.