ગુજરાતમાં હજુ કેટલા દિવસ વરસાદી માહોલ રહેશે, કયા જિલ્લામાં વરસાદની આગાહી?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં દિવાળીના તહેવારો બાદ અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમને કારણે પાછલા અમુક દિવસોથી વરસાદ પડી રહ્યો છે.
ક્યાંક ભારે તો ક્યાંક ધીમી ધારે સતત વરસાદ પડવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરેલી જોવા મળી રહી છે અને સવારે તો શિયાળાની માફક ગાઢ ધુમ્મસ છવાયેલું જોવા મળી રહ્યું છે.
જોકે, એક તરફ રાજ્યનાં મોટાં શહેરોમાં વાતાવરણ કેટલાકને 'મનમોહક' લાગી રહ્યું છે, તો બીજી બાજુ ખેડૂતો માટે વરસાદ 'મુસીબત' બની ગયો છે.
રાજ્યમાં ઠેકઠેકાણેથી ખેડૂતો આ 'કમોસમી' વરસાદને પગલે 'ભારે નુકસાન' થયું હોવાની ફરિયાદ કરી રહ્યા છે અને રાજ્ય સરકાર પાસેથી તાત્કાલિક ધોરણે રાહતલક્ષી પગલાં લેવાની માગણી કરી રહ્યા છે.
હવે આ સ્થિતિમાં ભારતના હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે એ અંગે માહિતી આપી છે.
આગામી કેટલા દિવસ સુધી વરસાદનું જોર યથાવત્ રહેશે? શું ગુજરાતમાં વરસાદ લાવનારી સિસ્ટમમાં કોઈ ફેરફાર થયો ખરો?
ગુજરાતમાં હવામાનની સ્થિતિ કેવી રહી?
આ બધું જાણીએ એ પહેલાં ગુજરાતમાં ગત 24 કલાકમાં વરસાદની સ્થિતિ કેવી રહી એ અંગે માહિતી મેળવી લઈએ.
પાછલા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં સારી એવી વરસાદી પ્રવૃત્તિ જોવા મળી હતી. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં કેટલાંક સ્થળોએ તો ભાવનગર જિલ્લામાં છૂટાંછવાયાં સ્થળોએ ભારે વરસાદ પડ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જ્યારે ઉત્તર ગુજરાતમાં કેટલાંક છૂટાંછવાયાં સ્થળોએ વરસાદ જોવા મળ્યો.
કચ્છમાં હવામાન મોટા ભાગે શુષ્ક જોવા મળ્યું હતું.
મધ્યપૂર્વ અને ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પરનો વેલમાર્ક્ડ લૉ પ્રેશર એરિયા અને દરિયાની સપાટીથી 5.8 કિમી ઉપર રહેલું અને તેની સાંથે સંકળાયેલું સાયક્લૉનિક સર્ક્યુલેશન શનિવારે 2.30 વાગ્યે આ જ ક્ષેત્રમાં રહેવા પામ્યું હતું. આ આખી સિસ્ટમ પૂર્વ અને ઉત્તરપૂર્વ દિશામાં દક્ષિણ ગુજરાત સુધી અને ઉત્તરપૂર્વ અરબી સમુદ્રમાં નિકટના ઉત્તર મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં તરફ આગળ વધી આગામી 24 કલાકમાં લૉ પ્રેશર એરિયામાં પરિવર્તિત થવાની સંભાવના હતી.
ક્યાં-ક્યાં અપાયું યલો ઍલર્ટ, કયા જિલ્લામાં વરસાદની આગાહી?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રવિવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.
આ ઉપરાંત રવિવારે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.
રવિવાર માટે ઉપરોક્ત તમામ જિલ્લામાં યલો ઍૅલર્ટ અપાયું છે.
આગાહી પ્રમાણે સોમવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર ખાતે ઘણાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આશંકા છે.
જ્યારે સોમવારે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં ઘણાં સ્થળોએ અને સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદ અને કચ્છ ખાતે કેટલાંક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
મંગળવાર માટેની આગાહી અનુસાર બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર ખાતે કેટલાંક સ્થળોએ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં કેટલાંક સ્થળોએ તેમજ રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને બોટાદ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.
ગુજરાતમાં અત્યાર સુધી કેટલો વરસાદ પડ્યો?
ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટી દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર અત્યાર સુધી રાજ્યમાં સિઝનની સરેરાશ કરતાં 126.78 ટકા વરસાદ પડી ચૂક્યો છે.
31 ઑક્ટોબરની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધી 1118 એમએમ વરસાદ પડી ચૂક્યો છે.
કચ્છની વાત કરીએ તો 31 ઑક્ટોબર સુધી જિલ્લામાં 723.70 એમએમ વરસાદ પડ્યો છે, જે સિઝનની સરેરાશ કરતાં 49.77 ટકા વધુ છે.
ઉત્તર ગુજરાતમાં પણ 31 ઑક્ટોબર 908.94 એમએમ વરસાદ પડી ચૂક્યો છે, જે સિઝનની સરેરાશ કરતાં 26.45 ટકા વધુ છે.
મધ્યપૂર્વ ગુજરાતમાં ઉપરોક્ત તારીખ સુધી 1012.23 એમએમ વરસાદ પડી ચૂક્યો છે, જે સિઝનની સરેરાશ કરતાં 25.77 ટકા વધુ છે.
સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં અનુક્રમે 898.74 અને 1963.98 એમએમ વરસાદ પડી ચૂક્યો છે. જે અનુક્રમે સિઝનની સરેરાશ કરતાં 20.20 અને 31.83 ટકા વધુ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























