'પપ્પા, આગ લાગી છે, મને બચાવો', લખનૌમાં આગનો ભોગ બનેલાઓની પરિવાર સાથે છેલ્લે શું વાત થઈ હતી?

અકસ્માત, લખનૌ, ઉત્તર પ્રદેશ, અગ્નિ, ગંભીરતા, બાળકો, બીબીસી, ગુજરાતી
ઇમેજ કૅપ્શન, આ અકસ્માતમાં 23 વર્ષીય સુખમણિનું પણ મોત થયું.
    • લેેખક, પ્રેરણા
    • પદ, બીબીસી સંવાદદાતા
    • દ્વારા રિપોર્ટિંગ, લખનૌથી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

(નોંધ: આ અહેવાલની કેટલીક વિગતો તમને વિચલિત કરી શકે છે.)

રાતના સાડા 12 વાગ્યા છે. લખનૌનો અલીગંજ વિસ્તાર હજુ પણ લોકોથી ધમધમી રહ્યો છે. અહીં સોમવારે બપોરે લાગેલી ભયાનક આગ વિશે ચર્ચા થઈ રહી છે, જેમાં ગણતરીના કલાકોમાં જ 15 લોકોનાં મોત થઈ ગયાં હતાં. જે ઇમારતમાં આગ લાગી હતી તે હવે કાળી પડી ગયેલા કાટમાળમાં ફેરવાઈ ગઈ છે. પોલીસે સમગ્ર પરિસરને સીલ કરી દીધું છે અને નજીકમાં ભારે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યાં છે.

પરંતુ અકસ્માતની સૌથી દર્દનાક તસવીર ઇમારતની બહાર નહીં, પરંતુ લખનૌની કિંગ જ્યૉર્જ મેડિકલ યુનિવર્સિટીના મૉર્ચરીની અંદર અને બહાર જોવા મળે છે.

એક માતા વારંવાર પોતાના 26 વર્ષના પુત્ર નિલેશનું નામ લઈને રડી રહી છે. નીલેશ કમ્પ્યુટર ગ્રાફિક્સમાં કામ કરતો હતો અને પરિવારની એકમાત્ર આશા હતો.

નજીકમાં ઊભેલા તેના પિતા વારંવાર આઘાતમાં ડગમગી જાય છે. પરિવાર હજુ પણ વિશ્વાસ કરી શકતો નથી કે તેમનો દીકરો, જે તે સવારે ઘરેથી નીકળ્યો હતો, તે ક્યારેય પાછો નહીં આવે.

પિતાને ફોન કરીને જીવ બચાવવા વિનંતી કરી

અકસ્માત, લખનૌ, ઉત્તર પ્રદેશ, અગ્નિ, ગંભીરતા, બાળકો, બીબીસી, ગુજરાતી
ઇમેજ કૅપ્શન, મૃતકોમાં સૌથી નાનો મોહમ્મદ શાજાન હતો, જે 19 વર્ષનો હતો.

મૃતકોમાં સૌથી નાનો 19 વર્ષનો મોહમ્મદ શાઝાન હતો. તેના ભાઈ ઇઝહાર અલી કહે છે કે જ્યારે આગ લાગી ત્યારે શાઝાન બીજા માળે ઍનિમેશનની ટ્રેનિંગ લઈ રહ્યો હતો. "તેણે ફોન કરીને કહ્યું કે તે અંદર ફસાઈ ગયો છે. તે પોતાનો જીવ બચાવવા બાથરૂમમાં ગયો પણ બહાર નીકળી શક્યો નહીં."

22 વર્ષીય અબ્દુલ રહેમાને નવ મહિના પહેલાં જ આઇટી ટૅકનિશિયન તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. તેના મિત્ર શાદાન શેખ કહે છે કે રહેમાનના પિતા લકવાગ્રસ્ત છે અને તેમના પર ઘરની જવાબદારી હતી. તેઓ પરિવાર માટે પૂરતા વળતરની માંગણી કરી રહ્યા છે.

પ્રભુજ્યોત સિંહ તેમના પુત્ર સાથેની છેલ્લી ટેલિફોનિક વાતચીત યાદ કરે છે. તેઓ કહે છે, "મને બપોરે 2 વાગ્યાની આસપાસ મારા પુત્રનો ફોન આવ્યો. તેણે કહ્યું, 'પપ્પા આગ લાગી છે. મને બચાવો, હું અંદર ફસાઈ ગયો છું.' અમે તરત જ ત્યાંથી નીકળી ગયા અને ઍમ્બ્યુલન્સ બોલાવી પરંતુ અમે પહોંચ્યા ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું."

મોટા ભાગના પીડિતો 19થી 30 વર્ષની વયના હતા. આમાં ત્રણ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. કેટલાક ઉત્તર પ્રદેશની બહારના હતા, જેમાં પશ્ચિમ બંગાળ, હરિયાણા અને મધ્ય પ્રદેશનો સમાવેશ થાય છે, જેઓ રોજગાર કે તાલીમ માટે લખનૌ આવ્યા હતા. આ ઘટનામાં 15 લોકોનાં મોત થયાં છે અને નવ લોકો ઘાયલ થયા છે, જેમની ટ્રૉમા સેન્ટરમાં સારવાર ચાલી રહી છે.

કેટલાક લોકોને ઇમારતમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન મળતાં, તેમણે પોતાનો જીવ બચાવવા માટે વીજળી અને ઇન્ટરનેટ કૅબલનો ઉપયોગ કરીને નીચે ઊતરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન કેટલાકને ગંભીર ઇજાઓ થઈ.

બેદરકારીના આરોપો

અકસ્માત, લખનૌ, ઉત્તર પ્રદેશ, અગ્નિ, ગંભીરતા, બાળકો, બીબીસી, ગુજરાતી

મૃતકોના સંબંધીઓ અને સાક્ષીઓનો આરોપ છે કે બિલ્ડિંગમાં સુરક્ષાનાં પગલાં ખૂબ જ અપૂરતાં હતાં. એક સંબંધીનો દાવો છે કે ગેમિંગ ઝોનમાં જવા માટે ફક્ત એક જ મુખ્ય દરવાજો હતો, જે થમ્બ ઇમ્પ્રેશન સિસ્ટમ (અંગૂઠાની છાપ) દ્વારા ખુલતો હતો. આગ લાગ્યા પછી મશીનોએ કામ કરવાનું બંધ કરી દીધું, જેના કારણે ઘણા લોકો બહાર નીકળવાનો રસ્તો શોધી ન શક્યા.

એવા પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે શું ઇમારતમાં પૂરતી અગ્નિ સુરક્ષા વ્યવસ્થા હતી અને શું રાહત તેમજ બચાવકાર્ય સમયસર શરૂ કરવામાં આવ્યું હતું? મૃતકોના કેટલાક સંબંધીઓ પણ અકસ્માતમાં બેદરકારીનો આરોપ લગાવી રહ્યા છે. પ્રભુજ્યોતસિંહ કહે છે, "જો બેદરકારી ન હોત તો આટલા બધા જીવ ન ગયા હોત." આવા આરોપો ફક્ત પરિવારના સભ્યો દ્વારા જ નહીં, પરંતુ ઘટનાસ્થળે હાજર ઘણા પ્રત્યક્ષદર્શીઓ દ્વારા પણ લગાવવામાં આવી રહ્યા છે.

આગ ક્યાંથી અને કેવી રીતે લાગી?

અકસ્માત, લખનૌ, ઉત્તર પ્રદેશ, અગ્નિ, ગંભીરતા, બાળકો, બીબીસી, ગુજરાતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

22 જૂનના રોજ બપોરે અઢી વાગ્યે લખનૌના અલીગંજમાં એક ઇમારતમાં આગ લાગી હોવાના અહેવાલ મળ્યા હતા. તે બે માળની ઇમારત હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ગ્રાઉન્ડ ફ્લોર પર એક પેટ શૉપ (પાલતુ પ્રાણીઓની દુકાન) ચાલતી હતી, જ્યારે પહેલા માળે એક ગેમિંગ અને ઍનિમેશન ટ્રેનિંગ સેન્ટર ચાલતું હતું. ઘણા લોકો ત્યાં કામ કરતા હતા, તેમજ ઍનિમેશન અને ગેમ કૉડિંગ શીખવતા હતા.

એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે આગ પહેલાં ગ્રાઉન્ડ ફ્લોર પર લાગી અને પછી થોડી જ વારમાં આખી ઇમારત તેની લપેટમાં આવી ગઈ. ઘટનાના પ્રત્યક્ષદર્શી અનુરાગ ઓઝાનો દાવો છે કે ફાયર બ્રિગેડની ટીમ આગ લાગ્યાના લગભગ 40 મિનિટ પછી ઘટનાસ્થળે પહોંચી હતી. તેઓ કહે છે, "અમારા પાડોશીએ પણ ફોન કર્યો, કારણ કે આગ તેમના ઘર સુધી પહોંચવાનો ભય હતો. જો પાંચ મિનિટ પણ મોડું થયું હોત તો નજીકની બે ઇમારતો પણ બળી ગઈ હોત."

ઘટનાના શરૂઆતના વીડિયો અને ફોટોમાં ઇમારત સંપૂર્ણપણે આગમાં લપેટાયેલી દેખાય છે. જોકે, આ વીડિયો પરથી ફાયર ફાઇટર્સ ક્યારે ઘટનાસ્થળે પહોંચ્યા તે નક્કી કરી શકાતું નથી. અન્ય એક પ્રત્યક્ષદર્શીએ પણ એવો દાવો કર્યો હતો કે આગ લાગ્યાના લગભગ 40 મિનિટ પછી ફાયર બ્રિગેડનાં વાહનો પહોંચ્યાં હતાં, જેના કારણે વધુ નુકસાન થયું હતું.

અમે આ અંગે લખનૌના ચીફ ફાયર ઑફિસર અંકુશ મિત્તલ સાથે વાત કરી. તેમણે પોતાનો પક્ષ મૂકતાં કહ્યું, "અમને આગની ઘટના અંગેની પ્રથમ સૂચના 2:27 વાગ્યે મળી હતી. કૉલ મળ્યાની બીજી જ મિનિટે અમારી પહેલી ગાડી ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી. અમારો રિસ્પોન્સ ટાઇમ એક મિનિટનો જ હોય છે. અમારી ગાડી અલીગંજ સ્થળ પર 2:45 વાગ્યે પહોંચી. બીજી ગાડી 2:28 વાગ્યે, ત્રીજી 2:31 વાગ્યે રવાના થઈ અને પછી અમારાં વાહનો નિયમિત અંતરાલે ઘટનાસ્થળે રવાના થતાં રહ્યાં."

બીજા એક પ્રત્યક્ષદર્શી કહે છે, "હું મારા રૂમમાં હતો. મને બહારથી ધુમાડો અને કંઈક સળગવાની ગંધ આવી. જ્યારે હું બહાર આવ્યો ત્યારે મેં જોયું કે ઇમારતમાં આગ લાગી હતી. અંદર ફસાયેલા લોકો બારીઓમાંથી મદદ માટે બૂમો પાડી રહ્યા હતા. નજીકમાં હાજર લોકોએ કાચ તોડીને તેમને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આગ એટલી તીવ્ર હતી કે કોઈ મદદ કરી શક્યું નહીં."

દરમિયાન, અરવિંદ નામના અન્ય એક પ્રત્યક્ષદર્શીનું કહેવું છે કે ઇમારતના નીચેના ભાગમાં એક પેટ શૉપ હતો. તેમના મતે, આગ ક્યાંક ત્યાંથી શરૂ થઈ અને પછી ઉપરના માળ સુધી ફેલાઈ ગઈ. વહીવટી તંત્ર અને પોલીસ હવે તપાસ કરી રહ્યાં છે કે આગ શા માટે લાગી અને શું ઇમારતમાં પૂરતા અગ્નિ સલામતીના પગલાં લેવામાં આવ્યાં હતાં?

એસઆઈટીની તપાસ અને કાર્યવાહી

ગઈકાલે મોડી રાત્રે અલીગંજ પોલીસ સ્ટેશનમાં ચાર નામજોગ વ્યક્તિઓ અને એક અન્ય વ્યક્તિ વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી હતી. ચાર નામજોગ વ્યક્તિઓમાં વીરેન્દ્ર શુક્લા, તુષાંક કૃષ્ણ જયસ્વાલ, રામકૃષ્ણ ઉપાધ્યાય અને સુરેશ કુમારનો સમાવેશ થાય છે. રામકૃષ્ણ ઉપાધ્યાય પેટ શૉપના માલિક છે અને વીરેન્દ્ર શુક્લા જે ઇમારતમાં આગ લાગી તેના માલિક છે.

તેમની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023ની કલમ 105, 110,125 અને 3(5) હેઠળ એફઆઇઆર નોંધવામાં આવી છે. આરોપ છે કે ઇમારતમાં અગ્નિ સલામતીનાં પગલાંનો અભાવ હતો, બહાર નીકળવાનો એક જ રસ્તો હતો અને ઇલેક્ટ્રિકલ ઉપકરણો તેમજ એસી સિસ્ટમ બહાર અસુરક્ષિત રીતે સ્થાપિત કરવામાં આવ્યાં હતાં.

મુખ્ય મંત્રીના આદેશ બાદ, આ મામલાની તપાસ માટે એક વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનો માટે વળતરની પણ જાહેરાત કરી છે. રાજ્ય સરકારે આ ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને પાંચ લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 50 હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. તે જ સમયે, વડા પ્રધાન કાર્યાલયે મૃતકોના પરિવારોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાય રકમ આપવાની જાહેરાત કરી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન