ભાજપ નેતા ડૉ. જયનારાયણ વ્યાસે પક્ષમાંથી રાજીનામું કેમ આપ્યું?

જયનારાયણ વ્યાસ

ઇમેજ સ્રોત, Twitter/JayNarayanVyas

પ્રકાશિત

ગુજરાત ભાજપના સિનિયર નેતાઓમાંના એક ડૉ. જયનારાયણ વ્યાસે પક્ષના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપ્યું છે.

શનિવારે સવારે તેમણે સ્થાનિક ચૅનલોના પત્રકારો સાથે વાતચીત કરતાં રાજીનામું આપ્યું હોવાની માહિતી આપી હતી.

સ્થાનિક પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે પાટણ જિલ્લા ભાજપ સમિતિ દ્વારા તેમની સાથે ઓરમાયુ વર્તન કરવામાં આવતું હોવાથી તેમણે રાજીનામું આપ્યું છે.

તેમણે કહ્યું કે, "પક્ષના સિનિયર સભ્ય હોવા છતાં મારે નાની નાની બાબતો માટે છેક પક્ષ પ્રમુખ ચંદ્રકાંતભાઈ પાટીલને રજૂઆત કરવી પડતી હતી. એના કારણે મને એવું લાગતું હતું કે મારે હંમેશા ફરિયાદી તરીકે જ કામ કરવું પડે છે. એનાથી હું કંટાળી ગયો હતો."

આ સાથે તેઓ પોતે આ વિધાનસભાની ચૂંટણીમાં પાટણની સિદ્ધપુર બેઠક પરથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ ક્યા પક્ષમાંથી લડશે? તો તેમણે આગામી સમયમાં આમ આદમી પાર્ટી અથવા તો કૉંગ્રેસમાંથી કોઈ એક પક્ષ પર પસંદગી ઉતારવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ડૉ. જયનારાયણ વ્યાસ છેલ્લા ત્રણ દાયકાથી પણ વધારે સમયથી ભાજપ સાથે સંકળાયેલા છે. તેઓ ગુજરાતના આરોગ્ય મંત્રી રહી ચૂક્યા છે.  

ગ્રે લાઇન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કૉંગ્રેસે 43 ઉમેદવારો જાહેર કર્યા

ગુજરાત કૉંગ્રેસ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. આ સાથે કૉંગ્રેસે 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.

શુક્રવારે દિલ્હીમાં કૉંગ્રેસના નવા ચૂંટાયેલા અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ રાત્રે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી.

આ બેઠક બાદ આમ આદમી પાર્ટીને એક આંચકો પણ લાગ્યો હતો. કૉંગ્રેસમાંથી આપમાં જોડાયેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુ પાછા કૉંગ્રેસમાં જોડાઈ ગયા હતા.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ, 1

ગુજરાતમાં એક અને પાંચ ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન યોજાશે. જ્યારે પરિણામ હિમાચલ પ્રદેશ સાથે આઠ ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

કૉંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારો જાહેર કરવાનું શરૂ કરી દીધું છે. શુક્રવારે આમ આદમી પાર્ટીએ પોતાના મુખ્ય મંત્રીપદના દાવેદાર તરીકે ઈસુદાન ગઢવીની જાહેરાત કરી હતી.

bbc gujarati line

ગોળી વાગ્યા બાદ ઇમરાન ખાન આવ્યા સામે, કહ્યું, ‘ચાર લોકોએ બંધ રૂમમાં મને મારવાનું નક્કી કર્યું’

ઇમરાન ખાન

ઇમેજ સ્રોત, PTI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન અને પાકિસ્તાન તહરીકે ઇન્સાફ પાર્ટીના અધ્યક્ષ ઇમરાન ખાનને તેમની લૉન્ગ માર્ચ દરમિયાન ગોળી વાગ્યા બાદ તેમણે હૉસ્પિટલમાંથી સંબોધન કર્યું હતું.

સૌથી પહેલાં તેમના ડૉક્ટર ફૈસલ સુલ્તાન ખાને તેમના પગનો ઍક્સ-રે બતાવ્યો હતો. તેમના પ્રમાણે ઇમરાન ખાનને પગમાં ચાર ગોળીઓ વાગી છે.

ઇમરાન ખાને કહ્યું કે તેમને પહેલેથી ખ્યાલ હતો કે ગુજરાંવાલા કે વજીરાબાદમાં તેમને મારવાનો પ્રયત્ન કરાશે.

તેમણે કહ્યું કે ચાર લોકોએ બંધ રૂમમાં મને મારવાનું નક્કી કર્યું હતું અને તેમણે એક વીડિયો બનાવીને રાખ્યો છે જેમાં એ ચાર લોકોના નામ રાખવામાં આવ્યા છે.

ઇમરાન ખાને કહ્યું, “તેમણે મને મારવાનો નિર્ણય લીધો. આ લોકોના નામનો વીડિયો મેં બનાવી રાખ્યો છે. મને કંઈ થશે તો તે વીડિયો રીલિઝ કરવામાં આવશે.”

તેમણે અન્ય ત્રણ લોકોના નામ આપીને એમ પણ કહ્યું કે ત્રણ લોકોએ લૉન્ગ માર્ચમાં તેમના પર હુમલો કરવાનું ષડ્યંત્ર રચ્યું હતું.

જે ત્રણ લોકોનો ઇમરાન ખાને ઉલ્લેખ કર્યો, તેમાં પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહ, વડા પ્રધાન શહબાઝ શરીફ અને મેજર જનરલ ફૈસલ નસીર સામેલ છે.

તેમણે પોતાના પર થયેલા હુમલા અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું, “જ્યારે હું કન્ટેનર પર હતો, ત્યારે અચાનક ગોળીઓ વાગી, હું અચાનક નીચે પડ્યો અને બીજી બાજુથી પણ ગોળીઓ ચાલી. ત્યાં બે માણસો ગોળીઓ ચલાવી રહ્યા હતા. હું પડી ગયો હતો. તેથી બેમાંથી એક વ્યક્તિને લાગ્યું કે હું મરી ગયો છું, જેથી તે ચાલ્યો ગયો. જ્યારે એક પકડાઈ ગયો.”

ગ્રે લાઇન

દિલ્હી પ્રદૂષણ : શાળાઓ રહેશે બંધ, સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘દરમિયાનગીરી જરૂરી’

દિલ્હી પ્રદૂષણ

ઇમેજ સ્રોત, Getty Images

દિલ્હીમાં વધતા પ્રદૂષણના સ્તરને લઈને સરકારે શનિવારે પ્રાથમિક શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

દિલ્હીમાં પ્રદૂષણના વધી રહેલા સ્તરને કારણે સામાન્ય લોકોની તબિયત ખરાબ થઈ રહી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.

આ વચ્ચે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ મામલે દરમિયાનગીરી કરવી જરૂરી છે.

કોર્ટે કહ્યું કે તેઓ આ મામલે 10 નવેમ્બરે સુનાવણી હાથ ધરશે.

સુપ્રીમ કોર્ટમાં એક વકીલે દિલ્હીમાં પ્રદૂષણ અંગે તાત્કાલિક સુનાવણી કરવા અરજી કરી હતી.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ, 2

આ વચ્ચે દિલ્હીના એલજી વિનય કુમાર સક્સેનાએ પંજાબના મુખ્ય મંત્રીને પત્ર લખીને પ્રદૂષણ રોકવાની કામગીરી કરવા અપીલ કરી છે.

દિલ્હી સરકારના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે પણ જણાવ્યું છે કે રાજ્ય સરકારના 50 ટકા કર્મચારીઓ ‘વર્ક ફ્રૉમ હોમ’ કરશે.

bbc gujarati line
bbc gujarati line