સંબિત પાત્રાએ કહ્યું 'રાહુલ ગાંધીએ માફી માગવી જોઈએ' – ન્યૂઝ અપડેટ

sambit patra, BJP, rahul gandhi. સંબિત પાત્રા, બીબીસી ગુજરાતી, રાહુલ ગાંધી, ભાજપ, સંસદ

ઇમેજ સ્રોત, Sonu Mehta/Hindustan Times via Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 7 મિનિટ

કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની પ્રેસ કૉન્ફરન્સ પર પ્રતિક્રિયા આપતા ભારતીય જનતા પાર્ટીના સાંસદ સંબિત પાત્રાએ તેમની પર સદન અને સદનની બહાર 'અરાજકતા ફેલાવવાનો પ્રયત્નનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ પોતાના વ્યવહાર માટે દેશ સામે માફી માગવી જોઈએ.

સંબિત પાત્રાએ કહ્યું કે, "રાહુલ ગાંધીએ દેશમાં ફરીથી અરાજકતા ફેલાવવની કુચેષ્ટા કરવાનો પ્રયત્ન સદનમાં કર્યો. જ્યારે તેઓ સદનમાં ફેઇલ થઈ ગયા તો તેમણે બહાર જઈને આ કામ કરવાની કોશિશ કરી. રાહુલ ગાંધીએ આ મામલે માફી માગવી જોઈએ."

રાહુલ ગાંધીના આ આરોપ પર પણ પાત્રાને જવાબ આપ્યો, જેમાં તેમણે કહ્યું હતું કે સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે તેમને વચ્ચે રોક્યા અને બોલવાનો અવસર ન આપ્યો.

ભાજપ સાંસદ સંબિત પાત્રાએ કહ્યું કે, "કિરેન રિજિજૂએ જે બે-ત્રણ લાઇનો પર આપત્તિ વ્યક્ત કરી, તે એકદમ વાજબી હતી. આ આપત્તિએ 'ઇડિયટ' જેવા સંસદીય નિયમો વિરુદ્ધ શબ્દોના ઉપયોગ મામલે હતી, જે સંસદના નિયમો મુજબ સંસદમાં ન કહી શકાય."

"સંસદીય કાર્ય મંત્રી હોવાને કારણે આની પર જવાબ માગવો તેમની જવાબદારી હતી. કિરેન રિજિજૂ ગુસ્સામાં નહોતા. તેમણે શાંત રીતે કહ્યું કે અમે તમને સાંભળવા માગીએ છીએ. કૃપા કરીને ઇડિયટ શબ્દ ન વાપરો કારણ કે સદન સંસદના નિયમો અનુસાર ચાલે છે."

તેમણે કહ્યું કે, "સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે માત્ર એક અપીલ કરી. તેમણે કહ્યું કે રાહુલ જી, કૃપા કરીને બોલો. સત્તા પક્ષના સાંસદોને રાહુલ ગાંધીની વાત ધ્યાનથી સાંભળવાની અપીલ કરી. લોકશાહીની પરંપરાનું આનાથી મોટું ઉદાહરણ શું હોઈ શકે?"

રાહુલ ગાંધીએ પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મામલે અમિત શાહ પર નિશાન સાધ્યું

બીબીસી ગુજરાતી, ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, INC

ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધી એ દાવો કર્યો છે કે તેમણે નજરોનજર જોયું કે અમિત શાહ પોલીસ અધિકારીઓ સાથે ફોન પર વાત કરી રહ્યા હતા

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહી અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું.

તેમણે આરોપ લગાવ્યો કે 20 જુલાઈના રોજ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી અમિત શાહના નિર્દેશ પર કરાઈ હતી.

રાહુલ ગાંધીએ દાવો કર્યો કે તેમણે નજરોનજર જોયું કે અમિત શાહ પોલીસ અધિકારીઓ સાથે ફોન પર વાતચીત કરી રહ્યા હતા.

તેમણે કહ્યું, "મેં નજરોનજર જોયું કે અમિત શાહ પોલીસ અધિકારીઓને કૉલ કરી રહ્યા હતા. મેં એ પણ જોયું કે જિતેન્દ્રસિંહને સતત અમિત શાહના કૉલ આવી રહ્યા હતા. આનો અર્થ એ છે કે તેમને ખબર હતી કે ત્યાં શું થઈ રહ્યું હતું."

રાહુલ ગાંધીએ કહ્યું કે આ મામલામાં બે સંભાવના છે.

તેમણે કહ્યું, "પહેલી સંભાવના એ છે કે અમિત શાહે પૅલેટ ગન ફાયર કરવા અને દંડાવાળી કરવાના આદેશ આપ્યા. જો આવું હોય તો તેઓ દોષિત છે. બીજી સંભાવના એ છે કે તેમને આના વિશે માહિતી નહોતી. જો એવું હોય તો એ ખોટું છે."

નોંધનીય છે કે આ પહેલાં કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્રસિંહે લોકસભામાં કહ્યું હતું કે મંત્રી ગોળી ચલાવવાનો આદેશ નથી આપતા અને પ્રદર્શનકારીઓ પર ગોળી નહોતી ચલાવાઈ.

રાહુલ ગાંધીએ લોકસભામાં અમિત શાહ વિશે એવું શું કહ્યું કે હોબાળો મચી ગયો

રાહુલ ગાંધીએ લોકસભામાં એવું શું કહ્યું કે હોબાળો થઈ ગયો – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Sansad TV

પેપરલીક સાથે જોડાયેલા 'પબ્લિક એક્ઝામિનેશન પ્રિવેન્શન ઑફ અનફેર મીન્સ ઍમેન્ડમેન્ટ વિધેયક, 2026' પર ચર્ચા દરમિયાન વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં એવું કહ્યું જેને કારણે સત્તા પક્ષ અને વિપક્ષો વચ્ચે હોબાળો મચી ગયો.

રાહુલ ગાંધીએ આરોપ લગાવતા કહ્યું, "ગૃહમંત્રી અમિત શાહે વિદ્યાર્થીઓ પર ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો. ગૃહમંત્રીની એટલી હિંમત નથી કે તેઓ ગૃહમાં આવીને બેસે. મેં જોયું કે 30 કારોના કાફલામાં ગૃહમંત્રી કાંપતા બેઠા હતા. ગૃહમંત્રી આજે અહીં કેમ નથી? તેમણે વિદ્યાર્થીઓ પર શૂટિંગનો આદેશ આપ્યો હતો."

તેના પર ગૃહમાં ઘણો હંગામો થયો. સત્તાપક્ષના સાંસદોએ તેમની પાસે માફી માગવાનો આગ્રાહ રાખ્યો.

હંગામાને કારણે રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ ભાષણ નહીં આપે. પછી તેઓ બેસી ગયા. સંસદીય કાર્યમંત્રી કિરન રિજિજૂએ આગ્રહ કર્યો કે તેઓ એ શબ્દનો પ્રયોગ ન કરે અને ભાષણ ચાલુ રાખે.

ગૃહની કાર્યવાહીમાંથી રાહુલ ગાંધીના કેટલાક પ્રયોગ કરાયેલા શબ્દો રેકૉર્ડમાંથી હઠાવી દેવામાં આવ્યા છે. દરમિયાન લોકસભાની કાર્યવાહી બપોરે અઢી વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

યુક્રેનમાં કાર્ગો જહાજ પર થયેલા હુમલામાં બે ભારતીય નાવિકો સુરક્ષિત, અન્ય બેની શોધ ચાલી રહી છે

યુક્રેનમાં કાર્ગો જહાજ પર થયેલા હુમલામાં બે ભારતીય નાવિકો સુરક્ષિત, દૂતાવાસે શું કહ્યું? - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

યુક્રેનસ્થિત ભારતીય દૂતાવાસે કાર્ગો જહાજ એમવી એજીએન રાગ્નર પર થયેલા હુમલા અંગે નિવેદન જારી કર્યું છે.

દૂતાવાસે ઍક્સ પર જારી નિવેદનમાં જણાવ્યું છે કે "એમવી એજીએન રાગ્નર સાથે જોડાયેલા ઘટનાક્રમ પર અમે સતત નજર રાખી રહ્યા છે. આ જહાજ કાલે ઓડેસા બંદર પર હુમલાની ચપેટમાં આવ્યું હતું."

નિવેદન અનુસાર, 25 જુલાઈના રોજ તેના પર હુમલો થયો હતો.

બ્લૅક સીમાં સ્થિત ઓડેસા યુક્રેનનું સૌથી મોટું બંદર છે અને 2022મા શરૂ થયેલા રશિયા-યુક્રેન યુદ્ધ બાદ તે અનેક વખત નિશાને આવ્યું છે.

દૂતાવાસે વધુમાં લખ્યું, "જહાજ પર ચાર ભારતીયો સવાર હતા, તે પૈકી બેના સુરક્ષિત હોવાની પુષ્ટિ થઈ ગઈ છે, બાકીના બે વિશેની જાણકારી મેળવાઈ રહી છે."

દૂતાવાસે એમ પણ કહ્યું કે તેમની ભાળ મેળવવા માટે અભિયાન ચાલી રહ્યું છે અને તેઓ આ મામલે સંબંધિત અધિકારીઓના સંપર્કમા છે.

જાપાનમાં ભૂકંપને કારણે મૃત્યુઆંક વધીને 13 થયો, જુઓ તસવીરો

જાપાનમાં ભૂકંપને કારણે મૃત્યુઆંક વધીને 13 થયો, જુઓ તસવીર – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Reuters

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જાપાનનાં વડાં પ્રધાન સનેઈ તકાઇચીએ જણાવ્યું છે કે ભૂકંપને કારણે દેશમાં 13 લોકોનાં મોત થયાં છે.

ઉલ્લેખનીય છે કે દક્ષિણ જાપાનમાં મંગળવારે 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવવાને કારણે ભય ફેલાયો હતો. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ભૂકંપ બાદ કુમામોટોસ્થિત એક શૉપિંગ મૉલમાં ઘણા લોકો ફસાયા હતા. જેમાં ઘણા લોકોના ઘાયલ થયાના સમાચાર છે.

વડાં પ્રધાન સનાઈ તકાઇચીએ કહ્યું કે રાહત અને બચાવદળો "સમય સામેની દોડ" લગાવી રહ્યા છે.

આ ભૂકંપ મંગળવારે સ્થાનિક સમય અનુસાર સાંજે 4:27 વાગ્યે ક્યુશૂ દ્વીપના આંતરિક વિસ્તારમાં આવ્યો હતો. અમેરિકન ભૂગર્ભ સર્વેક્ષણએ તેની તીવ્રતા 6.8 દર્શાવી છે.

ભૂકંપના કારણે કુમામોટો શહેરના એક શૉપિંગ મૉલમાં ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા છે. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે મૉલનો બીજો માળ તૂટી પડ્યો હતો.

જાપાનના અધિકારીઓએ જણાવ્યું કે મૉલમાં ઘણા લોકો ગુમ છે, જ્યારે એક ફૅક્ટરીની ચિમની ધરાશાયી થતાં ઘણા લોકો ઘાયલ થયા છે.

કુમામોટો પ્રાંતીય પ્રશાસન અનુસાર 9,872 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

લગભગ 36,700 ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો છે.

બુધવારે સવારે સ્થિતિ અંગે માહિતી આપતાં વડાં પ્રધાન તકાઇચીએ મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને આપાતકાલીન સેવાઓના પ્રયાસોની પ્રશંસા કરી.

તેમણે કહ્યું, "હજી પણ ઘણા લોકો બચાવની રાહ જોઈ રહ્યા છે. આ સમય સામેની દોડ છે."

પ્રશાસને લોકોને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી દૂર રહેવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. બચાવ દળો કાટમાળમાં ફસાયેલા લોકોની શોધ માટે સતત અભિયાન ચલાવી રહ્યા છે.

જાપાનમાં ભૂકંપને કારણે મૃત્યુઆંક વધીને 13 થયો, જુઓ તસવીર – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, JIJI Press / AFP via Getty Images

ભૂકંપ સ્થાનિક સમયાનુસાર લગભગ સાંજે 4.27 કલાકે જાપાનના ક્યૂશૂ દ્વીપની અંદરના ભાગે નોંધાયો હતો. ભૂકંપ બાદ સૂનામીની ચેતવણીની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ તે એક કલાક બાદ પરત લેવાઈ.

જાપાનમાં ભૂકંપને કારણે મૃત્યુઆંક વધીને 13 થયો, જુઓ તસવીર – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Fire and Disaster Management Agency

પ્રશાસને સાવચેતીના ભાગરૂપે 1.5 લાખથી વધારે લોકોને સુરક્ષિત સ્થળોએ અને રાહત શિબિરોમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે. રાહત અને બચાવદળની ટુકડી પ્રભાવિત વિસ્તારમાં રૅસ્ક્યૂ કામ કરી રહી છે.

જાપાનમાં ભૂકંપને કારણે મૃત્યુઆંક વધીને 13 થયો, જુઓ તસવીર – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઉલ્લેખનીય છે કે જાપાન દુનિયાના સૌથી વધુ ભૂકંપ પ્રભાવિત દેશોમાં સામેલ છે. અહીં વર્ષે સરેરાશ 1,500 ભૂકંપ કે ભૂકંપના આંચકા નોંધાય છે.

જાપાનમાં ભૂકંપને કારણે મૃત્યુઆંક વધીને 13 થયો, જુઓ તસવીર – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઈરાને મધ્યપૂર્વમાં અમેરિકાનાં ઠેકાણાં પર 'અચાનક હુમલો' કર્યો

અમેરિકન સેનાનું કહેવું છે કે તેણે બધી મિસાઇલોને સફળતાપૂર્વક ઇન્ટરસેપ્ટ કરી નાખી છે બીબીસી ન્યૂઝ અપડેટ બીબીસી ગુજરાતી સમાચાર ગુજરાત ઈરાન ઇઝરાયલ અમેરિકા યુદ્ધ મધ્યપૂર્વ હોર્મુઝ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકન સેનાનું કહેવું છે કે તેણે બધી મિસાઇલોને સફળતાપૂર્વક ઇન્ટરસેપ્ટ કરી નાખી છે

અમેરિકન સેનાએ દાવો કર્યો છે કે ઈરાને મધ્યપૂર્વમાં તેનાં ઠેકાણાં પર 'અચાનક હુમલો' કર્યો છે અને અનેક બૅલેસ્ટિક મિસાઇલો છોડી છે.

અમેરિકન સેનાનું કહેવું છે કે તેણે બધી મિસાઇલોને સફળતાપૂર્વક ઇન્ટરસેપ્ટ કરી નાખી છે.

અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ અનુસાર, હુમલો મંગળવારે સાંજે થયો. સંભવિત ટાર્ગેટ કે ઠેકાણાંની માહિતી સાર્વજનિક કરાઈ નથી.

તેના જવાબમાં અમેરિકા અને સાઉદી અરેબિયાની સેનાએ પૂર્વીય ઇરાકમાં ઈરાન સમર્થિત 'આતંકવાદી ઠેકાણાં' પર સંયુક્ત કાર્યવાહી કરી છે.

સેન્ટકૉમે કહ્યું કે આ કાર્યવાહી છેલ્લા 72 કલાકમાં અમેરિકન ઠેકાણાં પર થયેલા 30 ડ્રૉન હુમલાના જવાબમાં કરાઈ છે, જેની પાછળ ઈરાનનું સમર્થન હોવાનો આરોપ છે.

તહેરાને હજુ સુધી આ આરોપો કે કથિત મિસાઇલ હુમલા પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી.

આ જવાબી હુમલો એવા સમયે થયો છે, જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે કેટલાક દિવસોથી સીધો હુમલો થયો નથી અને વાતચીત ફરી શરૂ થવાની આશા સેવાઈ રહી હતી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ઈરાન સાથે 'બહુ મૈત્રીપૂર્ણ વાતચીત' થવાની વાત કરી હતી.

આ તાજી ઘટનાઓએ બંને દેશ વચ્ચે બનેલી અસ્થાયી શાંતિને ફરીથી જોમમમાં નાખી દીધી છે અને મધ્યપૂર્વમાં તણાવ ફરી વધે તેવી આશંકા પેદા થઈ છે.

ટ્રમ્પે ચીન પર લગાવ્યો આ પ્રતિબંધ, આ ટૅક્નૉલૉજીને સુરક્ષા માટે 'મોટો ખતરો' ગણાવી

ટ્રમ્પે ચીન પર લગાવ્યો આ પ્રતિબંધ, આ ટૅક્નૉલૉજીને સુરક્ષા માટે 'મોટો ખતરો' ગણાવી

ઇમેજ સ્રોત, Getty Images

ટ્રમ્પ પ્રશાસને મંગળવારે અમેરિકામાં નવા હ્યુમનોઇડ રોબૉટોની આયાત પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે.

પ્રશાસને જણાવ્યું કે આ રોબૉટો દેશની રાષ્ટ્રીય સુરક્ષા માટે 'જોખમ' ઊભું કરી શકે છે, જેને સ્વીકારી શકાય નહીં.

આ પ્રતિબંધ અદ્યતન રોબૉટો પર લાગુ પડશે, જેમાં હ્યુમનોઇડ અને ચાર પગવાળા રોબૉટો સામેલ છે. આવા ઘણા રોબૉટોનું ઉત્પાદન ચીનમાં થાય છે.

ચીન અને અમેરિકા હાલમાં રોબૉટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રમાં આગવી સ્થિતિ મેળવવા માટેની હરીફાઈમાં છે.

અમેરિકન ફેડરલ કમ્યુનિકેશન્સ કમિશન (FCC) એ પાવર ઇન્વર્ટરની આયાત પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. ઇન્વર્ટરનો ઉપયોગ ડેટા સેન્ટર અને સોલાર પેનલોમાં થાય છે.

FCCનું કહેવું છે કે આ ઉપકરણો અમેરિકાની અર્થવ્યવસ્થા અને મહત્ત્વપૂર્ણ આધારભૂત માળખા માટે જોખમ ઊભું કરી શકે છે.

FCCના અધ્યક્ષ બ્રેન્ડન કારે જણાવ્યું કે એજન્સી 'અમેરિકાની મહત્ત્વપૂર્ણ સપ્લાય ચેઇનને સુરક્ષિત બનાવવાની' પોતાની જવાબદારી નિભાવી રહી છે.

FCCએ આ રોબૉટો અને ઇન્વર્ટરોને પોતાની 'કવર્ડ લિસ્ટ'માં સામેલ કરી લીધાં છે.

આ યાદીમાં એવી વસ્તુઓ અને સેવાઓનો સમાવેશ કરવામાં આવે છે, જેમને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે સંભવિત ખતરો માનવામાં આવે છે.

હાલ સુધી ચીન તરફથી આ મુદ્દે કોઈ સત્તાવાર ટિપ્પણી સામે આવી નથી.

ગુલવીરસિંહે રચ્યો ઇતિહાસ, 10,000 મીટરની દોડમાં સિલ્વર મેડલ જીતનારા પહેલા ભારતીય

ગુલવીરસિંહે રચ્યો ઇતિહાસ, 10,000 મીટરની દોડમાં સિલ્વર મેડલ જીતનારા પહેલા ભારતીય

ઇમેજ સ્રોત, Michael Steele/Getty Images

ભારતના સ્ટાર દોડવીર ગુલવીરસિંહે ગ્લાસ્ગોમાં ચાલી રહેલા કૉમનવેલ્થ ગેમ્સમાં મંગળવારે ઇતિહાસ રચ્યો.

2026 કૉમનવેલ્થ ગેમ્સમાં પુરુષોની 10.000 મીટર સ્પર્ધામાં સિલ્વર મેડલ જતીને આ ઇવેન્ટમાં પદક હાંસલ કરનારા તેઓ પહેલા ભારતીય બની ગયા.

27 વર્ષના ગુલવીરસિંહે 27 મિનિટ અને 49.78 સેકન્ડનો સમયમાં આ આંતર કાપીને બીજા સ્થાને રહ્યા.

આ સ્પર્ધાનો સુવર્ણ ચંદ્રક ઑસ્ટ્રેલિયાના કાઈ રૉબિન્સને જીત્યો, જ્યારે કે ડેવિડ મુલાર્કીએ કાસ્ય પદક પ્રાપ્ત કર્યો.

આ સાથે ભારતના કુલ મેડલ્સની સંખ્યા 12 પહોંચી ગઈ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન