અમદાવાદ: ડૉક્ટરોએ દોઢ વર્ષથી શ્વાસનળીમાં ફસાયેલો દાંત વાઢકાપ વિના કેવી રીતે બહાર કાઢ્યો?

બીબીસી ગુજરાતી, ગુજરાત,  અમદાવાદ, અમદાવાદ સિવિલ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 3 મિનિટ

તાજેતરમાં અમદાવાદ સિવિલમાં કોઈ પણ જાતની વાઢકાપ વિના એક જટિલ સર્જરી કરાઈ હોવાની વાત ખૂબ ચર્ચાસ્પદ બની હતી.

આ સર્જરી કરનારા નિષ્ણાત તબીબોની ટીમે એક 47 વર્ષીય દર્દીની શ્વાસનળીમાં દોઢ વર્ષ પહેલાં ફસાઈ ગયેલો દાંત બહાર કાઢીને તેમને શ્વાસ લેવામાં થતી તકલીફ અને વધતી ઉધરસની પીડામાંથી મુક્તિ અપાવી હતી.

આ નિષ્ણાત ડૉક્ટરોનું માનવું છે કે બાળક હોય કે પુખ્ત વ્યક્તિ, જો તૂટેલો દાંત ભૂલથી ગળી જવાય અને એ શ્વાસનળીમાં ફસાઈ જાય તો ફેફસાંમાં ચેપ લાગવાનું જોખમ રહે છે, તેમજ જો આ દાંત અન્નનળીમાંથી પસાર થઈને આંતરડાંમાં ફસાય તો ઊલટી અને કેટલાક કિસ્સામાં આંતરડાં અથવા અન્નનળીમાં ચાંદાં પડવાની સંભાવના હોય છે.

બીબીસી ગુજરાતીએ નિષ્ણાત ડૉક્ટરોની ટીમે કરેલી આ સર્જરી અને તેમાં રહેલાં જોખમો અંગે વિગતવાર વાત કરી હતી.

દાંત દર્દીની શ્વાસનળીમાં જઈને કેવી રીતે ફસાઈ ગયો?

બીબીસી ગુજરાતી, ગુજરાત,  અમદાવાદ, અમદાવાદ સિવિલ

ઇમેજ સ્રોત, Ahmedabad Civil Hospital

ઇમેજ કૅપ્શન, પંચમહાલના દર્દીની શ્વાસનળીમાં દોઢ વર્ષથી ફસાયેલો રહ્યો પોતાનો જ દાંત, જે આખરે અમદાવાદ સિવિલના નિષ્ણાત ડૉક્ટરોની ટીમે બહાર કાઢ્યો હતો

પંચમહાલના 47 વર્ષીય બળવંત રાઠવા છૂટક કામ કરે છે.

તેઓ દાંતની તકલીફથી પીડાતા હતા, પરંતુ તેમણે ક્યારેય આ તકલીફ પર ઝાઝું ધ્યાન આપ્યું નહોતું.

તેમણે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "પહેલાં દાંત હલતો હતો, દુખાવો થતો, પણ મેં ઝાઝું ધ્યાન ન દીધું. મને લાગતું હતું કે તે તૂટીને નીકળી જશે, પણ દોઢ વર્ષ પહેલાં પાણી પીતાં પીતાં આ દાંત ગાળામાં ભરાઈ ગયો."

"શરૂઆતમાં ઉધરસ થતી, પણ બીજી કોઈ તકલીફ નહોતી, પરંતુ સમય સાથે ઉધરસ વધવા લાગી. પાછલા બે માસથી મને શ્વાસ લેવામાં પણ તકલીફ પડવા લાગી હતી, હું કામ કરી શકતો નહોતો, થોડું પણ ચાલું તો શ્વાસ ચડતો અને હાંફી જતો."

તેઓ કહે છે કે, "શરૂઆતમાં મેં પંચમહાલના દવાખાનામાં સારવાર લીધી, પણ કાંઈ ફરક ના પડ્યો, જોકે, મને સરકારી હૉસ્પિટલના ડૉકટરે કહ્યું આ દાંત ફસાવવાને કારણે થયેલી તકલીફ છે, અને એનું ધ્યાન નહીં રખાય તો ફેફસાંમાં ચેપ લાગશે. બાદમાં મને પંચમહાલના ડૉક્ટરે અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં દવા કરાવવાની સલાહ આપી. અમદાવાદ આવીને સારવાર કરાવતાં અને દાંત કાઢી લેવાતા હવે મારી તકલીફ દૂર થઈ ગઈ છે."

શું કહે છે ડૉક્ટર?

બીબીસી ગુજરાતી, ગુજરાત,  અમદાવાદ, અમદાવાદ સિવિલ

ઇમેજ સ્રોત, Ahmedabad Civil Hospital

ઇમેજ કૅપ્શન, અમદાવાદ સિવિલ હૉસ્પિટલના પલ્મોનરી ડિપાર્ટમેન્ટના (ફેફસાં સંબંધિત રોગોનો વિભાગ) વડા ડૉ. નલિન શાહ

અમદાવાદ સિવિલ હૉસ્પિટલના પલ્મોનરી ડિપાર્ટમેન્ટના (ફેફસાં સંબંધિત રોગોનો વિભાગ) વડા ડૉ. નલિન શાહે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે જ્યારે બળવંતભાઈ તેમની પાસે આવ્યા ત્યારે તેમને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડી રહી હતી.

"ટેસ્ટ કરાવતા માલૂમ પડ્યું કે તેમની શ્વાસનળીમાં દાંત ફસાઈ ગયો છે. આ એક ખૂબ જ દુર્લભ કેસ હતો. દોઢ વર્ષ પહેલાં દાંત ગળી ગયા હોવાને કારણે એ દાંત હવે સ્વાભાવિકપણે જ શ્વાસનળીની નાજુક માસંપેશીઓમાં ફિક્સ થઈ ગયો હતો."

તેઓ કહે છે કે આ કેસમાં ડૉક્ટરોની ટીમોએ નક્કી કર્યું હતું કે ગળામાં ચીરો મૂકીને આ કિસ્સામાં ઑપરેશન નહીં કરાય, કારણ કે આવું કરવામાં ચેપ લાગવાનું અને કેસ બગડવાનું જોખમ હતું.

"ઉપરાંત દર્દીની ઉંમર પણ માત્ર 47 વર્ષની હોઈ અમે નાક વાટે કૅમેરા અને એક નાનો ચીપિયો ઉતારી ઑપરેશન કરવાનું નક્કી કર્યું."

બીબીસી ગુજરાતી, ગુજરાત,  અમદાવાદ, અમદાવાદ સિવિલ

ઇમેજ સ્રોત, Ahmedabad Civil Hospital

ઇમેજ કૅપ્શન, અમદાવાદ સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમદાવાદ સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "જો મોટી ઉંમરના લોકો દાંત ગળી જાય અને તે અન્નનળી વાટે પેટમાં જતો રહે તો સામાન્ય રીતે તે મળ વાટે બે-ત્રણ દિવસમાં બહાર આવી જાય છે."

"જોકે, દાંતનો ટુકડો અન્નનળી વાટે જઠરમાં ગયો હોય તો કેટલીક વખત અન્નનળીના ભાગને છોલી નાખીને ચાંદાંનું કારણ બને છે અને મળમાર્ગ વાટે બહાર ન નીકળે અને પેટમાં ફસાઈ જાય તો તેવા કિસ્સામાં મળમાં લોહી પડી શકે છે."

તેઓ આ સ્થિતિની મુશ્કેલીઓ અંગે આગળ જણાવતાં કહે છે, "જો દાંત નાના-મોટા આંતરડામાં ફસાઈ ગયો હોય તો ઊલટી થવાની સંભાવના પણ રહે છે. પરંતુ જો આવો દાંત શ્વાસનળી વાટે ફેફસામાં ઊતરી જાય તો તેમાં ગંભીર ચેપ લાગવાની પણ સંભાવના રહે છે અને ફેફસાં નબળાં પણ પડી શકે છે."

ડૉ. જોશી કહે છે કે બાળકોમાં આવા સંજોગ બનવાની સંભાવના ઓછી હોય છે, છતાં જો ક્યારેક આવું બન્યાની શંકા માતાપિતાને થાય તો તરત તબીબી સલાહ લેવી જોઈએ.

"કારણ કે બાળકને આવી સ્થિતિની ગંભીરતાનો ખ્યાલ નથી હોતો. આવો કિસ્સો બન્યાની શંકા હોય ત્યારે બાળકમાં ઊલટી કે મળમાં લોહી નીકળવા જેવાં લક્ષણો દેખાય ત્યારે ચેતી જવું જોઈએ અને તરત ડૉક્ટરની મદદ લેવી જોઈએ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન