ભારતમાં એકે-47નું આગમન ક્યારે થયું? શું પોલીસ આવાં શસ્ત્રો વાપરી શકે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, એકે-47,  પોલીસ, બિહાર પોલીસ

ઇમેજ સ્રોત, @yadavtejashwi

    • લેેખક, ચંદનકુમાર જજવાડે
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

કલાશ્નિકોવ એસૉલ્ટ રાઇફલ, એટલે કે, એકે-47ની ગણના વિશ્વનાં સૌથી લોકપ્રિય હથિયારોમાં થાય છે. તે રાઇફલ પ્રમાણમાં સસ્તી હોય છે અને તેનું ઉત્પાદન અને જાળવણી કરવી પણ સરળ છે.

આથી જ એશિયા અને આફ્રિકા જેવા ખંડોનાં ગેરિલા સંગઠનો દ્વારા તેમજ ઘણા દેશોનાં લશ્કરો દ્વારા તેનો વ્યાપક સ્તરે ઉપયોગ થતો આવ્યો છે.

એવું માનવામાં આવે છે કે, સમગ્ર વિશ્વમાં 10 કરોડ કરતાં વધુ કલાશ્નિકોવ રાઇફલ્સનું વેચાણ થઈ ચૂક્યું છે.

બિહારના સિવાન જિલ્લામાં એક પોલીસ કૉન્સ્ટેબલ દ્વારા એકે-47 રાઇફલ વડે હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાના બનાવ પછી વર્તમાન સમયમાં આ રાઇફલ ચર્ચામાં છે.

ગત 25મી જુલાઈના રોજ સિવાન જિલ્લામાં બિહાર પોલીસના એક કૉન્સ્ટેબલે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી સાથે વિરોધ પ્રદર્શન કરી રહેલાં વિદ્યાર્થીઓનાં ટોળાં તરફ એકે-47 રાઇફલ વડે ફાયરિંગ કર્યું હતું અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો હતો.

બીબીસી ગુજરાતી, ગુજરાત, એકે-47,  પોલીસ, બિહાર પોલીસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એકે-47 એ સમગ્ર વિશ્વના વિવિધ દેશોનાં સુરક્ષા દળોથી લઈને ઉગ્રવાદી સંગઠનો તથા સશસ્ત્ર જૂથોની સૌથી માનીતી રાઇફલ છે (ફાઇલ તસવીર)

એકે-47થી ફાયરિંગ કરવાનો આ કિસ્સો એટલો વિવાદાસ્પદ બન્યો કે, બિહાર પોલીસની એસઆઇટીના કૉન્સ્ટેબલ અભિષેક પટેલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

આ હથિયારને ઘણું ખાસ ગણવામાં આવે છે અને તેનો ઉપયોગ કોઈ સામાન્ય હથિયારોની જેમ કરવામાં આવતો નથી. આથી જ, સિવિલ પોલીસ દ્વારા એકે-47 વડે કરવામાં આવેલું ફાયરિંગ નોંધપાત્ર વિવાદનો વિષય બન્યું છે.

સિવાન જિલ્લાના પોલીસ દ્વારા એકે-47થી ફાયરિંગ કરવાના મુદ્દા પર સ્થાનિક જિલ્લા મેજિસ્ટ્રેટ (ડીએમ) વિવેક રંજન મૈત્રેયે જણાવ્યું હતું, "તેમની પાસે તેનો આદેશ ન હતો, તેમણે હવામાં પણ ફાયરિંગ નહોતું કરવું જોઈતું. તેમણે જાહેરમાં આવું હથિયાર પાસે નહોતું રાખવું જોઈતું. તેઓ ફસાઈ ગયા હતા, તેઓ બીજે ક્યાંક જઈ રહ્યા હતા અને ત્યાં ફસાઈ ગયા."

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જોકે, આ વિવાદ હજુ પણ ઉકેલાયો નથી. રાજદના નેતા તેજસ્વી યાદવ અને પક્ષના અન્ય નેતાઓ આ મામલા વિશે સવાલો ઉઠાવી રહ્યા છે.

તે પછી, અમે કેટલાક એવા અધિકારીઓ સાથે વાત કરી, જેઓ વિવિધ ઑપરેશન્સમાં એકે-47 રાઇફલ સાથે સંકળાયેલા રહ્યા છે. સાથે જ આપણે એ જાણવાની પણ કોશિશ કરીશું કે, આ ગન શા માટે આટલી બધી લોકપ્રિય છે અને ભારતમાં તેનો ઉપયોગ કરવાની શરૂઆત ક્યારથી થઈ? શું આ ગનનો ઉપયોગ કરવા માટે સિવિલ પોલીસ માટે કોઈ માર્ગદર્શિકા છે કે નહીં?

અરુણ કુમાર ભૂતપૂર્વ આઇપીએસ અધિકારી છે. તેઓ ઉત્તર પ્રદેશમાં ઘણા ચાવીરૂપ હોદ્દાઓ પર સેવા બજાવી ચૂક્યા છે. આ ઉપરાંત તેમણે કુખ્યાત ગુનેગાર શ્રીપ્રકાશ શુક્લાને ઝડપી લેવા માટે રચવામાં આવેલી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)ની ટીમનું નેતૃત્વ પણ કર્યું હતું.

અરુણ કુમાર કહે છે, "પોલીસ કે સુરક્ષા દળોને ભીડ અથવા તો વિરોધ પ્રદર્શનોને કાબૂમાં લેવા માટે ઓછામાં ઓછા બળનો પ્રયોગ કરવાની તાલીમ આપવામાં આવે છે, તેમના માટે ચેતવણી આપવાની જોગવાઈ છે. આવા કિસ્સામાં, ફાયર આર્મ્સ (અગ્નિલશસ્ત્રો)નો ઉપયોગ છેલ્લો વિકલ્પ બની રહે છે."

તેઓ આગળ સમજાવે છે, "સૌથી પહેલાં તો લોકોને સ્થળ છોડીને જતા રહેવાની ચેતવણી આપવામાં આવે છે. એ પછી વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવે છે. જો તેમ કર્યા પછી પણ ભીડ કાબૂમાં ન આવે, તો ટિયર ગૅસના શેલ છોડવામાં આવે છે. તે પછી લાઠી ચાર્જનો સહારો લેવામાં આવે છે."

તેઓ ઉમેરે છે કે, જો ભીડ હિંસક સ્વરૂપ ધારણ કરે કે હુમલા કરે અને એવું લાગે કે તેઓ હત્યા પણ કરી શકે તેમ છે, તો પછી પોતાનો જીવ બચાવવા માટે ટોળાંને વિખેરવા માટે હવામાં ગોળીબાર કરી શકાય છે. તે છેલ્લો ઉપાય હોય છે.

ભૂતપૂર્વ આઇપીએસ અધિકારી રાજેશ પાંડે કહે છે, "સિવાનમાં જે બન્યું, તે યોગ્ય નહોતું. વળી, નૈતિક રીતે પણ આમ કરવું યોગ્ય નથી. તે ટોળાં પાસે શસ્ત્રો ન હતાં, આથી કોઈપણ પોલીસ માટે હવામાં ફાયરિંગ કરવું ઉચિત નથી."

એકે 47: એક ખાસ શસ્ત્ર કેમ છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, એકે-47,  પોલીસ, બિહાર પોલીસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એકે-47 એ વિશ્વની સૌથી લોકપ્રિય એસૉલ્ટ રાઇફલોમાંની એક છે. આ ફોટો 1979માં ઉત્તર ઇરાકમાં લેવામાં આવ્યો હતો

અવતોમત કલાશ્નિકોવ રાઇફલની શોધ રશિયાના મિખાઇલ કલાશ્નિકોવ દ્વારા 1947માં કરવામાં આવી હતી. આ રાઇફલ દુનિયાભરનાં સુરક્ષા દળો, સશસ્ત્ર જૂથો તથા કુખ્યાત ગુનાખોર ટોળકીઓમાં ભારે લોકપ્રિયતા ધરાવે છે.

રાજેશ પાંડે કહે છે, "હું 2008-09માં યુનાઇટેડ નેશન્સના શાંતિ રક્ષા (પીસકીપિંગ) મિશન માટે કોસોવો ગયો હતો. ત્યાં અમને ઘણાં આધુનિક શસ્ત્રો વાપરવાની તાલીમ આપવામાં આવી હતી, પણ એકે-47ની તોલે કોઈ શસ્ત્ર આવી શકે એમ નથી."

" તેનો હુમલો અત્યંત ઘાતક હોય છે અને તેને ચલાવવું સાવ સરળ છે. તેનું નિશાન પણ એકદમ અચૂક હોય છે."

તેઓ આગળ કહે છે, "જો તે રાઇફલ 200 કે 300 મીટરના અંતરેથી પણ યોગ્ય જગ્યા પર વાગે, તો માણસનો જીવ લઈ શકે છે. જ્યારે જૂનાં નાનાં શસ્ત્રોની રેન્જ ફક્ત 30થી 40 મીટર જેટલી જ હોય છે."

અરુણ કુમાર કહે છે, "એકે 47 ફાયર કરવાના બે વિકલ્પો હોય છે. જો તેને "S" (સિંગલ) પર સેટ કરવામાં આવે, તો તે નિયંત્રિત ફાયરિંગ કરે છે, એટલે કે, તે એક શૉટમાં માત્ર એક બુલેટ જ છોડે છે."

અને જો તેને "R" પર અર્થાત્ રિપીટ મોડ પર સેટ કરવામાં આવે, તો એક જ વખત ટ્રિગર દબાવવાથી તેનાં બધાં મેગેઝિન ખાલી થઈ જાય છે.

ઑટોમેટિક મોડમાં તે એકસામટા 30 રાઉન્ડ ફાયર કરી શકે છે. જોકે, અમુક કિસ્સાઓમાં હવે એકસાથે બે મેગેઝિનનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો અર્થ એ કે, એક જ ફાયરમાં 60 રાઉન્ડ છૂટે છે.

રાજેશ પાંડે જણાવે છે, "એકે-47નો અવાજ ઘણો જ ખાસ હોય છે. આ રાઇફલથી પરિચિત હોય, એવી કોઈપણ વ્યક્તિ માત્ર અવાજ સાંભળીને જ કહી શકશે કે, તે ફાયરિંગ એકે-47 વડે કરવામાં આવ્યું હતું."

અરુણ કુમાર આગળ કહે છે, "જ્યારે એકસામટી એક કરતાં વધારે ગોળીઓ ચલાવવી પડે એમ હોય, તેવાં ખાસ ઑપરેશન્સમાં આવું થતું હોય છે."

"ઉદાહરણ તરીકે, કોઈ યુદ્ધ, આતંકવાદી હુમલા કે અપહરણના કેસમાં જ્યારે કુખ્યાત ગુનેગારો પાસે ઘાતકી હથિયારો હોય, ત્યારે આ પ્રકારની રાઇફલનો ઉપયોગ કરવામાં આવે છે."

તેઓ કહે છે, "તેનો "R" મોડ કદીયે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો નથી."

"અમને એક ગોળી (બુલેટ)થી એક દુશ્મનને મારવાની તાલીમ આપવામાં આવે છે. અમે ગોળીઓનો બગાડ કરતા નથી."

"નાગરિકો દુશ્મનો નથી, આથી, આનો ઉપયોગ તેમની સામે કરવામાં આવતો નથી.

એકે-47 ક્યારે ભારતમાં પ્રવેશી?

બીબીસી ગુજરાતી, ગુજરાત, એકે-47,  પોલીસ, બિહાર પોલીસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અફઘાનિસ્તાનમાં સોવિયેટ યુનિયનની દરમિયાનગીરીથી એકે-47 1970ના દાયકામાં ભારતના તે પાડોશી દેશમાં પહોંચી હતી અને પછીથી ભારતમાં તેનું આગમન થયું હતું (ફાઇલ તસવીર)

રાજેશ પાંડે સમજાવે છે કે, ભારતમાં એકે-47ની લોકપ્રિયતા અફઘાનિસ્તાનમાં સોવિયેટ યુનિયનની લશ્કરી દરમિયાનગીરીના સમયથી શરૂ થઈ હતી. તે સમય 1970ના દાયકાના ઉત્તરાર્ધનો હતો, જ્યારે સોવિયેટ રશિયાના સૈનિકો એકે-47 રાઇફલોથી સજ્જ થઈને અફઘાનિસ્તાનમાં પહોંચ્યા હતા.

આ હથિયાર ભારતના પાડોશી દેશમાં પહોંચ્યા પછી લોકોએ તેની અસર જોઈ અને ભારતમાં પણ તે લોકપ્રિય થવા માંડ્યું.

ભારતમાં આ શસ્ત્ર સૌપ્રથમ ઉત્તર પૂર્વનાં રાજ્યો તેમજ સરહદી રાજ્યોના ઉગ્રવાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં તહેનાત લશ્કર, અર્ધસૈનિક દળો તથા પોલીસકર્મીઓને આપવામાં આવ્યાં હતાં. નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં સશસ્ત્ર જૂથોનો સામનો કરવા માટે ત્યાંની પોલીસને પણ એકે-47 રાઇફલો આપવામાં આવી હતી.

રાજેશ પાંડે આગળ કહે છે, "1980ના દાયકાના અંતમાં આ હથિયાર પંજાબ પોલીસ અને ઉત્તર-પૂર્વીય રાજ્યોની પોલીસને આપવામાં આવ્યું હતું."

"તેની સાથે જ, નકસલ પ્રભાવિત પ્રદેશોની પોલીસને પણ એકે-47 રાઇફલો આપવામાં આવી હતી, તે પછી જમ્મુ અને કાશ્મીરની પોલીસને પણ આ શસ્ત્ર મળ્યું."

પંજાબ તથા જમ્મુ અને કાશ્મીર નોખા પ્રકારની સરહદ ધરાવે છે.

1980ના દાયકામાં ખાસ કરીને પંજાબ સંવેદનશીલ રાજ્ય હતું અને પછીથી સશસ્ત્ર અલગતાવાદી જૂથો કાશ્મીરમાં સક્રિય થયાં હતાં.

રાજેશ પાંડે કહે છે, "દક્ષિણ ભારતમાં, ચંદન ચોર વીરપ્પનને ઝડપી લેવા માટે એસટીએફ (સ્પેશિયલ ટાસ્ક ફોર્સ)ની રચના થઈ હતી અને ટાસ્ક ફોર્સને એકે-47 આપવામાં આવી હતી."

"આ તરફ ઉત્તર પ્રદેશમાં પણ તરાઈના પ્રદેશોમાં શીખ ઉગ્રવાદને પહોંચી વળવા માટે રાજ્ય પોલીસને એકે-47 આપવામાં આવી હતી."

"પ્રકાશ સિંહ તે સમયે અમારા ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (ડીજીપી) હતા."

ભારતમાં એકે-47 સાથે જોડાયેલી સૌથી ચર્ચાસ્પદ ઘટના

બીબીસી ગુજરાતી, ગુજરાત, એકે-47,  પોલીસ, બિહાર પોલીસ

ઇમેજ સ્રોત, SABY DSOUZA/AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, 1993ના મુંબઈ બૉમ્બ વિસ્ફોટ પછી એક હાઇ-પ્રોફાઇલ કેસમાં અભિનેતા સંજય દત્તને આર્મ્સ ઍક્ટ હેઠળ જેલવાસની સજા ફટકારવામાં આવી હતી (ફાઇલ ફોટો)

ભારતમાં કલાશ્નિકોવ રાઇફલ વ્યક્તિગત ધોરણે પાસે રાખવાનો સૌથી જાણીતો કિસ્સો કદાચ ફિલ્મ અભિનેતા સંજય દત્તનો છે.

12મી માર્ચ, 1993ના રોજ મુંબઈમાં શ્રેણીબદ્ધ બૉમ્બ વિસ્ફોટો થયા, જેમાં ઘણાં લોકો માર્યા ગયા.

તપાસ દરમિયાન ધરપકડ કરવામાં આવેલા આરોપીઓની પૂછપરછના આધારે 19મી એપ્રિલ, 1993ના રોજ મુંબઈ પોલીસે ગેરકાયદેસર હથિયાર રાખવા બદલ સંજય દત્તની ધરપકડ કરી હતી.

પોલીસે તેમના ઘરની જડતી લેવા દરમિયાન ત્યાંથી એકે-56 રાઇફલ જપ્ત કરી હતી. 28મી નવેમ્બર, 2006ના રોજ સંજય દત્ત આર્મ્સ ઍક્ટ હેઠળ દોષિત ઠર્યા હતા, પણ તેમને ટાડાના તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.

રાજેશ પાંડે આગળ કહે છે, "એકે-56 રાઇફલ એકે-47 જેવી જ છે. તે પણ કલાશ્નિકોવ એસૉલ્ટ રાઇફલ જ છે, બસ તે થોડી વધારે ઍડવાન્સ્ડ (આધુનિક) છે. તેની લોકપ્રિયતાનો અંદાજ એ હકીકત પરથી આંકી શકાય છે કે, આજે પણ જ્યારે તમે અફઘાનિસ્તાન કે બીજા કોઈપણ દેશનાં સશસ્ત્ર જૂથોની તસવીરો કે વીડિયો જોશો, ત્યારે તમને તે લોકો પાસે એકે-47 રાઇફલ જ જોવા મળશે."

"તેનો ઉપયોગ માત્ર હુમલો કે બચાવ કરવા માટે નહીં, પણ સાથે-સાથે શક્તિનું પ્રદર્શન અને ઉજવણી કરવા માટે પણ થાય છે."

"જ્યારે અમે કોસોવોમાં હતા, ત્યારે કોસોવોએ તેની સ્વતંત્રતાની જાહેરાત કરી હતી અને મોટી સંખ્યામાં લોકો ઘરની છતો પર ચઢી ગયા હતા અને કલાશ્નિકોવ રાઇફલોથી ફાયરિંગ કરીને આઝાદીની ઉજવણી કરી હતી."

બીબીસી ગુજરાતી, ગુજરાત, એકે-47,  પોલીસ, બિહાર પોલીસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પશ્ચિમ આફ્રિકાના એક સશસ્ત્ર જૂથ પાસે કલાશ્નિકોવ રાઇફલ્સ, 1972

ભારતમાં એકે-47 રાઇફલ સાથે જોડાયેલી એક જાણીતી ઘટના 17મી ડિસેમ્બર, 1995ની રાતે બની હતી. રશિયાના એન્ટોનોવ એએન-26 વિમાને કરાચીથી ઢાકા જવા ઉડાન ભરી હતી.

આઠ પેસેન્જરોને લઈને જઈ રહેલા પ્લેને વારાણસીના બાબતપુર ઍરપોર્ટ પર ઈંધણ ભર્યું હતું.

ઉડાન ભર્યા પછી તે વિમાને પશ્ચિમ બંગાળના પુરુલિયાના આકાશમાંથી પેરાશૂટ સાથે બાંધેલાં લાકડાનાં ત્રણ મોટાં બોક્સ નીચે ફેંક્યાં હતાં, જેની અંદર સેંકડો એકે-47 રાઇફલો હતી. આ ઘટના દેશભરના અખબારોની હેડલાઇન બની હતી.

પછીથી તપાસમાં એવો ઘટસ્ફોટ થયો હતો કે, આ પૈકીની કેટલીક એકે-47 રાઇફલો બિહાર અને ઉત્તર પ્રદેશ સાથે સંકળાયેલા અપરાધીઓ સુધી પણ પહોંચી હતી.

તેમાંથી ઉત્તર પ્રદેશના નામચીન ગુનેગાર શ્રીપ્રકાશ શુક્લાનું નામ પણ મહત્વનું છે, જેને પકડવા માટે 1998માં એસટીએફની રચના કરવામાં આવી હતી અને તે એસટીએફને પણ એકે-47 રાઇફલ આપવામાં આવી હતી.

અરુણ કુમાર કહે છે, "અગાઉ, પોલીસ પાસે 303 ગન રહેતી હતી. તે બીજા વિશ્વયુદ્ધ સમયનું શસ્ત્ર હતું."

"તે સમયે, સામાન્ય લોકો અથવા તો સામાન્ય અપરાધીઓ પાસે સામાન્યપણે અગ્નિ શસ્ત્રો નહોતાં. એ સમયમાં 'આતંકવાદ' એટલો વકર્યો નહોતો."

તેમણે જણાવ્યું હતું કે, સમય બદલાવા સાથે સુરક્ષા દળોને એસએલઆર અને અન્ય આધુનિક ટેકનૉલૉજીથી સજ્જ ગન આપવાનું શરૂ થયું.

એકે-47 રાઇફલો પહેલાં સ્પેશિયલ ઑપરેશન્સ સાથે જોડાયેલાં સશસ્ત્ર દળો અને અર્ધસૈનિક દળોને આપવામાં આવી હતી અને તે પછી સિવિલ પોલીસને પણ ખાસ હેતુ માટે આવાં શસ્ત્રો આપવામાં આવ્યાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન