ગુજરાત : ગાય-ભેંસના દૂધના ભાવ 36 વાર વધ્યા, પણ ઊંટડીના દૂધની કિંમત 9 વર્ષથી કેમ નથી વધી?

કચ્છ, ઊંટ, ઊંટનું દૂધ, દૂધના ભાવ, માલધારી, કચ્છ ગુજરાત, બીબીસી ગુજરાતી, દૂધની બનાવટ, દૂધ પ્રોડક્ટ

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, ઊંટડીના દૂધને કેનમાં રેડી રહેલા હભુભાઈ રબારી
    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા
    • દ્વારા રિપોર્ટિંગ, કચ્છથી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 8 મિનિટ

જુલાઈ મહિનાના વાદળછાયા વાતાવરણમાં રાતના આઠેક વાગ્યે કચ્છ જિલ્લામાં પાકિસ્તાનની સરહદ નજીક આવેલા માંડવી તાલુકાના ગઢશીશા ગામમાં ઘેરાતા અંધારામાં શ્રી માકપટ વિસ્તાર ઊંટ ઉછેરક માલધારી સહકારી મંડળીની ઑફિસમાં લાઇટ ઝગમગી રહી હતી.

વરસાદના છાંટા વચ્ચે અંધારાને ચીરીને માલધારીઓ મોટરસાઇકલ પર ચાર-ચાર કેનમાં બગલાની પાંખ જેવું સફેદ દૂધ લઈને આ ખાસ મંડળીએ આવે છે. 21 જુલાઈ, 2026ના રોજ આ જ રીતે ચાર કેન લઈને હભુભાઈ રબારી નામના એક માલધારી આ મંડળીએ પહોંચી ગયા.

હભુભાઈ ગઢશીશાથી 40 કિલોમીટર દૂર મુન્દ્રા તાલુકાના મોટા ભાડિયા ગામેથી 85 લીટર દૂધ લઈને આવ્યા હતા. તેમાંથી 35 લિટર તેમનું હતું અને 50 લીટર રાણાભાઈ રબારી નામના અન્ય એક માલધારીએ મોટા ભાડિયા નજીક આવેલા નાની ખાખર ગામેથી મોકલાવ્યું હતું.

હભુભાઈએ લાવેલા દૂધને મંડળીના એક કર્મચારીએ ચકાસ્યું. તેમાં 3.8 ટકા ફેટ એટલે કે ઘી અને 7.2 ટકા સૉલિડસ-નોટ-ફેટ (SNF) એટલે કે ઘી સિવાયના ઘન પદાર્થો દેખાતા કર્મચારીએ દૂધને નિશ્ચિત ધારાધોરણ મુજબનું ગણાવ્યું અને હભુભાઈના ફોનમાં એક એસએમએસ મોકલ્યો. તેમાં લખ્યું હતું કે તેમના તરફથી ઊંટડીનું 35 લીટર દૂધ મળ્યું અને 50 રૂપિયા પ્રતિ લીટરના ભાવે તેમને 1750 રૂપિયા મળવાપાત્ર છે.

કચ્છ, ઊંટ, ઊંટનું દૂધ, દૂધના ભાવ, માલધારી, કચ્છ ગુજરાત, બીબીસી ગુજરાતી, દૂધની બનાવટ, દૂધ પ્રોડક્ટ

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, ઊંટડીના દૂધના કેન પોતાના મોટરસાઇકલમાં બાંધી રહેલ હભુભાઈ રબારી

મંડળીએ દૂધ લઈ લીધું એટલે હભુભાઈએ મોટરસાઇકલ પાછું મારી મૂક્યું અને 50 કિલોમીટરનું અંતર કાપીને મોટા ભાડિયા પાસે આવેલા વાંઢ ગામમાં તેમના ઘરે રાત્રે નવ વાગ્યે પહોંચ્યા. સવારે સાડા પાંચ વાગ્યે ઊઠીને હભુભાઈ મોટા ભાડિયાની સીમમાં એક ખેડૂતની વાડીમાં તેમના 60 ઊંટે જ્યાં રાતવાસો કર્યો હતો ત્યાં પહોંચી ગયા. ત્યાં તેમના તેમના પિતરાઈ રામભાઈ પહેલાં જ પહોંચી ગયા હતા અને ગોવાળ હાજાભાઈ રબારીએ ઊંટ સાથે જ રાત વિતાવી હતી.

ઝરમર વરસાદ વચ્ચે ઊંટડીઓ દોહી, દૂધને બે કેનમાં ભરી હભુભાઈ ફરીથી ગઢશીશા તરફ નીકળ્યા. લગભગ દસેક કિલોમીટર દૂર બિદડા ગામે રાણાભાઈના ભાઈ દેવાભાઈ તેમની રાહ જોતા હતા. સવારના સમયે ગઢશીશા સુધી દૂધ પહોંચાડવાનો વારો રાણાભાઈનો હતો. તેથી હાભુભાઈએ તેમના બંને કેન દેવાભાઈને આપી દીધા.

ઊંટના ભાંગેલા અર્થતંત્રમાંથી કયા નવા રસ્તાની ખોજ છે?

કચ્છ, ઊંટ, ઊંટનું દૂધ, દૂધના ભાવ, માલધારી, કચ્છ ગુજરાત, બીબીસી ગુજરાતી, દૂધની બનાવટ, દૂધ પ્રોડક્ટ

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, ગઢશીશામાં માકપટ વિસ્તાર ઊંટ ઉછેરક માલધારી સહકારી મંડળી સંચાલિત ઊંટડીના દૂધનું ખરીદ કેન્દ્ર

પરંપરાગત રીતે ઊંટ દૂધાળા પશુ કરતાં માલ-સામાનની હેરફેર કરતાં પશુ તરીકે વધારે જાણીતા છે. પરંતુ હવે સંજોગો બદલાઈ ગયા છે. ભારતમાં ઊંટની વસ્તીમાં છેલ્લા ત્રણ દાયકામાં કડાકો બોલી ગયો છે.

ભારત સરકારના પશુપાલન વિભાગના આકડા અનુસાર દેશમાં 1997માં ઊંટની વસ્તી 9.10 લાખ હતી. 2012માં તે માત્ર ચાર લાખ થઈ થઈ. 2019માં વસ્તી વધારે ઘટીને માત્ર 2.5 લાખ થઈ ગઈ. આમ, એક દાયકા કરતાં ઓછા સમયમાં વસ્તીમાં 37 ટકાનો ઘટાડો થયો. તેમાં પણ નર ઊંટોની વસ્તીમાં તો 56 ટકા કરતાં પણ વધારે ઘટાડો થયો. 2012થી 2019 વચ્ચે નર ઊંટોની વસ્તી 1.90 લાખથી ઘટીને માત્ર 80,000 થઈ ગઈ.

20મી પશુવસ્તી ગણતરીના આંકડા મુજબ ગુજરાતમાં વર્ષ 2019માં ઊંટની વસ્તી 27,620 હતી. તેમાંથી, 9053 એટલે કે ત્રીજા ભાગની વસ્તી એકલા કચ્છ જિલ્લામાં નોંધાઈ હતી.

કચ્છના માલધારીઓના કલ્યાણ માટે કામ કરતી કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન નામની સંસ્થા વર્તમાન પ્રમુખ આશાભાઈ રબારી કહે છે કે કચ્છમાં હાલ આશરે 12000 કચ્છી ઊંટ અને આશરે 2000 ખારાઈ ઊંટ છે અને અંદાજે 350 માલધારી પરિવારો ઊંટ ઉછેર સાથે સંકળાયેલા છે.

40 વર્ષીય હભુભાઈ કહે છે કે તેઓ 12 વરસના હતા ત્યારથી ઊંટ પાલનનું કામ કરી રહ્યા છે. તેમનો પરિવાર પરંપરાગત રીતે ઊંટ ઉછેરક રહ્યો છે. હભુભાઈ કહે છે કે તેમના દાદા અને તેના બે ભાઈઓ પાસે એક સમયે 700 ઊંટ હતા અને એક જમાનામાં તેમનો પરિવાર દર વર્ષે આશરે 50 નર ઊંટ વેચી આજીવિકા રળતો હતો, પરંતુ હવે માંડ પાંચ નર ઊંટ તેઓ વેચી શકે છે.

કચ્છ, ઊંટ, ઊંટનું દૂધ, દૂધના ભાવ, માલધારી, કચ્છ ગુજરાત, બીબીસી ગુજરાતી, દૂધની બનાવટ, દૂધ પ્રોડક્ટ

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, ખારાઈ ઊંટ પાળતા કાનાભાઈ રબારી કહે છે કે હવે નર ઊંટ વેચાતા નથી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ખારાઈ જાતિના ઊંટ રાખતા વાંઢ ગામના જ માલધારી કાનાભાઈ રબારી કહે છે કે અત્યારે નર ઊંટના કોઈ ભાવ પૂછતું નથી. "પહેલાના સમયમાં 3500થી ચાલુ કરીને 20,000 હજાર સુધીમાં નર વેચતા. પણ હવે ટ્રેક્ટર આવી ગયા, બીજી ગાડીઓ આવી ગઈ એટલે નર ઊંટને લેવા કોઈ તૈયાર નથી," એમ તેઓ કહે છે.

કેન્દ્ર સરકારના પશુપાલન અને ડેરી વિભાગે સપ્ટેમ્બર 2025માં ઊંટ વિષે એક સરકારી નીતિ તૈયાર કરવાના ભાગરૂપે પ્રસિદ્ધ કરેલ એક પૉલિસી પેપરના મુસદ્દામાં જણાવ્યું, "ઊંટની પડતીનું મુખ્ય કારણ તેની પરંપરાગત આર્થિક ભૂમિકાનું થયેલું ધોવાણ છે. ઐતિહાસિક રીતે 'રણનું જહાજ' કહેવાતા ઊંટ એક સમયે ભારતના સૂકા વિસ્તારોમાં વાહનવ્યવહાર, ખેતી અને પાણીને ખેંચવાનાં કામોમાં અનિવાર્ય ગણાતા, પરંતુ ઝડપી આધુનિકીકરણે તેમની આ ઉપયોગિતાને સમાપ્ત કરી દીધી છે. ટ્રેક્ટર અને અન્ય યાંત્રિક સાધનો હવે આ કામો કરતાં થઈ ગયાં છે... એક સમયે માલસામાનની હેરફેર માટે ખૂબ મૂલ્યવાન ગણાતા નર ઊંટનું બજાર 1990ના દાયકાના અંત સુધીમાં ભાંગી પડ્યું હતું."

આવા સંજોગોમાં કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન અને અમૂલ ડેરીની સભ્ય તેવી કચ્છની સરહદ ડેરી ઊંટને દૂધ આપનાર પશુમાં રૂપાંતરિત કરી ઊંટોની કચ્છી અને ખારાઈ પ્રજાતિઓ અને તેમનો ઉછેર કરનાર રબારી અને જત સમાજના માલધારીઓની આજીવિકાને બચાવવા મથામણ કરી રહ્યા છે.

આશાભાઈ બીબીસીને જણાવે છે, "વર્ષો પહેલા જયારે ઊંટડીનું દૂધ નહોતું વેચાતું ત્યારે માલધારીઓ નર ઊંટ વેચીને ગુજરાન ચલાવતા હતા. પણ હવે ઊંટડીનું દૂધ જ માલધારીઓ માટે આવકનો મુખ્ય સ્રોત બની ગયો છે."

ચરિયાણની તંગી અને ઊંટની સંખ્યામાં ઘટાડો

કચ્છ, ઊંટ, ઊંટનું દૂધ, દૂધના ભાવ, માલધારી, કચ્છ ગુજરાત, બીબીસી ગુજરાતી, દૂધની બનાવટ, દૂધ પ્રોડક્ટ

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, નાની ખાખર ગામે એક ખેતરમાં રાણાભાઈ રબારીના કચ્છી ઊંંટોનું ચરી રહેલું એક ટોળું

હભુભાઈ કહે છે કે ચરિયાણની તંગી પણ ઊંટની વસ્તીમાં ઘટાડાનું એક કારણ છે. તેઓ કહે છે, "ઊંટને ચરવા માટે જંગલ અને ખેતર ફરતે કરવામાં આવતી વાડ જોઈએ. હવે ફોરેસ્ટવાળા જંગલમાં અમને જવા દેતા નથી. ખેડૂતો વાડ કાપીને તેની જગ્યાએ તાર ફૅન્સિગ કરી રહ્યા છે. ગૌચરમાં ગાંડા બાવળ વધી ગયા છે. તેથી, ઊંટ માટે ચરિયાણ ઘટ્યાં છે. તેથી, ચારાની શોધમાં અમારા ઊંટોના ટોળાએ દરરોજ સરેરાશ 10 કિલોમીટર ચાલે ત્યારે ધરાય છે. ચરિયાણ ઘટતા અમારે ઊંટોની સંખ્યા પણ ઘટાડવી પડી છે."

20મી પશુ ગણતરીના સત્તાવાર આંકડા અનુસાર કચ્છમાં ગૌવંશની વસ્તી 5.74 લાખ અને ભેંસોની વસ્તી 4.66 લાખ નોંધાઈ હતી. સરહદ ડેરી કચ્છમાં ગામ લેવલની 900થી વધારે મંડળીઓ દ્વારા આશરે 80000 પશુપાલકો પાસેથી દૈનિક સરેરાશ 5.5 લાખ લીટર ગાય-ભેંસનું દૂધ ખરીદે છે.

આ ડેરીએ 1 સપ્ટેમ્બર, 2017થી કચ્છના ઊંટ ઉછેરકો પાસેથી ઊંટડીનું દૂધ ખરીદવાનું ચાલુ કર્યું હતું, પરંતુ ઊંટડીના દૂધની ખરીદી માટે ડેરીએ ગઢશીશા, કોટડા ચકાર, નખત્રાણા અને રાપર એમ માત્ર ચાર જ જગ્યાએ દૂધ ખરીદ કેન્દ્રો ખોલ્યાં છે.

તેના કારણે ચારા માટેનો રઝળપાટ ઊંટ ઉછેરકો માટે પ્રશ્નો ઊભા કરી રહ્યા છે. આશાભાઈ બીબીસીને જણાવે છે, "ઊંટને કોઈ એક જગ્યાએ બાંધી નીરણ નાખીએ તો તે ખાતા નથી. તેને ચરવા માટે દરરોજ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા પડે છે. પરિણામે માલધારીઓને ક્યારેક 100 કિલોમીટર દૂર દૂધ આપવા જવું પડે છે અને દરરોજ 400 કિલોમીટરની મુસાફરી કરવી પડે છે. આના કારણે મોંઘવારીના આ જમાનામાં માલધારીઓનો કલેક્શન સેન્ટરે દૂધ પહોંચાડવાનો ખર્ચ વધતો જાય છે."

ઊંટ ઉછેરકો ભાવવધારો કેમ માગી રહ્યા છે?

કચ્છ, ઊંટ, ઊંટનું દૂધ, દૂધના ભાવ, માલધારી, કચ્છ ગુજરાત, બીબીસી ગુજરાતી, દૂધની બનાવટ, દૂધ પ્રોડક્ટ

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનના પ્રમુખ આશાભાઈ રબારી

સરહદ ડેરીએ ઊંટડીના દૂધની ખરીદી કરવાનું ચાલુ કર્યું ત્યારે પ્રતિ લિટર રૂપિયા 50 નક્કી કર્યો હતો. નવ વર્ષમાં તેમાં કોઈ ફેરફાર નથી કરાયો. તેની સામે આ જ સમયગાળા દરમિયાન સરહદ ડેરીએ ગાય-ભેંસના દૂધની ખરીદ કિંમતમાં 36 વાર વધારો કર્યો છે.

છેલ્લો વધારો 16 જૂન 2026ના રોજ કરવામાં આવ્યો હતો. ડેરીના ચૅરમૅન વલમજી હુંબલ કહે છે કે જાન્યુઆરી 2017માં ગાય-ભેંસના દૂધની ખરીદ કિંમત 620 રૂપિયા પ્રતિ કિલો ફેટ હતી તે હાલ 840 રૂપિયા છે.

ઊંટ પાલકો કહે છે કે મોંઘવારી તેમને પણ નડે છે.

આશાભાઈ કહે છે, "સરહદ ડેરીએ ઊંટડીનું દૂધ ખરીદવાનું ચાલુ કર્યું ત્યારથી ઊંટ ઉછેરક માલધારીઓના જીવનમાં સારું પરિવર્તન આવ્યું છે. સતત રખડતું-ભટકતું જીવન જીવવાને બદલે તેમના પરિવાર હવે એક જગ્યાએ સ્થાયી થઈ જીવન જીવતા થયા છે, પરંતુ આ નવ વરસ દરમિયાન પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે. મોંઘવારી પણ વધી છે. તેથી, માલધારીઓની માગણી છે કે દૂધની ખરીદ કિંમત વધે."

કચ્છ, ઊંટ, ઊંટનું દૂધ, દૂધના ભાવ, માલધારી, કચ્છ ગુજરાત, બીબીસી ગુજરાતી, દૂધની બનાવટ, દૂધ પ્રોડક્ટ

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, રાજકોટના એક અમૂલ પાર્લરમાં ખરીદી કરી રહેલી મહિલા

હભુભાઈ કહે છે કે દૂર સુધી દૂધ જાતે પહોંચાડવાનું હોવાથી માલધારીઓને પેટ્રોલનો ખર્ચ વધતો જાય છે. તેઓ કહે છે, "એક ઊંટડી દરરોજ ચાર લિટરથી દસ લિટર જેટલું દૂધ આપે છે અને મેં ઊંટડીનું દૂધ ચાર રૂપિયે વેચતા જોયું છે. સરહદ ડેરીએ 2017-18માં ઊંટડીનું દૂધ લેવાનું ચાલુ કર્યું ત્યારે બજારમાં ભાવ 15થી 20 રૂપિયા હતો. સરહદ ડેરીએ 50 રૂપિયાના ભાવે ઊંટડીનું દૂધ ખરીદવાનું ચાલુ કર્યું એટલે અમને ફાયદો ચોક્કસ ફાયદો થયો છે."

"પરંતુ હવે જો 50 લિટર દૂધ થતું હોય અને તેને 50 કિલોમીટર દૂર આપવા જવું પડે તો મોંઘવારીના કારણે અડધું તો પેટ્રોલમાં જાય. મહિને 15000થી 17000 રૂપિયા પેટ્રોલના કાઢવા પડે છે. એક ગોવાળ રાખી તેને 15000થી 17000 પગાર આપીએ. એટલે મહિને 30,000-35000 તો કાઢી નાખવાના. પછી જે વધે તે ધણીનું."

સરહદ ડેરી કેમ ભાવ નથી વધારતી?

કચ્છ, ઊંટ, ઊંટનું દૂધ, દૂધના ભાવ, માલધારી, કચ્છ ગુજરાત, બીબીસી ગુજરાતી, દૂધની બનાવટ, દૂધ પ્રોડક્ટ

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, અમૂલ દ્વારા વેચવામાં આવતા ઊંટડીના દૂધની બૉટલ અને ચોકલેટ સાથે સરહદ ડેરીના પ્રમુખ વલમજીભાઈ હુંબલ

વલમજીભાઈ કહે છે કે ઊંટડીના દૂધને પ્રોસેસ કરી તેમાંથી વિવિધ વસ્તુઓ બનાવવા માટેનો પ્લાન્ટ નાખવા તેમ જ ચાર મિલ્ક કલેક્શન સેન્ટર્સમાં બલ્ક મિલ્ક કુલર્સ સ્થાપવા માટે ડેરીએ અંદાજે છ કરોડ રૂપિયાનું રોકાણ કરેલું છે. સરહદ ડેરીએ ઊંટડીના દૂધની ખરીદી શરૂ કર્યાં બાદ અમૂલે ઊંટના દૂધ, દૂધનો પાવડર, આઇસ્ક્રીમ અને ચોકલેટ બનાવી તેનું વેચાણ કરી રહી છે.

અમૂલના ઉપપ્રમુખ રહી ચૂકેલા વલમજીભાઈ કહે છે કે સરહદ ડેરી અત્યારે ઊંટ ઉછેરકો પાસેથી દૈનિક ધોરણે સરેરાશ 5000 લીટર દૂધ ખરીદે છે અને વાર્ષિક ધોરણે સરેરાશ 10 કરોડ રૂપિયા ચૂકવે છે.

"જયારે ઊંટડીના દૂધની ખરીદી ચાલુ કરવાની વિચારણા ચાલતી હતી ત્યારે અમૂલના અધિકારીઓએ દૂધનો ભાવ પ્રતિ લિટર 35થી 40 રૂપિયા રાખવા સૂચન કર્યું હતું, પરંતુ કચ્છના ઊંટ ઉછેરક માલધારીઓ અને તેમના ઊંટને બચાવી લેવાના ઉદ્દેશથી અમે તે સલાહને અવગણી ભાવ સીધો 50 રૂપિયા નક્કી કર્યો. તે સમયે બજારમાં ઊંટડીનું દૂધ 20 રૂપિયાના ભાવે વેચાતું હતું. એ દૃષ્ટિએ સરહદ ડેરીએ ભાવ પહેલાથી જ ઘણો ઊંચો આપ્યો છે," વલમજીભાઈ કહે છે.

જો ઊંટના દૂધની ખરીદ કિંમત તેમાં રહેલા સરેરાશ 2.5 ટકા ફેટ અને 6.8 ટકા SNFને ધ્યાનમાં રાખીને જ નક્કી કરવામાં આવે તો તે 2000 રૂપિયા પર કિલો ફેટ થાય. ભેંસના દૂધની હાલની ખરીદ કિંમત 840 પ્રતિ કિલો ફેટ છે. આમ, ઊંટના દૂધની હાલની ખરીદ કિંમત ભેંસના દૂધની ખરીદ કિંમત કરતાં લગભગ અઢી ગણી વધારે છે.

ચૅરમૅન ઉમેરે છે કે સરહદ ડેરીએ ખોટ ખાઈને પણ માલધારીઓને ઊંચો ભાવ ચૂકવવાનું ચાલુ રાખ્યું છે.

તેઓ કહે છે, "ઊંટડીના દૂધમાં ઔષધીય ગુણો છે. તેમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન વધારતા પ્રોટીન્સ હોવાથી ડાયાબિટીસવાળી વ્યક્તિઓ માટે તે ઘણું ઉત્તમ છે, પરંતુ ગ્રાહકો તરફથી ઊંટડીના દૂધ કે તેમાંથી બનાવેલી વસ્તુઓને અપેક્ષા મુજબનો પ્રતિસાદ મળ્યો નથી. ગયા વર્ષે ઊંટડીના દૂધની ખરીદ કિંમતમાં અમૂલે પાંચ રૂપિયાનો ઘટાડો કર્યો હતો. આ બધાં પરિબળોને કારણે સરહદ ડેરીને વર્ષે એકાદ કરોડ રૂપિયાની ખોટ સહન કરવી પડે છે. તેમ છતાં સરહદ ડેરીએ તે ઘટાડાને માલધારીઓ પર નાખ્યો નથી. પરંતુ હાલના સંજોગોમાં તેની ખરીદ કિંમતમાં વધારો કરી શકાય તેમ નથી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન