You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બંગાળની ખાડીમાં ફરી સર્જાઈ નવી સિસ્ટમ, ગુજરાતમાં ફરી આ તારીખથી વરસાદ વધશે?
ગુજરાતમાં ઑગસ્ટના અંત અને સપ્ટેમ્બરની શરૂઆતમાં પડેલા ભારે વરસાદ બાદ હાલ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે.
સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનાની 20 તારીખની આસપાસ ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય છે પરંતુ આ વર્ષે બંગાળની ખાડી સતત સક્રિય છે. અહીં એક બાદ એક સિસ્ટમો બની રહી છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ફરી વધુ એક લૉ-પ્રેશર એરિયા બંગાળની ખાડીમાં બન્યો છે અને તેની અસર ભારતનાં અનેક રાજ્યોમાં થવાની શક્યતા છે.
આ સિસ્ટમ બન્યા બાદ હજી વધારે મજબૂત બનશે અને તે પશ્ચિમ બંગાળ પરથી આગળ વધીને મધ્ય ભારત પર આવે તેવી સંભાવના છે.
બીજી તરફ હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં પણ ઘણા વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે.
બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત તરફ આવશે?
હવામાન વિભાગના કહેવા પ્રમાણે દક્ષિણ-પશ્ચિમ બાંગ્લાદેશ પાસેની બંગાળની ખાડીમાં રહેલી સિસ્ટમ આગળ વધીને હાલ વેલમાર્ક્ડ લૉ-પ્રેશરે એરિયા બની ગયો છે.
હવે તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધીને આ સિસ્ટમ પશ્ચિમ બંગાળની નજીક આવશે અને વધારે મજબૂત બનવાની શક્યતા છે. તાજેતરમાં બંગાળની ખાડીમાં બનેલી આ ચોથી સિસ્ટમ એવી છે જે ડિપ્રેશન બનશે.
જે બાદ આ સિસ્ટમ આગળ વધીને ઝારખંડ પર આવવાની શક્યતા છે અને ત્યાંથી આગળ વધીને તે મધ્ય ભારત પર આવે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજી તરફ ગુજરાત અને રાજસ્થાનના વિસ્તારોમાં હાલ વરસાદે વિરામ લઈ લીધો છે અને જો કોઈ સિસ્ટમ ના આવે તો અહીંના વિસ્તારોમાં વરસાદ ફરીથી વધવાની સંભાવના ઓછી છે.
વિવિધ હવામાન મૉડલો હાલની બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશન મામલે વિવિધ ટ્રેક દર્શાવે છે, જેમાં કેટલાંક મુજબ તે મધ્ય પ્રદેશ પર આવીને નબળી પડી જશે અને ગુજરાતમાં તેની ઓછી અસર થશે.
જ્યારે હવામાન વિભાગના મૉડલ પ્રમાણે આ સિસ્ટમ ગુજરાતની નજીક પહોંચી શકે છે અને ફરીથી રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે.
જોકે, મોટા ભાગનાં હવામાનનાં મૉડલમાં લાંબાગાળાની આગાહી સચોટ હોતી નથી. આગામી ત્રણ કે ચાર દિવસની સ્થિતિ વધારે સચોટ રીતે જાણી શકાતી હોય છે. આ સિસ્ટમ ખરેખર ગુજરાત પર આવશે કે નહીં તે માટે હજી થોડા સમયની રાહ જોવી પડશે.
હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમની અસર બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ પર વધારે થવાની શક્યતા છે. આગામી 15થી 16 સપ્ટેમ્બર સુધી આ રાજ્યોમાં વધારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે. જો આ સિસ્ટમ ગુજરાત તરફ આવી તો 18 કે 19 સપ્ટેમ્બર બાદ કેટલાક વિસ્તારોમાં ફરી વરસાદ વધવાની શક્યતા છે, નહીં તો હવે રાજ્યના ઘણા વિસ્તારોમાં ફરીથી વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા ઓછી છે.
ગુજરાતમાં હજી કેટલા દિવસ વરસાદ પડશે?
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ બનેલો રહેશે.
હાલની સ્થિતિ પ્રમાણે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા નથી પરંતુ છુટોછવાયો હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે.
ખાસ કરીને વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, ભરૂચ અને નર્મદા જિલ્લામાં કેટલાંક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. જેમાં કોઈ સ્થળોએ થોડો વધારે વરસાદ થઈ શકે છે.
સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદની શક્યતા ઓછી છે પરંતુ કોઈ સ્થળોએ આગામી ચારથી પાંચ દિવસમાં હળવો વરસાદ થઈ શકે છે.
ઉત્તર, મધ્ય અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પણ કેટલાંક સ્થળોએ વરસાદ પડી શકે છે પરંતુ અહીં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા દેખાતી નથી.
ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધીમાં આ સિઝનમાં 124 ટકા જેટલો વરસાદ પડ્યો છે. જેમાં 123 તાલુકાઓમાં 1 હજાર મિલીમીટર કરતાં પણ વધારે વરસાદ થયો છે, જ્યારે 109 તાલુકામાં 500 મિલીમીટર કરતાં વધારે વરસાદ થયો છે.
ગુજરાતમાં છેલ્લા ત્રણ મહિનામાં પડેલા ભારેથી અતિભારે વરસાદને કારણે 146 ડૅમ હાઇઍલર્ટ પર છે અને 118 ડૅમ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે. ગુજરાતનો સરદાર સરોવર ડૅમ તેની ક્ષમતાના 90 ટકા જેટલો ભરાઈ ગયો છે.
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં પડેલા ભારેથી અતિભારે વરસાદને કારણે અનેક રોડ-રસ્તા બંધ થઈ ગયા હતા. જેમાં 12 સપ્ટેમ્બર સુધી હજી પણ 144 રસ્તાઓ બંધ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન