પ્રબોવો સુબિયાંતો બન્યા ઇન્ડોનેશિયાના નવા રાષ્ટ્રપતિ, પેલેસ્ટાઇન પર શું બોલ્યા? – ન્યૂઝ અપડેટ

પ્રબોવો સુબિયાંતો બન્યા ઇન્ડોનેશિયાના નવા રાષ્ટ્રપતિ, પેલેસ્ટાઇન પર શું બોલ્યા? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇન્ડોનેશિયાના નવા રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિપદની શપથ લીધા બાદ પ્રબોવો સુબિયાંતોએ સંસદની બહાર આપેલા પોતાના ભાષણમાં દેશના વિકાસ અને દુનિયા સામેના પડકારોની વાત કરી છે.

પ્રબોવોએ કહ્યું, “આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે તાલમેલ વધારવા માટે ઇન્ડોનેશિયા સક્રિય છે. અમે ગુટનિરપેક્ષ છીએ અને અમે કોઈ સૈન્ય સમજૂતિમાં સામેલ નહીં થઈએ.”

તેમણે કહ્યું, “અમે તમામ દેશોના મિત્ર છીએ. ઇન્ડોનેશિયા એક સારો પાડોશી બનવા ઇચ્છે છે. અમે એક કહેવતમાં માનીએ છીએ કે હજાર દોસ્ત પણ ઓછા છે અને એક દુશ્મન પણ વધુ છે. તેથી અમે તમામ સાથે મિત્રતા ઇચ્છીએ છીએ.”

તેમણે કહ્યું કે અમે ઉપનિવેશવાદ સામે છીએ.

વધુમાં તેમણે કહ્યું, “અમે પેલેસ્ટાઇનવાસીઓની સ્વતંત્રતાનું સમર્થન કરીએ છીએ. આજે અમારા સ્વાસ્થ્ય કર્મચારીઓ ગાઝા અન રફાહમાં કામગીરી કરી રહ્યા છે. અમે ગાઝામાં વધુ આર્થિક સહાય મોકલવા તૈયાર છીએ. અમે ઘાયલ બાળકોને પણ લઈ આવવા તૈયાર છીએ. જેઓ આઘાતમાં છે તેમને પણ.”

ઇઝરાયલના હુમલામાં ઉત્તર ગાઝામાં 87 લોકોનાં મૃત્યુ

ઇઝરાયલના હુમલામાં ઉત્તર ગાઝામાં 87 લોકોનાં મૃત્યુ- ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગાઝામાં યથાવત છે ઇઝરાયલના હુમલા

ગાઝામાં હમાસ સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે ઉત્તર ગાઝામાં બેત લાહિયામાં થયેલા ઇઝરાયલના હુમલામાં ઓછામાં ઓછાં 87 લોકોનાં મૃત્યુ થયાં છે.

મંત્રાલયે કહ્યું છે કે હજુ પણ કેટલાક લોકો કાટમાળની નીચે દબાયેલા છે જ્યાં ઍમ્બુલંસ નથી પહોંચી શકી.

વિતેલી રાતે હમાસના અધિકારીઓએ કહ્યું હતું કે ઇઝરાયલી બૉમ્બમારામાં 73 લોકોનાં મૃત્યુ થયાં છે. ઇઝરાયલે કહ્યું હતું કે મરનારા લોકોના રિપોર્ટ્સ પરથી લાગે છે કે હમાસ મૃત્યુઆંક વધારીને દેખાડે છે.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે 99 ઉમેદવારોની યાદી જાહેર કરી

 મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 99 ઉમેદવારોની યાદી જાહેર કરી- ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે 99 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. ભાજપે મહારાષ્ટ્રના ઉપમુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસને નાગપુર દક્ષિણ-પશ્ચિમથી ઉમેદવાર જાહેર કર્યા છે. તથા મહારાષ્ટ્રના ભાજપના પ્રમુખ ચંદ્રશેખર કૃષ્ણારાવ બાવનકુલેને કમાઠી વિસ્તારથી ઉમેદવાર જાહેર કર્યા છે.

મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે મતદાન છે જ્યારે કે 23 નવેમ્બરે પરિણામ જાહેર થશે.

આ પહેલા ભાજપે ઝારખંડ માટે પણ 66 ઉમેદવારોની યાદી બહાર પાડી હતી.

દિલ્હીમાં 'ખરાબ' શ્રેણીમાં પ્રદૂષણ, સીએમ આતિશીએ શું કહ્યું?

દિલ્હીમાં ખરાબ સ્થિતિમાં પ્રદૂષણ, સીએમ આતિશીએ શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિની પ્રતીકાત્મક તસવીર

ઠંડીની શરૂઆતથી જ ફરી એક વખત દિલ્હીની હવામાં પ્રદૂષણ વધી રહ્યું છે. ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન વિભાગે આપેલી જાણકારી પ્રમાણે દિલ્હીનો ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ 260થી 265ની વચ્ચે રહ્યો જે 'ખરાબ શ્રેણી'માં આવે છે.

રવિવારે દિવસ દરમિયાન દિલ્હીનો ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ 270ની આસપાસ રહેવાનું અનુમાન છે.

દિલ્હીનાં મુખ્ય મંત્રી આતિશીએ જણાવ્યું, “જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે દિલ્હીમાં પ્રદૂષણ વધી રહ્યું છે. અહીં તેને નાથવા માટે ઉપાયો કરવામાં આવી રહ્યા છે. અમે 99 ટીમો બનાવી છે. ધૂળને નિયંત્રણમાં લેવાની કોશિશો પર પણ નજર રાખવામાં આવી રહી છે. દિલ્હીમાં પીડબલ્યુડી અને એમસીડી એમ બંને પ્રદૂષણને રોકવાની કોશિશ કરે છે.”

ભારત પહેલી ટેસ્ટ હાર્યું, ન્યૂઝીલૅન્ડનો આઠ વિકેટે વિજય

ભારત, ન્યૂઝીલૅન્ડ

ઇમેજ સ્રોત, Getty Images

ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે બેંગલુરુમાં રમાયેલી પહેલી ટેસ્ટ મૅચમાં ન્યૂઝીલૅન્ડ જીતી ગયું છે.

ન્યૂઝીલૅન્ડને આ ટેસ્ટના છેલ્લા દિવસે જીત માટે માત્ર 107 રન કરવાના હતા.

આ જીત સાથે ન્યૂઝીલૅન્ડની ટીમે ભારતમાં રમાઈ રહેલી ત્રણ ટેસ્ટની સિરીઝમાં 1-0થી સરસાઈ મેળવી લીધી છે.

બેંગલુરુમાં રમાયેલી આ ટેસ્ટમાં ભારતીય ટીમ પહેલી ઇનિંગમાં માત્ર 46 રનમાં આઉટ થઈ ગઈ હતી.

જવાબમાં ન્યૂઝીલૅન્ડે પોતાની ઇનિંગમાં રચિન રવીન્દ્રની સદીથી 402 રન કર્યા હતા.

બીજી ઇનિંગમાં બેટિંગમાં ઊતરેલી ભારતીય ટીમે શાનદાર વાપસી કરી હતી અને સરફરાઝ ખાનની સદીની મદદથી 462 રન કર્યા હતા અને ન્યૂઝીલૅન્ડ સામે 107 રનની સરસાઈ મેળવી હતી.

પાંચમા દિવસે બેટિંગ કરવા આવેલી મહેમાન ટીમે બે વિકટના નુકસાન પર લંચ પહેલાં જીત મેળવી લીધી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, હૅરિસથી મુક્ત થવા તૈયાર છે અમેરિકન લોકો

અમેરિકા ચૂંટણી 2024

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાની આગામી ચૂંટણી માટે ડેમૉક્રેટિક પક્ષનાં ઉમેદવાર કમલા હૅરિસે શહેર મિશિગનમાં સમર્થકોને સંબોધ્યાં બાદ હરીફ પક્ષ રિપબ્લિકનના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે પણ રેલી યોજી હતી.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પેન્સિલવેનિયામાં પોતાના સમર્થકોને સંબોધન કરતા કહ્યું હતું કે, અમેરિકન લોકો કમલા હૅરિસથી મુક્ત થવા માટે તૈયાર છે.

ટ્રમ્પે રેલીમાં કહ્યું હતું કે શું તમે ચાર વર્ષ પછી સારી સ્થિતિમાં છો?

અમેરિકાનો ચૂંટણીપ્રચાર હવે છેલ્લા તબક્કામાં છે. આ અગાઉ કમલા હૅરિસે ટ્રમ્પના આરોગ્ય સામે સવાલ કર્યા હતા.

હૅરિસે કહ્યું હતું કે, "તેઓ મીડિયા સામે આવવાનું ટાળે છે, કારણ કે તેઓ ચૂંટણીપ્રચારથી થાકી ગયા છે."

મિશિગનમાં એક રેલીમાં કમલા હૅરિસે કહ્યું હતું કે, "ટ્રમ્પ પાસે અમેરિકા માટે કોઈ યોજના નથી. જેમ કે આપણે જોયું છે કે, તેઓ ફક્ત પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તેઓ ઇન્ટરવ્યૂ રદ્દ કરી રહ્યા છે, ચર્ચાથી દૂર ભાગી રહ્યા છે. જો તમે પ્રચારમાં જ થાકી જતા હો તો જગતના આ સૌથી કપરા કામ (અમેરિકાના રાષ્ટ્રપતિ બનવાને) તમે લાયક છો કે નહીં?"

હમાસના અધિકારીઓએ કહ્યું કે ગાઝામાં હુમલાથી 73નાં મોત

હમાસ, ઇઝરાયલ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગાઝાના ઉત્તર છેડે આવેલા બેત લાહિયા વિસ્તારમાં ઇઝરાયલના હુમલામાં 73 લોકો માર્યા ગયા છે. હમાસના અધિકારીઓએ આ હુમલામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા વિશે માહિતી આપી છે.

હમાસના અધિકારીઓનું કહેવું છે કે બેત લાહિયા વિસ્તારમાં મહિલા અને બાળકોએ પણ જીવ ગુમાવ્યા છે.

અધિકારીઓએ જણાવ્યા અનુસાર, શનિવારે મોડી રાત્રે બૉમ્બવિસ્ફોટ કરવામાં આવ્યો હતો જેમાં ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે ફસાયેલા છે.

આ હુમલા અંગે ઇઝરાયલે કહ્યું હતું કે, તે સંબંધિત રિપોર્ટની તપાસ કરી રહ્યું છે. ઇઝરાયલની સેનાએ એમ પણ કહ્યું હતું કે હમાસે જાનહાનિ વિશેના જે આંકડા રજૂ કર્યા છે તે વધારે પડતા છે. અમારી માહિતી સાથે મેળ ખાતા નથી.

ગાઝાના આરોગ્ય અધિકારીઓએ કહ્યું હતું કે, બેત લાહિયા વિસ્તારમાં ઇન્ટરનેટ અને સંચારસેવા સંપૂર્ણ રીતે બંધ થઈ જવાને કારણે બચાવકાર્યમાં પણ અડચણ આવી રહી છે.

હમાસના હવાલાથી સરકારી મીડિયાએ કહ્યું હતું કે, ઇઝરાયલે ભીડભાડવાળી જગ્યા પર હુમલો કર્યો હતો.

પેલેસ્ટાઈનની સમાચાર સંસ્થા વફાના જણાવ્યા અનુસાર આ હુમલામાં એક રહેઠાણ કૉલોની નાશ પામી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.