You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભાવનગરના 11 લોકોનાં રાજસ્થાનમાં મૃત્યુ : કેવી રીતે થયો અકસ્માત?
સવારનાં પાંચ વાગ્યા હતા.
ભાવનગરથી મથુરા અને વૃંદાવન જઈ રહેલી પ્રવાસીઓથી ભરેલી બસ જયપુર-આગ્રા હાઈવે પર ભરતપુર નજીક ઊભી હતી.
એક ટ્રેલર પૂરપાટ ઝડપે આવ્યું અને બસની પાછળ ઘૂસી ગયું અને ભયાનક અકસ્માત થયો.
આ અકસ્માતમાં કુલ 11 લોકોનાં મોત થયા છે અને 15થી વધુ લોકો ઘાયલ થયા છે.
મૃતકોમાં 5 પુરૂષો અને 6 મહિલાઓનો સમાવેશ થાય છે.
અહીં ઉલ્લેખનીય છે કે ભાવનગરના યાત્રીઓને ઉત્તરાખંડમાં નડેલો અકસ્માત હજી તાજો છે ત્યાં જ આવો અકસ્માત ફરીથી બન્યો છે.
રાજસ્થાન પત્રિકાના એક અહેવાલ મુજબ આ આ અકસ્માતનું ચોક્ક્સ સ્થળ નદબઈ વિસ્તાર ગણાય છે.
અહેવાલમાં જણાવાયું છે કે બસમાં 57 લોકો સવાર હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસીના સહયોગી પ્રતિનિધિ મોહર સિંહ મીણાએ આ ઘટનાની પુષ્ટિ કરી છે.
કેવી રીતે થયો અકસ્માત?
રાજસ્થાન પત્રિકાના એક અહેવાલ પ્રમાણે પોલીસે જણાવ્યું કે અકસ્માત નદબઈ વિસ્તારમાં હંતારા પુલ પાસે બુધવારે વહેલી સવારે થયો હતો.
જે બસમાં મુસાફરો હતા તે બસ રસ્તાના કિનારે ઊભી હતી. ત્યારે એક ટ્રેલરે હાઇવે પર સર્વિસ લેન પાસે પાર્ક કરેલી બસને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 11 લોકોનાં મોત થયાં હતાં. જ્યારે 36 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને ભરતપુરની આરબીએમ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અહેવાલમાં એ પણ જણાવાયું છે કે બસની ડીઝલ પાઇપ લીકેજ થવાને કારણે ખરાબ થઈ ગઈ હતી જેના કારણે બસને ઊભી રાખવામાં આવી હતી.
પાછળથી આવી રહેલું ટ્રેલર એટલી ગતિમાં હતું કે તેના અથડાવાને કારણે બસનો પાછળનો હિસ્સો બિલકુલ નષ્ટ થઈ ગયો હતો.
ગુજરાત અને રાજસ્થાનનાં મુખ્યમંત્રીએ વ્યક્ત કરી સંવેદના
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ અકસ્માત અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે એક્સ (ટ્વિટર) પર લખ્યું હતું કે,
“ભરતપુરમાં ગુજરાતમાંથી ધાર્મિક યાત્રાએ આવેલા શ્રદ્ધાળુઓની બસ અને ટ્રેલર વચ્ચે થયેલી અથડામણમાં 11 લોકોના મોત એ અત્યંત દુઃખદ ઘટના છે. પોલીસ-પ્રશાસન ઘટનાસ્થળે છે અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.”
“હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તે તમામ મૃતકોની આત્માને શાંતિ આપે અને પરિવારજનોને હિંમત આપે અને ઘાયલોને જલ્દી સ્વસ્થ કરે.”
ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ મામલે દુ:ખ વ્યક્ત કરતાં એક્સ પર લખ્યું હતું કે, "રાજસ્થાનના ભરતપુર નજીક થયેલ માર્ગ અકસ્માતની ઘટના ખૂબ આઘાતજનક છે. અકસ્માતમાં ગુજરાતના યાત્રિકોએ જીવ ગુમાવ્યો છે. સૌ મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્ત યાત્રિકો જલ્દીથી સાજા થાય તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું."
તેમણે મૃતકો અને ઘાયલો માટે મદદની જાહેરાત પણ કરી છે.
મૃતકો માટે 4 લાખ અને ઘાયલો માટે 50 હજારની જાહેરાત કરવામાં આવી છે.
મૃતકોની ઓળખ થઈ
બીબીસી ગુજરાતીનાં સહયોગી અલ્પેશ ડાભીનાં જણાવ્યા અનુસાર કુલ 11 લોકોનાં મૃત્યુ થયાં છે અને તમામ લોકો ભાવનગર જિલ્લાનાં રહેવાસી છે.
મૃતકોમાં
- અંતુભાઈ લાલજીભાઈ ગયાણી (55 વર્ષ),
- નંદરામભાઈ મથુરભાઈ ગયાણી(68 વર્ષ),
- લલ્લુભાઈ દયાભાઈ ગયાણી,
- ભરતભાઈ ભીખાભાઈ,
- લાલજીભાઈ મનજીભાઈ,
- અંબાબહેન જીણાભાઈ,
- કંબુબહેન પોપટભાઈ,
- રામુબહેન ઉદાભાઈ,
- મધુબહેન અરવિંદભાઈ દાગી,
- અંજુબહેન થાપાભાઈ,
- મધુબહેન લાલજીભાઈ ચુડાસમાનો સમાવેશ થાય છે.