ગુજરાતમાં ચોમાસું મજબૂત ક્યારે બનશે? આગામી ત્રણ દિવસોમાં ક્યાં પડશે ભારે વરસાદ?

પ્રકાશિત

10 જૂનની આસપાસ ચોમાસાએ દક્ષિણ ગુજરાતમાં ઍન્ટ્રી લઈ લીધી છે. તેના કારણે ગુજરાતમાં નવસારી અને વલસાડના કેટલાક વિસ્તારોમાં આજકાલ છુટોછવાયો વરસાદ થઈ રહ્યો છે. પરંતુ ત્યારબાદ ચોમાસું આગળ વધ્યું નથી.

ગુજરાતમાં ચોમાસું અત્યારે નબળું પડી ગયું છે. તે ન તો અરબી સમુદ્રથી આગળ વધી રહ્યું, ન તો બંગાળની ખાડી તરફથી આગળ વધી રહ્યું છે. ગુજરાતની સ્થિતિની વાત કરીએ તો ચોમાસું છેલ્લા સાત દિવસથી એક જ જગ્યાએ સ્થિર છે.

જોકે, આગાહી એવી છે કે ગુજરાતમાં 19, 20 અને 21 જૂને વરસાદ વધવાની સંભાવના છે.

રાજ્યમાં સામાન્ય રીતે જૂનના અંત સુધીમાં ચોમાસું સમગ્ર વિસ્તારોને આવરી લેતું હોય છે. ગુજરાતમાં સૌથી પહેલાં દક્ષિણ ગુજરાત, પછી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત અને અંતે કચ્છ તથા ઉત્તર ગુજરાતના વિસ્તારોને ચોમાસું આવરી લે છે.

પરંતુ એ પહેલાં ગુજરાતમાં ચોમાસા પહેલાંની ગતિવિધિઓની શરૂઆત થઈ ગઈ છે. ચોમાસા પહેલાંની ગતિવિધુ શું હોય છે અને ત્યાર બાદ ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં ક્યાં વરસાદ પડશે?

ચોમાસા પહેલાંની ગતિવિધિઓ કઈ હોય છે?

ચોમાસા પહેલાંની ગતિવિધિઓનો અર્થ છે કે, ચોમાસું સંપૂર્ણ રીતે ન બેસે પરંતુ કેટલાક જ વિસ્તરોમાં વરસાદ પડવાનો શરૂ થઈ જાય અને મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ ન પડે.

એટલે કે, નાના અને છુટાછવાયા વિસ્તારોમાં નાના વરસાદી વાદળના કારણે વરસાદ પડે. આ વરસાદ લાંબા સમય સુધી ન પડે અને મોટા વિસ્તારમાં પણ ન પડે.

જેમ કે, રવિવારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકામાં લગભગ પાંચથી સાત ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.

તો સૌરાષ્ટ્રના મોરબી, જૂનાગઢ, જેતપુર અને રાજકોટના કેટલાક વિસ્તારોમાં ગઈકાલે છુટોછવાયો વરસાદ જોવા મળ્યો હતો.

પરંતુ, ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ નથી પડ્યો. ચોમાસા પહેલાંની ગતિવિધિઓમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નથી પડ્યો. ઘણી વખત એવું પણ જોવા મળે કે આ વરસાદ ગામના એક સીમમાં હોય પરંતુ બીજા સીમમાં ન હોય.

ચોમાસુ આવે ત્યારે આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થાય અને તે વરસાદ વાવણી લાયક હોય.

ચોમાસા પહેલાંની ગતિવિધિઓ ક્યાં રહેશે?

હવામાન વિભાગની માહિતી પ્રમાણે, દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત, નવસારી, ડાંગ, તાપી, ભરૂચ અને છોટા ઉદેપુરમાં મંગળવારે ચોમાસા પહેલાની ગતિવિધિઓ થવાની શક્યતા દેખાઈ રહી છે. જોકે, સાર્વત્રિક વરસાદ થવાની સંભાવનાઓ ઓછી છે.

સૌરાષ્ટ્રમાં પણ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, જામનગર અને દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં ચોમાસા પહેલાંની ગતિવિધિને કારણે છુટોછવાયો વરસાદ થવાની શક્યતા છે.

અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થતાં ખેડૂતોએ વાવણી કરવાનું શરૂ કરી દીધું છે. પરંતુ આ જિલ્લાઓમાં પણ સાર્વત્રિક વરસાદ થયો નથી.

આવનારા બે-ત્રણ દિવસ સુધી આ વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ રહેશે અને ચોમાસા પહેલાંની ગતિવિધિઓ ચાલુ રહેશે. કોઈક જગ્યા એ વધારે વરસાદ પડશે તો કોઈક જગ્યાએ વાવણીલાયક વરસાદ રહેશે. દિવસ દરમિયાન વાદળો પણ દેખાશે અને વરસાદી માહોલ પણ બની રહેશે.

જોકે, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ જૂન 19 તારીખથી વધે તેવી શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધવાની સંભાવના દેખાઈ રહી છે.

ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ અને દાહોદ જેવા જિલ્લાઓમાં આવનાર અઠવાડિયામાં છુટોછવાયો વરસાદ પડે તેવી શક્યતા છે.

હવામાન વિભાગની માહિતીને આધારે આવનારા અઠવાડિયામાં ગુજરાતના મોટા ભાગના જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ થઈ શકે છે.

ગુજરાતમાં ચોમાસું મજબૂત ક્યારે બનશે?

ચોમાસું 19 જૂન પછી મજબૂત બનશે તેવી શક્યતાઓ છે. ચોમાસું અરબી સમુદ્રની અંદર મજબૂત બનશે.

અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સરક્યુલેશન બની રહ્યું છે અને તેના કારણે ગુજરાત, મહારાષ્ટ્ર અને અરબી સમુદ્રના કિનારે આવતા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે.

19 જૂન પછી દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેવા કે, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, નવસારી, વલસાડ, સુરત, તાપી, ડાંગ, નર્મદા અને વડોદરાના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે.

આ સિવાય દક્ષિણ ગુજરાતના છુટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી પણ શકે છે.

19 જૂન બાદ, મુંબઈ, કર્ણાટક અને ગોઆમાં ચોમાસું મજબૂત થઈ વરસાદ પાડવાની શરૂઆત થઈ જશે.

પરંતુ ગુજરાતમાં 22 જૂન બાદ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું વધવાની શક્યતા દેખાઈ રહી છે.

ગુજરાતમાં 22 જૂન પછી ચોમાસાનો વરસાદ આગળ વધે તેવી શક્યતાઓ છે. ત્યાર બાદ 22 જૂન થી 25 જૂન વચ્ચે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે.

હવામાનની વર્તમાન સ્થિતિ પ્રમાણે જૂન મહિનાના અંત સુધી એટલે કે 25 જૂનથી 30 જૂન વચ્ચે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે.