ગુજરાતમાં ક્યારથી સાંબેલાધાર વરસાદનો રાઉન્ડ પૂરો થશે, આગામી દિવસોમાં કયા જિલ્લામાં અતિભારે વરસાદ પડશે?

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વેધર અપડેટ પૂર ઉત્તર ગુજરાત બનાસકાંઠા સૌરાષ્ટ્ર કચ્છ સાબરમતી

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ગુજરાતમાં આ વખતે સરેરાશ 100 ટકા કરતાં વધુ વરસાદ પડી ગયો છે અને હજુ કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે.

બનાસકાંઠાના સુઈગામમાં છેલ્લા ચોવીસ કલાકમાં 16.5 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. જ્યારે ભાભરમાં 13 ઇંચ, વાવમાં 12.5 ઇંચ, કચ્છના રાપરમાં 12.5 ઇંચ, થરાદમાં 12 ઇંચ, સાંતલપુરમાં આઠ ઇંચ, રાધનપુરમાં સાડા સાત ઇંચ વરસાદ પડ્યો છે.

દિયોદર, માળિયા, વાલોદ, દહેગામ, કપરાડા, વ્યારા, વલસાડ, ધરમપુર, ગાંધીધામ, ખેરગામ, મોરબી, દાંતા, અંજાર, ઉંમરગાવ, ઈડર, મહુવામાં પણ ત્રણથી છ ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગના બુલેટિન અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચોમાસું હજુ મજબૂત રહેશે.

રવિવારે વલસાડ, સાબરકાંઠા, બનાસકાંઠા અને દાદરા અને નગરહવેલીમાં અત્યંત ભારે વરસાદ પડ્યો હતો જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા હતા.

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વેધર અપડેટ પૂર ઉત્તર ગુજરાત બનાસકાંઠા સૌરાષ્ટ્ર કચ્છ સાબરમતી

ઇમેજ સ્રોત, Nachiket Mehta

ઇમેજ કૅપ્શન, ખેડામાં સાબરમતી નદી કિનારાનાં ગામોમાં પાણી ઘૂસવાથી કેટલાક વિસ્તારોમાં છાતી સુધી પાણી ભરાઈ ગયાં છે

આ ઉપરાંત અમદાવાદ, મહેસાણા, નર્મદા, દાહોદ, અરવલ્લી, સુરત, નવસારી, તાપી, દમણ, મહીસાગર, મોરબી, રાજકોટ અને કચ્છમાં પણ સતત વરસાદ નોંધાયો છે.

આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે માછીમારોને 10 સપ્ટેમ્બર સુધી દરિયો નહીં ખેડવાની સૂચના આપી છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટરે આપેલી વિગત પ્રમાણે સરદાર સરોવર ડૅમમાં હાલમાં 91 ટકાથી વધારે જળસંગ્રહ થયો છે. રાજ્યના 206 ડૅમ પૈકી 123 ડૅમ હાઈ એલર્ટ પર છે, 20 ડૅમ પર એલર્ટ અને 14 ડૅમ માટે વૉર્નિંગની જાહેરાત કરવામાં આવી છે.

રાજ્યનાં 203 જળાશયોમાં હાલ 84 ટકા આસપાસ પાણીનો જથ્થો ભરાયેલો છે. પહેલી સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં રાજ્યમાં લગભગ 5600 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

ભારે વરસાદના કારણે જનજીવનને અસર

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વેધર અપડેટ પૂર ઉત્તર ગુજરાત બનાસકાંઠા સૌરાષ્ટ્ર કચ્છ સાબરમતી

ઇમેજ સ્રોત, Nachiket Mehta

ઇમેજ કૅપ્શન, ખેડામાં ભારે વરસાદના કારણે રસિકપુરા અને પથાપુરા ગામના લોકોને સ્થળાંતર કરાયા છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાતમાં વ્યાપક વરસાદના કારણે કેટલીય જગ્યાએ ગામો પાણીમાં ડૂબી ગયાં છે, વાહન-વ્યવહારને અસર થઈ છે, વીજ પુરવઠો ખોરવાયો છે અને જનજીવનને અસર થઈ છે.

ખેડા જિલ્લામાં ભારે વરસાદના પગલે સોમવારે તમામ આંગણવાડી, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ રજા જાહેર કરવામાં આવી છે. ખેડામાંથી પસાર થતી સાબરમતી, મહી, વાત્રક, શેઢી નદીઓમાં ભારે પૂર છે.

ખેડામાં કલોલી ગામથી પથાપુરા થઈ સ્ટેટ હાઈવેને જોડતા રોડ પર પાણી ફરી વળ્યાં છે. અહેવાલ મુજબ હજારો વીઘા જમીન પર સાબરમતીનું પાણી ફરી વળ્યું છે અને પશુપાલકો પોતાનાં ઢોરઢાંખર લઈને રસ્તા પર આવી ગયા છે.

રાજકોટ જિલ્લામાં જેતપુર નજીક સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ભાદર - 1 ડૅમ છલકાવાની અણિ પર છે. જ્યારે ઉપલેટા તાલુકાના ગધેથડ ગામ પાસે આવેલ વેણુ-2 ડૅમ ઓવરફ્લો થયો છે.

રવિવારે અરવલ્લીના શામળાજી પાસે સતત બીજા દિવસે ભેખડો ધસી પડી જવાથી ટ્રાફિકજામ થયો હતો.

સાબરકાંઠામાં ઈડરના રેલવે અંડરપાસ અંદર ભરાયેલા પાણીમાં એસટીની બસ ફસાઈ હતી. સ્થાનિક લોકોની મદદથી પ્રવાસીઓને બહાર કાઢવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગરમાં કેટલીક જગ્યાએ રોડ બેસી ગયાના અહેવાલ છે.

અંબાજી-આબુ રોડ પર નદી પાર કરતી વખતે એક જીપ તણાવા લાગી હતી, પરંતુ તરત મદદ મળવાથી જીપના ડ્રાઇવરનો બચાવ થયો હતો.

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં મોજ ડૅમ ફરી ઓવરફ્લો થયો છે અને ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે.

હાલમાં ચોમાસાની કઈ સિસ્ટમ કામ કરે છે?

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વેધર અપડેટ પૂર ઉત્તર ગુજરાત બનાસકાંઠા સૌરાષ્ટ્ર કચ્છ સાબરમતી

ઇમેજ સ્રોત, Paresh Padhiar

ઇમેજ કૅપ્શન, સતત વરસાદના કારણે ઉત્તર ગુજરાતમાં ખેતીને ભારે નુકસાન થયું છે

ઉત્તર ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર રચાયેલું ડિપ્રેશન અત્યારના વરસાદનું મુખ્ય કારણ છે. છેલ્લા છ કલાકમાં તે 13 કિમીની ઝડપથી પશ્ચિમ દિશા તરફ ફંટાયું છે, જેના કારણે રવિવારે ડીપ ડિપ્રેશન રચાયું હતું. પરિણામે ગુજરાતની સાથે સાથે દક્ષિણ રાજસ્થાનમાં પણ અતિભારે વરસાદ પડ્યો છે.

ડેટા દર્શાવે છે કે ઉત્તર ગુજરાત અને સાઉથ વેસ્ટ રાજસ્થાન પરથી એક મોન્સૂન ટ્રફ પસાર થાય છે જે મધ્ય પ્રદેશથી થઈને છત્તીસગઢ સુધી જાય છે. તેની ઊંચાઈ સમુદ્રની સપાટીથી 3.1 કિમીથી 7.6 કિમી વચ્ચે છે.

ગુજરાતમાં હવે કયા જિલ્લામાં ભારે વરસાદ પડશે?

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વેધર અપડેટ પૂર ઉત્તર ગુજરાત બનાસકાંઠા સૌરાષ્ટ્ર કચ્છ સાબરમતી

ઇમેજ સ્રોત, IMD

હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે રવિવારે રાજ્યભરમાં જેવો વરસાદ પડ્યો હતો તેવો વરસાદ આગામી દિવસોમાં પડે તેવી શક્યતા બહુ ઓછી છે.

8 સપ્ટેમ્બર, સોમવારે કોઈ પણ જિલ્લામાં રેડ ઍલર્ટ નથી. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને કચ્છમાં કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે અને આ તમામ જિલ્લાઓ માટે ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે.

સોમવારે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી અને દ્વારકામાં અમુક જગ્યાએ ભારે વરસાદ થવાની શક્યતા છે.

આ સિવાયના ભાગોમાં હળવો વરસાદ પડી શકે જે દરમિયાન પવનની ઝડપ 45થી 55 કિમી સુધી કલાકની રહેવાની શક્યતા છે. સામાન્ય રીતે 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપનો પવન હોય છે, પરંતુ હાલમાં પવનની ઝડપ વધી ગઈ છે.

ગુજરાતમાં વરસાદ ક્યારથી બંધ થઈ જશે?

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વેધર અપડેટ પૂર ઉત્તર ગુજરાત બનાસકાંઠા સૌરાષ્ટ્ર કચ્છ સાબરમતી

ઇમેજ સ્રોત, Bipin Tankaria

ઇમેજ કૅપ્શન, રાજકોટ શહેરની જીવાદોરી ગણાતો આજી ડૅમ છલકાયો છે

9 સપ્ટેમ્બર, મંગળવારે વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી તથા કચ્છમાં છૂટાછવાયાં સ્થળે ભારે વરસાદ થવાની શક્યતા છે.

10 સપ્ટેમ્બર, મંગળવારે પવનની ઝડપ ઘટીને 30થી 40 કિમી પ્રતિ કલાક રહેશે અને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડે તેવી શક્યતા છે.

બુધવારથી રાજ્યમાં કોઈ જગ્યાએ ભારે વરસાદની આગાહી નથી એવું હવામાન વિભાગનું બુલેટિન જણાવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન