કૉંગ્રેસ પાસેથી ટૅક્સ રિકવરીના મામલે આયકર વિભાગે સુપ્રીમ કોર્ટને શું ભરોસો આપ્યો?

કૉંગ્રેસ પાસેથી ટૅક્સ રિકવરીના મામલે આયકર વિભાગે સુપ્રીમ કોર્ટને શું ભરોસો આપ્યો?

સુપ્રીમ કોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images

આવકવેરા વિભાગે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કૉંગ્રેસ સામે લગભગ 3,500 કરોડ રૂપિયાની ટૅક્સની માગના મામલામાં કોઈ બળજબરીપૂર્વક કાર્યવાહી નહીં કરીએ.

કૉંગ્રેસ તરફથી દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી પર આવકવેર વિભાગ તરફથી સૉલિસ્ટર જનરલ તુષાર મહેતાએ સોમવારે ન્યાયધીશ બીવી નાગરરત્ના અને ન્યાયધીશ એજી મસીહવાળી ખંડપીઠને આ ભરોસો આપ્યો છે.

તેમણે કહ્યું કે હાલની પરિસ્થિતિમાં આ મામલે અંતિમ નિર્ણય નહીં આવે ત્યાં સુધી કોઈપણ કાર્યવાહી કરવામાં નહીં આવે.

તુષાર મહેતાએ કહ્યું, "કૉંગ્રેસ એક રાજકીય પક્ષ છે. કારણ કે હાલમાં જ ચૂંટણી થવાની છે એટલે અમે કૉંગ્રેસ વિરુદ્ધ બળજબરીપૂર્વક કાર્યવાહી નહીં કરે."

કૉંગ્રેસના વકીલ અભિષેક મનુ સિંઘવીએ આ નિવેદનનું સ્વાગત કર્યું અને તેમણે કોર્ટને જણાવ્યું કે કેટલાંક વર્ષો માટે કુલ લગભગ 3,500 કરોડ રૂપિયાના ટૅક્સ નોટિસ મળ્યા છે.

કૉંગ્રેસની અરજી પર આવકવેરા વિભાગ તરફથી મળેલા આ જવાબને કારણે સુપ્રીમ કોર્ટે હવે આ મામલાની સુનાવણી જુલાઈમાં કરવાનો નિર્ણય કર્યો છે.

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને તિહાડ જેલમાં મોકલાશે
અરવિંદ કેજરીવાલ, ઈડી અને શરાબનીતિ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, અરવિંદ કેજરીવાલ
પ્રકાશિત

દિલ્હીની રાઉઝ ઍવેન્યૂ કોર્ટે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો નિર્દેશ આપ્યો છે.

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર તેમને તિહાડ જેલમાં રાખવામાં આવશે.

પ્રવર્તન નિદેશાલય એટલે કે ઈડીનું કહેવું હતું કે શરાબનીતિ સાથે જોડાયેલા કથિત ગોટાળા મામલે પૂછપરછ દરમિયાન કેજરીવાલનું વલણ સહયોગ આપનારું નહોતું.

ઈડીના વકીલ એસ. વી. રાજુએ કહ્યું કે કેજરીવાલે પૂછપરછ દરમિયાન સહયોગ નહોતા કરી રહ્યા એટલું જ નહીં પરંતુ તેમણે પોતાના ફોનના પાસવર્ડ પણ નહોતા આપ્યા.

કોર્ટ આવતા સમયે કેજરીવાલે મીડિયાને જણાવ્યું, “પીએમ મોદી જે કરી રહ્યા છે તે દેશ માટે યોગ્ય નથી.”

શરાબનીતિમાં(જે હવે રદ થઈ ગઈ છે.) કથિત ગોટાળા મામલે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની ઇડીએ 21 માર્ચના રોજ ધરપકડ કરી હતી. તેમને 28 માર્ચ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. ફરી ઇડીએ તેમની કસ્ટડી માગી તો તેમને 1 એપ્રિલ સુધીની કસ્ટડી આપવામાં આવી હતી. હવે કોર્ટે તેમને 15 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે.

ઇલેક્શન અપડેટ : પોતાની ઉમેદવારી રદ કરવાની ક્ષત્રિયોની માગ પર શું બોલ્યા રૂપાલા?

રૂપાલા અને વિરોધ

ઇમેજ સ્રોત, @PRupala

ઇમેજ કૅપ્શન, પરશોત્તમ રૂપાલા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પરશોત્તમ રૂપાલાએ એક ભાષણમાં કરેલી ટિપ્પણી બાદ ક્ષત્રિય-રાજપૂત સમાજે તેમનો વિરોધ કરતાં તેમને બે વખત જાહેરમાં માફી માંગવી પડી હતી. જોકે, છતાં તેમની સામેનો વિરોધ અટકવાનું નામ લઈ રહ્યો નથી.

હવે પરશોત્તમ રૂપાલાની જગ્યાએ ભાજપ અન્ય ઉમેદવારનું નામ રાજકોટ બેઠક પરથી જાહેર કરી શકે છે તેવી અટકળો મીડિયામાં ચાલી રહી છે.

આ અટકળોને રૂપાલાએ આજે એક પત્રકારપરિષદમાં પાયાવિહોણી ગણાવી છે. પરશોત્તમ રૂપાલાએ રાજકોટમાં જણાવ્યું કે “તેમને દિલ્હીથી કોઈએ બોલાવ્યા નથી. ત્રીજી એપ્રિલે તેઓ કૅબિનેટની બેઠકમાં ભાગ લેવા દિલ્હી જઈ રહ્યા છે.”

શું તેમને હઠાવીને મોહન કુંડારિયાનું નામ ઉમેદવાર તરીકે ચાલી રહ્યું છે? આ સવાલ જ્યારે પત્રકારોએ પૂછ્યો ત્યારે તેના પર કોઈ પણ કૉમેન્ટ કરવાનો તેમણે ઇન્કાર કરી દીધો.

જોકે, તેમણે કહ્યું, “કોઈ પણ ઉમેદવારને મૂકવો કે બદલવો તેનો અધિકાર પક્ષના પાર્લામેન્ટરી બૉર્ડને છે.”

તેમણે એમ પણ કહ્યું કે અધિકૃત સમાચારો સિવાય મીડિયાએ આ પ્રકારની અટકળો ફેલાવવી ન જોઈએ. તેમણે આ મામલે મજાકમાં કહ્યું, “આજે પહેલી એપ્રિલ છે એટલે આવા મામલે આજે તો ન જ પડવું જોઈએ.”

મોહન કુંડારિયાના નામની ચાલતી અટકળો પર તેમણે ફોડ પાડતાં જણાવ્યું કે કુંડારિયા ડમી ઉમેદવાર તરીકે પહેલાથી જ નક્કી છે.

વિવાદીત નિવેદન બાદ ક્ષત્રિય-રાજપૂતો દ્વારા થઈ રહેવા વિરોધ મામલે તેમણે કહ્યું, “મેં તો મારી શાબ્દિક ભૂલ બદલ માફી માગી લીધી છે. સોશિયલ મીડિયામાં પણ માગી છે અને ક્ષત્રિય સંમેલનમાં રૂબરૂ જઈને પણ માફી માગી છે. હવે મારી ઉમેદવારી રદ કરવાની માગ તેમણે પાર્ટી સમક્ષ કરી છે તો આ પાર્ટી અને ક્ષત્રિય સમાજની વચ્ચેનો મામલો છે. તે અંગે હું કોઈ નિવેદન આપવા માગતો નથી.”

તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજ સાથે સમાધાન થઈ જાય તેવા પ્રયત્નો અમે અને અમારી પાર્ટીના આગેવાનો કરી રહ્યા છે.

જોકે, ક્ષત્રિય સમાજના રોષ પાછળ ભાજપના જ કોઈ આગેવાનોનો હાથ હોવાની શક્યતાને તેમણે નકારી છે. તેમણે આ મામલે કહ્યું, “મને નથી લાગતું કે કોઈ આ પ્રકારની પ્રવૃત્તિ કરતું હોય.”

જો પાર્ટી કહે કે તમારી જગ્યાએ અન્ય ઉમેદવાર મૂકવો તો તમારું શું વલણ રહેશે? આ પ્રશ્નના જવાબમાં રૂપાલાએ પત્રકારોને કહ્યું કે “આ મારી અને મારી પાર્ટી વચ્ચેનો મામલો છે તેને બંને વચ્ચે જ રહેવા દો.”

બીજી તરફ આ મામલે દલિત સમાજ દ્વારા થઈ રહેલા વિરોધને તેમણે સંપૂર્ણ રાજકીય ગણાવ્યો.

રાજકોટમાં રેલનગરમાં પૂતળાદહનના કાર્યક્રમમાં જે ત્રણ યુવાનોની પોલીસે ધરપકડ કરી હતી તેમને જામીન પર છોડી દેવામાં આવ્યા છે.

દ્વારકામાં એસીમાં વિસ્ફોટ બાદ લાગી આગ, પરિવારના ચાર સભ્યોનાં મોત

દ્વારકા આગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ગુજરાતના દ્વારકા જિલ્લામાં એક ઘરમાં એસીમાં વિસ્ફોટ થવાને કારણે આગ લાગતાં એક જ પરિવારના ચાર લોકોનાં મોત થયાં હતાં.

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ આગ એસીમાં વિસ્ફોટ થવાને કારણે લાગી હતી. આગથી ફેલાયેલા ધુમાડામાં શ્વાસ રુંધાવાને કારણે ચાર લોકોનાં મૃત્યુ થયાં હતાં.

બનાવની ઘટના બાદ ફાયર-બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

ફાયર-બ્રિગેડના જવાનોએ જોયું કે ઘરના પહેલા માળે એક દંપતી અને તેમની બાળકી સહિત તેમનાં માતા બેભાન અવસ્થામાં પડેલાં હતાં. આ બનાવ બાદ તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં જ્યાં ફરજ પરના ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં હતાં.

મૃતકના દાદી ગ્રાઉન્ડ ફ્લૉર પર હોવાને કારણે સુરક્ષિત બચી ગયા હતા.

આગનું સાચું કારણ જાણવા માટે ફૉરેન્સિક નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા છે. ઘટનાની તપાસ ચાલી રહી છે.

શાહિદ સિદ્દીકીએ આરએલડીના ઉપાધ્યક્ષપદેથી કેમ આપ્યું રાજીનામું?

શાહિદી સિદ્દીકી

ઇમેજ સ્રોત, @shahid_siddiqui

ઇમેજ કૅપ્શન, શાહિદી સિદ્દીકી

રાષ્ટ્રીય લોકદળના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શાહિદ સિદ્દીકીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર પોતાના રાજીનામાની જાણકારી આપતાં તેમણે લખ્યું, “મેં મારું રાજીનામું રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ માનનીય જયંત ચૌધરીને મોકલી દીધું છે. હું ચૂપ રહીને દેશના લોકતાંત્રિક ઢાંચાને સમાપ્ત થતો નહીં જોઈ શકું. આજે ભારતનું સંવિધાન અને લોકતાંત્રિત ઢાંચો જ્યારે ખતરામાં છે ત્યારે ચૂપ રહેવું પાપ છે.”

“હું જયંતજીનો આભારી છું પરંતુ ભારે હૃદયે આરએલડીથી દૂર થવા મજબૂર છું. ભારતની એકતા, અખંડતા અને ભાઈચારો સર્વપ્રિય છે. તેને બચાવવું દરેક નાગરિકનો ધર્મ છે. ધન્યવાદ.”

શાહિદ સિદ્દીકી વર્ષ 2002થી 2008 સુધી ઉત્તર પ્રદેશના રાજ્યસભા સાંસદ રહ્યા. તેઓ એક પત્રકાર છે અને નવી દિલ્હીથી પ્રકાશિત ઉર્દુ સાપ્તાહિક 'નઈ દુનિયા'ના મુખ્ય સંપાદક છે.

મુખ્તાર અંસારીના ઘરે પહોંચ્યા ઓવૈસી

અસદુદ્દીન ઓવૈસી અને મુખ્તાર અંસારી

ઇમેજ સ્રોત, ANI

ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન એટલે કે એઆઈએમઆઈએમના પ્રમુખ અને હૈદરાબાદના લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ રવિવારે યુપીના ગાઝીપુર પહોંચીને બાહુબલી નેતા મુખ્તાર અંસારીને શ્રદ્ધાંજલિ આપી.

ઓવૈસીએ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર લખ્યું, “આજે દિવંગત મુખ્તાર અંસારીના ઘરે ગાઝીપુર જઈને તેમના પરિવારને આશ્વાસન આપ્યું. આ મુશ્કેલીના સમયમાં અમે તેમના પરિવાર, સમર્થકો અને ચાહનારા લોકો સાથે છીએ. ઇંશા અલ્લાહ, આ અંધારું દૂર થઈ પ્રકાશ આવશે.”

ઉલ્લેખનીય છે કે હૃદયરોગના હુમલાને કારણે થયેલા મોત બાદ મુખ્તાર અંસારીના મૃતદેહને ગાઝીપુરના કાલીબાગ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો. તેમના મૃતદેહને પૈતૃક કબ્રસ્તાનમાં તેમનાં માતા-પિતાની કબર પાસે દફનાવવામાં આવ્યો.

ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં સજા કાપી રહેલા મુખ્તાર અંસારીનું હૃદયરોગના હુમલાને કારણે ગુરુવારે સાંજે મૃત્યુ થયું હતું. બાંદા જિલ્લા જેલમાં બંધ મુખ્તાર અંસારીને ગુરુવારની સાંજે રાની દુર્ગાવતી મેડિકલ કૉલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મેડિકલ બુલેટિન અનુસાર, “63 વર્ષના મુખ્તાર અંસારીને જેલના સુરક્ષાકર્મીઓએ મેડિકલ કૉલેજના ઇમર્જન્સી વૉર્ડમાં દાખલ કર્યા હતા. તેમને ઊલટીની ફરિયાદ હતી અને બેહોશીની હાલતમાં તેમને લવાયા હતા.”