મોદી સરકારના મુખ્ય આર્થિક સલાહકારે ઇથેનોલયુક્ત પેટ્રોલ વિશે એવું શું લખ્યું કે ચર્ચા શરૂ થઈ? – ન્યૂઝ અપડેટ

વી. અનંત નાગેશ્વરન

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, વી. અનંત નાગેશ્વરન
પ્રકાશિત
વાંચવાનો સમય: 7 મિનિટ

મોદી સરકારના મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને ઇથેનોલયુક્ત પેટ્રોલ વિશે ધ ઇન્ડિયન ઍક્સપ્રેસમાં એક લેખ લખ્યો છે. જેના કારણે ઇથેનોલની ચર્ચાને ફરી વેગ મળ્યો છે. આ લેખ તેમણે ઇકોનોમિક કન્સલ્ટન્ટ આકાશ પુજારી સાથે મળીને લખેલો છે.

લેખમાં તેમણે જૂની ગાડીઓ માટે ઈ-10 પેટ્રોલ પાછું લાવવાની માગ કરી છે.

અહીં ઉલ્લેખનીય છે કે દેશભરમાં 1 એપ્રિલ, 2026થી 20 ટકા ઇથેનોલવાળું ઈ-20 પેટ્રોલ વેચવામાં આવી રહ્યું છે.

જોકે, તેમણે ઈ-20 પેટ્રોલથી ઍન્જિન ખરાબ થાય છે એવી વાતને નકારી છે.

તેમણે લખ્યું હતું કે, "અસલ ચર્ચા એ ઍન્જિન સાથે નહીં, પરંતુ ખેતી અને ખાદ્યસુરક્ષા સાથે જોડાયેલી છે. ભારતના ઇથેનોલ પુરવઠાનો અડધો હિસ્સો મકાઈમાંથી આવે છે. સબસિડીને કારણે મકાઈનો પાક એ ખેડૂતોને સોયાબીન અને સરસવને બદલે વધુ આકર્ષી રહ્યો છે."

તેમણે લખ્યું છે કે, "જૂનાં વાહનો માટે ઈ-10 જેવા ઓછું ઇથેનોલનું મિશ્રણ ધરાવતું પેટ્રોલ પાછું લાવવામાં આવે."

આ મામલે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ઍક્સ પર લખ્યું હતું કે, "મોદી સરકારના મુખ્ય આર્થિક સલાહકાર જ જૂની ગાડીઓ માટે ઇ-10ની વકીલાત કરી રહ્યા છે. હવે મોદીજી સાંભળશે કે મુખ્ય આર્થિક સલાહકારને બદલી નાખશે?"

આવક કરતાં વધુ સંપત્તિના મામલે રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટથી મોટી રાહત

આવક કરતાં વધુ સંપત્તિના મામલે રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટથી મોટી રાહત – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Elke Scholiers/Getty Images

ઇમેજ કૅપ્શન, સુપ્રીમ કોર્ટે સોમવારે સીબીઆઈ અને ઈડીને નિર્દેશ આપ્યો કે તેઓ આ મામલામાં અલાહાબાદ હાઇકોર્ટ સમક્ષ કોઈ અહેવાલ રજૂ ન કરે. (ફાઇલ ફોટો)

સુપ્રીમ કોર્ટે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ચાલતા આવક કરતાં વધુ સંપત્તિના મામલે મહત્ત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઇકોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી આગામી આદેશ સુધી સ્થગિત રાખવાનો આદેશ આપ્યો છે.

આ મામલામાં રાહુલ ગાંધી વિરુદ્ધ સીબીઆઈ અને ઈડી દ્વારા તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે.

લાઇવ લૉના અહેવાલ અનુસાર, રાહુલ ગાંધી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સોમવારે સીબીઆઈ અને ઈડીને પણ નિર્દેશ આપ્યો કે તેઓ આ મામલે અલાહાબાદ હાઇકોર્ટ સમક્ષ કોઈ અહેવાલ દાખલ ન કરે.

આ પહેલાં અલાહાબાદ હાઇકોર્ટે બંને કેન્દ્રીય તપાસ એજન્સીઓને રાહુલ ગાંધી વિરુદ્ધ કરવામાં આવેલા આરોપોની પુષ્ટિ કરવા માટેના નિર્દેશ આપ્યા હતા.

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી. મોહનાની ખંડપીઠને જણાવવામાં આવ્યું હતું કે અલાહાબાદ હાઇકોર્ટે આ કેસની આગામી સુનાવણી 20 ઑગસ્ટ માટે નિર્ધારિત કરી છે. તેના પર સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટની કાર્યવાહીને આગામી આદેશ સુધી સ્થગિત રાખવાનો નિર્દેશ આપ્યો.

રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં એક અલગ અરજી પણ દાખલ કરી છે, જેમાં તેમણે આ મામલાની કાર્યવાહી અલાહાબાદ હાઈ કોર્ટમાંથી દિલ્હી હાઇકોર્ટમાં સ્થાનાંતરિત કરવાની માંગ કરી છે.

382 કરોડ રૂપિયામાં વેચાઈ ફરારીની આ કાર, જાણો શું છે તેની ખાસિયત

382 કરોડ રૂપિયામાં વેચાઈ ફરારીની આ કાર, જાણો શું છે તેની ખાસિયત – ન્યૂઝ અપડેટ બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, RM Sotheby's

ફરારીની પ્રથમ સંપૂર્ણ ઇલેક્ટ્રિક કાર એક ચૅરિટી હેતુ માટે યોજાયેલી હરાજીમાં 4 કરોડ ડૉલર એટલે કે લગભગ 382 કરોડ રૂપિયામાં વેચાઈ છે.

આ સાથે જ હરાજીમાં વેચાયેલી કોઈપણ નવી કાર માટે અત્યાર સુધી મળેલી સૌથી ઊંચી કિંમતનો નવો રેકૉર્ડ નોંધાયો છે.

અમેરિકાના કૅલિફોર્નિયામાં યોજાયેલી આ હરાજીમાં 'ફરારી લૂચે' નામની આ કાર તેની સામાન્ય કિંમત કરતાં 35 ગણીથી પણ વધુ કિંમતમાં વેચાઈ હતી. હરાજી ગૃહના જણાવ્યા અનુસાર, આ કાર "પ્રથમ પ્રોડક્શન ચૅસિસ" છે અને તેમાં વિશેષ ફિનિશિંગ સાથે અનેક કસ્ટમ પાર્ટ્સ લગાવવામાં આવ્યા છે.

લૂચેને આઇફોનના ડિઝાઇનર સર જોની આઇવની કલ્પના અને વિચારનું પરિણામ માનવામાં આવે છે. મે મહિનામાં તેનું લૉન્ચિંગ થયા બાદ કેટલાક લોકોએ તેની ટીકા કરી હતી. તેમનું કહેવું હતું કે આ કાર ફરારીની પરંપરાગત ડિઝાઇનથી અલગ છે. કેટલાક લોકોએ તો એવું પણ કહ્યું હતું કે બૅટરીથી ચાલતી અને પાંચ સીટ ધરાવતી કાર બનાવીને કંપનીએ પોતાની બ્રાન્ડની મૂળ ઓળખ ગુમાવી દીધી છે.

આયોજકોએ જણાવ્યું કે આ વેચાણથી પ્રાપ્ત થયેલી સંપૂર્ણ રકમ ફરારી ફાઉન્ડેશનના શૈક્ષણિક કાર્યક્રમો માટે દાન કરવામાં આવશે.

આ કસ્ટમ લૂચે કાર ખરીદનાર વ્યક્તિનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. વધુ માહિતી માટે બીબીસીએ હરાજી ગૃહ અને ફરારી બંનેનો સંપર્ક કર્યો છે.

લૂચેનું લૉન્ચિંગ તાજેતરનાં વર્ષોમાં રજૂ થયેલી નવી કારોમાં સૌથી મોટી લૉન્ચિંગમાંથી એક માનવામાં આવ્યું હતું.

પરંતુ લૂચેના લૉન્ચિંગના બીજા જ દિવસે ફરારીના શૅરના ભાવોમાં ઘટાડો નોંધાયો હતો. કાર અંગે થયેલી ટીકાઓના પગલે શૅરના ભાવ નીચે આવ્યા હતા.

કારની ટીકા કરનારાઓમાં ઇટાલીના ઉપવડા પ્રધાન માટેઓ સાલ્વિની અને ફરારીના ભૂતપૂર્વ અધ્યક્ષ લુકા કોર્ડેરો દી મોન્ટેઝેમોલો પણ સામેલ હતા. મોન્ટેઝેમોલોએ કહ્યું હતું કે આ કાર "એક દંતકથાને સમાપ્ત કરવાનો જોખમ ઊભું કરી રહી છે."

ફરારીના ચીફ ડિઝાઇન ઑફિસર ફ્લાવિયો માંઝોનીએ મે મહિનામાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ટીકા નવીનતાની પ્રક્રિયાનો એક ભાગ છે અને તેમને વિશ્વાસ છે કે ધીમે ધીમે લોકો લૂચેને પસંદ કરવા લાગશે.

કંપનીએ લૂચેના વેચાણ માટે કોઈ જાહેર લક્ષ્યાંક જાહેર કર્યો નથી. જોકે, ફાઇનાન્શિયલ ટાઇમ્સના એક અહેવાલ મુજબ, ચીનમાં મજબૂત માંગના કારણે ફરારી આ વર્ષનું પોતાનું વેચાણ લક્ષ્ય પહેલેથી જ પ્રાપ્ત કરી ચૂકી છે.

બીબીસીએ ફાઇનાન્શિયલ ટાઇમ્સના આ અહેવાલ અંગે પ્રતિક્રિયા મેળવવા ફરારીનો સંપર્ક કર્યો હતો, પરંતુ કંપનીએ કોઈ જવાબ આપ્યો નહોતો.

હરાજીકાર દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે હરાજીમાં વેચાયેલી આ કાર લૂચેની પ્રથમ પ્રોડક્શન કાર ખરીદવાની "અનન્ય અને બેજોડ તક" હતી.

આ કારમાં વિશેષ વ્હીલ્સ, કસ્ટમાઇઝ્ડ બ્રેક્સ અને સફેદ રંગની વિશેષ ફિનિશ આપવામાં આવી છે.

ફરારીની કારો ઘણીવાર કારોની હરાજીમાં સૌથી ઊંચી બોલી અને સૌથી વધારે કિંમત મેળવતી જોવા મળે છે.

જોકે, હરાજીમાં અત્યાર સુધી સૌથી વધુ કિંમતે વેચાયેલી કારનો રેકૉર્ડ અતિ દુર્લભ 1955માં બનેલી મર્સિડીઝ-બેન્ઝ 300 એસએલઆર ઉહલેનહાઉટ કૂપેના નામે છે. આ કાર વર્ષ 2022માં 14.2 કરોડ ડૉલર એટલે કે અંદાજે 1,356 કરોડ રૂપિયામાં વેચાઈ હતી.

પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કી વચ્ચે થયેલા 'મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર' પર ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?

પાકિસ્તાન, સાઉદી અરબ અને તુર્કી વચ્ચે થયેલા 'મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર' પર ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું? - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Kevin Dietsch/Getty Images

ઇમેજ કૅપ્શન, ડોનાલ્ડ ટ્રમ્પે ત્રણેય દેશોના નેતાઓને અભિનંદન પાઠવતાં તેને એક 'સાહસિક પગલું' ગણાવ્યું છે. (ફાઇલ ફોટો)

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સાઉદી અરેબિયા, તુર્કી અને પાકિસ્તાન વચ્ચે થયેલા મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ત્રણેય દેશોના નેતાઓને અભિનંદન પાઠવતાં તેને એક 'સાહસિક પગલું' ગણાવ્યું છે.

ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું, "તાજેતરમાં સાઉદી અરેબિયા, તુર્કી અને પાકિસ્તાને મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે, તે જોઈને મને ખૂબ આનંદ થયો છે."

તેમણે આગળ લખ્યું, "આ વાત દર્શાવે છે કે મધ્યપૂર્વ એકસાથે આગળ વધી રહ્યું છે અને આ ક્ષેત્રના દેશો હવે પોતાની સુરક્ષા માટે અગાઉ કરતાં વધુ મજબૂત અને અસરકારક રીતે પગલાં ભરી શકશે."

ટ્રમ્પે પોતાના સંદેશમાં વધુમાં જણાવ્યું, "ત્રણેય દેશોનાં મહાન નેતૃત્વને અભિનંદન. આ એક મોટું, મજબૂત અને અત્યંત મહત્ત્વપૂર્ણ પગલું છે. વાહ!"

ઉલ્લેખનીય છે કે મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર અનુસાર, જો સાઉદી અરેબિયા, તુર્કી અને પાકિસ્તાનમાંથી કોઈ એક દેશ પર હુમલો થાય, તો તેને ત્રણેય દેશો પર થયેલા હુમલા સમાન માનવામાં આવશે.

આ કરારનો મુખ્ય હેતુ પરસ્પર સુરક્ષા સહકારને મજબૂત બનાવવાનો છે. કરાર મુજબ, કોઈ એક સભ્ય દેશ પર બાહ્ય આક્રમણ થાય તો બાકીના બે દેશો તેને માત્ર એક દેશ સામેનો હુમલો નહીં, પરંતુ સમગ્ર સંયુક્ત ગઠબંધન સામેની કાર્યવાહી તરીકે ગણશે.

ડોનાલ્ડ ટ્રમ્પે આ કરારને મધ્યપૂર્વ અને આસપાસના વિસ્તારમાં વ્યૂહાત્મક સહકાર વધારવાના દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે અને ત્રણેય દેશોનાં નેતૃત્વની પ્રશંસા કરી છે.

બિહાર : લખીસરાયના અશોકધામ મંદિરમાં નાસભાગ, 7 લોકોનાં મોત

લખીસરાયના સબ ડિવિઝનલ પોલીસ ઑફિસર (એસડિપીઓ) શિવમકુમારે ફોન પર બીબીસીને જણાવ્યું કે સોમવાર સવારે અશોકધામ મંદિરમાં આ દુર્ઘટના બની.

ઇમેજ સ્રોત, @PTI_News

ઇમેજ કૅપ્શન, લખીસરાયના સબ ડિવિઝનલ પોલીસ ઑફિસર (એસડિપીઓ) શિવમકુમારે ફોન પર બીબીસીને જણાવ્યું કે સોમવાર સવારે અશોકધામ મંદિરમાં આ દુર્ઘટના બની.

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં નાસભાગ જેવી સ્થિતિમાં સાત લોકોનાં મોત થયાનાં સમાચાર છે.

લખીસરાયના સબ ડિવિઝનલ પોલીસ ઑફિસર (એસડિપીઓ) શિવમકુમારે ફોન પર બીબીસીને જણાવ્યું કે સોમવાર સવારે અશોકધામ મંદિરમાં આ દુર્ઘટના બની.

શિવમકુમારે જણાવ્યું કે દુર્ઘટનામાં અત્યાર સુધીમાં સાત લોકોનાં મોત થયાં છે. ઘટનામાં 5-6 લોકો ઘાયલ થયા છે અને તેમને સદર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પૂજા માટે ભેગા થવાના કારણે ઘટના બાદ અફરાતફરી મચી ગઈ.

પ્રશાસનિક અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે અને બચાવ કામગીરી તેમજ ભીડને નિયંત્રિત કરવાની વ્યવસ્થાની દેખરેખ રાખી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

સમાચાર એજન્સી પીટીઆઈએ એક પ્રત્યક્ષદર્શીના હવાલાથી કહ્યું, "અમે લાઇનમાં ઊભાં હતાં ત્યારે લગભગ 10-12 મહિલાઓ ધક્કો મારીને લાઇનમાં ઘૂસી ગઈ અને અમને ધક્કા મારવા લાગી. અમે પડી ગયા અને લગભગ 20-25 મહિલાઓ એકબીજાં ઉપર પડી ગઈ. ભીડ નીચે દબાઈ જવાને કારણે ઘણી મહિલાઓ બેભાન થઈ ગઈ. હું પણ બેભાન થઈ ગઈ હતી. આ બધું ખૂબ વધારે ભીડ હોવાના કારણે થયું."

રશિયાનો દાવો, યુક્રેને આ વર્ષનો સૌથી મોટો હુમલો કર્યો

રશિયાનો દાવો, યુક્રેને આ વર્ષનો સૌથી મોટો હુમલો કર્યો – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, TATYANA MAKEYEVA / AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, યુક્રેને હુમલામાં લગભગ 822 ડ્રૉનનો ઉપયોગ કર્યો

રશિયન અધિકારીઓએ દાવો કર્યો છે કે યુક્રેને રશિયા પર આ વર્ષનો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. રશિયન અધિકારીઓના જણાવ્યા મુજબ, હુમલામાં સાત લોકોનાં મોત થયાં છે.

આ દરમિયાન લગભગ 822 ડ્રૉનનો ઉપયોગ કરવામાં આવ્યો, જેમાંથી 600 ડ્રૉને રાજધાની મૉસ્કો અને તેની આસપાસના વિસ્તારોને નિશાન બનાવ્યાં.

મૉસ્કોના પ્રાદેશિક ગવર્નરના જણાવ્યા મુજબ, રાજધાની પર હાલમાં વર્ષોમાં થયેલા આ સૌથી મોટા ડ્રૉન હુમલાઓમાંનો એક છે. હુમલામાં રશિયન ઑનલાઇન રિટેલ કંપની વાઇલ્ડબેરીઝના એક વેરહાઉસને પણ નિશાન બનાવવામાં આવ્યું. ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા છે.

આ વેરહાઉસ મૉસ્કોના કેન્દ્રથી લગભગ 25 કિલોમીટર દૂર કોલેદીનો વિસ્તારમાં આવેલું છે. હુમલા બાદ સ્થળ પર આગ લાગી ગઈ અને વેરહાઉસ ઉપર ધુમાડો જોવા મળ્યો.

રશિયાના દક્ષિણ-પશ્ચિમ રોસ્ટોવ વિસ્તારમાં રાતભર થયેલા હુમલાઓમાં પાંચ લોકોનાં મોત થયાં છે. જ્યારે યુક્રેનની સરહદ સાથે જોડાયેલા બેલગોરોડમાં એક બસને નિશાન બનાવ્યા બાદ એક મહિલાનું મૃત્યુ થયું. મૉસ્કોમાં ડ્રૉન હુમલામાં 83 વર્ષીય એક વ્યક્તિનું પણ મૃત્યુ થયું.

જ્યારે, યુક્રેન પર રશિયાના હુમલાઓમાં પણ ઓછામાં ઓછા સાત લોકોનાં મોત થયાં છે અને 39થી વધુ લોકો ઘાયલ થયા છે.

રશિયા અને યુક્રેન વચ્ચે હુમલાઓ સતત તેજ થઈ રહ્યા છે. રશિયાએ છેલ્લાં કેટલાંક અઠવાડિયાંમાં યુક્રેનના અનેક વિસ્તારો પર મિસાઇલ હુમલાઓ વધાર્યા છે. તેના જવાબમાં યુક્રેન પણ રશિયાના આંતરિક વિસ્તારોમાં ડ્રૉન હુમલાઓ કરી રહ્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન