છત્તીસગઢ: પોલીસે આઠ સંદિગ્ધ માઓવાદીઓને માર્યા હોવાનો કર્યો દાવો- ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

છત્તીસગઢના માઓવાદ પ્રભાવિત બીજાપુરમાં પોલીસે એક અથડામણમાં આઠ સંદિગ્ધ માઓવાદીઓને માર્યા હોવાનો દાવો કર્યો છે.

પોલીસે જણાવ્યું છે કે માર્યા જનારા માઓવાદીની સંખ્યા વધી શકે છે.

પોલીસના એક અધિકારીએ બીબીસીને કહ્યું, "શુક્રવારે ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ, કોબરા બટાલિયન અને કેન્દ્રીય રિઝર્વ પોલીસની 222મી બટાલિયનની સંયુક્ત ટીમે આ માઓવાદી ઑપરેશનનો આરંભ કર્યો હતો. જ્યાં ગંગાલૂર થાણાના તોડકા વિસ્તારમાં શનિવારે સવારે સંદિગ્ધ માઓવાદીઓ સાથે અથડામણ થઈ."

પોલીસનું કહેવું છે કે અથડામણના સ્થળેથી અત્યારસુધી આઠ સંદિગ્ધ માઓવાદીઓના મૃતદેહો મળ્યા છે. તલાશ અભિયાન ચાલી રહ્યું છે.

20-21 જાન્યુઆરીના રોજ ગરિયાબંધમાં લગભગ 75 કલાક ચાલેલી જંગમાં 16 માઓવાદીઓ માર્યા ગયા હોવાનો પોલીસે દાવો કર્યો હતો.

પોલીસના દાવા પ્રમાણે આ અથડામણમાં માર્યા જનાર સીપીઆઈ માઓવાદીની સેન્ટ્રલ કમિટીના સભ્ય અને 90 લાખના ઇનામી ચલપતિ ઉપરાંત નુઆપડા-ગરિયાબંધ-ધમતરી ડિવિઝન કમિટી પ્રમુખ સત્યમ ગાવડે જેવા માઓવાદી પણ સામેલ હતા.

પાકિસ્તાન: બલૂચિસ્તાનમાં અલગ-અલગ ઘટનાઓમાં 18 સૈનિકો સહિત 41નાં મોત

પાકિસ્તાની સેનાએ કહ્યું છે કે દેશના દક્ષિણ-પશ્ચિમ બલૂચિસ્તાન પ્રાંતમાં અલગ-અલગ ઘટનાઓમાં કુલ 41 લોકોનાં મોત થયાં છે.

સેનાના જણાવ્યા અનુસાર આ ઘટનાઓમાં 18 સૈનિકો અને 23 વિદ્રોહીઓનાં મોત થયાં છે.

સેનાએ આ ઘટનાને આતંકવાદી ઘટના ગણાવી છે.

પહેલી ઘટનામાં બલૂચિસ્તાનના કલાત જિલ્લાના મંગોચાર શહેરની નજીક સેનાના જવાનોએ જ્યારે વિદ્રોહીઓ માટે બનાવાયેલા રોડબ્લૉક્સ હઠાવવાની કોશિશ કરી ત્યારે થઈ.

આ ઘટનામાં સુરક્ષાદળોએ '12 આતંકવાદીઓ'ને માર્યા જેમાં 18 સૈનિકો પણ માર્યા ગયા.

આ ઘટનાની જવાબદારી બલૂચ વિદ્રોહી સમૂહે લીધી છે.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બીજી ઘટના બલૂચિસ્તાનના એક પ્રાંતમાં થઈ જેમાં સેનાએ 11 વિદ્રોહીઓને મારી નાખ્યા.

પ્રાકૃતિક સંપદાથી ભરેલા પાકિસ્તાનનો આ પ્રાંત ઈરાન અને અફઘાનિસ્તાન સાથે જોડાયેલો છે. અહીં બલૂચ અને ઇસ્લામી વિદ્રોહીઓ વચ્ચે દશકોથી તણાવ ચાલ્યો આવે છે.

વિદ્રોહીઓનું કહેવું છે કે તેમને રાજનીતિક સ્વાયત્તતા તથા અહીંની પ્રાકૃતિક સંપદા પર તેમનું નિયંત્રણ જોઈએ. તેઓ સુરક્ષાદળો પર હુમલો કરતા રહે છે.

વિદ્રોહીઓએ આ વિસ્તારમાં ચાલી રહેલા પરિયોજનાનાં કામોમાં જોડાયેલા કેટલાક ચીની અધિકારીઓ પર પણ હુમલા કર્યા છે.

કરજણ: નગરપાલિકાની ચૂંટણી પહેલાં ભાજપને મોટો ઝાટકો

વડોદરાના કરજણમાં નગરપાલિકાની ચૂંટણી પહેલાં ભાજપમાં મોટા ભંગાણના સમાચાર આવ્યા છે.

નગરપાલિકાનાં વર્તમાન પ્રમુખ મીનાબા ચાવડા,ઉપપ્રમુખ ભરતસિંહ અટાલિયા સહિતનાં ભાજપનાં નેતાઓ પક્ષમાંથી રાજીનામાં આપી ધરીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયાં છે.

નોંધનીય છે કે તાજેતરમાં ગુજરાત રાજ્ય ચૂંટણીપંચે 66 નગરપાલિકા અને કેટલીક તાલુકા પંચાયતો સહિત જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણીની જાહેરાત કરી હતી.

16 ફેબ્રુઆરીએ યોજાનાર આ ચૂંટણીમાં કુલ 696 વૉર્ડ અને 4,390 બેઠકો પર મતદાન થવાનું છે.

18 ફેબ્રુઆરીએ એક સાથે તમામ બેઠકો અને વૉર્ડોનાં પરિણામ જાહેર કરવામાં આવશે.

કરજણ નગરપાલિકામાં સર્જાયેલ સ્થિતિ અંગે આગળ વાત કરીએ તો વર્તમાન સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન વનરાજસિંહ રાઓલજી,વર્તમાન કાઉન્સિલર મહમદ સંધિએ પણ ભાજપમાંથી રાજીનામાં ધરી દીધાં છે.

આ સિવાય નગરપાલિકાની સામાજિક ન્યાયસમિતિના વર્તમાન ચૅરમૅન પ્રકાશભાઈ પરમાર અને દસ વર્તમાન કૉર્પોરેટરો સહિત ઉપરોક્ત તમામ આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે.

આ સંદર્ભે આપના નેતા ગોપાલિ ઈટાલિયાએ કહ્યું હતું કે, "કરજણમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે."

નોંધનીય છે કે ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠિયા સહિતના આપના નેતાઓની ઉપસ્થિતિમાં ભાજપના કાર્યકરો અને પદાધિકારીઓ આપમાં જોડાઈ ગયા છે.

ગોપાલ ઈટાલિયાએ આ પ્રસંગે કહ્યું કે, "હાલના કરજણ નગરપાલિકાના તમામ આગેવાનો ભાજપ છોડીને આપમાં જોડાયાં છે."

નગરપાલિકાનાં પ્રમુખ મીનાબા ચાવડાએ પોતાના અને અન્ય હોદ્દેદારોનાં રાજીનામાં અને આમ આદમી પાર્ટીમાં જોડાવાનાં કારણો અંગે વાત કરતાં કહ્યું :

"અમે ઘણાં વર્ષો સુધી ભાજપ માટે કામ કર્યું, છતાં અમારી સાથે ન્યાય થયો નથી. ટિકિટ મળી નથી. તેથી અમે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યાં છીએ."

બજેટ 2025: રાહુલ ગાંધીએ બજેટને ગણાવ્યું 'બૅન્ડ ઍઇડ'

નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સંસદમાં બજેટ રજૂ કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેને આવકાર્યું છે પણ વિપક્ષને તે પસંદ આવ્યું નથી.

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા ઍક્સ પર પોસ્ટ કરતા કહ્યું કે આ મોટા ઘા પર નાની બૅન્ડ ઍઇડ લગાવવા જેવું છે.

રાહુલ ગાંધીએ લખ્યું, "બુલેટથી બનેલા ઘા પર સરકારે બૅન્ડ ઍઇડ લગાવી છે. વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે આર્થિક સંકટથી બચવા માટે મોટા બદલાવની જરૂર હતી પરંતુ સરકાર પાસે વિચારો નથી."

ત્યાં સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં કૉંગ્રેસ સાંસદ જયરામ રમેશે કહ્યું કે તેમાં ખેડૂતોની માગને ફગાવી દેવામાં આવી છે.

તેમણે કહ્યું, "એવું લાગે છે કે વોકલને રાહત મળી છે પરંતુ લોકલને શું મળ્યું? ખેડૂતોને શું મળ્યું? ન્યૂનતમ મૂલ્ય મામલે કોઈ ઉલ્લેખ નથી. તેને અવગણવામાં આવ્યું છે."

જોકે, તેમણે માન્યું કે સરકારે રાહત જરૂર આપી છે.

તેમણે કહ્યું, "સરકારે રાહત જરૂર આપી છે પરંતુ તેનાથી ખપત પર કેટલી અસર પડશે? કંઝપ્શન કે જે રોકાઈ ગયું છે તે આગળ વધશે કે નહીં તે સમય જ બતાવશે. સામાન્ય રોકાણકારો માટે સરકારે કોઈ રાહત નથી આપી."

બજેટ 2025: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટ પર આપી આ પ્રતિક્રિયા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2025ના બજેટ પ્રસ્તાવોને રોકાણ વધારનારા ગણાવ્યા છે.

તેમણે તેને 'ફોર મલ્ટિપ્લાયર' ગણાવ્યા છે. તેમણે કહ્યું કે આ બજેટ રોકાણ, બચત અને ગ્રોથને વધારશે.

તેમણે કહ્યું કે આ બજેટ એ બાબત પર કેન્દ્રીત છે કે સરકારનો ખજાનો નહીં પરંતુ લોકોનું ખિસ્સું ભરાય.

તેમણે કહ્યું, "બજેટમાં એ ભલામણ છે કે લોકોની બચત કેવી રીતે વધે અને દેશનો વિકાસ કઈ રીતે થાય'

પીએમ મોદીએ કહ્યું, "બજેટમાં આર્થિક સુધારાની મજબૂત નીંવ રાખવામાં આવી છે. ન્યૂક્લિયર ઍનર્જી સેક્ટરમાં ખાનગી સેક્ટરને પ્રોત્સાહન આપવાનો નિર્ણય ઐતિહાસિક છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને વધારવા માટે જે કરવામાં આવ્યું છે તેનાથી ભારતની બુનિયાદ મજબૂત થશે."

અમેરિકાના ફિલાડેલ્ફિયામાં નાનકડું વિમાન તૂટી પડ્યું, ઘર-વાહનો સળગ્યાં

અમેરિકાના વૉશિંગ્ટનમાં વિમાન દુર્ઘટના હજુ તાજી છે ત્યાં ફિલાડેલ્ફિયામાં એક નાનકડું વિમાન તૂટી પડ્યું છે. રહેણાક વિસ્તારમાં વિમાન પડવાના કારણે મકાનો અને વાહનો સળગ્યાં હતાં અને કેટલાક લોકોને ઈજા પણ થઈ છે.

અધિકારીઓએ જણાવ્યું કે શુક્રવારે સાંજે વિમાન તૂટી પડ્યું ત્યારે તેમાં છ લોકો સવાર હતા. આ વિમાન મેડિકલ ટ્રાન્સપૉર્ટ માટે ઉપયોગમાં લેવાઈ રહ્યું હતું જેમાં ડૉક્ટરો અને એક બાળદર્દી હતા.

સાંજે વાહનોનો બહુ ધસારો હતો ત્યારે દુર્ઘટનાના સ્થળે ઇમરજન્સી દળના લોકો પહોંચી ગયા હતા અને લોકોને ઘટનાસ્થળેથી દૂર જવા જણાવ્યું હતું.

ફિલાડેલ્ફિયાના મેયર ચેરેલ પાર્કરે એક ન્યૂઝ કૉન્ફરન્સમાં જણાવ્યું કે કેટલા લોકોની જાનહાનિ થઈ છે તે જાણી શકાયું નથી. પરંતુ તેઓ 'અસરગ્રસ્ત લોકો માટે પ્રાર્થના' કરે છે.

કૅનેડા, મૅક્સિકો અને ચીન પર લાગશે ટેરિફ, વ્હાઇટ હાઉસે જાહેરાત કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મૅક્સિકો, કૅનેડા અને ચીન પર ટેરિફ લાદવાનો શનિવારે નિર્ણય લીધો છે. વ્હાઇટ હાઉસ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

તે મુજબ મૅક્સિકો પર 25 ટકા, કૅનેડા પર 25 ટકા અને ચીન પર 10 ટકા ટેરિફ લગાવવામાં આવશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ છેલ્લા કેટલાક સમયથી ટેરિફના મુદ્દે સતત પોતાનું વલણ જાહેર કરી રહ્યા છે.

મૅક્સિકો, કૅનેડા અને ચીન પર ટેરિફ લગાવ્યા પછી ટ્રમ્પનું કહેવું છે કે ભવિષ્યમાં તેઓ સમગ્ર યુરોપિયન યુનિયન પર ટેરિફ લગાડવાની યોજના ધરાવે છે. તેઓ માને છે કે ઈયુએ અમેરિકા સાથે સારો વર્તાવ નથી કર્યો.

વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કૅરોલિન લેવિટે કૅનેડા અને મૅક્સિકો પર ડ્યૂટી વધારવાનું કારણ જણાવ્યું હતું.

લેવિટે કહ્યું કે, "કૅનેડા અને મૅક્સિકોએ અમારા દેશમાં ગેરકાયદે રીતે ફેન્ટેનાઇલનું વિતરણ કર્યું છે જેના કારણે 10 લાખ અમેરિકનોના જીવ ગયા છે."

પંડ્યા અને દુબેની ઇનિંગની મદદથી ભારતે ઇંગ્લૅન્ડને હરાવ્યું

શુક્રવારે ટી-20ની રોમાંચક મૅચમાં ભારતે ઇંગ્લૅન્ડને 15 રને હરાવીને પાંચ મૅચની સિરીઝમાં 3-1થી લીડ મેળવી છે.

પુણેમાં રમાયેલી ચોથી ટી-20 મૅચમાં ભારત તરફથી હાર્દિક પંડ્યા અને શિવમ દુબેની તોફાની ઇનિંગે ભારતને મજબૂત સ્કોર સુધી પહોંચવામાં મદદ કરી હતી.

આ મૅચમાં ભારતની શરૂઆત નબળી હતી. પરંતુ પંડ્યા અને દુબેના કારણે ભારતનો સ્કોર 181 રન સુધી પહોંચી શક્યો હતો.

હાર્દિક પંડ્યાએ ચાર બાઉન્ડરી, ચાર સિક્સર ફટકારી હતી જ્યારે શિવમ દુબેએ 7 બાઉન્ડરી અને બે સિક્સરની મદદથી 53-53 રન બનાવ્યા હતા.

ભારતીય ટીમે છેલ્લી 10 ઓવરમાં જ 109 રન બનાવ્યા હતા.

182 રનના લક્ષ્યનો પીછો કરતા ઇંગ્લૅન્ડે સાવધાનીપૂર્વક શરૂઆત કરી હતી. ફિલ સોલ્ટે 23 રન અને બેન ડકેટે 39 રન બનાવીને મજબૂતી આપી હતી.

ત્યાર પછી હેરી બ્રૂકે ટીમ વતી સૌથી વધુ 51 રન બનાવ્યા હતા.

એક સમયે ભારતને એક વિકેટની જરૂર હતી અને ઇંગ્લૅન્ડને છ બૉલમાં 19 રન જોઈતા હતા.

પરંતુ ઇંગ્લૅન્ડની ટીમ 19.4 ઓવરમાં કુલ 166 રન બનાવી શકી. ભારત તરફથી રવિ બિશ્નોઈ અને હર્ષિત રાણાએ ત્રણ-ત્રણ વિકેટો ઝડપી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.