ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાની 89 બેઠકો પર તૈયારીઓ પૂર્ણ; 788 ઉમેદવારો મેદાનમાં

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ગુરુવારે સૌરાષ્ટ્ર-કચ્છ અને રાજ્યના દક્ષિણ ભાગોમાં 19 જિલ્લાઓની 89 બેઠકો પર મતદાન યોજાશે જ્યાં 788 ઉમેદવારો મેદાનમાં છે.
ભાજપ શાસિત ગુજરાત રાજ્યમાં ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનો પ્રચાર મંગળવારે સાંજે 5 વાગ્યે શાંત થઈ ગયો હતો.
ગુરુવારે 14,382 મતદાન મથકો પર સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યાની વચ્ચે મતદાન થશે, એમ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી (સીઈઓ)ના કાર્યાલયના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
પ્રથમ તબક્કામાં મતદાન થવા જઈ રહેલી 89 બેઠકોમાંથી, 2017ની ચૂંટણીમાં ભાજપે 48 પર જીત મેળવી હતી, કૉંગ્રેસે 40 પર જીત મેળવી હતી, જ્યારે એક બેઠક અપક્ષ ઉમેદવારને મળી હતી.
પ્રથમ તબક્કામાં ચૂંટણી જંગમાં ઉતરેલા ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ) ઉપરાંત, 36 અન્ય રાજકીય સંગઠનો, જેમાં બહુજન સમાજ પાર્ટી (બીએસપી), સમાજવાદી પાર્ટી (એસપી), કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઈન્ડિયા-માર્કસિસ્ટ (સીપીઆઈ-એમ) અને ભારતીય ટ્રાઈબલ પાર્ટી (બીટીપી)નો સમાવેશ થાય છે.
ભાજપ અને કૉંગ્રેસ તમામ 89 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે.
પહેલી વખત મેદાનમાં ઉતરેલી ‘આપ’ 88 બેઠકો પર ચૂંટણી લડી રહી છે.
સુરત પૂર્વ મતવિસ્તારમાંથી ‘આપ’ ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી, જેના કારણે પક્ષને પ્રથમ તબક્કામાં લડવા માટે એક ઓછી બેઠક મળી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અન્ય પક્ષોમાં, બીએસપીએ 57 ઉમેદવારો ઉતાર્યા છે જ્યારે બીટીપીએ 14 અને સીપીઆઈ-એમએ ચાર ઉમેદવારો ઊભા રાખ્યા છે.
પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 339 જેટલા અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં છે.
કુલ 788 ઉમેદવારોમાંથી 70 મહિલાઓ છે જેમાં ભાજપ દ્વારા 9, કૉંગ્રેસ દ્વારા 6 અને ‘આપ’ દ્વારા 5 ઉમેદવારો મેદાનમાં છે.

કોણ-કોણ મેદાનમાં છે?

ઇમેજ સ્રોત, TWITTER/@BJP4GUJ
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
‘આપ’ના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે જ્યાં ગુરુવારે મતદાન થશે.
‘આપ’ રાજ્ય એકમના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા સુરતના કતારગામથી ચૂંટણી લડી રહ્યા છે.
પ્રથમ તબક્કાના અન્ય મહત્વના ઉમેદવારોમાં ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા જાડેજા જામનગર (ઉત્તર)થી ચૂંટણી લડી રહ્યાં છે, અને સુરતની વિવિધ બેઠકો પરથી ભાજપના હર્ષ સંઘવી અને પૂર્ણેશ મોદી અને ભાવનગર(ગ્રામ્ય) બેઠક પરથી પાંચ વખત ધારાસભ્ય રહી ચૂકેલા પુરુષોત્તમ સોલંકીનો સમાવેશ થાય છે.
લલિત કગથરા, લલિત વસોયા, રૂત્વિક મકવાણા અને મોહમ્મદ જાવેદ પીરઝાદા જેવા કૉંગ્રેસના ધારાસભ્યો પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર પ્રદેશની બેઠકો પરથી મેદાનમાં છે.
સાત વખત ધારાસભ્યપદે ચૂંટાયેલા અને દિગ્ગજ આદિવાસી નેતા છોટુ વસાવા ભરૂચના ઝઘડિયાથી ચૂંટણી લડી રહ્યા છે.
54 બેઠકો સાથે, સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશ કૉંગ્રેસ માટે નિર્ણાયક બનશે કારણ કે તે કૉંગ્રેસ અહીં પોતાનું પ્રદર્શન સુધારવા માંગે છે.
આ પ્રદેશમાં, કૉંગ્રેસે 2012ની ચૂંટણીમાં 16 બેઠકો જીતી હતી, જેની સરખામણીમાં 2017માં ઘણી વધારે 30 બેઠકો જીતી હતી.
બીજી તરફ, ભાજપે 2012ની ચૂંટણીમાં અહીં 35 બેઠકો જીતી હતી જે 2017માં ઘટીને 23 બેઠકો પર આવી ગઈ હતી.
દક્ષિણ ગુજરાતમાં કૉંગ્રેસે 2012ની ચૂંટણીમાં 6 બેઠકો જીતી હતી, જેની સરખામણીમાં 2017માં પ્રદર્શન સુધારીને 10 બેઠકો જીતી હતી.
બીજી તરફ, ભાજપે દક્ષિણ ગુજરાતમાં 2012ની ચૂંટણીમાં 28 બેઠકો જીતી હતી, જેની સરખામણીમાં જે 2017માં ઘટીને 25 બેઠકો પર આવી ગઈ હતી.
આ વિસ્તારમાં 12 બેઠકો ધરાવતા સુરત શહેરનો પણ સમાવેશ થાય છે જે લાંબા સમયથી ભાજપનો ગઢ છે.

ઇમેજ સ્રોત, Getty Images
ભાજપને આ વખતે ‘આપ’ તરફથી પડકાર મળ્યો છે, જેણે સુરતમાંથી રાજ્યના મોટા નેતાઓ મેદાનમાં ઉતાર્યા છે અને તેના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે જાહેર કર્યા મુજબ તેમને સુરત શહેરમાંથી સાત-આઠ બેઠકો જીતવાની આશા છે.
ગુજરાત ‘આપ’ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા કતારગામથી, મહામંત્રી મનોજ સોરઠીયા કારંજથી અને પાટીદાર સમાજના નેતા અલ્પેશ કથિરિયા સુરતના વરાછા રોડ પરથી ઉમેદવાર છે.

2 કરોડ 39 લાખ 76 હજાર 670 મતદાતાઓ નિર્ણય કરશે

ઇમેજ સ્રોત, ANI
ગુજરાતમાં કુલ 4 કરોડ 91 લાખ 35 હજાર 400 નોંધાયેલા મતદારોમાંથી ચૂંટણીના પ્રથમ તબક્કામાં 2 કરોડ 39 લાખ 76 હજાર 670 મતદાતાઓ મતદાન કરશે છે.
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીએ જણાવ્યા મુજબ, તેમાં 18-19 વર્ષની વય જૂથના 74 લાખ મતદારો અને 99 વર્ષથી વધુ વયના 4,945 મતદારો છે.
ચૂંટણી પંચે નિવેદનમાં જણાવ્યું હતું કે, 14,382 મતદાન મથકો પર મતદાન યોજાશે, જેમાંથી 3,311 શહેરી અને 11,071 ગ્રામીણ વિસ્તારોના મતદાન મથકો છે.
ચૂંટણી પંચે 89 'મોડલ મતદાન મથકો' સ્થાપ્યા છે, જેમાં કેટલાક મતદાન મથકો વિકલાંગ લોકો દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે, 89 ઇકૉ-ફ્રેન્ડલી મતદાન મથકો હશે અને 611 મતદાન મથકો મહિલાઓ દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે.
તેમાં 18 મતદાન મથકો યુવાનો દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે.
ચૂંટણી પંચના નિવેદન અનુસાર, પ્રથમ તબક્કાની ચૂંટણી માટે કુલ 34 હજાર 324 બૅલેટ એટલા જ કંટ્રૉલ યુનિટ્સ અને 38,749 વોટર વૅરિફાયેબલ પેપર ઓડિટ ટ્રૅલ (વીવીપેટ) મશીનોનો ઉપયોગ કરવામાં આવશે.
કુલ 2 લાખ 20 હજાર 288 પ્રશિક્ષિત અધિકારીઓ અને કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયાના સુચારૂ સંચાલન માટે ફરજ પર હાજર રહેશે.
પ્રથમ તબક્કામાં 27 હજાર 978 પ્રિસાઇડિંગ ઓફિસર અને 78 હજાર 985 પોલિંગ ઓફિસર ફરજ પર રહેશે, એમ તેમણે જણાવ્યું હતું.
ભાજપ, કૉંગ્રેસ અને ‘આપ’ નેતાઓએ ચૂંટણી પ્રચારના ભાગ રૂપે રોડ શો કર્યા અને જાહેર રેલીઓને સંબોધિત કરી હતી.
શાસક પક્ષના અભિયાનનું નેતૃત્વ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, યોગી આદિત્યનાથ (ઉત્તર પ્રદેશ), હિમંતા બિસ્વા સરમા (આસામ), શિવરાજસિંહ ચૌહાણ (મધ્ય પ્રદેશ), પ્રમોદ સાવંત (ગોવા), સહિતના ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય મંત્રીઓએ અને સંખ્યાબંધ કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્યના નેતાઓએ કર્યું હતું.
‘આપ’ માટે, દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માને સૌથી વધુ પ્રચાર કર્યો હતો.
તેમના સિવાય દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને ‘આપ’ના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા અને સંજયસિંહે પણ ગુજરાતમાં પ્રચાર કર્યો હતો.
કૉંગ્રેસે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સિવાય પ્રચાર માટે તેના સ્થાનિક નેતાઓ પર આધાર રાખ્યો હતો, જેમણે ચૂંટણીના પ્રથમ તબક્કાના છેલ્લા કેટલાક દિવસોમાં કેટલીક રેલીઓ યોજી હતી.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમની ચાલી રહેલી ભારત જોડો યાત્રામાંથી સમય કાઢીને આ મહિને ગુજરાતમાં બે રેલીઓ કરી હતી.
























