બીબીસી ગુજરાતીના આ લેખો ચૂકી તો નથી ગયા ને...

પ્રકાશિત

મિત્રો, દર અઠવાડિયે અમે તમારા માટે એવા લેખો લાવીએ છીએ જે અલગ-અલગ ઘટનાઓ વિશે તમને માહિતી આપે છે. જો તમે આ અઠવાડિયે કંઈ ચૂકી ગયા હો તો અહીં વાંચી શકો છો.

અમે તમારા માટે પાંચ એવા લેખો લાવ્યા છીએ જે તમને વાંચવા ગમશે. આખો લેખ વાંચવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

ચીનમાં કોરોના વાઇરસના વધી રહેલા સંક્રમણની અસર સુરતના હીરાઉદ્યોગ પર પડી રહી છે.

ચીનમાં કોવિડને કારણે જે સ્થિતિ પેદા થઈ છે, એના લીધે સુરતના હીરાઉદ્યોગકારોની ચિંતા વધી રહી છે.

તો સૌરાષ્ટ્રનાં કેટલાંય નાનાં શહેરોમાં ચાલતા હીરાઉદ્યોગમાં પણ ભારે મંદીને કારણે વૅકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે.

ચીનમાં નાના આકારના હીરાની માગ વધી રહી છે તેને જોઈને હીરાના વ્યાપારને લઈને સુરતના વ્યાપારીઓ અવારનવાર ચીન જતા-આવતા રહે છે.

પણ જ્યારે ચીનમાં કોવિડને લઈને ગંભીર સંકટ સર્જાયું છે ત્યારે ઘણા વ્યાપારીઓએ તેમની ચીન યાત્રા રદ કરી નાખી છે.

સુરતના હીરાવેપારી જૈનમ શાહ કહે છે કે માત્ર ચીનનો જ નહીં પરંતુ કોરોના મહામારી આવ્યા બાદથી હીરાનો વ્યાપાર અડધો થઈ ગયો છે.

વાંચો કે ચીનમાં કોરોના વાઇરસની સુરતના હીરાઉદ્યોગ પર કેવી અસર પડી છે.

કોવિડ-19ના નવા વૅરિયન્ટ ઑમિક્રોને જાપાન, દક્ષિણ કોરિયા અને ચીન જેવા એશિયાના દેશો તથા યુએસ અને ફ્રાન્સ જેવા પશ્ચિમી દેશોમાં હાહાકાર મચાવ્યો છે.

કોરોનાની વધુ એક સંભવિત લહેરની આશંકા વચ્ચે કેન્દ્રની નરેન્દ્ર મોદી તથા ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી તથા સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારીઓની સમીક્ષા હાથ ધરવામાં આવી છે.

ઉપલબ્ધ સાર્વજનિક માહિતી પ્રમાણે, દેશમાં નવીન વૅરિયન્ટના લગભગ ચાર કેસ જોવા મળ્યા છે, જેમાં દર્દી સાજા થઈ ગયા છે, જે આરોગ્યતંત્ર અને સરકારને માટે રાહતજનક સમાચાર છે.

નિષ્ણાતોના મતે વૅક્સિનેશન, બૂસ્ટર ડોઝ, ચેપને કારણે ઉત્પન્ન થયેલી રોગપ્રતિકારકશક્તિ અને હર્ડ ઇમ્યુનિટીને કારણે ભારતમાં પ્રમાણમાં સારી સ્થિતિ છે, છતાં તેના કારણે ગાફેલ ન થઈ જવું જોઈએ.

ત્યારે આ BF7 અને બૂસ્ટર ડોઝ શું છે એ જાણો.

સીબીઆઈએ શુક્રવારે આઈસીઆઈસીઆઈ બૅન્કનાં પૂર્વ એમડી અને સીઈઓ ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની ધરપકડ કરી છે.

તેમની પર વીડિયોકોન ગ્રૂપને આપવામાં આવેલી 3000 કરોડ રૂપિયાની લોનમાં ગેરરીતિનો આરોપ છે. જ્યારે આ લોન આપવામાં આવી હતી, એ સમયે તેઓ આઈસીઆઈસીઆઈ બૅન્કનાં પ્રમુખ હતા.તેમની સામે એ પણ આરોપ છે કે આ લોનની રકમનો ઉપયોગ તેમના પતિની કંપનીમાં કરવામાં આવ્યો છે.

તેમની પર લાગેલા આરોપો અનુસાર, ઇલેક્ટ્રોનિક્સ મૅન્યુફૅક્ચરિંગ અને તેલ-ગૅસ માઇનિંગ કંપની વીડિયોકોનના પૂર્વ ચેરમૅન વેણુગોપાલ ધૂતે દીપક કોચરની કંપની ન્યૂ-પાવરમાં કથિત રીતે મોટી રકમનું રોકાણ કર્યું હતું.

આ રોકાણ વીડિયોકોન ગ્રૂપને આઈસીઆઈસીઆઈ બૅન્ક પાસેથી લોન મળ્યા બાદ કરવામાં આવ્યું હતું. વીડિયોકોનને આપવામાં આવેલી આ લોન એનપીએમાં ફેરવાઈ ગઈ હતી.

ચંદા કોચર એક સમયે ભારતીય બૅંન્કિંગ સેક્ટરના સ્ટાર કહેવાતાં હતાં. તેમણે ઘણા ઓછા સમયમાં પોતાની કારકિર્દીની ઊંચાઈઓને સ્પર્શી લીધી હતી.

મૅનેજમૅન્ટ અને બૅન્કિંગનાં દિગ્ગજ કહેવાતાં ચંદા કોચર કામ કરતી મહિલાઓ માટે રોલમૉડલ તરીકે ઓળખાતાં હતાં.

જાણો કે ઝળહળતી બૅન્કિંગ સફરનો આવો અંત કેવી રીતે આવ્યો?

ચીને તેના કોવિડ-વિરોધી આકરા નિયંત્રણો પૈકીનાં કેટલાંકને હળવા બનાવ્યાં હશે, પરંતુ રોગચાળા સંબંધી તેની નિષ્ઠુર નીતિને લીધે હજારો નાગરિકો પોતાનું જીવન જોખમમાં મૂકીને અન્યત્ર બહેતર ભવિષ્ય શોધી રહ્યા છે.

પોતાના ઘરથી આશરે 15 હજાર કિલોમીટર દૂર મધ્ય અમેરિકાના વર્ષાવનોમાં સતત ત્રણ દિવસ સુધી આગળ ધપતા રહેલા સન પરિવારે તેમનો કૅમ્પિંગનો સામાન, ભાર હળવો કરવા માટે ફેંકી દીધો હતો અને વિચારતા રહ્યા હતા કે રાત પડતાંની સાથે જ તેઓ જંગલની બહાર નીકળી જશે, પરંતુ બહાર નીકળવાને બદલે તેઓ ભારે વરસાદ વચ્ચે જંગલમાં ફસાયેલા રહ્યા હતા.

એ રાતે સન જિંકાઈ, તેમના પત્ની અને છ, નવ તથા 11 વર્ષનાં ત્રણ બાળકો તેમને માર્ગમાંથી મળેલા એક નાનકડા ટેન્ટમાં, ઠંડુ પાણી પાતળા કાપડમાંથી અંદર ટપકતું હોવા છતાં ગોંધાયેલા રહ્યાં હતાં.

સન જિંકાઈએ કહ્યું હતું કે “સદ્ભાગ્યે અમારામાંથી કોઈ બીમાર પડ્યું ન હતું.”

તે ચીનથી અમેરિકા સુધીના તેમના પ્રવાસમાંના ઘણા જોખમી પગલાં પૈકીનું એક પગલું હતું.

સવાલ એ થાય કે લોકો જીવના જોખમે અમેરિકાનો આ પ્રવાસ કેમ ખેડી રહ્યા છે.

આર્થરાઈટિસના ઘણા પ્રકારો છે અને તેમાંનો સૌથી સામાન્ય પ્રકાર રુમેટૉઇડ આર્થરાઈટિસ, જેને સંધિવા કે સાદી ભાષામાં સાંધાનો વા કહેવાય છે અને તે એક લાંબા ગાળાની સ્થિતિ છે.

સંધિવામાં સાંધામાં દુખાવો, સોજો અને જડતા આવી શકે છે. આ સ્થિતિ સામાન્ય રીતે હાથ, પગ અને કાંડાને અસર કરે છે.

અમદાવાદના જાણીતા ઑર્થોપેડિક સર્જન ડૉ. ધર્મેન્દ્ર ગજ્જર બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, “જીવનશૈલી બદલાઈ એ કારણે આપણા દેશ અને ગુજરાતમાં સંધિવા વધ્યો છે. પહેલાં પશ્ચિમના દેશોમાં વધુ જોવા મળતો હતો. હાઈજીન સુધરે એ કારણે ઑટૉઇમ્યુન ડિસીઝ વધી જાય.”

બ્રિટન સરકારની નેશનલ હૅલ્થ સર્વિસ અનુસાર, એવો સમય પણ આવતો હોય છે જેમાં સંધિવા વકરે છે, જેને ફ્લેર-અપ્સ અથવા ફ્લેર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સંધિવા ઊથલા મારે છે.

આ અહેવાલમાં ડૉક્ટરો સાથે વાત કરીને એ જાણવાની કોશિશ કરાઈ છે કે આ સંધિવા શું છે અને તે કોને થઈ શકે છે.