ગુજરાતમાં ફરી આ તારીખથી શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ, ક્યાં પડશે ભારે વરસાદ?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં વાવાઝોડાને કારણે ભારે વરસાદ પડ્યો હતો, ત્યારે વાવાઝોડા બાદ છુટાછવાયાં સ્થળોએ પણ હળવાથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે.
વાવાઝોડું ગુજરાત પર ટકરાઈને નબળું પડી ગયું, પરંતુ તેની અસર હજુ પણ જોવા મળી રહી છે. તેની બાકી રહેલી સિસ્ટમ રાજસ્થાન, મધ્યપ્રદેશ થઈને ઉત્તર પ્રદેશ સુધી અસર કરી હતી. જેના કારણે બંગાળની ખાડી તરફથી આવતા પવનોને પણ અસર થઈ હતી.
રાજ્યમાં ચોમાસાની શરૂઆત દક્ષિણ ગુજરાતનથી થાય છે અને જે બાદ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તથા કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ચોમાસું પહોંચે છે.
હવામાન વિભાગે આગામી ચાર દિવસના જાહેર કરેલા બુલેટિન અનુસાર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં 24મી જૂને ચોમાસાની અસર જોવા મળી શકે છે.
24 જૂન શનિવારે ગુજરાતના અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, મહીસાગર, મહેસાણા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, નવસારી, તાપી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ સાથે પડવાની શક્યતા છે.
અમદાવાદ હવામાન વિભાગની આગાહી મુજબ 27 જૂને સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ સાથે પડવાની શક્યતા છે તેમજ 28 જૂનના રોજ હવામાન વિભાગે ગુજરાત માટે ભારે વરસાદની ચેતવણી આપી છે.

હવામાન વિભાગે શું કરી આગાહી?

ઇમેજ સ્રોત, IMD
ચોમાસું કર્ણાટક, તેલંગણા, આંધ્ર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં આગળ વધ્યું છે. આ સાથે મહારાષ્ટ્રમાં આજથી ફરી પ્રગતિ કરે તેવી શક્યતા જોવા મળી રહી છે.
હવામાન વિભાગનું કહેવું છે કે આવનારા એકાદ દિવસની અંદર ચોમાસું મુંબઈ સુધી પહોંચે તેવી શક્યતા છે. મુંબઈ સુધી ચોમાસું પહોંચે ત્યાર બાદ એકથી ત્રણ દિવસના ગાળામાં ગુજરાતમાં ચોમાસું પહોંચી જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી જેવા વિસ્તારોમાં સૌથી પહેલા ચોમાસું પહોંચતું હોય છે, ત્યાંથી ચોમાસાની શરૂઆત થઈ જાય છે. ત્યાં ચોમાસું પહોંચે એ બાદ બેથી ચાર દિવસમાં સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને આવરી લેતું હોય છે.
ગુજરાતમાં 25 જૂનની આસપાસ વરસાદ વધવાની શરૂઆત થશે. સૌથી પહેલા દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારો જેમ કે નવસારી, વલસાડ, ડાંગ, છોટાઉદેપુર, અરવલ્લી, મહીસાગર, નર્મદા, ગોધરા, તાપી, પંચમહાલ, સુરતમાં વરસાદ વધવાની શરૂઆત થશે, એ બાદ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, જૂનાગઢમાં વરસાદની શરૂઆત થશે.
ગુજરાતમાં લગભગ 27થી 30 જૂન સુધી મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વડોદરા, નવસારી, ડાંગ, સુરત, ભરૂચ, ગોધરા, અરવલ્લી, આણંદ, બનાસકાંઠા, નર્મદા, છોટાઉદેપુર, પાટણ, મહેસાણાના વિસ્તારોમાં વરસાદનું જોર વધશે.
ગુજરાતમાં 25 તારીખથી છુટોછવાયો વરસાદ પડે તેવી શક્યતા છે, ત્યાર બાદ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જૂનાગઢ, જામનગર, ભાવનગર, રાજકોટ, પોરબંદર, દ્વારકા, સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં વરસાદનું જોર વધશે.
ગુજરાતના કચ્છમાં મોડો વરસાદ શરૂ થાય એવી શક્યતા જોવા મળી રહી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશરની સિસ્ટમ બની છે, તે ઓડિશા, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશ પરથી ગુજરાત અને રાજસ્થાન તરફ આવશે.
તે જ્યારે ગુજરાત અને રાજસ્થાન તરફ આવશે, ત્યારે ભારે વરસાદની શક્યતા છે. ગુજરાતમાં 24 જૂન એટલે કે આજે દાહોદ, પંચમહાલ, ખેડા, વડોદરા, આણંદ, ગોધરા, સુરત, છોટાઉદેપુરમાં છુટોછવાયો વરસાદ પડે તેવી શક્યતા છે.
હાલનો વરસાદ ગાજવીજ સાથે પડે તેવી શક્યતા છે, પરંતુ નુકસાન કરે તેવો પવન આવવાની શક્યતા નથી. ચોમાસાનો પહેલો વરસાદ હંમેશાં ગાજવીજ સાથે પડતો હોય છે.
ગુજરાત માટે સારા સમાચાર એ છે કે હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું પ્રગતિ કરશે તો લગભગ 25 જૂનની આસપાસ પહોંચશે. 25 જૂનથી 1 જુલાઈ વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ પડે તેવી શક્યતા છે.
દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પહોંચ્યા બાદ લગભગ 10થી 12 દિવસમાં ગુજરાતના તમામ વિસ્તારોને ચોમાસું આવરી લેશે અને ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ થાય તેવી શક્યતા છે. વરસાદનો નવો રાઉન્ડ આવનારા ચારથી પાંચ દિવસમાં શરૂ થાય તેવું જોવા મળી રહ્યું છે.

ગુજરાતમાં ક્યારે વધશે વરસાદ?

ઇમેજ સ્રોત, ANI
કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાને કારણે વરસાદ પડ્યો છે. કેટલાક વિસ્તારોમાં મધ્યમ તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગના આંકડાકીય મૉડલ અનુસાર, રાજ્યમાં 27 જૂન બાદ દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડે તેવી શક્યતા છે.
જૂન મહિનાના અંત સુધીમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળે તેવી શક્યતા હાલની સ્થિતિ મુજબ જોવા મળી રહી છે.
ગુજરાતમાં વાવાઝોડાને કારણે જ્યાં વરસાદ પૂરતો નથી થયો, ત્યાં પણ આ રાઉન્ડમાં વરસાદ થવાની શક્યતા છે.
ચોમાસા પહેલાં જ વાવાઝોડાના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો અને અનેક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ પડ્યો હતો.
રાજ્યના ઘણા એવા વિસ્તારો છે જેમાં હજુ પણ વાવણીલાયક વરસાદ થયો નથી અને સારા વરસાદની રાહ જોવાઈ રહી છે. પાંચ કે છ દિવસ બાદ ગુજરાતમાં ફરી વરસાદ શરૂ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
હવામાન વિભાગની લાંબાગાળાની આગાહી પ્રમાણે ગુજરાતમાં 25 જૂનની આસપાસ વરસાદની શરૂઆત થાય તેવી શક્યતા છે. જ્યારે સ્કાયમેટ વેધરના 15 દિવસના અનુમાન મુજબ ગુજરાતમાં 24 તારીખની આસપાસ ફરી વરસાદની શરૂઆત થાય તેવી શક્યતા છે.
ગુજરાતમાં જૂનના અંત સુધીમાં મોટા ભાગના વિસ્તારોમાં ફરી વરસાદની શરૂઆત થાય તેવી શક્યતા છે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી પણ શક્યતા છે.
























