'પાણીમાંથી બહાર નીકળે તો શરીર બળવા લાગે...' રાત-દિવસ તળાવમાં પડ્યા રહેતા 16 વર્ષીય છોકરાને કેવો રોગ છે?

પશ્ચિમ બંગાળનો 16 વર્ષીય ઇકબાલ તળાવના પાણીમાં રહે છે અને પાણીમાંથી બહાર નીકળતાં જ આખું શરીર બળવા લાગતું હોવાનો તેનો દાવો છે

ઇમેજ સ્રોત, ani

ઇમેજ કૅપ્શન, પશ્ચિમ બંગાળનો 16 વર્ષીય ઇકબાલ તળાવના પાણીમાં રહે છે અને પાણીમાંથી બહાર નીકળતાં જ આખું શરીર બળવા લાગતું હોવાનો તેનો દાવો છે
પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

પશ્ચિમ બંગાળનો 16 વર્ષીય ઇકબાલ તળાવના પાણીમાં રહે છે. પાણીમાંથી બહાર નીકળતાં જ આખું શરીર બળવા લાગતું હોવાનો તેનો દાવો છે. આ વિચિત્ર લાગતી સ્થિતિના કારણે તે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

ત્યાર બાદ ઉદ્યોગપતિ અનંત અંબાણીએ તેની સારવાર માટે પહેલ કરી છે, પરંતુ આ છોકરાને આખરે શું થયું છે, તે અંગે ડૉક્ટરો શું કહે છે?

આ વાત વિચિત્ર લાગશે, પણ આ એક 16 વર્ષના છોકરાની કહાણી છે.

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં ઇકબાલ નામના યુવકને દિવસ-રાત પાણીમાં રહેવું પડે છે. તે કહે છે કે જ્યારે તે પાણીમાંથી બહાર આવે છે, ત્યારે તેનું શરીર બળતું હોય તેવું લાગે છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીએ તેની સારવારની જવાબદારી લીધી છે.

એએનઆઈ સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, તેને હવે ખાસ તબીબી તપાસ માટે વિમાન દ્વારા મુંબઈ લાવવામાં આવ્યો છે.

પશ્ચિમ બંગાળના બેલડાંગા વિસ્તારના ઇકબાલ નામના આ યુવકના તળાવના પાણીમાં રહેતા વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે.

એએનઆઈ અનુસાર ઇકબાલે કહ્યું, "હું પાણીમાંથી બહાર આવતાંની સાથે જ મારું આખું શરીર બળતું હોય તેવું લાગે છે. મને લાગ્યું કે કોઈ અલૌકિક શક્તિ મારા પર કાબૂ મેળવી રહી છે અને મને પાણીમાં રહેવાનું કહી રહી છે."

સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં આ યુવક કલાકો સુધી પાણીમાં રહેતો અને પાણીમાં ખોરાક ખાતો પણ જોવા મળે છે.

આ ઘટના અનંત અંબાણીના ધ્યાનમાં આવી. તેમણે બાળક પાસે એક તબીબી ટીમ મોકલી અને પ્રારંભિક તપાસ કરી. ત્યાર બાદ યુવકને વિશેષ સારવાર માટે મુંબઈ લવાયો અને સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, તેમ એએનઆઈએ જણાવ્યું છે.

દિવસ-રાત પાણીમાં

સ્થાનિક લોકોએ પણ ઇકબાલની સ્થિતિ અંગે દુઃખ વ્યક્ત કર્યું. તેમના જણાવ્યા મુજબ, સવારથી અડધી રાત સુધી તે કોઈ તળાવમાં તરતો જોવા મળે છે. ક્યારેક તે અલગ-અલગ તળાવોમાં જઈને રહે છે.

"આ છોકરાને સ્થાનિક લોકો જમવાનું આપતા હતા. તે પાણીમાં રહીને જ ભોજન કરતો હતો. બાળપણથી જ તેનું વજન ભાઈ-બહેનોની સરખામણીમાં અચાનક વધવા લાગ્યું હતું અને તેને કેટલીક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હોય તેવું લાગતું હતું. લાંબો સમય પાણીમાં રહેવાને કારણે તેને શરદી અને ઉધરસની તકલીફ પણ રહેતી હતી," તેમ એનડીટીવીના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

તેને અગાઉ પણ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમાં કોઈ સુધારો થયો નહોતો, એવી ચિંતા તેનાં માતાપિતાએ વ્યક્ત કરી.

લાંબા ગાળાની સારવારનો ખર્ચ ઉઠાવવો તેમની આર્થિક ક્ષમતા બહાર હોવાથી તેમણે મદદની વિનંતી કરી છે.

જો લાંબો સમય પાણીમાં રહીએ તો શું થાય?

જોકે, ડૉક્ટરોએ ચેતવણી આપી છે કે લાંબા સમય સુધી પાણીમાં રહેવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે.

તેમના મતે, આવી સ્થિતિમાં ચામડી પીગળવાની સમસ્યા થઈ શકે છે. તેનો અર્થ એ કે ત્વચા સતત પલળવાથી તે નરમ પડી જાય છે, નબળી થાય છે અને તેના પર અસર પડે છે. ધીમે-ધીમે ત્વચા પર ચીરા પડી શકે છે, જેનાથી બળતરા અને ચેપનો ભય વધે છે.

એનડીટીવી સાથે વાત કરતાં એક ત્વચારોગ નિષ્ણાતે જણાવ્યું કે જો ત્વચા સતત સતત ભીની રહે તો ફંગલ અને બૅક્ટેરિયલ ચેપનું જોખમ વધી જાય છે.

તેમણે ઇકબાલને તાત્કાલિક તબીબી સારવાર લેવાની અને લાંબા સમય સુધી પાણીમાં ન રહેવાની સલાહ આપી.

એએનઆઈ અનુસાર, જો આ બાળકને કોઈ ચોક્કસ માન્યતા, ડર કે માનસિક તણાવ હોય, તો તેણે મનોચિકિત્સકની સલાહ લેવી જોઈએ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન