ગુજરાતનું હવામાન પલટાશે, આ જિલ્લાઓમાં છે વરસાદની આગાહી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, બીબીસી ગુજરાતી
- પદ, દિલ્હી
- પ્રકાશિત
ગુજરાતમાં વાવાઝોડાને કારણે થોડા દિવસો પહેલા અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો.
કેરળમાં જ્યારે ચોમાસું પહોંચ્યું એ સમયે જ અરબી સમુદ્રમાં વાવાઝોડાની સિસ્ટમ બનવાની શરૂઆત થઈ ગઈ હતી. 8 જૂનના રોજ કેરળમાં ચોમાસું પહોંચ્યું હતું જે તેના સમય કરતાં મોડું હતું.
જે બાદ બિપરજોય વાવાઝોડું સર્જાયું અને વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધ્યું, જેના કારણે ચોમાસાને અસર થઈ. 11 જૂન સુધી ચોમાસું કોંકણના વિસ્તારો સુધી પહોંચ્યું પરંતુ તે બાદ તેની પ્રગતિ રોકાઈ ગઈ હતી.
વાવાઝોડું ગુજરાત પર ટકરાઈને નબળું પડી ગયું પરંતુ તેની બાકી રહેલી સિસ્ટમ રાજસ્થાન, મધ્ય પ્રદેશ થઈને ઉત્તર પ્રદેશ સુધી અસર કરી હતી. જેના કારણે બંગાળની ખાડી તરફથી આવતા પવનોને પણ અસર થઈ હતી.
બંગાળની ખાડી અને અરબી સમુદ્ર એમ બંને તરફ વાવાઝોડાની અસર થતાં ચોમાસું આગળ વધતું અટક્યું હતું. પરંતુ હવે સિસ્ટમ વિખેરાઈ જતાં ચોમાસું આગળ વધી રહ્યું છે.

હવામાન વિભાગે શું આગાહી કરી?

ઇમેજ સ્રોત, Getty Images
હવામાન વિભાગે આવતા ચાર દિવસનું વેધર બુલેટિન જાહેર કર્યું છે. તે અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમી જળવાઇ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.
મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં 24મી જૂને ચોમાસાની અસર જોવા મળી શકે છે.
પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી જેવા વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ વરસી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
24મી જૂને ગીર-સોમનાથ અને નવસારીમાં પણ ઝાપટા વરસી શકે છે.
25મી જૂને આણંદ, પંચમહાલ, દાહોદ,ગીર-સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદ વરસી શકે છે.
જેમ-જેમ ચોમાસું નજીક આવશે તેમ-તેમ દક્ષિણ ગુજરાતનું હવામાન બદલાશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

ગુજરાતમાં ફરી કઈ તારીખથી વધશે વરસાદ?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાના કારણે વરસાદ પડ્યો છે. કેટલાક વિસ્તારોમાં મધ્યમ તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે.
ચોમાસા પહેલાં જ વાવાઝોડાના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો અને અનેક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ પડ્યો હતો.
રાજ્યના ઘણા એવા વિસ્તારો છે જેમાં હજી પણ વાવણીલાયક વરસાદ થયો નથી અને સારા વરસાદની રાહ જોવાઈ રહી છે. બે કે ત્રણ દિવસ બાદ ગુજરાતમાં ફરી વરસાદ શરૂ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
હવામાન વિભાગની લાંબાગાળાની આગાહી પ્રમાણે પણ ગુજરાતમાં 25 જૂનની આસપાસ વરસાદની શરૂઆત થાય તેવી શક્યતા છે. જ્યારે સ્કાયમેટ વેધરના 15 દિવસના અનુમાન મુજબ ગુજરાતમાં 24જૂનની આસપાસ ફરી વરસાદની શરૂઆત થાય તેવી શક્યતા છે.
ગુજરાતમાં જૂનના અંત સુધીમાં મોટા ભાગના વિસ્તારોમાં ફરી વરસાદની શરૂઆત થાય તેવી શક્યતા છે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી પણ શક્યતા છે. હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં 3 જુલાઈની આસપાસ તમામ વિસ્તારોને ચોમાસું આવરી લે તેવી સંભાવના દેખાઈ રહી છે.
રાજ્યમાં ચોમાસાની શરૂઆત દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી થાય છે અને જે બાદ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તથા કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ચોમાસું પહોંચે છે.
ભારતમાં ચોમાસાની શરૂઆત કેરળથી થાય છે અને તે બાદ તામિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ થઈને ગુજરાત સુધી પહોંચે છે. કેરળથી ગુજરાત પહોંચતા ચોમાસાને સામાન્ય રીતે 15 દિવસ જેટલો સમય લાગે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો Facebook પર સમાચાર વાંચવા અહીં ક્લિક કરો. Instagram પર બીબીસી ગુજરાતીને અહીં ફૉલો કરો. YouTube પર બીબીસી ગુજરાતીના વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો. Twitter પર બીબીસી ગુજરાતીની ફૉલો કરવા અહીં ક્લિક કરો.























