બંગાળની ખાડીમાં સર્જાશે વાવાઝોડું, 120 કિમી પ્રતિકલાકની ઝડપે ફૂંકાશે પવન, ગુજરાતને શું અસર થશે?

બંગાળની ખાડીમાં સર્જાશે વાવાઝોડું, 120 કિમી પ્રતિકલાકની ઝડપે ફૂંકાશે પવન, ગુજરાતને શું અસર થશે?
પ્રકાશિત

બંગાળની ખાડીમાં ચોમાસા બાદનું આ વર્ષનું પ્રથમ વાવાઝોડું સર્જાવા જઈ રહ્યું છે. આ વાવાઝોડું દરિયામાં આગળ વધતાં વધતાં વધારે તીવ્ર બનશે અને ભારતના દરિયાકાંઠે ત્રાટકશે.

જ્યારે આ વાવાઝોડું બનશે ત્યારે તેને 'દાના' નામ આપવામાં આવશે. આ અરબી ભાષાનો શબ્દ છે અને આ નામ કતાર નામના દેશ તરફથી સૂચવવામાં આવ્યું છે.

હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર 23 ઑક્ટોબરની વહેલી સવારે હાલની સિસ્ટમ વાવાઝોડામાં ફેરવાઈ જશે અને દરિયો તોફાની બનશે.

હવામાન વિભાગ પ્રમાણે આ વાવાઝોડું વધારે તીવ્ર બનશે અને તેની પવનની ગતિ 100 કિમી પ્રતિકલાકથી વધીને 120 કિમી પ્રતિકલાક સુધી પહોંચે એવી શક્યતા છે.

23 ઑક્ટોબરે વાવાઝોડું બન્યા બાદ તે દરિયામાં જેમ આગળ વધશે તેમ વધારે તાકતવર બનશે અને પછી તીવ્ર ચક્રવાતમાં ફેરવાઈ જશે.

હવામાન વિભાગે જે નક્શો જારી કર્યો છે તે પ્રમાણે આ વાવાઝોડું ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકિનારાની આસપાસ ત્રાટકશે. જે બાદ તે જમીન પર આવતાં નબળું પડી જવાની શક્યતા છે.

વાવાઝોડું કઈ તારીખે ત્રાટકશે અને ગુજરાતને કોઈ અસર થશે?

દાના નામનું વાવાઝોડું ઓડિશાના પુરી અને સાગર ટાપુની વચ્ચે 24 ઑક્ટોબરે રાત્રે અથવા 25 ઑક્ટોબરે વહેલી સવારે ત્રાટકે એવી સંભાવના છે.

જેના લીધે ઓડિશા, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશના વિસ્તારોમાં વરસાદ અને પવનની અસર થવાની સંભાવના છે.

સામાન્ય રીતે બંગાળની ખાડીમાં સર્જાતાં વાવાઝોડાની સીધી અસર ગુજરાતને થતી નથી. અરબી સમુદ્રમાં સર્જાતાં વાવાઝોડાં સીધાં ગુજરાત પર ત્રાટકી શકે છે.

જોકે, ઘણી વખત બંગાળની ખાડીમાં વાવાઝોડું ત્રાટક્યા બાદ તેની નબળી પડેલી સિસ્ટમ ગુજરાત સુધી આવતી હોય છે અને તેના કારણે રાજ્યમાં વરસાદ પડતો હોય છે.

હાલની સ્થિતિ પ્રમાણે આ વાવાઝોડાની ગુજરાતે કોઈ અસર થવાની સંભાવના નથી, બંગાળની ખાડીની આસપાસ આવેલા દરિયાકિનારાને તેની વધારે અસર થશે.

હવામાનનાં વિવિધ મૉડલ્સ અને હવામાન વિભાગની માહિતી અનુસાર આ વાવાઝોડાની નબળી પડેલી સિસ્ટમ પણ ગુજરાત સુધી આવે તેવી શક્યતા નથી.

જેથી રાજ્યમાં હાલ બે દિવસમાં વરસાદ બંધ થઈ જશે અને તે બાદ ફરીથી વરસાદની શક્યતા ઓછી દેખાઈ રહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.