13 રાજ્યોની 88 બેઠકો પર આજે મતદાન, કયા ઉમેદવારો પર રહેશે લોકોની નજર?

ઇમેજ સ્રોત, ANI
આજે લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું. બીજા તબક્કામાં 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 લોકસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.
લોકસભા ચૂંટણીના આ બીજા તબક્કામાં આસામ, બિહાર, છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, કેરળ, મણિપુર, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં મતદાન થઈ રહ્યું છે.
પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે સંપન્ન થયું હતું. તેમાં 2019ની સરખામણીએ સરેરાશ ઓછું મતદાન જોવા મળ્યું હતું. પહેલા તબક્કામાં સરેરાશ 60 ટકાથી વધુ મતદાન થયું હતું.
બીજા તબક્કામાં પણ કેન્દ્ર સરકારના અનેક મંત્રીઓ તથા વિપક્ષના મોટા ઉમેદવારોનું ભવિષ્ય નક્કી થશે.
કયાં રાજ્યોની કેટલી બેઠકો પર મતદાન થશે?

ઇમેજ સ્રોત, Getty Images
બીજા તબક્કામાં કર્ણાટક અને કેરળની સૌથી વધુ બેઠકો પર મતદાન થશે. કેરળની તમામ 20 બેઠકો તથા કર્ણાટકની 28માંથી કુલ 14 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે.
કેરળની કાસરગૌડ, કન્નુર, વતકારા, વાયનાડ, કોઝિકોડ, મલ્લપુરમ્, પોન્નાની, પલક્કડ, અલાથુર, થ્રિસુર, ચલાકુડી, એર્નાકુલમ, ઇડુક્કી, કોટ્ટાયમ. અલાપ્પુજા, મવેલિક્કારાસ, પથાનામિથિટ્ટા, કોલ્લમ, અટ્ટિન્ગલ, અને થિરૂવનંતપુરમમાં મતદાન યોજાઈ રહ્યું છે.
કર્ણાટકની ઉડુપી ચિકમાગલુર, હસ્સન, દક્ષિણ કન્નડ, ચિત્રદુર્ગ, તુમકુર, માંડ્ય, મૈસૂર, ચમરાજાનગર, બેંગલુરુ ગ્રામીણ, બેંગલુરુ ઉત્તર, બેંગલુરુ સેન્ટ્રલ, બેંગલુરુ દક્ષિણ અને કોલાર બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે.
આસામની પાંચ બેઠકો કરીમગંજ, સિલ્ચર, માંગલદોઈ, નાવગોંગ અને કલિયાબોરમાં મતદાન યોજાઈ રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બિહારની ચાર બેઠકો કિશનગંજ, કટિહાર, પૂર્ણિયા, ભાગલપુર અને છત્તીસગઢની ત્રણ બેઠકો રાજાનંદગાંવ, મહાસમુંદ અને કાંકેરમાં પણ આ તબક્કામાં મતદાન યોજાઈ રહ્યું છે.
ત્રિપુરા ઈસ્ટ, આઉટર મણિપુર અને જમ્મુની બેઠક પર પણ બીજા તબક્કામાં મતદાન યોજાઈ રહ્યું છે.
મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં પણ આ તબક્કામાં મતદાન

ઇમેજ સ્રોત, Getty Images
બીજા તબક્કામાં રાજસ્થાનની કુલ 13 બેઠકો પર મતદાન થશે જેમાં ટોંક-સવાઈ માધોપુર, અજમેર, પાલી, જોધપુર, બાડમેર, જાલોર, ઉદયપુર, બાંસવાડા, ચિત્તોડગઢ, રાજસમંદ, ભીલવાડા, કોટા, ઝાલાવાડ-બારણ બેઠકોનો સમાવેશ થાય છે.
ઉત્તર પ્રદેશની અમરોહા, મેરઠ, બાગપત, ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધ નગર, બુલંદશહર, અલીગઢ અને મથુરા એમ આઠ બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે.
મહારાષ્ટ્રની જે બેઠકો પર બીજા તબક્કામાં મતદાન થશે તેમાં બુલઢાણા, આકોલા, અમરાવતી, વર્ધા, યવતમાલ વાશિમ, હિંગોલી, નાંદેડ અને પરભણીનો સમાવેશ થાય છે.
મધ્ય પ્રદેશની પણ સાત બેઠકો ટિકમગઢ, દામોહ, ખજૂરાહો, સતના, રેવા, હોશંગાબાદ અને બેતુલમાં મતદાન યોજાઈ રહ્યું છે.
પશ્ચિમ બંગાળની ત્રણ બેઠકો દાર્જિલિંગ, રાઈગંજ અને બાલુરઘાટનો પણ આ તબક્કામાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ભાજપના કયા મોટા ચહેરાઓનું ભાવિ નક્કી થશે?

ઇમેજ સ્રોત, Arun Govil/FB
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હેમા માલિની
બોલિવૂડ અભિનેત્રી હેમા માલિની ઉત્તર પ્રદેશની મથુરા બેઠક પરથી સતત ત્રીજીવાર ચૂંટણીમેદાનમાં છે. તેમની સામે આ વખતે કૉંગ્રેસે મુકેશ ધનગરને ઉતાર્યા છે જેઓ પક્ષના રાજ્યસ્તરના પ્રમુખ છે. 2014 અને 2019 બંનેમાં હેમા માલિનીએ ભારે બહુમતીથી 2.93 લાખ મતોથી વિજય મેળવ્યો હતો. હેમા માલિની પર માત્ર ચૂંટણીટાણે જે તેમની લોકસભામાં દેખાતા હોવાનો સતત આરોપ લાગતો રહે છે.
ઓમ બિરલા
રાજસ્થાનની કોટા-બુંદી બેઠક પર લોકસભાના સ્પીકર ઓમ બિરલા લડી રહ્યા છે. તેઓ છેલ્લી બે ટર્મથી અહીંથી લોકસભાની ચૂંટણી જીતી રહ્યા છે.
તેમની સામે આ વખતે કૉંગ્રેસના પ્રહ્લાદ ગુંજાલ લડી રહ્યા છે. 2014માં ઓમ બિરલા અહીંથી જીત્યા એ પહેલાં અહીં કૉંગ્રેસનું પ્રભુત્ત્વ રહ્યું છે. ઓમ બિરલા કોટા દક્ષિણ વિધાનસભાનું પણ વર્ષ 2003થી 2014 સુધી પ્રતિનિધિત્ત્વ કરી ચૂક્યા છે.
અરુણ ગોવિલ
ઉત્તર પ્રદેશની મેરઠ બેઠકથી ‘સુપ્રસિદ્ધ ધારાવાહિક રામાયણના રામ’ તરીકે ઓળખાતા અભિનેતા અરુણ ગોવિલ પર ભાજપે દાવ ખેલ્યો છે. ભાજપે અહીં ત્રણ વખતના સાંસદ રાજેન્દ્ર અગ્રવાલને બદલે અરુણ ગોવિલને ટિકિટ આપી છે.
તેમની સામે સમાજવાદી પાર્ટીના સુનિતા વર્મા ટિકિટ લડી રહ્યા છે. અહીં પણ ભાજપ 2014 અને 2019માં જીત્યું હતું.

ઇમેજ સ્રોત, Getty Images
રાજીવ ચંદ્રશેખર
કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર આ વખતે કેરળની થિરૂવનંતપુરમ બેઠક પરથી શશિ થરૂરને પડકાર ફેંકી રહ્યા છે. તેઓ હાલમાં કર્ણાટકથી રાજ્યસભાના સાંસદ છે.
શશિ થરૂર થિરૂવનંતપુરમથી છેલ્લી ત્રણ ટર્મથી સાંસદ છે. 2019માં તેઓ 99989 મતોથી વિજયી થયા હતા. આ વખતે ભાજપ કેરળમાં પોતાનું ખાતું ખોલવાનો પ્રયત્ન કરી રહી છે એ જોતાં થિરૂવનંતપુરમનો ચૂંટણીજંગ રસપ્રદ બની રહ્યો છે.
તેજસ્વી સૂર્યા
બેંગલુરુ દક્ષિણ બેઠકથી ભાજપે આ વખતે બીજીવાર યુવા સાંસદ તેજસ્વી સૂર્યાની ટિકિટ આપી છે. તેમની સામે કૉંગ્રેસના ઉમેદવાર સૌમ્યા રેડ્ડીને ટિકિટ આપી છે. સૌમ્યા રેડ્ડી કૉંગ્રેસના મહિલા મોરચાના જનરલ સેક્રેટરી છે. 2019માં તેજસ્વી સૂર્યાએ 3.31 લાખ મતોથી જીત મેળવી હતી. બેંગલુરુ દક્ષિણ બેઠક ભાજપનો ગઢ રહી છે અને 1991થી અહીં ભાજપના સાંસદ બન્યા છે.
એચડી કુમારસ્વામી
આ વખતે કર્ણાટકમાં એચડી કુમારસ્વામીના પક્ષ જનતા દળ(એસ)એ ભાજપ સાથે ગઠબંધન કર્યું છે. તેઓ કર્ણાટકની માંડ્યા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે કૉંગ્રેસના વેંકટારામાગોવડા લડી રહ્યા છે. અહીં 1996થી 2018 સુધી કૉંગ્રેસ અને જનતા દળ(એસ)ના જ ઉમેદવારો જીતી રહ્યા છે. 2019માં અહીંથી અપક્ષ ઉમેદવાર સુમલથા જીત્યા હતા.
વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયા’ના કયા ચહેરાઓ પર રહેશે નજર?

ઇમેજ સ્રોત, Rahul Gandhi/FB
રાહુલ ગાંધી
કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી સીપીઆઈના નેતા એન્ની રાજા સામે ટકરાશે. રાહુલ ગાંધી 2019માં પણ અહીંથી જીત્યા હતા. આખા દેશમાં કૉંગ્રેસ અને સીપીઆઈ ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ છે પરંતુ કેરળમાં તેઓ એકબીજા સામે લડી રહ્યા છે. અહીંથી ભાજપના નેતા કે. સુરેન્દ્રન પણ ચૂંટણી લડી રહ્યા છે. 2009થી વાયનાડ બેઠક પર કૉંગ્રેસનો કબ્જો રહ્યો છે.
ભૂપેશ બઘેલ
છત્તીસગઢના પૂર્વ મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલ રાજાનંદગાંવ બેઠકથી આ વખતે લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે કૉંગ્રેસના સંતોષ પાંડે મેદાનમાં છે. આ બેઠક પર 2009થી ભાજપનો કબ્જો રહ્યો છે.
કેસી વેણુગોપાલ
કૉંગ્રેસનું ‘પાંચમું પાવર સેન્ટર’ ગણાતા કેસી વેણુગોપાલ પણ આ વખતે લોકસભાના ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. કેસી વેણુગોપાલ હાલમાં રાજ્યસભાના સાંસદ છે. તેઓ આ વખતે કેરળની અલપ્પુઝા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે સીપીઆઈ(એમ)ના એએમ આરિફ અને ભાજપના સોભા સુરેન્દ્રન લડશે. 2019માં આ બેઠક એએમ આરિફ 10 હજારની પાતળી બહુમતીથી જીત્યા હતા.
વૈભવ ગેહલોત
રાજસ્થાનના પૂર્વ મુખ્ય મંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોત પણ આ વખતે લોકસભાની ચૂંટણીના મેદાનમાં છે. તેઓ જાલોર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે ભાજપના લુંબારામ ચૌધરી લડશે. આ બેઠક પર 2004થી ભાજપનો કબ્જો રહ્યો છે અને અહીંથી ભાજપના દેવજી પટેલ ગત ટર્મમાં ચૂંટાયા હતા.
આ અપક્ષ ઉમેદવારો પર પણ રહેશે નજર રહેશે

ઇમેજ સ્રોત, RAVINDRA SINGH BHATI FB
રવીન્દ્રસિંહ ભાટી
રાજસ્થાનની બાડમેર બેઠક અપક્ષ ઉમેદવાર રવીન્દ્રસિંહ ભાટીને કારણે અતિશય ચર્ચામાં છે. તેમની નોમિનેશન રેલીમાં ઉમટેલી ભીડે સૌને ચોંકાવ્યા હતા. તેમની સામે ભાજપે કૈલાશ ચૌધરીને જ્યારે કૉંગ્રેસે ઉમેદારામ બેનીવાલને ઉતાર્યા છે. આ બેઠક પરં અમુકવાર ભાજપ તો અમુકવાર કૉંગ્રેસના ઉમેદવારો જીત્યા છે. વર્ષ 2014 અને 2019માં અહીંથી ભાજપના ઉમેદવારો જીત્યા હતા. 2019માં અહીંથી ભાજપ 3.23 લાખ મતે જીત્યું હતું. અહીંથી દિવંગત કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ 2014માં અપક્ષ લડ્યા હતા પરંતુ હારી ગયા હતા.
પપ્પુ યાદવ
બિહારની પૂર્ણિયા બેઠક પણ અપક્ષ ઉમેદવાર પપ્પુ યાદવને કારણે ચર્ચામાં છે. પપ્પુ યાદવ લોકસભાની ચૂંટણીના એલાન પહેલાં કૉંગ્રેસમાં જોડાયા હતા પરંતુ પૂર્ણિયા બેઠક ઇન્ડિયા ગઠબંધન હેઠળ આરજેડીના ફાળે ગઈ હતી. આથી, અહીંથી પપ્પુ યાદવે અપક્ષ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. અહીંથી આરજેડીએ બીમા ભારતીને ટિકિટ આપી છે. તો સામે એનડીએ તરફથી જેડીયુના ઉમેદવાર સંતોષકુમાર કુશવાહા લડી રહ્યા છે. તેઓ ગત બે ટર્મથી અહીંના સાંસદ છે.






















