"વડા પ્રધાન મોદીને મારી ચિંતા હોત તો મને ફોન કર્યો હોત" - નવીન પટનાયક : ઇલેક્શન અપડેટ

ઓડિશાના મુખ્ય મંત્રી નવીન પટનાયક

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ઓડિશાના મુખ્ય મંત્રી નવીન પટનાયક
પ્રકાશિત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો કે નવીન પટનાયકના ખરાબ સ્વાસ્થ્ય પાછળ ષડયંત્ર હોઈ શકે છે.

ઓડિશાના મુખ્ય મંત્રી નવીન પટનાયકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આ નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી.

નવીન પટનાયકે કહ્યું, "વડા પ્રધાન મોદીએ ઓડિશાની એક ચૂંટણી સભામાં કહ્યું કે મારી તબિયત ખરાબ છે અને મોદી તેની તપાસ કરાવવા માગે છે."

"જો તેમને મારા સ્વાસ્થ્યની ચિંતા હોય અને તેઓ મને સારા મિત્ર માનતા હોય તો તેમણે મને ફોન કરીને મારા સ્વાસ્થ્ય વિશે પૂછવું જોઈએ."

નવીન પટનાયકે ઉમેર્યું, "ભાજપના ઓડિશા અને દિલ્હીના નેતા છેલ્લાં 10 વર્ષથી મારા ખરાબ સ્વાસ્થ્ય વિશે અફવાઓ ફેલાવી રહ્યા છે. હું તેમને જણાવવા માંગું છું કે હું સંપૂર્ણપણે સ્વસ્થ છું અને છેલ્લા એક મહિનાથી રાજ્યમાં પ્રચાર કરી રહ્યો છું."

"મારા વિશે અફવાઓ ઉડાવવા કરતા તેમને (ભાજપે) ઓડિશાને વિશેષ રાજ્યના દરજ્જાની માંગણ સ્વીકારી લેવી જોઈએ. આ માંગણીને સ્વીકારવામાં આવશે તો ઓડિશાના લોકોને ફાયદો થશે."

વડા પ્રધાન મોદીએ શું કહ્યું?

વડા પ્રધાન મોદીએ ઓડિશાના મયૂરભંજની એક રેલીને સંબોધિત કરતા કહ્યું, "બધા નવીન બાબુના શુભચિંતક છે. તે લોકો એ વાતથી પરેશાન છે કે છેલ્લા એક વર્ષમાં નવીન બાબુની તબિયત કેમ કથળી ગઈ."

"તેઓ જ્યારે પણ મને મળે છે તો નવીન બાબુના સ્વાસ્થ્યની ચર્ચા કરે છે. તેઓ કહે છે કે નવીન બાબુ હવે પોતે કશું કરી શકતા નથી."

વડા પ્રધાને ઉમેર્યું, "દાયકાઓ સુધી નવીન બાબુની નજીક રહેલા લોકોનું માનવું છે કે તેમના (નવીન પટનાયક) કથળતા સ્વાસ્થ્ય પાછળ કોઈ ષડયંત્ર છે."

"સવાલ એ છે કે નવીન બાબુની તબિયત ખરાબ થવા પાછળ કોઈ ષડયંત્ર છે? આ વાત ઓડિશાના લોકોને જાણવાનો અધિકાર છે. શું નવીન બાબુના નામે ઓડિશામાં કોઈ લૉબી સત્તા ભોગવી રહી છે? આ રહસ્ય બહાર આવવું જોઈએ."

"10 જૂન પછી ઓડિશામાં ભાજપની સરકાર બનશે. ત્યાર બાદ સમિતિનું ગઠન કરવામાં આવશે. આ સમિતિ તપાસ કરશે કે નવીન બાબુનું સ્વાસ્થય ખરાબ થયું તેની પાછળ શું ષડયંત્ર હતું?"

પંજાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે "ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે તો ખેડૂતોનું દેવું માફ કરીશું"

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે તો આખા દેશના ખેડૂતોનું દેવું માફ કરીશું.

રાહુલ ગાંધીએ કહ્યું, "ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનતાની સાથે જ અમે ભારતના ખેડૂતોનું દેવું માફ કરીશું. તેઓ અબજપતિઓનું દેવું માફ કરે છે, અમે ખેડૂતોનું દેવું માફ કરીશુ."

"અમે એક વખત દેવું માફ નહીં કરીએ. અમે સરકારમાં એક પંચની રચના કરીશું જેનું નામ હશે કિસાન કર્ઝા માફી આયોગ. જ્યારે ખેડૂતોને દેવુ માફ કરવાની જરૂર પડશે ત્યારે આયોગ અમને જાણકારી આપશે. અમે દેવુ માફ કરીશું. તે પછી એક વખત હોય બે વખત હોય કે અનેક વખત."

રાહુલ ગાંધીએ કહ્યું, "નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહ્યું છે કે ખેડૂતોને કાયદાકીય રૂપે પાકના ટેકાના ભાવ આપી શકાય નહીં."

"ચૂંટણી પછી ચાર જૂને જ્યારે ઇન્ડિયા ગઠબંધનની સરકાર આવશે ત્યારે અમે ખેડૂતોને પહેલી વખત ગૅરેન્ટી સાથે કાયદાકીય રૂપે પાકના ટેકાના ભાવ આપીશું."

દિલ્હીમાં મહત્તમ તાપમાન 52.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, ભીષણ હીટવેવની અસર

દિલ્હીમાં મહત્તમ તાપમાન 52.3 ડિગ્રી સેલ્સિયસ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે દિલ્હીના મુંગેશપુર ઑટોમેટિક વેધર સ્ટેશન પર બુધવારે મહત્તમ તાપમાન 52.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

સમાચાર એજન્સી એએનઆઈએ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર આ વિશે એક પોસ્ટ કરી હતી.

એએનઆઈએ જણાવ્યું, "ભારતીય હવામાન વિભાગના સ્થાનિક વેધર ફોરકાસ્ટિંગ સેન્ટરના હેડ ડૉક્ટર કુલદીપ શ્રીવાસ્તવે આપેલી જાણકારી પ્રમાણે દિલ્હીના મુંગેશપુર વિસ્તારમાં 52.3 ડિગ્રી સેલ્સિયલ તાપમાન નોંધાયું હતું."

સમાચાર પત્ર ધી ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે, દિલ્હીના મુંગેશપુર અને ઉત્તર દિલ્હીના નરેલામાં મંગળવારે મહત્તમ તાપમાન 49.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પશ્ચિમ દિલ્હીના નજફગઢમાં 49.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.

દક્ષિણ દિલ્હીના આયાનગરમાં આવેલી ઑબ્ઝર્વેટરી અને દિલ્હી યુનિવર્સિટી નજીકના રિજમાં આવેલી ઑબ્ઝર્વેટરી પર નોંધાયેલા સૌથી વધુ મહત્તમ તાપમાનના તેમના અગાઉના રેકૉર્ડ મંગળવારે તૂટી ગયા હતા.

આયાનગરમાં મંગળવારે મહત્તમ તાપમાન 47.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સ્ટેશન પર અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન છે. મંગળવારે દિલ્હીમાં નોંધાયેલા તાપમાને મે 1988માં આ સ્ટેશન પર નોંધાયેલા સૌથી વધુ તાપમાનના 47.4 ડિગ્રીના અગાઉના રેકૉર્ડને તોડી નાખ્યો હતો.

સુપ્રીમ કોર્ટે કેજરીવાલના વચગાળાના જામીન વધારવાની અરજીને નકારી

અરવિંદ કેજરીવાલ, સુપ્રીમ કોર્ટ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીનને વધારવા માટેની અરજીને ધ્યાને લેવાનો ઇનકાર કરી દીધો છે.

લાઇવ લો અનુસાર, "સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે ધરપકડને પડકારનારી અરજી પર નિર્ણય હાલમાં સુરક્ષિત રાખવામાં આવ્યો છે. આ ઍક્સટેન્શન અરજીનો મુખ્ય અરજી સાથે કોઈ સંબંધ નથી. "

કેજરીવાલ દિલ્હીના કથિત દારૂનીતિ ગોટાળા મામલે વચગાળાના જામીન પર બહાર છે. એક જૂને તેમના જામીન પૂર્ણ થઈ રહ્યા છે.

અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને લોકસભા ચૂંટણી માટે પ્રચાક કરવા માટે વચગાળાના જામીન માંગ્યા હતા.

10મે ના રોજ સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા બાદ તેઓ જેલમાંથી બહાર આવ્યા હતા ત્યારબાદ તેઓ ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે.

શરજીલ ઇમામને દિલ્હી હાઈકોર્ટે આપ્યા જામીન, પરંતુ જેલમાં જ રહેશે

શરજીલ ઇમામ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

દિલ્હી હાઈકોર્ટે શરજીલ ઇમામને રાજદ્રોહ અને યુએપીએના કેસમાં જામીન આપ્યા છે.

દિલ્હીના જામિયા વિસ્તાર અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં કથિત રીતે ભડકાઉ ભાષણ આપવા બદલ ઇમામ વિરુદ્ધ આ કેસ ચાલી રહ્યો છે.

શરજીલ ઇમામે કોર્ટને જણાવ્યું હતું કે આ ગુનાની મહત્તમ સજા સાત વર્ષની છે અને તેણે તેનો અડધાથી વધુ સમયગાળો જેલમાં વીતાવ્યો છે.

જોકે, શરજીલ ઇમામના વકીલ અહેમદ ઈબ્રાહિમે કહ્યું, "શરજીલ હજુ જેલમાંથી બહાર નહીં આવે કારણ કે તે દિલ્હી રમખાણોના કથિત કાવતરાના કેસમાં પણ આરોપી છે."

દિલ્હી રમખાણોથી સંબંધિત એક એફઆઈઆર કે જેમાં ઘણા વિદ્યાર્થી નેતાઓ પર કથિત રીતે એક મોટું ષડયંત્ર રચવાનો આરોપ મૂકવામાં આવ્યો છે તે કેસમાં શરજીલ ઇમામ, ઉમર ખાલિદ સહિત ઘણા લોકો આરોપી છે.

28મેના રોજ દિલ્હીની એક કોર્ટે આ જ કેસમાં ઉમર ખાલિદની જામીન અરજીને ફગાવી દીધી હતી.

ચૂંટણીપંચે છઠ્ઠા તબક્કાના મતદાનના આંકડાઓ જાહેર કર્યા

લોકસભા ચૂંટણી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ભારતના ચૂંટણીપંચે જાહેર કરેલા આંકડા અનુસાર લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં કુલ 63.37 ટકા મતદાન થયું છે.

ચૂંટણીપંચે 28મે ના રોજ એક નિવેદન બહાર પાડીને તેની જાણકારી આપી છે.

ચૂંટણીપંચ અનુસાર, છઠ્ઠા તબક્કામાં 64.94 ટકા મહિલાઓ, 61.95 પુરુષો અને 18.67 ટકા થર્ડ જેન્ડરે તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

છઠ્ઠા તબક્કામાં આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 58 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.

છઠ્ઠા તબક્કામાં બંગાળની આઠ બેઠકો પર સૌથી વધુ 82.71 ટકા મતદાન થયું છે.

જ્યારે દિલ્હીની તમામ સાત લોકસભા બેઠકો પર 58.69 ટકા અને હરિયાણાની 10 બેઠકો પર 64.80 ટકા મતદાન થયું છે.

છઠ્ઠા તબક્કા સુધીમાં દેશની 543માંથી 486 લોકસભા બેઠકો પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. અંતિમ તબક્કામાં 57 બેઠકો પર પહેલી જૂને મતદાન થશે.

રાજકોટ આગ દુર્ઘટના બાદ ગુજરાતમાં ઠેકઠેકાણે ચેકિંગ, ટ્યુશન ક્લાસીસથી લઈ વૉટરપાર્ક બંધ કરાવાયા

રાજકોટ આગ દુર્ઘટના, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

રાજકોટની દુર્ઘટના પછી સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાં સ્થાનિક તંત્ર દ્વારા મોટેપાયે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

બીબીસી સહયોગી દર્શન ઠક્કરે આપેલ માહિતી અનુસાર જામનગરના જાંબુડા નજીક બે વૉટરપાર્કને બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. વેલકમ વૉટરપાર્ક તથા હોલીડે વૉટરપાર્કને હવે પછીના આદેશ સુધી બંધ કરવામાં આવ્યા છે.

તો બીજી તરફ અમરેલીમાં ફાયર વિભાગે નાગનાથ કોમ્પ્લેક્ષમાં આવેલી ઍક્સિસ બૅન્ક, ટ્યુશન ક્લાસીસને સીલ કર્યા છે. ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાને કારણે ફાયર વિભાગે આ બિલ્ડિંગ સીલ કરી છે. બીબીસી સહયોગી ફારૂખ કાદરીએ એ અંગે માહિતી આપી છે.

અગાઉ સુરતમાં પણ ક્લિનિકથી લઈને ટ્યુશન ક્લાસીસ સહિત કુલ 168 એકમોને સીલ કરવામાં આવ્યા છે.

અહીં ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અગાઉ તક્ષશિલા દુર્ઘટના સમયે પણ ફાયર સેફ્ટી સામે ખૂબ સવાલો ઉઠ્યા હતા અને સરકારે એ સમયે પણ અનેક પગલાં ભર્યાં હતાં. ત્યારબાદ ફરી એકવાર રાજકોટની દુર્ઘટના પછી રાજ્યભરમાં ફાયર સેફ્ટી તથા એનઓસી અંગેની તપાસે ગતિ પકડી છે.

શક્તિસિંહ ગોહિલે કહ્યું, “ગુજરાતમાં સરકારે સારા અધિકારીઓને સાઇડલાઇન કર્યા, તેથી રાજકોટ જેવી દુર્ઘટનાઓ વધી”

શક્તિસિંહ ગોહિલ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SHAKTISINH GOHIL/X

ગુજરાતમાં રાજકોટની આગ દુર્ઘટના પછી કૉંગ્રેસ ગુજરાત સરકાર સામે સતત સવાલો ઉઠાવી રહી છે.

ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે એક પ્રેસ કૉન્ફરન્સને સંબોધતા કહ્યું હતું કે, “ગુજરાતે આર.બી.શ્રીકુમાર, રાહુલ શર્મા, સતીશ વર્મા, રજનીશ રાય જેવા ઈમાનદાર અધિકારીઓ જોયા છે. પણ ગુજરાતની સરકાર દ્વારા આવા અધિકારીઓને સતત પરેશાન કરવામાં આવે છે. તેમને સાઇડ પોસ્ટિંગ પર મોકલી દેવામાં આવે છે અને સરકારની જીહજૂરી કરનારા લોકોને મહત્ત્વની જગ્યાઓ પર મૂકવામાં આવે છે.”

તેમણે કહ્યું હતું કે તેના કારણે જ ગુજરાતમાં રાજકોટ જેવી દુર્ઘટનાઓ સતત બની રહી છે.

શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, “વડા પ્રધાને તેમનો ચૂંટણીપ્રચાર છોડીને એક વાર રાજકોટ જવું જોઈએ. આ એ જ દેશ છે જ્યાં પહેલાં એક રેલ દુર્ઘટના થતી હતી તો રેલવે મંત્રી રાજીનામું આપી દેતા હતા. એક પ્લેન ક્રૅશ થતું હતું તો નાગરિક ઉડ્ડયન મંત્રી રાજીનામું આપતા હતા. પણ ગુજરાત સરકારે આટઆટલી ઘટના બન્યા બાદ પણ કોઈ નૈતિક જવાબદારી લીધી નથી.”

તેમણે સવાલો ઉઠાવ્યા હતા કે સરકારે એકપણ અધિકારીનું નામ કેમ એફઆઈઆરમાં નથી. તેમની સામે પણ પગલાં ભરવાં જોઈએ.

અહીં ઉલ્લેખનીય છે કે સરકારે અત્યાર સુધીમાં સાત અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે તથા રાજકોટ પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવ, ડેપ્યુટી પોલીસ કમિશનર સુધીરકુમાર દેસાઈ, એડિશનલ સીપી વિધિ ચૌધરીની બદલી કરી છે.