ગુજરાતમાં ચોમાસાની શરૂઆત, દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેઠું છતાં વરસાદનું પ્રમાણ ઘટશે?

પ્રકાશિત

ગુજરાતમાં આ વર્ષના ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, ચોમાસું દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો સુધી પહોંચી ગયું છે. જોકે, રાજ્યમાં ક્યાંક ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી.

હવામાન વિભાગ પ્રમાણે 11 જૂનના રોજ દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું નવસારી સુધી પહોંચી ગયું છે, આ પહેલાં મુંબઈ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ બાદ ચોમાસું ગુજરાત તરફ આગળ વધ્યું હતું.

મુંબઈમાં પણ ચોમાસું આ વર્ષે તેના સમય પહેલાં પહોંચી ગયું હતું અને કેરળમાં પણ ચોમાસાની શરૂઆત બે દિવસ વહેલી થઈ હતી. ગુજરાતમાં હવે હવામાન વિભાગે આવનારા દિવસોમાં વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં સામાન્ય રીતે 15 જૂનની આસપાસ ચોમાસાની શરૂઆત થતી હોય છે, જેમાં ગત વર્ષે ચોમાસું 25 જૂનની આસપાસ ગુજરાતમાં પહોંચ્યું હતું.

ગુજરાતમાં હવે કેટલા દિવસ સુધી વરસાદ થશે?

ગુજરાતમાં આગાહી 7 દિવસ સુધી હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જોકે, રાજ્યમાં ક્યાંય ભારે વરસાદની આગાહી હાલ કરવામાં આવી નથી.

હવામાન વિભાગે 11 જૂનના રોજ માહિતી આપતા કહ્યું છે કે ચોમાસું નવસારી સુધી પહોંચી ગયું છે. આગામી 48 કલાકમાં ચોમાસું હજી પણ આગળ વધે એવી અનુકૂળ સ્થિતિ છે, પરંતુ તેમાં ગુજરાત તરફ આગળ વધે તેવી શક્યતા ઓછી છે. તેલંગણા અને છત્તીસગઢના વધારે વિસ્તારોમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના છે.

ગુજરાતમાં 17 જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જોઈએ તો રાજ્યમાં ચોમાસું બેસી ગયા બાદ વરસાદનું પ્રમાણ ઘટી રહ્યું છે અને હાલ જે વિસ્તારોમાં પડે છે તે કરતાં ઓછા વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે.

12 અને 13 જૂન સુધી વરસાદનું જોર રહેશે અને જે વિસ્તારોમાં ચોમાસું નથી પહોંચ્યું ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે, પરંતુ તે બાદ 14 જૂનથી વરસાદનું જોર ઘટવાનું શરૂ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.

ગુજરાતના કયા જિલ્લાઓમાં વરસાદ પડશે?

હવામાન વિભાગે 12 અને 13 જૂનના રોજ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે.

12 જૂનના રોજ વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગર તથા સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ, અમરેલી અને ભાવનગરના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.

13 જૂનના રોજ કેટલાક વધારે વિસ્તારોમાં વરસાદ જોવા મળશે, જેમાં ઉપરોક્ત જિલ્લા સિવાય સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે.

14 જૂનથી હાલની સ્થિતિ પ્રમાણે વરસાદનું જોર ઘટવાની સંભાવના છે અને હવામાન વિભાગે આગાહી કરી તે પ્રમાણે પણ વરસાદનું પ્રમાણ ઘટે તેવી સંભાવના દેખાઈ રહી છે. હવામાન વિભાગે 14 અને 15 જૂનના રોજ વલસાડ, નવસારી, ડાંગ, સુરત તથા ગીર-સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં જ વરસાદની આગાહી કરી છે.

જે બાદ 16 અને 17 જૂને વરસાદનું પ્રમાણ વધારે ઘટી જશે અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો તથા સૌરાષ્ટ્રના થોડા વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે.

જોકે, આ કોઈ જિલ્લામાં હવામાન વિભાગે ભારે કે અતિભારે વરસાદની આગાહી કરી નથી. આ તમામ જિલ્લામાં હળવા અને છુટાછવાયા વરસાદની આગાહી કરી છે.

વાવણીલાયક વરસાદ માટે રાહ જોવી પડશે?

રાજ્યમાં અમરેલી, ભાવનગર તથા દક્ષિણ અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થયો છે, પરંતુ મોટાભાગના વિસ્તારોમાં હજી વાવણીલાયક વરસાદ માટે રાહ જોવી પડે તેવી સંભાવના છે.

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને આગામી દિવસોમાં ચોમાસું દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી આગળ વધીને રાજ્યના બીજા વિસ્તારો સુધી પહોંચશે.

હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે ગુજરાતમાં ચોમાસું આવી ગયું છે પરંતુ વરસાદનું પ્રમાણ આગાહી પાંચ દિવસ સુધી ઘટતું રહે તેવી શક્યતા હાલની સ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે.

જોકે, હાલ ચોમાસું રાજ્યમાં આગળ વધતું થંભી જાય કે ઓછો વરસાદ પડે તેનો ચોમાસાના ચાર મહિના દરમિયાન થતા વરસાદ પર કોઈ પ્રભાવ પડતો નથી.

કેરળમાં 30 મેના રોજ ચોમાસું પહોંચ્યું ત્યારે પૂર્વોત્તરનાં રાજ્યોના કેટલાક વિસ્તારોમાં ચોમાસું પહોંચી ગયું હતું. જે બાદ 31 મેના રોજ ચોમાસું પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં પહોંચ્યું હતું. તે બાદ બંગાળની ખાડી તરફની બ્રાંચ આગળ વધી નથી. હજી ચોમાસું પશ્ચિમ બંગાળના વિસ્તારોમાં જ્યાં પહોંચ્યું હતું ત્યાં જ છે.

ગુજરાતમાં પણ હાલ ભલે વરસાદનું પ્રમાણ ઘટતું દેખાય પરંતુ આગામી દિવસોમાં ફરી વરસાદનું જોર વધશે અને રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વાવણીલાયક વરસાદ થશે.