ખેડૂત આંદોલન: ખનૌરી બૉર્ડર પર એકનું મોત, ખેડૂતો અને પોલીસના સંઘર્ષમાં શું થયું?

ઇમેજ સ્રોત, Reuters
પંજાબ અને હરિયાણા વચ્ચે આવેલી ખનૌરી બૉર્ડર પર બુધવારે એક ખેડૂતનું મોત થયાના સમાચાર આવ્યા છે.
ખેડૂત સંગઠનોની સાથે એક સરકારી ડૉક્ટરે પણ આ મોતની પુષ્ટિ કરી છે.
જોકે હરિયાણા પોલીસે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરીને કહ્યું કે ‘ખેડૂત આંદોલનમાં કોઈ પણ નેતાનું મોત થયું નથી. આ એક અફવા છે.’
તો પંજાબ અને હરિયાણાની શંભુ બૉર્ડરે 21 ફેબ્રુઆરીના રોજ બપોરે સુરક્ષાકર્મીઓએ ખેડૂતો પર આંસુગેસના ગોળા છોડ્યા હતા. ઘટનાસ્થળેથી મળેલી તસવીરોમાં જોઈ શકાય છે કે ત્યાં ભારે અફરાતફરીનો માહોલ હતો.
સમાચાર એજન્સીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ટિયરગેસના સેલ છોડવામાં આવી રહ્યા હતા અને તેનો અવાજ પણ સંભળાઈ રહ્યો હતો.
બીજી તરફ ખનૌરીમાં પણ હરિયાણા અને પંજાબની સરહદે તણાવ જોવા મળ્યો હતો. ત્યાં પણ કેટલાક યુવકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.
સંયુક્ત કિસાન મોર્ચા (બિનરાજકીય)ના નેતા જગજિતસિંહ દલ્લેવાલે કહ્યું હતું કે, “પોલીસે માર્ચ કરી રહેલા ખેડૂત નેતાઓ પર ટિયરગેસના સેલ છોડ્યા હતા.”
પ્રદર્શનકારીનું ગોળી વાગવાથી મોત

ઇમેજ સ્રોત, Reuters
ખેડૂત નેતાઓનું કહેવું છે કે પંજાબ-હરિયાણાસ્થિત ખનૌરી બૉર્ડર પર એક ખેડૂતનું કથિતપણે ગોળી વાગવાને કારણે મૃત્યુ થયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ખેડૂત નેતાઓએ આ યુવકના મૃત્યુ અંગે મીડિયામાં વાત કરી છે.
પટિયાલાની એક સરકારી હૉસ્પિટલે પણ શુભકરણસિંહ નામના યુવકના મૃત્યુની પુષ્ટિ કરી છે. જ્યારે હરિયાણા પોલીસે આ મૃત્યુની વાતને અફવા ગણાવી છે.
રાજિન્દરા હૉસ્પિટલ, પટિયાલાના મૅડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. હરનામસિંહ રેખીએ પુષ્ટિ કરી છે કે ખેડૂતોના વિરોધ દરમિયાન ખનૌરી બૉર્ડર પર કથિત ગોળીબારમાં 24 વર્ષીય શુભકરણસિંહનું મોત થયું છે.
તેમણે કહ્યું, "પ્રાથમિક તારણો અનુસાર માથાના પાછળના ભાગે બંદૂકની ગોળી વાગવાથી તેનું મૃત્યુ થયું છે. તેને રાજિન્દરા સરકારી મેડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલ, પટિયાલામાં મૃત અવસ્થામાં લાવવામાં આવ્યો હતો."
તેમણે કહ્યું કે, “પોસ્ટમૉર્ટમ પછી જ વિગતવાર માહિતી બહાર આવશે. મૃતદેહને હૉસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યો છે.”
હૉસ્પિટલના જણાવ્યા અનુસાર, શુભકરણસિંહ ભટિન્ડા જિલ્લાના બાલોન ગામના રહેવાસી હતા. આ મામલે ખેડૂત નેતાઓએ સમાચાર એજન્સીઓ સાથે વાત કરી છે.
ખેડૂત નેતા પંઢેરે કહ્યું હતું કે, "તમે અમારા સીધા છોકરાઓને મારી નાખો ત્યારે શાંતિ ક્યાંથી રહેશે? અર્જુન મુંડાને જે કહેવામાં આવ્યું તે તેમણે કર્યું નથી. અમે ક્યારેય વાત કરવાની ના પાડતા નથી. સરકારે તે માટે વાતાવરણ બનાવવું જોઈએ. જ્યારે અમારા લોકો શહીદ થઈ રહ્યા છે તો વાતચીત ઉકેલ નથી."
ખેડૂત નેતા દલ્લેવાલે પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે.
તેમણે કહ્યું, "એક જાનહાનિ થઈ છે. કોઈ માતાનો એક પુત્ર આજે ગયો છે. અમારી જવાબદારી બને છે. અમે તેના અંતિમ સંસ્કાર કરીશું, તેનું પોસ્ટમૉર્ટમ કરાવીશું. તેના પરિવારને સહાનુભૂતિ મળી રહે તે માટે અમારાથી બનતું બધું જ કરીશું."

ઇમેજ સ્રોત, police_haryana/X
હરિયાણા પોલીસે આ ઘટનાને અફવા ગણાવી છે.
હરિયાણા પોલીસે ઍક્સ પર લખ્યું છે કે, “અત્યાર સુધી પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર આજે ખેડૂત આંદોલનમાં કોઇનું પણ મૃત્યુ થયું નથી.”
રાજકીય પ્રતિક્રિયાઓ

ઇમેજ સ્રોત, GURPREET CHAWLA/BBC
પોલીસની આજની કાર્યવાહીના રાજકીય પ્રત્યાઘાતો સામે આવવા લાગ્યા છે.
કૉંગ્રેસે શંભુ બૉર્ડર પર ખેડૂતો પર ટિયરગેસના સેલ અને પ્લાસ્ટિક બુલેટ છોડવા પર પ્રતિક્રિયા આપી છે.
પંજાબના પૂર્વ ઉપમુખ્ય મંત્રી અને કૉંગ્રેસના નેતા સુખજિંદરસિંહ રંધાવાએ આ અંગે પોતાનો વાંધો નોંધાવતા ખેડૂતોની માગને યોગ્ય ગણાવી છે.
રંધાવાએ કહ્યું છે કે ખેડૂતો પર એ રીતે હુમલો કરવામાં આવી રહ્યો છે જે રીતે પાકિસ્તાનની સરહદ પર થાય છે.
બીબીસી પંજાબી અનુસાર, રંધાવાએ કહ્યું કે, "પહેલાં ભારત-પાકિસ્તાન સરહદ પર લૅન્ડમાઇન નાખવામાં આવતી હતી. જો તેમનું ચાલે તો તેઓ એ પણ કરી શકે તેમ છે. ખેડૂતો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા છે."
"આવી સ્થિતિમાં પંજાબ સરકારે ખેડૂતોના પક્ષમાં સ્ટૅન્ડ લેવું જોઈએ અને હરિયાણા સરકારને જવાબ આપવો જોઈએ. આ આંદોલન એકલા પંજાબનું નથી, પરંતુ સમગ્ર દેશના ખેડૂતોનું છે. પંજાબના ખેડૂતો તેનું નેતૃત્વ કરી રહ્યા છે. સમગ્ર દેશના ખેડૂતો વતી તેઓ આંદોલન કરી રહ્યા છે."
ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે હરિયાણા પોલીસ દ્વારા કરવામાં આવેલા બળપ્રયોગ પર પ્રતિક્રિયા આપી છે.
તેમણે કહ્યું, "હરિયાણા પોલીસ જે રીતે ખેડૂતો સામે ગોળીઓ અને ટિયરગેસ સેલનો ઉપયોગ કરી રહી છે તેનાથી સમગ્ર દેશ વ્યથિત છે. તેનાથી સમગ્ર દેશમાં ગુસ્સો છે. પરંતુ એકમાત્ર ઉકેલ વાતચીત છે."
પંજાબ સરકારે શું કહ્યું?

ઇમેજ સ્રોત, TWITTER/HMPUNJAB
પંજાબના સ્વાસ્થ્યમંત્રી ડૉ. બલબીરસિંહે ખનૌરી બૉર્ડર પર પ્રદર્શનકારીના મોત પર પ્રતિક્રિયા આપી છે.
તેમણે કહ્યું, "આ એક હત્યા છે. હું અન્ય એક યુવકને મળ્યો છું જે ગોળીથી ઘાયલ થયો હતો. સદભાગ્યે તે બચી ગયો હતો. તેણે મને કહ્યું હતું કે તે તેના ટ્રૅક્ટર પર બેઠો હતો અને બેરિકેડ તોડવાનો પ્રયાસ પણ કર્યો ન હતો. તેમણે પંજાબ તરફ આવીને ગોળીબાર કર્યો હતો. પંજાબના મુખ્ય મંત્રીએ કૅબિનેટની બેઠક બોલાવી છે અને અમે તમામ શક્ય કાયદાકીય પગલાં લેવાનો પ્રયાસ કરીશું.”
આ સાથે તેમણે કહ્યું છે કે પંજાબ સરકાર ઘાયલોને સારવાર આપવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે.
તેમણે કહ્યું છે કે, “પાતડામાં દસ-બાર દર્દી છે. ત્રણ ગંભીર રીતે ઘાયલ દર્દીને પટિયાલા મોકલવામાં આવ્યા છે. પંજાબ સરકાર ઘાયલોની સંભાળ લઈ રહી છે.”
આ સાથે તેમણે કહ્યું કે, “કેન્દ્ર સરકાર સામે વાંધો નોંધાવવામાં આવ્યો છે. હરિયાણા સરકાર લોકશાહીની હત્યા કરી રહી છે અને ખેડૂતો સાથે તેઓ ક્રૂર વર્તન કરી રહ્યા છે.”
ખેડૂતો શંભુ બૉર્ડરે કેમ એકઠા થયા છે?

કિસાન મજદૂર સંઘર્ષ સમિતિ અને ભારતીય કિસાન યુનિયન (સિદ્ધુપુર)ના નેતૃત્વમાં પંજાબના ખેડૂત સંગઠનોના એક જૂથે કેન્દ્ર સરકાર વિરુદ્ધ 'દિલ્હી ચલો'નું આહ્વાન કર્યું છે.
ખેડૂતોની માગણીઓમાં પાક માટે લઘુતમ ટેકાના ભાવની કાયદેસર ગૅરંટી, સ્વામીનાથન કમિશનના અહેવાલનો અમલ અને ભાજપ નેતા દ્વારા કથિત રીતે માર્યા ગયેલા ચાર શીખ ખેડૂતોને ન્યાય સહિતની અન્ય માગણીઓનો સમાવેશ થાય છે.
'દિલ્લી ચલો'ની અપીલને પગલે 13 ફેબ્રુઆરીએ મોટી સંખ્યામાં ખેડૂતો શંભુ અને ખનૌરી બૉર્ડર પર પહોંચ્યા હતા. હરિયાણાનું વ્યવસ્થાતંત્ર તેમને ત્યાંથી આગળ જતા રોકી રહ્યું છે.
હરિયાણા સરકારે સુરક્ષાદળોની ભારે તહેનાતી સાથે મોટા પાયે નિયંત્રણો લાદ્યાં છે, જેના કારણે ટ્રાફિકજામ પણ ઠપ થઈ ગયો હતો.
બે દિવસ સુધી ખેડૂતો અને સુરક્ષાદળો વચ્ચે તણાવ પણ જોવા મળ્યો હતો. ખેડૂત સંગઠનોનું કહેવું છે કે સુરક્ષાદળો દ્વારા છોડવામાં આવેલા ટિયરગેસના સેલથી ઘણા ખેડૂતો ઘાયલ થયા છે.
કેન્દ્રીય કૃષિમંત્રી અર્જુન મુંડાએ ખેડૂતો સાથે વાત કર્યા બાદ કહ્યું હતું કે તેઓ તેમની માંગણીઓનો સૌહાર્દપૂર્ણ ઉકેલ શોધવા માગે છે.
મુંડાએ કહ્યું હતું કે, "પરસ્પર સમજણ, પરસ્પર સંવાદ અને સતત વાતચીત દ્વારા કોઈ પણ મુદ્દો ઉકેલી શકાય છે. અમે હંમેશાં તેના પક્ષમાં છીએ."
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલના નેતૃત્વમાં ત્રણ કેન્દ્રીય મંત્રીઓ ખેડૂતનેતાઓ સાથે વાતચીત કરી રહ્યા છે.






















