ગુજરાત વિધાનસભા ચૂંટણી : પ્રથમ તબક્કામાં સરેરાશ 60.11 ટકા મતદાન, નર્મદા જિલ્લામાં સૌથી વધુ 73 ટકા

BBC
ઇમેજ કૅપ્શન, BBC
પ્રકાશિત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. વિધાનસભાની 182 પૈકી 89 બેઠકો પર સાંજે પાંચ વાગ્યે મતદાન પૂર્ણ થયું હતું.

ચૂંટણીપંચની વોટર ટર્નઆઉટ ઍપ્લિકેશન મુજબ, મતદાન પૂર્ણ થયા બાદ તમામ 89 બેઠકો પર સરેરાશ 60.11 ટકા મતદાન નોંધાયું છે.

સૌથી વધુ 73.02 ટકા મતદાન નર્મદા જિલ્લામાં થયું છે. જ્યારે સૌથી ઓછું 53.83 ટકા મતદાન પોરબંદર જિલ્લામાં નોંધાયું છે.

પ્રથમ તબક્કાની ચૂંટણી સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં યોજાયું હતું. હવે ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરના રોજ યોજાશે. અને આઠ ડિસેમ્બરે ગુજરાત ચૂંટણીનું પરિણામ આવશે.

બીબીસી ગુજરાતી

આલિયાબેટમાં કન્ટેનરમાંથી તૈયાર કરાયેલા બૂથમાં થયું મતદાન

ચૂંટણી

ઇમેજ સ્રોત, @ECISVEEP

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં નર્મદા નદી અને સમુદ્રના સંગમસ્થાન પાસે આવેલા આલિયાબેટ પર શિપિંગ કન્ટેનરમાંથી મતદાનમથક બનાવવામાં આવ્યું હતું.

આલિયાબેટમાં રહેતા 300 જેટલા મતદારો માટે પ્રથમ વખત આ મતદાનમથક ઊભું કરવામાં આવ્યું હતું.

ચૂંટણી

ઇમેજ સ્રોત, @ECISVEEP

આ અગાઉ અહીંના લોકોએ મત આપવા માટે 70 કિલોમિટર દૂર જવું પડતું હતું.

પ્રથમ વખત પોતાના ઘરથી નજીકમાં મતદાનમથક મળ્યું હોવાથી લોકો ઉમળકાભેર મતદાન માટે ગયા હતા.

ગ્રે લાઇન

ટ્રાન્સજેન્ડર મતદારો પહોંચ્યા મત આપવા માટે

ચૂંટણી

ઇમેજ સ્રોત, Tejas vaidya

ગુજરાતમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે લગભગ બમણાં ટ્રાન્સજેન્ડર મતદારો નોંધાયાં છે. આ રાજ્યભરમાં વિવિધ મતદાનમથકોમાં તેમણે મત આપ્યો હતો.

ચૂંટણીપંચના આંકડા પ્રમાણે ગુજરાતમાં આ વખતે 4.90 કરોડ મતદારો નોંધાયા છે. જે પૈકી 1,417 ટ્રાન્સજેન્ડર મતદારો છે. આ પૈકી સૌથી વધુ 223 ટ્રાન્સજેન્ડર મતદારો વડોદરામાં છે. જ્યારે અમદાવાદમાં 211 અને સુરતમાં 159 ટ્રાન્સજેન્ડર મતદારો છે.

બીબીસી ગુજરાતી

મોરબી પુલ દુર્ઘટનામાં અનેક લોકોને બચાવનાર હુસૈને કર્યું મતદાન

હુસૈન

ઇમેજ સ્રોત, Pavan jaishwal

મોરબી પુલ દુર્ઘટનામાં લોકોને બચાવવા માટે નદીમાં કૂદી પડેલાં હુસૈને આજે મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ તેમણે બીબીસી સાથે વાત કરી હતી.

આ મતદાન કરતી વખતે ક્યા મુદ્દા ધ્યાનમાં હતા? આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, “મુદ્દો માત્ર એક જ છે કે વિકાસ થવો જોઈએ. લોકોના કામ થવા જોઈએ અને જો કામ કરાવવા હોય તો મતદાન અવશ્ય કરવું જોઈએ.”

મોરબી દુર્ઘટનાની યાદો વાગોળતા તેમણે કહ્યું, “હું જ્યારે લોકોને બચાવી રહ્યો હતો. ત્યારે એક નાનકડી બાળકી મારા હાથમાં આવી ગઈ હતી. એને બહાર કાઢ્યા પછી હું હેબતાઈ ગયો હતો અને થોડીવાર બેસી ગયો હતો.”

મોરબી દુર્ઘટના બાદ મોરબીમાં શું ફેરફાર ઇચ્છશો? આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, “મારી એક માત્ર માગ છે કે મોરબીમાં તમામ લોકોને નિશુલ્ક તરવાનું શીખવા મળે તેવી સુવિધા ઊભી કરવામાં આવે.”

તેમણે આગળ કહ્યું, “જો એ દિવસ પુલ પર હાજર પચાસેક લોકોને પણ તરતા આવડતું હોત તો આજે મૃત્યુઆંક ઘણો ઓછો હોત અને એ કારણથી જ તમામ લોકોને નિશુલ્ક તરવાનું શીખવાડવામાં આવે તેવી મારી માગ છે.”

બીબીસી ગુજરાતી
ચૂંટણી

ઇમેજ સ્રોત, @ECISVEEP

ગુજરાતમાં પ્રથમ વખત મૂળ આફ્રિકાથી ભારતમાં આવીને વસેલા સિદ્દી સમુદાયના લોકો માટે ટ્રાઇબલ મતદાનમથક તૈયાર કરવામાં આવ્યું છે.

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા મતક્ષેત્રમાં આવતા જાંબુર ગામે બનાવેલા આ મતદાનમથકમાં આજે સિદ્દી સમુદાયના લોકો પરંપરાગત પહેરવેશ પહેરીને મતદાન કરવા પહોંચ્યા હતા.

ચૂંટણી

ઇમેજ સ્રોત, @ECISVEEP

આ મતદાનમથક અંગે સ્થાનિકોએ સમચાર એજન્સી એએનઆઈને કહ્યું, “અમારા માટે આ ગર્વની બાબત છે કે ચૂંટણીપંચે અમારા માટે અલગથી ટ્રાઇબલ બૂથ તૈયાર કર્યું છે. અમે અહીં વર્ષોથી રહીએ છીએ પણ અમારા માટે આવી સુવિધા પહેલી વખત કરવામાં આવી છે.”

બીબીસી ગુજરાતી
ચૂંટણી

ઇમેજ સ્રોત, Sachin Pithva

ગુજરાતની 89 બેઠકો પર આજે મતદાન ચાલી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાન કરવા માટે એક વરરાજા પોતાના પરિવાર સાથે પહોંચ્યા.

લીમડીથી સોહમ દવે પોતાનાં લગ્ન પહેલાં માતા-પિતા સાથે મતદાન કરવા પહોંચ્યા હતા.

તેમનું કહેવું છે કે "મતદાન કરવી એ ફરજ છે અને તેને કોઈ પણ કિંમતે ચૂકવી ન જોઈએ. વિધાનસભાની ચૂંટણી દર પાંચ વર્ષે આવે છે જેથી અમે મતદાનની ફરજની ગંભીરતા સમજી જાન જતા પહેલાં મતદાન કરવા માટે આવ્યા છીએ."

ત્યારે તાપી જિલ્લામાં પણ આવું જ એક દૃશ્ય જોવા મળ્યું હતું.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ

પ્રફુલ્લ મોરીનાં પણ લગ્ન પહેલી ડિસેમ્બર જ છે પરંતુ તેઓ મતદાન કરવાનું ભૂલ્યા નહીં.

સમાચાર સંસ્થા એએનઆઈને તેમણે કહ્યું કે, "હું બધાને મતદાન કરવાની વિનંતી કરું છું, કોઈએ આ તકને જવા ન દેવી જોઈએ. મારાં લગ્ન સવારે થવાનાં હતાં પરંતુ મેં સમય બદલીને સાંજનો કરાવ્યો. અમારે તેના માટે મહારાષ્ટ્ર જવાનું છે."

બીબીસી ગુજરાતી
ચૂંટણી

ઇમેજ સ્રોત, Bipin Tankaria

લોકપ્રિય ગાયક અને ગુજરાતમાં મતદાન જાગૃતિના ઍમ્બેસેડર કિર્તીદાન ગઢવી અમદાવાદથી રાજકોટ મતદાન કરવા પહોંચ્યા હતા.

જોકે, તેમની પાસે ઓળખના પુરાવાની ડિજિટલ કૉપી હતી. જે બૂથ પર હાજર અધિકારીઓએ માન્ય રાખી ન હતી અને તેમને મતદાન કરવા દીધું ન હતું.

બાદમાં તેમણે રાજકોટના મુખ્ય ચૂંટણી અધિકારીને રજૂઆત કરી હતી અને તેમની રજૂઆત માન્ય રાખ્યા બાદ મતદાન કરવા દેવાયું હતું.

આ દરમિયાન તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, “સમગ્ર દેશ ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે મારી રજૂઆત એટલી જ હતી કે જો ડિજિટલ પુરાવાને માન્ય રાખવામાં આવે તો વધુથી વધુ લોકો મતદાન માટે આગળ આવી શકે છે.”

બીબીસી સમાચાર
ચૂંટણી

ઇમેજ સ્રોત, @ECISVEEP

ચૂંટણી પંચે દેશમાં પ્રથમ વખત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હૅલ્થ બૂથ તૈયાર કર્યું છે.

જુનાગઢ વિધાનસભા બેઠક પર પ્લાસવા બૂથને હૅલ્થ બૂથ તરીકે રાખવામાં આવ્યું છે. અહીં મતદાનની સાથેસાથે મતદારો હૅલ્થ ચૅકઅપ પણ કરાવી શકે છે.

બૂથ પર ચૂંટણીપંચની ટીમની સાથેસાથે આરોગ્યવિભાગની પણ એક ટીમ હાજર છે. તેઓ સાથે મળીને મતદારોને આવકારવાની સાથેસાથે તેમની સ્વાસ્થ્યતપાસ પણ કરે છે.

જૂનાગઢ બેઠક પર બપોરે એક વાગ્યા સુધીમાં 30.80 ટકા મતદાન નોંધાયું છે.

બીબીસી સમાચાર
મોદી

ઇમેજ સ્રોત, ANI

બે દિવસના વિરામ બાદ વડા પ્રધાન મોદી આજે ફરી ગુજરાતમાં છે. એક તરફ પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે અને બીજી તરફ અમદાવાદમાં વડા પ્રધાન મોદીનો રોડ શો યોજાયો.

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર વડા પ્રધાન મોદીનો આ રોડ શો અંદાજે ત્રણ કલાક સુધી ચાલ્યો અને અમદાવાદ તેમજ ગાંધીનગરની 16 વિધાનસભા બેઠકોને આવરી લેવાઈ.

ભારતીય જનતા પાર્ટીને ટાંકીને એએનઆઈએ જણાવ્યું કે આ રોડ શો અંદાજે 50 કિલોમીટર લાંબો હતો. જે નરોડા ગામથી શરૂ થઈને ગાંધીનગર દક્ષિણ બેઠક સુધી ચાલ્યો. આ રોડ શોને રસ્તામાં 35 જગ્યાએ વિરામ આપવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે વડા પ્રધાનનો રોડ શો જે વિસ્તારોમાંથી પસાર થયો ત્યાં ચૂંટણીના બીજા તબક્કામાં મતદાન યોજાશે.

બીબીસી ગુજરાતી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો

ભારતે જી20 સમૂહની અધ્યક્ષપદ સંભાળ્યું છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત ‘એકતાના સાર્વત્રિક ભાવ‘ને પ્રોત્સાહન આપવા માટે કામ કરશે.

આ જૂથની અધ્યક્ષતા ગુરુવારે જ આધિકારિક રૂપથી ભારત પાસે આવી છે.

ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ નવેમ્બરમાં જી20 સમિતના અંતે આધિકારિક રૂપથી અધ્યક્ષતા નરેન્દ્ર મોદીને સોંપી હતી.

વડા પ્રધાન મોદીએ કહ્યું કે આ ભારતીયો માટે "સન્માનનો વિષય" છે.

ગુરુવારે ભારતીય અખબારોમાં સંપાદકીય લેખોમાં વડા પ્રધાન મોદીએ લખ્યું કે ભારતનો જી20 અજેન્ડા "સમાવેશી, મહત્ત્વકાંક્ષી, કાર્યલક્ષી અને નિર્ણાયક છે".

ભારતીય અધ્યક્ષતાની થીમ વસુધૈવ કુટુંબકમ પર આધારિત છે.

જી20 એવા દેશોનું એક સમૂહ છે જે વૈશ્વિક અર્થતંત્ર પર ચર્ચા કરવા માટે મળવા બૈઠક કરે છે. આ 20 દેશોમાં વૈશ્વિક વસતીના બે-તૃતીયાંશ ભાગ રહે છે, વૈશ્વિક વેપારના 75 ટકા જેટલો વેપાર થાય છે.

રેડ લાઇન
રેડ લાઇન