You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કચ્છ: નાનાં બાળકોથી લઈને આધેડ વયના લોકોનો ભોગ લેનાર 'શંકાસ્પદ બીમારી' કઈ છે?
કચ્છ જિલ્લાનાં કેટલાંક ગામોમાં હાલ રહસ્યમય તાવની બીમારી ફેલાઈ રહી છે અને તેનાથી કથિત રીતે લોકોનાં મોત થઈ રહ્યાં છે.
ગુજરાત સરકારે આપેલી માહિતી પ્રમાણે કચ્છ જિલ્લામાં ભારે વરસાદ બાદ લખપત તાલુકામાં આ બીમારી ફેલાઈ રહી છે અને તેમાં અત્યાર સુધી 13 લોકોનાં મૃત્યુ આ રહસ્યમય તાવને કારણે થયાં છે.
ગુજરાતમાં વિસ્તારની દૃષ્ટીએ સૌથી મોટા એવા કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આ બીમારી સૌપ્રથમ જોવા મળી છે. સરકારે બીમારીની તપાસ કરવા અને તેને ફેલાતી રોકવા માટે સરકારે 22 જેટલી ટીમોને આ વિસ્તારમાં મોકલી છે.
લખપત તાલુકાના બેખડા ગામના આરબભાઈ જતેના કહેવા પ્રમાણે તેમના ભાણેજનું મૃત્યુ આવા શંકાસ્પદ તાવને કારણે થયું છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે કહ્યું, 'મારા ભાણેજને તાવ આવતો હતો અમે હૉસ્પિટલ લઈ ગયા, એકાદ બે દિવસ બાદ અમે રિપોર્ટ કરાવ્યા તો ફેફસાંમાં ચેપ લાગ્યો હતો. જેના કારણે તેનું મોત થયું.'
કચ્છ જિલ્લાના કલેક્ટર અમિત અરોરાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે આ તાવ કેમ આવે છે અને કયો છે તેની તપાસ હાલ ચાલી રહી છે.
અરોરાએ કહ્યું, 'કચ્છ જિલ્લામાં આવી રહેલા આ તાવમાં દસેક જેટલાં લોકોનાં મૃત્યુ ન્યુમોનાઇટિસને કારણે થયાં હોય તેવી શક્યતા છે. જોકે, મૃત્યુ કેમ થયાં છે તેનું ચોક્કસ કારણ જાણવા માટે અમે પૂણેમાં આવેલી લૅબોરેટરીમાં સૅમ્પલ્સ મોકલ્યાં છે.'
આ અજાણી બીમારીનાં લક્ષણો વિશે કચ્છ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી – ઇન્ચાર્જ ડૉ.આર.આર. ફુલમાળીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "આ બીમારીમાં પ્રાથમિક રીતે ન્યુમોનિયાનાં લક્ષણ જોવા મળે છે. જેમકે છાતીમાં કફ, ઉધરસ, છાતીમાં દર્દ કે તાવ આવે છે. શ્વસનતંત્રમાં તકલીફ થાય છે અને પછી અચાનક શ્વાસ ચઢવા માંડે છે."
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)