મુફતી સલમાન અઝહરી કોણ છે, જેમને કથિત ‘ભડકાઉ ભાષણ’ માટે જૂનાગઢ કોર્ટમાં રજૂ કરાયા? પોલીસે શું કહ્યું?

ઇસ્લામિક ઉપદેશક મુફતી સલમાન અઝહરી

ઇમેજ સ્રોત, YT/MUFTISALMANAZHARIOFFICIAL

પ્રકાશિત

જૂનાગઢની સ્થાનિક કોર્ટે ઇસ્લામિક ઉપદેશક મુફતી સલમાન અઝહરીને જામીન આપ્યા છે. જોકે આ દરમિયાન મુફતી સલમાન અઝહરી પર કચ્છના સામખિયાળી પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયો છે અને તેમને કચ્છ લવાયા હતા.

બીબીસીના સહયોગી પ્રશાંત ગુપ્તાના જણાવ્યા અનુસાર, મુફતી સલમાન અઝહરીને કચ્છ પોલીસ દ્વારા ભચાઉ સેશન્સ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા અને કોર્ટે મુફતી સલમાન અઝહરીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ઉલ્લેખનીય છે કે જૂનાગઢમાં કથિતપણે ‘ભડકાઉ ભાષણ’ આપવાના આરોપી મુફતીને મંગળવારે સ્થાનિક કોર્ટમાં રજૂ કરાયા હતા.

નોંધનીય છે કે ગત 31 જાન્યુઆરીએ જૂનાગઢના એક કાર્યક્રમ દરમિયાન મુફતી સલમાન અઝહરીએ કથિતપણે ‘ભડકાઉ ભાષણ’ આપ્યું હતું.

આ કથિત ભાષણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં જૂનાગઢ પોલીસે કાર્યવાહી કરીને આ મામલે એફઆઇઆર નોંધીને ગત રવિવારે મુંબઈ ખાતેથી તેમની ધરપકડ કરી હતી.

અઝહરી સહિત બે અન્ય આરોપીઓને જૂનાગઢ કોર્ટમાં રજૂ કર્યા બાદ સરકાર પક્ષે અને આરોપીના વકીલ મારફતે દલીલો થઈ હતી.

મુફતી સલમાન અઝહરીના વકીલ શબ્બીર એ. શેખે મીડિયાને જણાવ્યું કે "આ સંવેદનશીલ કેસમાં મૌલાના અને તેમના બે સાથીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. મૅજિસ્ટ્રેટ સામે રજૂ કર્યા બાદ જામીન માટે અરજી કરી હતી. પછી સરકાર પક્ષ અને અમારા પક્ષે થયેલી દલીલોને સાંભળીને કોર્ટે ત્રણેય આરોપીને 15-15 રૂપિયાના જામીન પર મુક્ત કર્યા છે."

તેમણે કોર્ટમાં થયેલી દલીલો અંગે કહ્યું કે "કોઈ કોમ કે જ્ઞાતિને લઈને તેઓ શબ્દો બોલ્યા નથી, એમણે કોઈને ટાર્ગેટ કર્યા નથી. શબ્દોનો મર્મ શું છે? તેની કોઈ સમાજ પર કોઈ અસર થઈ છે કે કેમ? એવા સવાલો અંગેની દલીલની સાથોસાથ એવું પણ કહેવાયું હતું કે મુફતીના ભાષણ બાદ સમાજમાં કોઈ વર્ગવિગ્રહ નથી થયો. આ તમામ દલીલોને અંતે કોર્ટે તેમને જામીન આપ્યા છે."

શકીલ એ. શેખે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે "ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનું આ મામલે શું વલણ છે એ બાબતોની કોર્ટમાં વાત કરી હતી. જામીન માટે પાંચ શરતો પણ મૂકી હતી. ફરિયાદી પક્ષના કોઈ પુરાવાનો નાશ કરવો નહીં, ધમકી આપવી નહીં, પાસપોર્ટ હોય તો જમા કરાવવો, ન હોય તો કોર્ટમાં સોગંદનામાથી જાહેર કરવું- વગેરે શરતો પર જામીન આપ્યા છે."

મુફતી સલમાન અઝહરી કોણ છે?

ઇસ્લામિક ઉપદેશક મુફતી સલમાન અઝહરી

ઇમેજ સ્રોત, YT/MUFTISALMANAZHARIOFFICIAL

તેમની અધિકૃત યુટ્યૂબ ચેનલ પર આપેલી માહિતી અનુસાર મુફતી સલમાન અલ-અઝહરી મુંબઈસ્થિત સુન્ની ઇસ્લામિક રિસર્ચ સ્કોલર છે. તેઓ ધાર્મિક ઉપદેશક અને મોટિવેશનલ સ્પીકર તરીકે ખ્યાતિ ધરાવે છે.

તેમણે ‘ઇસ્લામિક દાવા’ઓ પર જામિયા અલ-અઝહર, ઇજિપ્તથી ગ્રેજ્યુએશન કર્યું છે.

મુફતી સલમાન અઝહરી જામિયા રિયાઝુલ જન્નાહ, અલ-અમાન ઍજ્યુકેશન ઍન્ડ વેલફેર ટ્રસ્ટ અને દારૂલ અમાનના સ્થાપક છે.

તેઓ મુખ્યત્વે સામાજિક-ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. મુસ્લિમ સમુદાયમાં તેમણે તેમનાં ભાષણો અને માર્ગદર્શનથી ઘણી પ્રસિદ્ધિ મેળવી છે.

તેમની યુટ્યૂબ ચેનલ પર તેમના 4.6 લાખથી વધુ ફૉલોઅર્સ છે.

કેટલાક મુદ્દાઓ જેના પર તેઓ બોલતા જોવા મળ્યા છે તે આ પ્રમાણે છે...

  • શું આપણે મૂર્તિની પૂજા કરી શકીએ?
  • ગરીબ નવાઝ ભારત કેવી રીતે આવ્યા?
  • શું ઈસ્લામ કરતાં સારો કોઈ ધર્મ છે?
  • દિલને શાંતિ કેવી રીતે મળશે?
  • ઇસ્લામનો અસલી હીરો કોણ છે?
  • અલ્લાહની મદદ પેલેસ્ટાઈનમાં આવશે

મુફતી સલમાન અઝહરીએ શું કહ્યું?

ઇસ્લામિક ઉપદેશક મુફતી સલમાન અઝહરી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, મુંબઈમાં એકઠા થયેલા સમર્થકોને તેમણે શાંતિની અપીલ કરી હતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જૂનાગઢના બી-ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે એક કાર્યક્રમમાં તેમણે ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં તેમણે આપેલા ભાષણની એક 21 સેકન્ડની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

કાર્યક્રમમાં તેમણે આપેલા ભાષણનો આખો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે.

આ કાર્યક્રમમાં તેઓ ઇરાક, પેલેસ્ટાઇન, અફઘાનિસ્તાન, આરબ દેશોમાં મુસ્લિમોની થઈ રહેલી હત્યાઓ વિશે બોલી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે આપણા માર્યા જવાથી ઇસ્લામ ખતમ નહીં થાય.

તેઓ કહે છે, "દુનિયા આજે આપણને સંભળાવે છે કે તમે જો એટલા જ સાચા છો તો કેમ મરી રહ્યા છો. પેલેસ્ટાઈનમાં કેમ તમારા આટલાં બધાં મૃત્યુ થયાં? ઇરાક, યમન, પેલેસ્ટાઇન, અફઘાનિસ્તાન, આરબ દેશો અને મ્યાનમાર...દરેક જગ્યાએ કેમ તમે મરી રહ્યા છો?"

"યુવાનો, તમે એ જુલમ કરનારાઓને જવાબ આપજો કે મુફતી આઝમે અમને શીખવ્યું છે... અમે રસુલુલ્લાહના સેવકો છીએ. જે જન્મે છે તે મરવા માટે જ જન્મે છે. જીવવા માટે નથી આવતા."

"જો આપણને ક્યાંય મારવામાં આવે છે, તો એક વાત યાદ રાખો કે આપણા માર્યા જવાથી ઇસ્લામ ખતમ નથી થતો. જો ઇસ્લામ ખતમ થવાનો હોત તો કરબલામાં જ થઈ જાત. ઇસ્લામનું સત્ય એ છે કે ઇસ્લામ જીવંત રહે છે... દરેક કરબલા પછી પણ જીવંત રહે છે."

તેઓ કહે છે, "ના ધબરાઓ એ મુસલમાનો, અભી ખુદા કી શાન બાકી હૈ. અભી ઇસ્લામ જિંદા હૈ. અભી કુરાન બાકી હૈ. જો લોગ હમસે ઉલઝતે હૈ, અભી તો કરબલા કા આખિરી મેદાન બાકી હૈ. કુછ દેર કી ખામોશી હૈ. ફિર શોર આયેગા. આજ *** કા વક્ત હૈ, કલ હમારા દૌર આયેગા."

એવું કહેવાય છે કે તેમના આ નિવેદનને કારણે વિવાદ થયો છે.

કસ્ટડીમાં લેવાતા પહેલાં મુફતી સલમાન અઝહરીએ પોતાના સમર્થકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે - "સંજોગો ગમે તેવા હોય કોઈએ આવેશમાં હોશ ગુમાવવો જોઈએ નહીં, હું તમારી સામે છું અને હું ગુનેગાર નથી અને હું આરોપી નથી. મને અહીં કોઈ ગુના માટે લાવવામાં આવ્યો નથી."

"મારા ભાષણ અંગે જે પણ તપાસ કરવાની હશે તે તેઓ કરી રહ્યા છે અને અમે સહકાર આપી રહ્યા છીએ. તમારે પણ સહકાર આપવો જોઈએ. જે થશે તે સારું થશે, જો ધરપકડ મારા નસીબમાં લખેલી હશે છે તો હું તેના માટે પણ તૈયાર છું."

તેમની અપીલ પછી ઘાટકોપરમાં એકઠી થયેલી ભીડ વિખેરાઈ ગઈ હતી અને ત્યારપછી તેમને ગુજરાત લાવવામાં આવ્યા હતા.

મૌલાના મુફતી સલમાન અઝહરીના વકીલ આરિફ સિદ્દીકીએ કહ્યું, "પોલીસે તેમના ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે અરજી કરી હતી, અમે તેનો વિરોધ કર્યો હતો અને અમે એમ પણ કહ્યું કે તેમને ગેરકાયદેસર રીતે અટકાયતમાં લેવામાં આવ્યા છે. કાયદા મુજબ પહેલાં અમને નોટિસ આપવી જોઈતી હતી જે અમને આપવામાં આવી ન હતી. તેમને બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. અમને કહેવામાં આવ્યું છે કે તેમને જૂનાગઢ લઈ જવામાં આવશે."

એફઆઈઆરમાં શું કહેવામાં આવ્યું છે?

અઝહરીના વકીલ આરિફ સિદ્દીકી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, અઝહરીના વકીલ આરિફ સિદ્દીકી

ગુજરાત પોલીસે મુફતી સલમાન અઝહરી અને બંને આયોજકો મોહમ્મદ યુસુફ મલેક, અઝીમ હબીબ ઓડેદરા સામે કલમ 153-બી (વિવિધ ધાર્મિક સમુદાયો વચ્ચે દ્વેષ ફેલાવવો), 505(2) હેઠળ ગુનો નોંધ્યો છે.

એફઆઈઆર પ્રમાણે આયોજકોએ જૂનાગઢની નરસિંહ મહેતા સ્કૂલના મેદાનમાં સભાનું આયોજન કર્યું હતું જેમાં તેમણે મુસ્લિમ સમુદાયના આગેવાનોને તેમજ મૌલાનાઓને આમંત્રણ આપ્યું હતું.

આ કાર્યક્રમમાં મૌલાના અલહાજ મુફતી સલમાન અઝહરીએ ધાર્મિક ભાષણના બહાને કોમી એકતા ભંગ કરી જાહેર સુલેહ શાંતિનો ભંગ કરવાના ઇરાદે બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તે રીતે ભડકાઉ અને ઉશ્કેરણીજનક ભાષણ કર્યું હોવાનો આરોપ એફઆઈઆરમાં નોંધવામાં આવ્યો છે.

એફઆઈઆર પ્રમાણે તેમણે આ કાર્યક્રમની મંજૂરી નશામુક્તિ અંગેની જાગૃતિ ફેલાવવા માટે લીધી હતી. તેમના પર આરોપ છે કે તેમણે સરકાર વિરુદ્ધ દ્વેષભાવ ઉત્પન્ન કરી મુસ્લિમ સમાજને ગેરમાર્ગે દોરવાના ઇરાદે ભડકાવનારું ભાષણ કર્યું છે.

આ લખાય છે ત્યાં સુધી ગુજરાત પોલીસે આ મામલે કોઈ નિવેદન આપ્યું નથી.

શું છે સમગ્ર મામલો?

મુફતી સલમાન અઝહરી

ઇમેજ સ્રોત, YT/MUFTISALMANAZHARIOFFICIAL

ઇમેજ કૅપ્શન, મુફતી સલમાન અઝહરી

31 જાન્યુઆરીએ જૂનાગઢમાં એક કાર્યક્રમ દરમિયાન મુફતી સલમાન અઝહરીએ કથિતપણે ભડકાઉ ભાષણ આપ્યું હોવાનું કહેવાય છે.

આ ભાષણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. આ વીડિયોને આધારે જૂનાગઢ પોલીસે કાર્યવાહી કરી હતી અને એફઆઈઆર નોંધી હતી.

પોલીસે સલમાન અઝહરી સહિત કાર્યક્રમના આયોજકો એવા અન્ય બે લોકો સામે પણ એફઆઈઆર નોંધી છે અને તેમની પણ ધરપકડ કરી છે.

મુફતી મુંબઈમાં હતા જ્યાંથી તેમની પોલીસે ધરપકડ કરી હતી. મુફતી સલમાન અઝહરીની ધરપકડના વિરોધમાં તેમના સમર્થકો મોટી સંખ્યામાં ઘાટકોપર પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયા હતા અને તેમને તાત્કાલિક છોડી દેવાની માગ કરી રહ્યા હતા. પરિસ્થિતિને જોતા પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.

ગુજરાત પોલીસે સલમાન અઝહરીના ટ્રાન્ઝિટ રિમાન્ડ લીધા છે અને તેને ગુજરાત લઈ જવામાં આવ્યા હતા.