You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઑસ્ટ્રેલિયા ચોથી વાર અંડર-19 વર્લ્ડકપ વિજેતા, ભારત 79 રનથી હાર્યું
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
- પ્રકાશિત
આઇસીસી વનડે વર્લ્ડકપ બાદ અંડર-19 વર્લ્ડકપની ફાઇનલમાં પણ ઑસ્ટ્રેલિયા ભારત પર હાવી રહ્યું. ઑસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને અંડર-19નો ખિતાબ પોતાને નામે કરી લીધો છે.
ઑસ્ટ્રેલિયાએ ભારતને 79 રનથી હરાવ્યું છે. ઑસ્ટ્રેલિયા ચોથી વાર વર્લ્ડકપ જીત્યું છે.
ભારત તરફથી આદર્શસિંહે સૌથી વધુ 47 રન કર્યા હતા. તેમજ મુરુગન અભિષેકે 42 રન કર્યા હતા.
જીત માટે 254 રનનો પીછો કરી રહેલી ભારતીય ટીમનું પ્રદર્શન એટલું દમદાર રહ્યું નહોતું.
ભારતની ટીમ 43.5 ઓવરમાં 174 રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી.
ઑસ્ટ્રેલિયાના મિડલ ઑર્ડરનું દમદાર પ્રદર્શન
દક્ષિણ આફ્રિકાના બૅનોનીમાં રમાયેલી આ મૅચમાં ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી.
પરંતુ તેમની શરૂઆત સારી રહી ન હતી અને ત્રીજી જ ઓવરમાં રાજ લિંબાણીએ ઓપનર સૅમને ખાતું ખોલ્યા વગર જ રવાના કર્યા હતા.
પરંતુ સામે છેડે હૅરી ડિક્સન અને કૅપ્ટન હગ વૅબેને મોરચો સંભાળી રાખ્યો હતો. બંનેએ ઑસ્ટ્રેલિયાની ઇનિંગને સ્થિરતા આપી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હૅરી ડિક્સને 42 અને વૅબેને 48 રન નોંધાવ્યા હતા. તો હરજસસિંઘે 64 બૉલમાં 55 રન બનાવીને અડધી સદી ફટકારી હતી.
પરંતુ નિયત અંતરે ઑસ્ટ્રેલિયાનો વિકેટો પડવાનો સિલસિલો યથાવત રહ્યો હતો.
નિર્ધારિત 50 ઓવરમાં ઑસ્ટ્રેલિયાએ સાત વિકેટે 253 રન બનાવ્યા હતા.
ભારતીય બૉલર રાજ લિંબાણીએ સૌથી વધુ ત્રણ વિકેટો ઝડપી હતી. રાજ મૂળ ગુજરાતના કચ્છના વતની છે.
ભારતના બૅટ્સમેનો નિષ્ફળ રહ્યા
254 રનના પડકારનો પીછો કરવા ઊતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી અને ત્રીજી ઑવરમાં જ વિકેટ ગુમાવી હતી.
ત્યારબાદ ઓપનર આદર્શસિંહે એક છેડો સંભાળવાનો પ્રયત્ન કર્યો હતો અને સૌથી વધુ 47 રન ફટકાર્યા હતા.
સમગ્ર વર્લ્ડકપમાં સતત સારું પ્રદર્શન કરી રહેલા ઉદય સહારન અને સચીન ધસ ફાઇનલમાં પોતાનો પ્રભાવ પાથરી શક્યા ન હતા. તેઓ માત્ર 8 અને 9 રન બનાવીને આઉટ થઈ ગયા હતા.
લોઅર ઓર્ડરના બૅટ્સમેન મુરુગન અભિષેેકે 42 રન ફટકાર્યા હતા. ભારતની સમગ્ર ટીમ માત્ર 43.5 ઑવરમાં 174 રન બનાવીને જ ઑલઆઉટ થઈ ગઈ હતી.
ઑસ્ટ્રેલિયા તરફથી રૅફ મેકમિલન અને માહલિ બિયર્ડમેને ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.
માહલિ બિયર્ડમેનને પ્લૅયર ઓફ ધી મૅચ જાહેર કરવામાં આવ્યા હતા.
ટુર્નામેન્ટમાં ભારતનું દમદાર પ્રદર્શન
ભારતે આ ટુર્નામેન્ટમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું અને ફાઇનલ પહેલાંની બધી જ મૅચ જીતી હતી. આ ટુર્નામેન્ટમાં ઘણા યુવા ખેલાડીઓએ દમદાર પ્રદર્શન કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
કૅપ્ટન ઉદય સહારને તેમની કૅપ્ટન્સીથી સૌને પ્રભાવિત કર્યા છે. તેઓ જોખમ ઉઠાવ્યા વગર રમ્યા છે અને ટુર્નામેન્ટમાં સૌથી વધુ 389 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને બે અડધી સદી સામેલ છે.
સરફરાઝ ખાનના ભાઈ અને ઑલરાઉન્ડર મુશીર ખાન પણ વર્લ્ડકપ દરમિયાન ચર્ચામાં રહ્યા છે. તેમણે ઉદય સહારન પછી સૌથી વધુ રન બનાવ્યા છે અને સાથે સાત વિકેટો પણ ઝડપી છે.
નામ પણ સચીન અને રમત પણ સચીન જેવી- આ કથનને સચીન ધસે વર્લ્ડકપમાં સાર્થક કરીને બતાવ્યું છે. તેમણે આ ટુર્નામેન્ટમાં 73ની સરેરાશથી રન બનાવ્યા છે.
તો ભારતીય બૉલર રાજ લિંબાણીએ ગતિ ધીમી હોવા છતાં ઉછાળને કારણે બૉલિંગમાં ઘણો ફાયદો ઉઠાવ્યો છે અને સૌનું ધ્યાન આકર્ષિત કર્યું છે. તેમણે ફાઇનલમાં પણ ત્રણ વિકેટ ઝડપી છે.
આ સિવાય સૌમ્ય પાંડેની બૉલિંગને જાડેજા સાથે સરખાવવામાં આવે છે. તેમણે આ વર્લ્ડકપમાં 18 વિકેટો ઝડપી છે.