ગુજરાત હવામાન : રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી, કયા જિલ્લામાં થશે માવઠું?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં 15 માર્ચથી ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતના ઘણા વિસ્તારો પર કમોસમી વરસાદની શક્યતા છે.
દક્ષિણ ગુજરાતમાં સુરત અને બીજા કેટલાક વિસ્તારોમાં માવઠાની શરૂઆત પણ થઈ ગઈ છે. પરંતુ આવનારા એકાદ બે દિવસમાં વરસાદનો વ્યાપ વધવાની શક્યતા દેખાઈ રહી છે.
ગુજરાતના હવામાનમાં હાલ અનેક વિસ્તારોમાં પલટો આવ્યો છે અને વાદળો દેખાવાનાં શરૂ થઈ ગયાં છે. ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારો પર વાદળછાયું હવામાન છે.
ઉનાળાની શરૂઆતમાં જ થઈ રહેલા માવઠાને કારણે રાજ્યભરમાં ખેડૂતો ચિંતામાં છે. થોડા દિવસ પહેલાં જ થયેલા વરસાદમાં અનેક ખેડૂતોએ નુકસાન સહન કરવું પડ્યું છે.
ગુજરાતમાં હાલ બેવડી સિઝનનો અનુભવ થઈ રહ્યો છે, દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં માવઠું થઈ રહ્યું છે તો રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે ગરમી પડી રહી છે. પોરબંદર સહિત કેટલાક વિસ્તારોમાં હીટ વેવની પણ આગાહી કરવામાં આવી હતી.

ગુજરાતના કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે?
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 15 માર્ચના રોજ ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગરના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે નર્મદા, સુરત, ડાંગ, તાપી, ભરૂચ, વલસાડ, નવસારી જિલ્લાના વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર-સોમનાથ જિલ્લાના વિસ્તારોમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
16 માર્ચના રોજ વરસાદનો વ્યાપ વધવાની શક્યતા છે અને ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ જેવા કે જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથના વિસ્તારોમાં વરસાદની શક્યતા ખૂબ ઓછી જણાઈ રહી છે.
17 માર્ચના રોજ વરસાદની જોર ઘટવાની શક્યતા છે પરંતુ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર અને કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.

ગુજરાતમાં કેટલા દિવસ સુધી પડશે વરસાદ?

ઇમેજ સ્રોત, Getty Images
હવામાન વિભાગના કહેવા પ્રમાણે ગુજરાતમાં આવનારા ચારથી પાંચ દિવસ સુધી ભારત સહિત ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે.
15 માર્ચથી ગુજરાતમાં કમોસમી વરસાદ વધવાની શક્યતા દેખાઈ રહી છે.
15 માર્ચ બાદ ગુજરાતમાં કમોસમી વરસાદ વધવાની શક્યતા દેખાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવતા આંકડાકીય મોડલ પ્રમાણે 16 માર્ચના રોજ વધારે વરસાદ પડવાની શક્યતા છે.
ગુજરાતનાં પાડોશી રાજ્યો રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ એક અઠવાડિયા સુધી વરસાદી માહોલ રહેવાની સંભવાના છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 15, 16,17 અને 18 માર્ચ સુધી ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.
ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થાય તેવી પણ શક્યતા છે. કેટલીક જગ્યાએ સામાન્ય કરતાં વધારે ગતિથી પવન ફૂંકાવાની પણ શક્યતા દેખાઈ રહી છે.

ગુજરાતમાં ઉનાળામાં વરસાદ કેમ?

ઇમેજ સ્રોત, Getty Images
માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં પડતા વરસાદને પ્રિ-મૉન્સૂન રેઇન એટલે કે ચોમાસા પહેલાંનો વરસાદ ગણવામાં આવે છે. જોકે, આ વર્ષે પ્રિ-મૉન્સૂન સિઝન તેના સમય કરતાં વહેલી શરૂ થઈ ગઈ છે.
સામાન્ય રીતે માર્ચના બીજા પખવાડિયાથી દેશમાં પ્રિ-મૉન્સૂન ગતિવિધિઓની શરૂઆત થતી હોય છે. પરંતુ આ વર્ષે વધારે ગરમીને કારણે માર્ચની શરૂઆતમાં જ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી.
ફેબ્રુઆરીમાં સામાન્ય કરતાં પડેલી વધારે ગરમીને કારણે નવી સિસ્ટમો સર્જાઈ હતી અને તેના કારણે વરસાદ પડ્યો હતો. હવે શરૂ થવા જઈ રહેલો વરસાદ પણ ભારત પર અને તેની આસપાસ સર્જાનારી સિસ્ટમોને કારણે વધારે દિવસો સુધી ચાલે તેવી સંભાવના દેખાઈ રહી છે.
આ સિસ્ટમોને કારણે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી ભેજ લઈને આવતા પવનો જમીન પર આવશે અને બીજી તરફ જમીન ખૂબ ગરમ હોવાને કારણે વરસાદ પડશે.

























