અમદાવાદ : 'મારું ઘર તોડી નાખ્યું, મારા પતિ પણ નથી', ગોમતીપુરમાં અંદાજે 45 મકાન તોડી પડાયાં
"મારું ઘર તોડી નાંખ્યું, કંઈ ના આપ્યું. મારા પતિ પણ નથી. હું બરબાદ થઈ ગઈ." અમદાવાદમાં ડિમોલિશનની કાર્યવાહી બાદ ઘરના કાટમાળ પર બેસેલાં એક મહિલા રડતાં રડતાં આ વાત કરે છે.
અમદાવાદમાં ઓઢવ બાદ હવે ગોમતીપુર વિસ્તારમાં અમદાવાદ કૉર્પોરેશન દ્વારા ડિમોલિશન હાથ ધરાયું છે.
કૉર્પોરેશનનું કહેવું છે કે રસ્તો પહોળો કરવાનો હોવાથી કેટલીક મિલકતોને દૂર કરાઈ રહી છે. 45 જેટલાં રહેણાક મકાનો તોડી પાડવામાં આવ્યાં છે. તેમજ 115 જેટલા વેપાર સંબંધિત બાંધકામને જમીનદોસ્ત કરાયા છે.
જેમનાં મકાનો તૂટ્યાં એ લોકોનું કહેવું છે કે "ત્રણ દિવસથી લાઇટ નથી, પાણી નથી, બાળકો પણ નાનાં નાનાં છે."
બીબીસીની ટીમ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે લોકોમાં ગુસ્સો પણ હતો અને કેટલાકનું કહેવું હતું કે તેમને સમય આપવો જોઈતો હતો.
જોકે લોકો એવું પણ સ્વીકારે છે કે તેમને અગાઉ નોટિસ પણ આપવામાં આવી હતી.
લોકોએ કહ્યું કે "તેમને એક મહિનાનો સમય આપવાનું કહ્યું હતું, પણ 15 દિવસમાં મકાનો તોડી પાડ્યાં છે."
એક વ્યક્તિએ કહ્યું કે તેમની દુકાન અને મકાન તોડી નાખ્યાં છે. તેમની દુકાન અહીં અંદાજે 50 વર્ષથી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જે મકાનો તૂટ્યાં એમાંના મોટા ભાગના લોકો મુસ્લિમ સમાજના છે. તેમનું કહેવું છે કે થોડા દિવસ પછી રમજાન મહિનો શરૂ થવાનો છે. આથી જો ડિમોલિશનની કાર્યવાહી થોડા દિવસ પછી કરી હોત તો સારું રહેત.
લોકોની માગ છે કે તેમને થોડું વળતર પણ મળવું જોઈએ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























