બીબીસી ગુજરાતીના આ લેખો ચૂકી તો નથી ગયા ને...

પ્રકાશિત

મિત્રો, દર અઠવાડિયે અમે તમારા માટે એવા લેખો લાવીએ છીએ જે અલગ-અલગ ઘટનાઓ વિશે તમને માહિતી આપે છે. જો તમે આ અઠવાડિયે કંઈ ચૂકી ગયા હો તો અહીં વાંચી શકો છો.

અમે તમારા માટે પાંચ એવા લેખો લાવ્યા છીએ જે તમને વાંચવા ગમશે. આખો લેખ વાંચવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

વર્ષોના સંશોધન બાદ આણંદ કૃષિ યુનિવર્સિટીએ કેરીની એક એવી જાત વિકસાવી છે, જેને તેઓ માને છે કે તે કેસર કેરીને પણ ટક્કર આપી શકે છે.

કેરીની આ નવી જાતને તમામ યુનિવર્સિટી રિસર્ચ કમિટી તેમજ ગુજરાતની સ્ટેટ સીડ સબકમિટી તરફથી મંજૂરી મળી ગઈ છે.

ગુજરાત મૅંગો 1 (આણંદ રસરાજ) કેરી મીઠી હોવાની સાથેસાથે સારું ઉત્પાદન પણ આપે છે.

કૃષિ યુનિવર્સિટીએ 11થી પણ વધુ વર્ષોના સંશોધન બાદ કેરીની નવી જાત વિકસાવી છે, જે ખેડૂતોને સારો નફો રળી આપી શકે છે. કૃષિ યુનિવર્સિટી ટૂંક સમયમાં આણંદ રસરાજ કેરીની કલમ બજારમાં રજૂ કરશે.

ગુજરાતના ખેડૂતો મોટાભાગે કેસર, આલ્ફાન્ઝો, તોતાપુરી, રાજાપુરી, નીલમ અને લંગડા કેરીનું વાવેતર કરે છે. કૃષિ યુનિવર્સિટીને એવી આશા છે કે પોતાના સ્વાદ, આકાર અને સારી ઉપજના કારણે આણંદ રસરાજ કેરીની અન્ય જાત કરતાં પણ વધારે સારું બજાર મેળવશે.

આણંદ રસરાજ કેરી પ્રતિ વૃક્ષે સરેરાશ 57.4 કિલો અથવા પ્રતિ હેક્ટરે 11.49 ટનની ઊપજ આપે છે. અન્ય કેરીની જાત કરતાં આણંદ રસરાજ નિયમિત ઉત્પાદન આપે છે અને 100-110 દિવસમાં પાકે છે, જે ખેડૂતો માટે બહુ ફાયદાકારક છે

આ કેરીની જાત વિશેનો સંપૂર્ણ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

દક્ષિણ પાકિસ્તાનના વર્તમાન સિંધના ધૂળિયા મેદાનોમાં વિશ્વના સૌથી પ્રાચીન શહેર પૈકીના એક એવા શહેરના અવશેષો પડ્યા છે, જેના વિશે મોટાભાગના લોકોએ ખાસ કશું સાંભળ્યું નથી.

4,500 વર્ષ પહેલાં આ વિશ્વના સૌથી પ્રાચીન શહેરોમાંનું એક શહેર જ નહીં, પરંતુ અત્યાધુનિક માળખાકીય વ્યવસ્થા સાથેનું એક સંપન્ન મહાનગર હતું.

મોંહે-જો-દડો શબ્દનો અર્થ સિંધી ભાષામાં મૃત માણસોનો ટેકરો એવો થાય છે. આ નગર એક સમયે ફૂલીફાલી રહેલી (હડપ્પા તરીકે પણ ઓળખાતી) સિંધુ ખીણ સંસ્કૃતિનું સૌથી મોટું શહેર હતું. કાંસ્ય યુગમાં તે ઉત્તર-પૂર્વ અફઘાનિસ્તાનથી ઉત્તર-પશ્ચિમ ભારત સુધી ફેલાયેલી હતી. મોંહે-જો-દડોમાં કમસેકમ 40,000 લોકો રહેતા હતા અને તે ઈસવી પૂર્વે 2500થી 1700 દરમિયાન સમૃદ્ધ થયું હતું, તેવું માનવામાં આવે છે.

આ શહેરનું સૌથી વધુ આશ્ચર્યજનક પાસું તેની સ્વચ્છતા પ્રણાલી હતી, જે તેના સમકાલીનો કરતાં ઘણી જ આગળ હતી. ઇજિપ્ત અને મેસોપોટેમિયા ગટર તથા ખાનગી શૌચાલય જોવા મળ્યાં હતાં, પરંતુ એ તો શ્રીમંતોની લક્ઝરી હતાં.

અહીં ખોદકામ શરૂ થયું ત્યારથી 700થી વધુ કૂવાઓ ઉપરાંત ખાનગી અને સામુદાયિક સ્નાન વ્યવસ્થા ખોળી કાઢવામાં આવી છે.

40,000 નગરવાસીઓ સાથેના 4500 વર્ષ જૂનું ‘અદ્યતન શહેર’ વિશે વાંચવા અહીં ક્લિક કરો.

મહિલા શાસક અહિલ્યાબાઈ હોલકરનેે 'પુણ્યશ્લોક', 'માતોશ્રી', 'રાજમાતા', 'લોકમાતા', 'તેજસ્વિની' અને 'વીરાંગના' સહિતનાં ઉપનામથી નવાજવામાં આવે છે.

સોમનાથના મંદિરના પુન:સ્થાપન બાદ સોરઠની ધરતીના સ્થાનિકોની રજૂઆતોને પગલે પેશ્વાઓએ પ્રભાસ વિસ્તારના અન્ય કેટલાંક મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હોવાનું નોંધાયું છે.

આઠ વર્ષની ઉંમરે અહિલ્યાબાઈનું લગ્ન થયું અને 28 વર્ષની ઉંમરે તેઓ પોતાનાં પ્રાણ આપી દેવાનાં હતાં, પરંતુ તેઓ બચી ગયાં.

મરાઠાઓના સુવર્ણકાળ દરમિયાન અહિલ્યાબાઈએ મહમદ ગઝનવી દ્વારા ખંડિત કરાયેલા હિંદુઓની માન્યતા અનુસાર પ્રથમ જ્યોર્તિલિંગ મનાતા સોમનાથની પુનઃસ્થાપના કરાવી હતી અને દ્વારકાના જગતમંદિર માટે પણ વ્યવસ્થા કરી હતી. આ સિવાય પણ તેમણે અનેક હિંદુ મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને હિંદુ યાત્રિકો માટે ઠેર-ઠેર વ્યવસ્થાઓ ઊભી કરાવી હતી.

થોડા સમય પહેલાં મહારાષ્ટ્રના અહમદનગરનું નામ બદલીને 'પુણ્યશ્લોક અહિલ્યા દેવી' નામ આપવાની કવાયત રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવી હતી.

ઇન્દોરનાં પૂર્વશાસક અહિલ્યાબાઈ હોલકરનો જન્મ અહીંના ચૌંડી ગામ ખાતે થયો હતો.

ખંડેરાવનો સ્વભાવ વિલાસી હતો, એટલે રાજકાજની પ્રવૃત્તિ માટે મલ્હારરાવે તેમનાં પુત્રવધુને તૈયાર કરવાનું શરૂ કર્યું. વિજયા જાગીરદારે 'તેજસ્વિની અહિલ્યાબાઈ હોલકર'નાં નામથી તેમનું જીવનચરિત્ર લખ્યું છે. તેઓ લખે છે કે અહિલ્યાબાઈએ આવક અને ખર્ચ પર ધ્યાન આપ્યું હતું. રાજના ખર્ચા અને વ્યક્તિગત ખર્ચને અલગ-અલગ કર્યા.

સોમનાથની પુન:સ્થાપના માટે બીડું ઝડપનાર મરાઠા મહારાણી અહિલ્યાબાઈ હોલકર વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.

મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના ઘોસરવાડ ગામમાં 75 વર્ષીય બાબુરાવ પાટીલ અને 70 વર્ષીય અનુસૂયા શિંદેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે.

બંને કોલ્હાપુરમાં છેલ્લાં 17 વર્ષથી ચાલતા જાનકી વૃદ્ધાશ્રમમાં રહે છે.

મૂળ પુણેનાં વતની અનુસૂયા શિંદે પોતાના પતિ શ્રીરંગ શિંદે સાથે જાનકી વૃદ્ધાશ્રમમાં આવ્યાં હતાં. બંનેએ અંગત કારણસર પાંચ વર્ષ પહેલાં પોતાનું ઘર છોડી દીધું હતું.

વૃદ્ધાશ્રમમાં બંનેએ એકબીજાનો સાથ આપ્યો પણ ચાર મહિના પહેલાં અનુસૂયાના પતિનું નિધન થઈ ગયું. ત્યારબાદથી તેઓ એકલાં પડી ગયાં હતાં.

એવી જ કંઈક હાલત બાબુરાવની હતી. પત્નીના અવસાન બાદ તેઓ પોતાનું ઘર છોડીને વૃદ્ધાશ્રમમાં આવી ગયા હતા.

પત્નીના દેહાંત બાદ બાળકો સાથે બાબુરાવનો સંબંધ તૂટી ગયો હતો.

તેઓ થોડો સમય પોતાના મોટા ભાઈ પાસે રહ્યા. પણ અંતે તેમણે વૃદ્ધાશ્રમનો સહારો લેવો પડ્યો.

75 વર્ષીય બાબુરાવ અને 70 વર્ષીય અનુસૂયાની ઉંમરના અવરોધોને પાર કરતી પ્રેમકહાણી વાંચવા અહીં ક્લિક કરો.

સુરતમાં નીમેષ આહીર નામના યુવાનને 5 માર્ચના દિવસે ક્રિકેટ રમતી વખતે મેદાન પર જ છાતીમાં દુખાવો થયો અને તેને સારવાર માટે હૉસ્પિટલ લઈ ગયા બાદ તેનું અવસાન થયું.

ગત 25 ફેબ્રુઆરીના રોજ સ્ટેટ ગુડ્સ ઍન્ડ સર્વિસ ટેક્સ વિભાગના સિનિયર ક્લાર્ક વસંત રાઠોડ અમદાવાદમાં ક્રિકેટ રમતી વખતે જ મેદાન પર જ ઢળી પડ્યા અને હૉસ્પિટલ લઈ જતા તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા.

રાજકોટમાં પણ ફેબ્રુઆરી માસમાં ક્રિકેટ અને ફૂટબૉલ જેવી રમતો રમી રહેલા યુવાનોનું અચાનક જ મૃત્યુ થઈ જવાની ચાર ઘટનાઓ નોંધાઈ હતી.

છેલ્લા કેટલાક સમયથી રમતો રમી રહેલા યુવાન અને તંદુરસ્ત લાગતા લોકોનાં મૃત્યુની ઘટનાઓ સમાચારમાં ચમકી રહી છે.

રમતો રમતી વખતે કે જીમમાં કસરત કરતી વખતે યુવાનોનાં અચાનક મૃત્યુ કેમ થઈ રહ્યાં છે? શા માટે તેમની સારવાર માટે પૂરતો સમય નથી મળતો?

આવી ઘટનાઓ પાછળ કોરોનાની બીમારી જવાબદાર છે? આવી ઘટનાઓ ટાળવા માટે શું કરવું જોઈએ?

કસરત કરતી વખતે કે રમતી વખતે શું ધ્યાન રાખવું જોઇએ જેથી આવી ઘટનાઓનો ભોગ ન બનાય?

આ પ્રકારના પ્રશ્નોના જવાબ મેળવવા માટે બીબીસી ગુજરાતીએ કાર્ડિયૉલૉજિસ્ટ ડૉક્ટરો સાથે વાત કરી.

તો નાની ઉંમરે હાર્ટઍટેક કેમ આવી રહ્યા છે અને તેનાં લક્ષણો શું છે તે જાણવા માટે અહીં ક્લિક કરો.