સ્મૃતિ મંધાના ઇન્ટરનૅશલ ક્રિકેટમાં દસ હજાર રન બનાવનારાં ચોથાં મહિલા ક્રિકેટર બન્યાં – ન્યૂઝ અપડેટ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ક્રિકેટ, મહિલા ક્રિકેટ, સ્મૃતિ મંધાના

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સ્મૃતિ મંધાનાએ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં દસ હજાર રન પૂરા કર્યા છે
પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ચોથી મહિલા ટી20 મૅચમાં સ્મૃતિ મંધાનાએ 80 રન નોંધાવ્યા છે. આ સાથે જ તેઓ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં દસ હજાર રન બનાવનારાં ચોથાં મહિલા ક્રિકેટર બની ગયાં છે.

ક્રિકેટ ન્યૂઝ વેબસાઇટ ઇએસપીએન પ્રમાણે સ્મૃતિ મંધાના અને મિતાલ રાજ (10,868) સિવાય ન્યૂઝીલૅન્ડનાં સૂઝી બેટ્સ (10,652), અને ઇંગ્લૅન્ડનાં ચાર્લોટ એડવર્ડ્સે (10,273) આ મુકામ હાંસલ કર્યો છે.

તિરુવનંતપુરમમાં રમાઈ રહેલી આ ટી20 મૅચમાં શ્રીલંકાએ ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી ભારતીય ટીમે શાનદાર શરૂઆત કરી અને પ્રથમ વિકેટ માટે 162 રન બનાવ્યા. ઓપનિંગ કરવા ઊતરેલાં સ્મૃતિ મંધાનાએ 80 રન બનાવ્યા અને શેફાલી શર્માએ 79 રનની ઇનિંગ રમી.

ભારતે શ્રીલંકાને સામે જીત માટે 222 રનનું લક્ષ્ય આપ્યું હતું.

હાવડા-દિલ્હી મેન લાઇન પર માલગાડીના ડબ્બા પલટાતાં ડઝનો ટ્રેનોને અસર

બીબીસી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ટ્રેન, ભારતીય રેલવે,

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, હાવડા-દિલ્હી મેન લાઇન પર માલગાડીના આઠ ડબ્બા પાટા પરથી ઊતરી ગયા

હાવડા-દિલ્હી મેન લાઇન પર જસીડીહ અને ઝાઝા સ્ટેશન વચ્ચે એક માલગાડીના અમુક ડબ્બા પાટા પરથી ઊતરી જતાં ઘણી ટ્રેનોને અસર થઈ છે.

રેલવે પ્રમાણે શનિવારે મોડી રાત્રે લગભગ 11:30 વાગ્યે લાહાબન અને સિમુલતલા સ્ટેશન વચ્ચે એક માલગાડીના આઠ ડબ્બા પાટા પરથી ઊતરી ગયા. તેના કારણે આ લાઇન પર અપ-ડાઉન બંને ટ્રેનો બંધ પડી છે.

આ ઘટના રેલવે આસનસોલ ડિવિઝનમાં થઈ છે. પૂર્વ રેલવેના પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું કે આનાથી ઘણી ટ્રેનોના સંચાલન પર અસર પડી છે.

અત્યાર સુધી મળેલી માહિતી પ્રમાણે આ અકસ્માતની ડઝનો ટ્રેનો પર અસર પડી છે, જેમાંથી ઘણી ટ્રેનોને રદ કરવી પડી છે.

ઘણી ટ્રેનોના રૂટ બદલી દેવાયા છે, જ્યારે અમુક ટ્રેનોને શૉર્ટ ટર્મિનેટ કરાઈ છે, એટલે કે આ ટ્રેનોની સફર પૂરી થતા પહેલાં જ ખતમ કરી દેવાઈ છે.

અસરગ્રસ્ત થનારી મુખ્ય ટ્રેનો -

હાવડા-દિલ્હી રાજધાની એક્સપ્રેસ

હાવડા-પટણા વંદેભારત એક્સપ્રેસ

વારાણસી - દેવઘર વંદેભારત એક્સપ્રેસ

હાવડા - દેહરાદૂન કુંભ એક્સપ્રેસ

ઢાકા પોલીસનો દાવો, 'ઉસ્માન હાદીની હત્યાના મુખ્ય આરોપી ભારત ભાગી ગયા'

ઢાકા પોલીસનો દાવો, 'ઉસ્માન હાદીની હત્યાના મુખ્ય આરોપી ભારત ભાગી ગયા'

ઇમેજ સ્રોત, DMP

ઢાકા મેટ્રોપોલિટન પોલીસનો દાવો છે કે ઇન્કલાબ મંચના સંયોજન ઉસ્માન હાદીની હત્યાના બંને મુખ્ય આરોપીઓ મૈમનસિંહની હલુઆઘાટ સરહદ પાર કરીને ભારત ભાગી ગયા છે.

બીબીસી બાંગલા અનુસાર પોલીસનો દાવો છે કે આરોપી ફૈસલ કરીમ મસૂદ અને આલમગીર શેખે ભારત પહોંચ્યા બાદ પહેલાં પૂર્વોત્તર રાજ્ય મેઘાલયમાં શરણ લીધું છે.

ઢાકા મેટ્રોપોલિટન પોલીસના અતિરિક્ત આયુક્ત એસએન મોહમ્મદ નઝરૂલ ઇસ્લામે રવિવારના એક પ્રેસ કૉન્ફરન્સમાં આ માહિતી આપી.

જોકે આ સમગ્ર મામલે ભારત અથવા મેઘાલય સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી.

આની પહેલાં પોલીસ અધિકારીઓ દાવા કરતા રહ્યા કે તેમને પાક્કી માહિતી નથી કે આ ઘટનાના મુખ્ય આરોપી ક્યાં છે.

પોલીસ અધિકારીએ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે, "ઉસ્માન હાદીની હત્યા સુનિયોજિત હતી. આ મામલે હુમલાખોરોને ભારત ભાગી જવામાં મદદ કરનારાઓ સહિત 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આમાંથી છ લોકોએ પોતાનો ગુનો કબૂલ્યો છે."

પોલીસે જણાવ્યું કે આ મામલે આવનારા સાતથી દસ દિવસોમાં આરોપપત્ર દાખલ કરવામાં આવશે.

લંડનમાં બાંગ્લાદેશના સમર્થનમાં ખાલિસ્તાન સમર્થકોનું પ્રદર્શન

બીબીસી ગુજરાતી ખાલિસ્તાન લંડન બાંગ્લાદેશ પ્રદર્શન

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, બાંગ્લાદેશની તરફેણમાં લંડનમાં ખાલિસ્તાનીઓના પ્રદર્શન

લંડનમાં બાંગ્લાદેશના હાઈ કમિશનની બહાર કેટલાક ખાલિસ્તાન સમર્થકોએ બાંગ્લાદેશના ટેકામાં પ્રદર્શન કર્યા છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈના વીડિયો મુજબ કેટલાક લોકો હાથમાં ખાલિસ્તાનના ઝંડા લઈને પ્રદર્શન કરતા જોવા મળે છે.

બ્રિટનમાં બંગાળી હિંદુ આદર્શ સંઘ (બીએચએએસ) યુકેના સભ્યોએ લંડનમાં બાંગ્લાદેશ હાઈ કમિશનની બહાર "જસ્ટિસ ફૉર હિંદુઝ" નામે પ્રદર્શન કર્યું, ત્યાર પછી ખાલિસ્તાન તરફી લોકોએ પ્રદર્શન કર્યા છે.

ગયા અઠવાડિયે બાંગ્લાદેશના મેમનસિંહ જિલ્લાના ભાલુકામાં ધર્મનું 'અપમાન' કરવાના આરોપસર એક ટોળાએ એક હિંદુ યુવાન દીપુચંદ્ર દાસની હત્યા કરી હતી. ત્યાર પછી સ્થાનિક પોલીસ મુજબ યુવકના મૃતદેહને એક ઝાડ સાથે બાંધીને સળગાવી દેવાયો હતો.

કાઠમાંડુના મેયર બાલેન્દ્ર શાહ વડા પ્રધાનપદનો ચહેરો બનશે, આરએસપી સાથે સમજૂતિ થઈ

નેપાળમાં રાજકીય ગઠબંધન, રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી, બાલેન્દ્ર શાહ ઉર્ફ બાલેન, નેપાળમાં પાંચમી માર્ચે ચૂંટણી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, KP Khanal

કાઠમાંડુના મેયર બાલેન્દ્ર શાહને રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીએ (આરએસપી) વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કર્યા છે. બાલેન તરીકે વિખ્યાત 35 વર્ષીય યુવા નેતાની ટીમ તથા આરએસપીના નેતાઓ વચ્ચે લાંબી ચર્ચા ચાલી હતી, એ પછી આ સહમતી સધાઈ હતી.

બીબીસીની નેપાલી સેવાના જણાવ્યા પ્રમાણે, સાત-સૂત્રીય સમજૂતી મુજબ બાલેન વડા પ્રધાનપદનો ચહેરો હશે, જ્યારે રબી લામિચાને આરએસપીના ચૅરપર્સનપદે રહેશે.

ચૂંટણીપંચ દ્વારા આરએસપીને 'બૅલ'નું ચિહ્ન ફાળવવામાં આવ્યું છે, જેની ઉપર બાલેન તથા તેમની ટીમ ચૂંટણી લડશે. આ ટીમ આરએસપીમાં ભળી જશે.

વિસર્જિત થયેલી સંસદમાં આરએસપી ચોથા ક્રમાંકની સૌથી મોટી પાર્ટી હતી. પાર્ટીનો ધ્વજ, ચૂંટણીચિહ્ન યથાવત્ રહેશે. પક્ષનું મુખ્યાલય કાઠમંડુમાં રહેશે.

મળતી માહિતી પ્રમાણે, કુલમાન ઘિસિંગે વડા પ્રધાનપદ માટેનો દાવો જતો નથી કર્યો અને તેઓ પક્ષના નામ, ચિહ્ન અને ધ્વજ અંગે અફર હતા.

ઉલ્લેખનીય છે કે બાલેન અપક્ષ મેયર હતા અને તેમણે કોઈ પક્ષ સાથે જોડાણ સાર્વજનિક નહોતું કર્યું. નેપાળમાં તા. પાંચમી માર્ચના રોજ ચૂંટણી યોજાશે.

યુક્રેનની રાજધાની ઉપર રશિયાના હુમલા પછી ઝેલેન્સ્કીએ શું કહ્યું?

ઝેલેન્સ્કી, ટ્રમ્પ અને ઝેલેન્સ્કી મુલાકાત, રશિયા-યુક્રેન યુદ્ધ,

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ રાજધાની કિએવ ઉપર રશિયન હુમલા અંગે પ્રતિક્રિયા આપી છે. ઝેલેન્સ્કીએ કહ્યું કે આ હુમલા દેખાડે છે કે રશિયા શાંતિ નથી ઇચ્છતું.

ઝેલેન્સ્કીએ શનિવારે આપેલા નિવેદનમાં કહ્યું કે તેઓ શાંતિવાર્તા માટેના નવા ક્રમને શરૂ કરવા અમેરિકા જઈ રહ્યા છે, એવામાં આ હુમલા કરવામાં આવ્યા છે.

સ્થાનિક અધિકારીઓના કહેવા પ્રમાણે, રશિયાએ લગભગ 10 કલાક સુધી મિસાઇલ અને ડ્રોનથી હુમલા કર્યા. જેમાં બે લોકો મૃત્યુ પામ્યા અને 32 લોકો ઘાયલ થયા છે.

યુક્રેનના વિકાસમંત્રી ઓલેક્સી કુલેબાએ કહ્યું કે ઊર્જા માળખાને નુકસાન પહોંચવાને કારણે કિએવ તથા આસપાસના લગભગ 40 ટકા વિસ્તારમાં હિટિંગ વ્યવસ્થા ઠપ થઈ ગઈ હતી.

ટેલિગ્રામ ઉપર ઝેલેન્સ્કીએ કહ્યું કે રશિયા દ્વારા કિએવ ઉપર લગભગ 500 ડ્રોન તથા 40 મિસાઇલ છોડવામાં આવી હતી. જેમાં ઊર્જા માળખા અને નાગરિકો સાથે સંબદ્ધ ઠેકાણાંને નિશાન બનાવવામાં આવ્યા.

ઝેલેન્સ્કી રવિવારે ફ્લૉરિડા ખાતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે મુલાકાત કરશે. જેમાં અમેરિકા અને યુક્રેનના અધિકારીઓએ તૈયાર કરેલા 20-સૂત્રીય શાંતિપ્રસ્તાવ ઉપર ચર્ચા થાય તેવી શક્યતા છે.

ઉન્નાવ રેપ કેસ તથા બ્રિજભૂષણ શરણસિંહના નિવેદન વિશે વિનેશ ફોગાટે શું કહ્યું?

વિનેશ ફોગાટ, કુસ્તી, પહેલવાન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસનાં નેતા વિનેશ ફોગાટની ફાઇલ તસવીર

ભારતીય કુસ્તીબાજ અ કૉંગ્રેસનાં ધારાસભ્ય વિનેશ ફોગાટે ઉન્નાવ રેપ કેસમાં કુલદીપસિંહ સેંગરની સજામોકૂફી તથા એના વિશે બ્રિજભૂષણ શરણસિંહનાં નિવેદન વિશે પ્રતિક્રિયા આપી છે.

વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર લખ્યું, "ઉન્નાવ રેપ કેસ માત્ર અપરાધિક મામલો નથી, પરંતુ તે દર્શાવે છે કે ભારતમાં શક્તિશાળી લોકો માટે કાયદો કેટલો નરમ તથા પીડિતો માટે કેટલો કઠોર થઈ શકે છે."

વિનેશ ફોગાટે વધુમાં લખ્યું, "સત્તા સાથે સંકળાયેલા નેતાઓ દોષિતોની તરફેણમાં ખુલ્લેઆમ બોલે તે એનાથી પણ વધુ ચિંતાજનક છે. ઉન્નાવ રેપ કેસમાં દોષિત ઠરેલા કુલદીપ સેંગરના સમર્થનમાં ભાજપના પૂર્વ સંસદસભ્ય બ્રિજભૂષણ શરણસિંહનું નિવેદન દર્શાવે છે કે સમસ્યા માત્ર અદાલતો પૂરતી મર્યાદિત નથી, પરંતુ રાજકીય સંરક્ષણની માનસિકતા હજુ પણ જીવિત છે."

આ પહેલાં ભાજપના પૂર્વ સંસદસભ્ય બ્રિજભૂષણ શરણસિંહે કહ્યું હતું, "હું કુલદીપસિંહ સેંગરજીને મળેલા જામીનને આવકારું છું. તેમની સાથે અન્યાય થયો હતો."

ઉલ્લેખનીય છે કે ઉન્નાવ રેપ કેસમાં દિલ્હી હાઇકોર્ટે ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને જામીન આપ્યા છે. તેને આ કેસમાં જનમટીપ પડી છે. સીબીઆઈએ તેની સજામોકૂફી સામે દેશની સર્વોચ્ચ અદાલતના દ્વાર ખખડાવ્યા છે, જ્યાં સોમવારે સુનાવણી થશે.

છત્તીસગઢ: જિંદલ પાવર લિમિટેડની કોલસા ખાણ વિરુદ્ધ પ્રદર્શન હિંસક

છત્તીસગઢના રાયગઢ જિલ્લાના તમનારમાં જિંદલ પાવર લિમિટેડની કોલસા ખાણ વિરુદ્ધ ગત 15 દિવસથી ગ્રામીણો ધરણા દઈ રહ્યા હતા. જેમાં શનિવારે ધરપકડ બાદ હિંસા ફાટી નીકળી હતી.

રાયપુરથી બીબીસી હિંદીના સહયોગી આલોક પુતુલ જણાવે છેકે ભીડે પોલીસની ઉપર પથ્થરમારો કર્યો. તો પોલીસની ઉપર બળપ્રયોગ કરવાનો આરોપ છે.

જિલ્લા કલેક્ટર મયંક ચતુર્વેદીના કહેવા પ્રમાણે, કોલસાની ખાણની જનસુનાવણી વિરુદ્ધ 14 ગામના લોકો શાંતિપૂર્વક ધરણા ઉપર બેઠા હતા, પરંતુ કેટલાક અસામાજિક તત્વોએ ભીડની ઉશ્કેરણી કરી હતી. એ પછી પોલીસની ઉપર પથ્થરમારો થયો અને તેમની સાથે મારઝૂડ કરવામાં આવી. એ પછી પોલીસકર્મીઓ ત્યાંથી જીવ બચાવીને નાસી છૂટ્યા.

જિંદલ પાવર પ્લાન્ટ, કોલસાની ખાણ સામે આક્રોશ, છત્તીસગઢ, હિંસા, રાયગઢ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Alok Putul

જોકે પ્રદર્શનકારીઓમાંથી એકે બીબીસી હિંદીને જણાવ્યું કે પોલીસે પ્રદર્શનકારીઓને અટકમાં લેવાનું ચાલુ કર્યું અને તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો, એ પછી પ્રદર્શનકારીઓએ પોલીસને અટકાવવાનો પ્રયાસ કર્યો.

તેમનું કહેવું હતું કે પોલીસની ભૂલને કારણે એક પ્રદર્શનકારી ગ્રામીણ વાહનની અડફેટે આવી ગયો હતો, જેના કારણે ભીડ આક્રોશિત થઈ ગઈ હતી.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે પ્રદર્શનકારીઓએ એસડીએમના વાહન સહિત ત્રણ વાહનોને આગ ચાંપી દીધી હતી. આ સિવાય મહિલા પોલીસ કર્મચારી સહિત અનેક પોલીસકર્મીઓ સાથે પણ મારઝૂડ કરવામાં આવી હતી.

ઘટનાસ્થળે વધારાના પોલીસકર્મીઓને તહેનાત કરવામાં આવ્યા છે. કલેકટરનું કહેવું છે કે વહીવટીતંત્રના અધિકારીઓ ગ્રામજનો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન