બૅંગલુરુના મહાલક્ષ્મી મર્ડર કેસમાં અત્યાર સુધીમાં શું શું સામે આવ્યું?

હત્યા, પોલીસ, બેંગલુરુ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, ઇમરાન કુરેશી
    • પદ, બેંગલુરુથી, બીબીસી ગુજરાતી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

(આ અહેવાલના કેટલાક અંશ વાચકોને વિચલિત કરી શકે છે.)

બૅંગલુરુમાં મહાલક્ષ્મીના જઘન્ય હત્યા કેસમાં પોલીસને કેટલીક મહત્ત્વની કડીઓ મળી છે.

પોલીસનું કહેવું છે કે પરસ્પર ભરોસો ઓછો હોવાને કારણે મુક્તિ રંજન રેએ ગુસ્સામાં પગલું ભર્યું હોય એવું લાગે છે.

ત્રીસ વર્ષના મુક્તિ રંજન રેએ બુધવારે ઓડિશાના ભટ્રક જિલ્લામાં પોતાના ગામમાં આપઘાત કરી લીધો હતો.

પોલીસે જણાવ્યા, મુજબ 29 વર્ષીય મહાલક્ષ્મી સાથે તેમને છ મહિનાથી સંબંધ હતો, જેને લઈને રંજન કથિત રીતે ઝનૂની થઈ ગયો હોવાનું કહેવાય છે. લગ્ન માટેના મહાલક્ષ્મીના દબાણથી તેઓ ખિન્ન થઈ ગયા હતા.

કહેવાય છે કે રંજને તેમના ભાઈને જણાવ્યું હતું કે, "બૅંગલુરુથી બહાર જવા તરત પૈસાની જરૂર છે, કેમ કે ગુસ્સામાં તેમણે મહાલક્ષ્મીની હત્યા કરી નાખી છે."

ભાઈને તેમણે એમ પણ કહ્યું હતું કે, "તેમણે ભાડાની ઓરડી ખાલી કરી નાખવી જોઈએ, કેમ કે પોલીસ ત્યાં આવશે."

બૅંગલુરુમાં તેઓ નાના ભાઈ સાથે રહેતા હતા.

(નોંધ: આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઇન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમારે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.)

બૅંગલુરુ પોલીસનું શું કહેવું છે?

હત્યા, પોલીસ, બેંગલુરુ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, સાંકેતિક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પોલીસના જણાવ્યા અનુસાર, "મહાલક્ષ્મીની હત્યા તેમના પ્રેમી મુક્તિ રંજન રેએ કરી હતી અને તેમના શરીરના 59 ટુકડા કરી તેના ફ્લૅટના ફ્રીઝમાં મૂકી દીધા હતા."

પશ્ચિમ બૅંગલુરુના અધિક પોલીસ કમિશનર એન. સતીશકુમારે બીબીસી હિન્દીને કહ્યું કે, “તેમણે તેમના નાના ભાઈની સામે હત્યાની કબૂલાત કરી હતી. અમે ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની કલમ 183 હેઠળ તેમના ભાઈનું નિવેદન નોંધ્યું છે."

"રંજને આપઘાત અગાઉ ચિઠ્ઠી લખી હતી જે તેમના ઘરેથી મળી આવી છે. એમાં જે લખ્યું હતું તેની સાથે તેમના ભાઈનું નિવેદન મેળ ખાતું હતું."

મહાલક્ષ્મીની હત્યાનો મામલો ગયા શનિવારે ત્યારે સામે આવ્યો હતો જ્યારે ત્રણ માળની ઇમારતના માલિકે ફ્લૅટમાંથી આવતી દુર્ગંધ વિશે તેમનાં માતા અને જોડિયાં બહેનને જાણ કરી.

મહાલક્ષ્મી પહેલા માળે રહેતાં હતાં. પતિ હેમંત દાસથી અલગ થયાં બાદ તેઓ એકલાં રહેતાં હતાં જ્યારે તેમની પુત્રી પિતા હેમંત સાથે રહે છે.

તેમનાં માતા અને બહેને સાંજના સમયે મહાલક્ષ્મીના મિત્ર પાસેથી વધારાની ચાવી લઈને ફ્લૅટ ખોલ્યો હતો.

તેમણે જેવો ફ્લૅટ ખોલ્યો કે લોહીના ડાઘ જોવા મળ્યા અને ફ્રીઝ પાસે જંતુઓ જોવા મળ્યા હતા. જેવું ફ્રીઝ ઉઘાડ્યું કે એમાં મહાલક્ષ્મીના મૃતદેહના ટુકડા જોવા મળ્યા હતા.

બંને બૂમો પાડતા બહાર આવ્યાં હતાં. પોલીસ હરકતમાં આવી હતી, તેમજ મહલક્ષ્મીથી છૂટા થયેલા પતિ હેમંત દાસ પણ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા.

તેમણે ટીવી ચેનલોને જણાવ્યું હતું કે ‘અશરફ નામના માણસ સાથે અફેર’ને કારણે સપ્ટેમ્બર 2023માં બંને અલગ થયાં હતાં.

મુખ્ય આરોપી તરીકે પોલીસ મુક્તિ રંજન રેને શોધતી હતી

હત્યા, પોલીસ, બેંગલુરુ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સાંકેતિક તસવીર

જોકે, બૅંગલુરુ પોલીસે હેમંત દાસના નિવેદનને ફગાવી દીધું છે.

નામ ન આપવાની શરતે પોલીસ અધિકારીએ બીબીસી હિન્દીને જણાવ્યું હતું કે, "મહાલક્ષ્મી સાથે અશરફનો સંબંધ હતો, પણ એ પહેલાં જ બંને અલગ થઈ ગયાં હતાં."

તેમના જણાવ્યા અનુસાર, "અશરફની પણ પૂછપરછ થઈ છે અને તેમની શંકાસ્પદ હરકત પણ તપાસવામાં આવી છે."

આ ઘટનામાં મુખ્ય આરોપી તરીકે પોલીસ મુક્તિ રંજન રેને શોધી રહી હતી.

ડીસીપી શેખર એચટીએ બીબીસી હિન્દીને જણાવ્યું હતું કે, “અમારા ટેકનિકલ નિરીક્ષણ દ્વારા અમે બૅંગલુરુમાં રહેતા તેમના ભાઈને શોધી શક્યા હતા. પછી અમને ખબર પડી કે સંદિગ્ધ મુખ્ય આરોપીએ તેમના ભાઈની સામે ગુનો કબૂલી લીધો હતો."

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, "ભાઈએ પોલીસને કહ્યું હતું કે જ્યારે રંજનને ખબર પડી કે મહાલક્ષ્મીના જીવનમાં અન્ય એક પુરુષ છે અને છતાં તેઓ લગ્ન માટે દબાણ કરી રહ્યાં છે, ત્યારે તેમને ખૂબ ગુસ્સો આવ્યો હતો."

કથિત રીતે આ દબાણને કારણે તેમની વચ્ચે અવારનવાર ઝઘડા થવા લાગ્યા હતા અને આ કારણે તેમને એક વાર મલ્લેશ્વરમ્ પોલીસસ્ટેશન જવું પડ્યું હતું. ત્યારબાદ પોલીસે તેમને શાંતિથી સમજાવીને પરત મોકલી દીધાં હતાં.

2 સપ્ટેમ્બરે પણ તેમની વચ્ચે કંકાસ થયો હતો એવું રંજને તેમના ભાઈને કહ્યું હતું, એવી પણ માહિતી મળી રહી છે.

ફોરેન્સિક રિપોર્ટની રાહ જોવાઈ રહી છે

હત્યા, પોલીસ, બેંગલુરુ

ઇમેજ સ્રોત, Getty Images

એક પોલીસ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, "રંજને તેમના ભાઈને જણાવ્યું હતું કે ત્રણ અને ચાર સપ્ટેમ્બર વચ્ચેની રાતે થયેલા ઝઘડામાં ગુસ્સામાં આવીને તેમણે મહાલક્ષ્મીની હત્યા કરી હતી."

તેમના જણાવ્યા અનુસાર, "બીજા દિવસે દુકાને જઈને કસાઈનો છરો ખરીદતો હોય તેવો તેમનો વીડિયો અમારી પાસે છે."

અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "અમે ફોરેન્સિક રિપોર્ટની રાહમાં છીએ જેથી માલૂમ થાય કે તેમણે કેવી રીતે હત્યા કરી."

એ ઘટના પછી રંજન બૅંગલુરુ છોડીને ભાગી ગયા હતા.

પશ્ચિમ બંગાળ અને ઓડિશાની સીમા પાસે તેમની હરકતની પોલીસને જાણકારી મળી હતી.

બૅંગલુરુ પોલીસના જણાવ્યા મુજબ, તેઓ મંગળવારે રાતે ભદ્રક જિલ્લામાં પોતાને ગામે પહોંચ્યા હતા. ઘરથી દૂર બુધવારે તેમનો મૃતદેહ મળ્યો હતો.

તેમણે ઘરે એક ચિઠ્ઠી મૂકીને આપઘાત કર્યો હતો.

નોંધઃ જો તમને આત્મહત્યાના વિચારો આવતા હોય કે તમારી જાણમાં કોઈ વ્યક્તિને આવું થતું હોય તો, તમે ભારતમાં આસરા વેબસાઇટ કે વૈશ્વિક સ્તર પર બીફ્રેંડર્સ વર્લ્ડવાઇડના માધ્યમથી મદદ લઈ શકો છો.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.