ગિજુભાઈ બધેકા: 'પુત્રનો જન્મ થયો અને જીવનની દિશા બદલાઈ ગઈ', - 'બાળશિક્ષણના બ્રહ્મા'ની કહાણી

ગિજુભાઈ બધેકા

ઇમેજ સ્રોત, Puneet Barnala/BBC

ઇમેજ કૅપ્શન, ગિજુભાઈ બધેકા
    • લેેખક, આર્જવ પારેખ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 9 મિનિટ

'ખરેખર એ ભાગ્યશાળી ઘર છે...

જ્યાં પતિ-પત્ની પ્રેમપૂર્વક રહે છે,

જે ઘરનાં આંગણામાં ગુલાબનાં ફૂલ જેવાં બાળકો રમે છે,

જ્યાં માતાપિતા બાળકોને તેમના પ્રાણની જેમ સાચવે છે,

જ્યાં બાળકોને મોટાઓ આદર આપે છે,

અને જ્યાં બાળકોને નોકરોની દયા પર જીવવું નથી પડતું.

ખરેખર, એ ઘર એક ભાગ્યશાળી ઘર છે.'

'બાળદેવો ભવ:' અને 'બાળકોને ક્યારેય મારશો નહીં' એવાં સૂત્રોથી પ્રખ્યાત, 'મૂંછાળી મા'નું બિરૂદ ધરાવતા ગિજુભાઈ બધેકાએ આ લખ્યું છે.

બાળવાર્તાકાર, ઊંચા ગજાના કેળવણીકાર તરીકે, તથા સદી વટાવી ચૂકેલાં ભાવનગરના દક્ષિણામૂર્તિ બાલમંદિરના એક પ્રેમાળ શિક્ષક તરીકે ગિજુભાઈને લોકો વર્ષોથી ઓળખે છે.

ગિજુભાઈએ આપણી વચ્ચેથી વિદાય લીધી તેને આઠ દાયકા કરતાં વધુ સમય વીતી ચૂક્યો છે. 87 વર્ષ પહેલાં તેમણે આજના દિવસે 53 વર્ષની ઉંમરે તેમણે વિદાય લઈ લીધી હતી.

પરંતુ તેમના કેળવણી અંગેના વિચારો આજે પણ દૃષ્ટાંતરૂપે વિશ્વમાં પ્રચલિત છે અને તેમની કેળવણીશૈલી પર આજે પણ અનેક સંસ્થાઓ આપણા દેશમાં ધબકે છે. ભારતમાં મૉન્ટેસોરી પદ્ધતિ આધારિત શિક્ષણને જમીન પર લાગુ કરનાર અને તેમાંથી પણ એક આગવી કેળવણીદૃષ્ટિ વિશ્વને આપનાર 'જૂજ લોકો પૈકી તેઓ એક' ગણાય છે.

'બાળપણથી જ મનમાં શાળાનો ડર, સજા પેસી ગયેલાં'

વકીલ ગિજુભાઈ

ઇમેજ સ્રોત, Dakshinamurti Vidyarthi Bhavan

ઇમેજ કૅપ્શન, વકીલ ગિજુભાઈ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગિરજાશંકર ભગવાનજી બધેકા – ગિજુભાઈનો જન્મ 15 નવેમ્બર, 1885ના રોજ વલ્લભીપુરમાં થયો હતો. તેમના પિતા વકીલાત કરતા હતા.

વર્ષો પછી તેમણે જ્યારે તેમનાં બાળપણ વિશે લખ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે નાની ઉંમરથી જ તેમના મનમાં શાળામાં સજા કરવી, બાળકોને ડર દેખાડવો અને ગોખણપટ્ટી વિશે ચીડ હતી. આ બધું તેમના મનમાં એટલું ઊંડે સુધી પેસી ગયું હતું કે એક વખત તાલીમી શિક્ષકોને તેમણે કહ્યું હતું કે, "ઘોડાના તબેલા જેવી આ શાળાઓને બંધ કરી દઈએ. ચાલો આપણે ઊંડું ખેડાણ કરીએ અને બાળકોનાં આ કતલખાનાંમાં માર મારવાનું, ડરનું જે વાતાવરણ છે તેને મૂળમાંથી ઉખેડી ફેંકીએ."

તેમનાં પૌત્રી મમતા પંડ્યાએ સંપાદિત કરેલી તેમની જીવનયાત્રામાં લખ્યું છે એ અનુસાર, સાતમા ધોરણ પછી તેઓ ભાવનગરમાં ભણવા ગયા. તેમની વાંચવાની ટેવ વિકસી અને બેન્જામિન ફ્રેંકલિનથી લઈને કલાપી સુધીના લેખકોને વાંચ્યા. તેમનાં પહેલાં લગ્ન હરિબહેન સાથે થયાં જેમનું થોડા સમયમાં જ મૃત્યુ થયું. 1906માં જડીબહેન સાથે બીજાં લગ્ન થયાં. પરિવારની આર્થિક સ્થિતિને કારણે બાળપણના મિત્ર હરિશંકર ત્રિવેદીના કહેવાથી પૂર્વ આફ્રિકા ગયા.

ગિજુભાઈએ લખેલી રોજનીશીમાં 'સાંભર્યું આફ્રિકા'માં આપેલી માહિતી અનુસાર, તેમણે નૈરોબીમાં સોલિસિટર અને ઍડવોકેટ જે.પી. સ્ટીવનસન સાથે કામ કર્યું.

સ્ટીવનસનની ઑફિસમાં તેમને જ્યારે કાગળો, દસ્તાવેજોમાં મૂંઝવણ થતી અને એ વિશે તેઓ પૂછતાં ત્યારે તેમને એક જ જવાબ મળતો કે 'તમારું દિમાગ વાપરો'. કદાચ ભવિષ્યમાં તેમનો કેળવણી પ્રત્યે જે અલગ અભિગમ ઘડાયો તેની શરૂઆત અહીંથી થઈ ગઈ હતી.

પરંતુ 1909માં ત્રણેક વર્ષમાં જ તેઓ ભારત પાછા ફર્યા અને વકીલાત માટે ભણવા મુંબઈ ગયા. સાથે ઘરનું ગુજરાન શિક્ષકની નોકરી કરીને ચલાવ્યું. એક વર્ષમાં જિલ્લા વકીલનો કોર્સ પૂરો કર્યો અને હાઇકોર્ટ માટેની યોગ્યતા પણ પછી હાંસલ કરી.

સુરેન્દ્રનગર જઈને અમૃતલાલ શેઠ અને પોપટલાલ ચુડગર સાથે વકીલાત શરૂ કરી, પરંતુ જાણે કે ભાગ્ય હવે ફરી નવો વળાંક ઇચ્છતું હતું.

'પુત્રનો જન્મ થયો અને જીવનની દિશા બદલાઈ ગઈ'

ગિજુભાઈ તેમના પુત્ર નરેન્દ્ર (બચુભાઈ) સાથે

ઇમેજ સ્રોત, Dakshinamurti Vidyarthi Bhavan

ઇમેજ કૅપ્શન, ગિજુભાઈ તેમના પુત્ર નરેન્દ્ર (બચુભાઈ) સાથે

27 ફેબ્રુઆરી, 1913ના રોજ તેમને ત્યાં પુત્ર નરેન્દ્ર (બચુભાઈ)નો જન્મ થયો. એ પછી ગિજુભાઈનો રોલ બદલાયો અને જાણે કે જીવનનું નવું મિશન મળ્યું.

પુત્રને શાળાએ દાખલ કરવાનો વખત આવ્યો તો ગિજુભાઈ બાળશિક્ષણ અંગે વાંચવા પ્રેરાયા. તેમના મનમાં સતત એ દ્વિધા રહેતી હતી કે મારા બાળકનું કોણ? આ શાળાઓ તો તેનું ઘડતર કરી શકે એવી નથી.

પછી મોતીભાઈ અમીનની વસોમાં આવેલી શાળાની મુલાકાત લીધી. તેમણે ગિજુભાઈને શિક્ષણની મોન્ટેસરી પદ્ધતિ અંગેનું પુસ્તક આપ્યું.

તેમણે બાળશિક્ષણ વિશે ખૂબ વાંચ્યું અને તેમના પુત્ર પર તેના પ્રયોગો પણ કર્યા. બીજી તરફ વકીલાતથી તેમનો મોહભંગ શરૂ થઈ ગયો હતો અને જીવનમાં કંઈક અર્થપૂર્ણ કરવા ઇચ્છતા હતા.

ગિજુભાઈ વિશેની વેબસાઇટ અનુસાર, 28 ડિસેમ્બર, 1910ના રોજ હરગોવિંદભાઈ અને નાનાભાઈ ભટ્ટે ભાવનગરમાં હૉસ્ટેલ સ્થાપી ને તેને દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવન નામ આપ્યું. ગિજુભાઈને આ વિસ્તરતી જતી સંસ્થાનું બંધારણ ડ્રાફ્ટ કરવા બોલાવાયા અને સંસ્થાના કાયદાકીય સલાહકાર બન્યા. નાનાભાઈની મદદે આવવા ગિજુભાઈએ 32 વર્ષની ઉંમરે વકીલાત છોડી અને દક્ષિણામૂર્તિમાં વર્ષ 1916માં આસિસ્ટન્ટ વૉર્ડન તરીકે જોડાયા.

મોડી રાત સુધી રોજ ગિજુભાઈ શિક્ષણ અંગે વાંચતા. તેમની સાથે કામ કરી ચૂકેલા અનેક લોકોએ તેમનાં લખાણોમાં દક્ષિણામૂર્તિની ટેકરી પાસેના મકાનમાં મોડી રાત સુધી દીવો બળતો હોય, અને ગિજુભાઈ ત્યાં વાંચતા રહેતા હોય તેવી વાત લખી છે.

નાનાભાઈ અને ગિજુભાઈએ આગળ જતાં દક્ષિણામૂર્તિ પ્રાથમિક શાળા શરૂ કરવાનું નક્કી કર્યું. 1 જૂન, 1918ના રોજ કુમાર મંદિરની સ્થાપના થઈ અને ગિજુભાઈ તેના હેડમાસ્ટર બન્યા.

'અહા! કેવી સ્વતંત્ર શાળા?'

દક્ષિણામૂર્તિની ટેકરીએ બાળકો સાથે ગિજુભાઈ

ઇમેજ સ્રોત, Dakshinamurti Vidyarthi Bhavan

ઇમેજ કૅપ્શન, દક્ષિણામૂર્તિની ટેકરીએ બાળકો સાથે ગિજુભાઈ

1 ઑગસ્ટ, 1920ના રોજ ભાવનગરમાં દક્ષિણામૂર્તિ બાલમંદિરની સ્થાપના થઈ અને જાણે કે ગુજરાતની ભૂમિ પર શિક્ષણની નવી સરવાણી વહેતી થઈ.

ગિજુભાઈએ આ બાલમંદિર સંભાળ્યું અને પહેલે દિવસે લગભગ 35 બાળકો આ બાલમંદિરમાં આવ્યાં.

'આપણા કેળવણીકારો' પુસ્તકમાં ધીરજલાલ ગજ્જર લખે છે, "આ બાલમંદિરમાં રમકડાં પણ હતાં અને મૉન્ટેસોરી સાધનો પણ હતાં. બાળકો તો રમકડાં પર તૂટી પડ્યાં અને ધમસાણ મચાવ્યું. બાળકોનું સ્વાતંત્ર્ય જોઈને સૌ પરમ સંતોષ અનુભવતા હતા. અહા! કેવી સ્વતંત્ર શાળા છે. છે કોઈ બાળકોને રોકનાર? અહીં માર કે ભયનું તો નામનિશાન ન હતું. ધીમે ધીમે બાળકોની સંખ્યા વધતી ગઈ અને મદદનીશો રાખવા પડ્યા."

બાલમંદિર માટે નવું મકાન બન્યું તેનું ઉદ્ઘાટન કરવાં કસ્તૂરબા આવ્યાં હતાં.

ગિજુભાઈએ અનેક શિક્ષકોને તાલીમ આપીને તૈયાર કર્યા, બીજાં બાલમંદિરો પણ શરૂ થયાં. 1925માં સરલાદેવી સારાભાઈના પ્રમુખપદે ભાવનગરમાં પહેલું મૉન્ટેસોરી સંમેલન પણ ભરાયું. બાળશિક્ષણ સંઘની સ્થાપના થઈ, અને તેના મુખપત્ર તરીકે 'શિક્ષણ પત્રિકા' શરૂ થઈ.

ધીરજલાલ ગજ્જર લખે છે, "ગિજુભાઈએ બાળસાહિત્યનાં અનેક પુસ્તકો તૈયાર કર્યાં અને પ્રગટ કર્યાં. વ્યવસ્થિત ગ્રંથમાળાઓ રચવાનું કામ પણ શરૂ કર્યું. ગિજુભાઈની આ પ્રવૃત્તિ કાકા કાલેલકરને એટલી ગમી ગઈ કે તેમણે ગિજુભાઈને 'બાલ-સાહિત્યના બ્રહ્મા'નું બિરૂદ આપ્યું."

જોકે, ગિજુભાઈની બાલમંદિરોની પ્રવૃત્તિ મોટે ભાગે શહેરોમાં જ ચાલતી હતી. તેમને આગળ જતાં લાગ્યું કે ગામડાંમાં પણ બાલમંદિરો સ્થપાવાં જોઈએ.

આથી, જુગતરામભાઈએ તેમના બોરડીના આશ્રમમાં 'બાલવાડી'ની સ્થાપના કરી અને ગિજુભાઈએ 'ગ્રામ અધ્યાપન મંદિર'ની પણ યોજના કરી હતી. તેમણે શિક્ષકોને તાલીમ આપવા વિશિષ્ટ અધ્યાપન મંદિરો પણ શરૂ કર્યાં હતાં.

તેમણે બાળસાહિત્ય સિવાય પણ શિક્ષણ સંબંધિત અનેક પુસ્તકો લખ્યાં. જેમાં 'વાર્તાનું શાસ્ત્ર', 'કલમની પીંછીથી', 'આંબો રોપ્યો', 'શાંત પળોમાં', 'માબાપ થવું આકરૂં છે', 'આ તે શી માથાફોડ', 'બાળદર્શન', 'માતાપિતાના પ્રશ્નો', 'મોન્ટેસોરી પદ્ધતિ', 'પ્રાથમિક શાળામાં શિક્ષકો', 'પ્રાથમિક શાળામાં શિક્ષણપદ્ધતિ', 'બાળશિક્ષણ જે હું સમજી શક્યો' એ મુખ્ય છે.

બાળસાહિત્યગુચ્છ અને ગિજુભાઈની બાળવાર્તાઓના પણ અનેક ભાગોમાં પ્રકાશિત થયેલી છે.

ગિજુભાઈનું 'દિવાસ્વપ્ન', જેમાં શિક્ષણ એટલે રમત, જિજ્ઞાસા અને કલ્પનાશક્તિ

ગિજુભાઈએ બાળદર્શન ઉપરાંત કેળવણી પર અનેક પુસ્તકો લખ્યાં છે
ઇમેજ કૅપ્શન, ગિજુભાઈએ બાળદર્શન ઉપરાંત કેળવણી પર અનેક પુસ્તકો લખ્યાં છે

'ગિજુભાઈને સ્મરણાંજલિ' પુસ્તકમાં તેમના એક સમયના સાથી અને મિત્ર ગિરીશભાઈ ભટ્ટ એક કિસ્સો લખે છે.

એક વાર સૂર્યાસ્તવેળાએ, બાલમંદિરની દક્ષિણ બાજુની ઓસરીના પશ્ચિમ છેડે કઠેડા પર બેસીને ગિરીશભાઈ અને ગિજુભાઈ વાતો કરતા હતા. વરસાદ થોડીવાર પહેલાં જ વરસી ગયેલો અને વાદળ વીખાયાં ન હતાં. સુંદર આકાશી દૃશ્યો સર્જાયેલાં હતાં. ગિજુભાઈ ગિરીશભાઈ પાસેથી સાહિત્યપ્રવૃત્તિઓનો રિપોર્ટ લઈ રહ્યા હતા અને કવિતાની વાત નીકળી.

ગિજુભાઈએ ગિરીશભાઈનો કાન ખેંચ્યો અને કહ્યું, "જુઓ, જુઓ આંધળા કવિઓ! કવિતા તો પણે આકાશમાં ઉભરાય છે."

ગિરીશભાઈનું કહેવું છે કે, "ગિજુભાઈની કુદરતપ્રીતિનું આ એક ઉદાહરણ હતું. તેઓ બાળકો સાથે હાલતાં-ચાલતાં ગોઠવેલાં એમના પરિભ્રમણોમાં આનો ખ્યાલ રાખતા. ફૂલો, વનસ્પતિ, મધમાખી, પતંગિયાનું પણ તેમને સચોટ જ્ઞાન હતું. સસલાં-હરણનાં બચ્ચાંઓ પણ પાળવાનો શોખ હતો અને એ બધું તેમના કામમાં પણ ઝળકતું."

ગિજુભાઈએ કરેલા પ્રયોગો, તેમનું અવલોકન, તેમણે નોંધેલી વાતો અને તેમનું શિક્ષણ અંગેનું વિઝન એ તેમણે લખેલાં પુસ્તક 'દિવાસ્વપ્ન'માં તેમણે ઊતાર્યું છે.

આ પુસ્તકમાં લક્ષ્મીરામ નામના એક પ્રયોગશીલ શિક્ષકની કાલ્પનિક કથા તેમણે આલેખી છે. આ તેમના પોતાના અનુભવો સાથે જોડાયેલી કથા છે. 'દિવાસ્વપ્ન'માં ગિજુભાઈ એક પ્રયોગશીલ શિક્ષકને બાળકોમાં પરિવર્તન લાવવા માટે કેવી મહેનત કરવી પડે છે, કેવાં અપમાનો સહન કરવા પડે છે એ અંગે વિસ્તારથી લખે છે.

પ્રયોગશીલ લક્ષ્મીરામ શિક્ષક જ્યારે બાળકોને શાંતિનો પાઠ શીખવે છે ત્યારે બાળકો મસ્તીમાં જ હોય છે. તેઓ જ્યારે બાળકોને કહે છે કે હું તમને વાર્તા કહું ત્યારે બાળકો નવાઈ પામી જાય છે કે શું ખરેખર શાળામાં કોઈ વાર્તા કહે? અને પછી વાર્તા જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી બાળકો શાળાએથી ઘરે જતાં નથી. જે બાળકો શાળામાંથી ભાગી છૂટવા એક સેકન્ડની રાહ જોતાં નહોતાં, એ હવે શાળામાં જ રહેવાં માગે છે, કારણ કે તેમને વાર્તા સાંભળવી છે.

આ શિક્ષક જ્યારે બાળકોને કહે છે કે 'ચાલો રમીએ' તો બે ઘડી બાળકો સામું જોઈ રહે છે અને વિચારે છે કે આ તે કેવા શિક્ષક જે શાળામાં રમાડે છે. રમતમાં બાળકો ઝઘડે અને મારામારી પણ થાય, તો વાલીઓ વિરોધ કરે કે શાળામાં ભણવા મોકલ્યાં છે કે રમાડવાં? શિક્ષક કવિતાઓ ગવડાવે તો બાજુના વર્ગના શિક્ષકો કહે કે આ ધૂળી નિશાળ નથી. અહીં અવાજ કેમ કરો છો? સાથી શિક્ષકો આ શિક્ષકને 'વેદિયો' કહે.

બાળકોને નખ કાપીને આવવાનું, માથું ઓળીને સ્વચ્છ કપડાં પહેરીને આવવાનું કહે તો ઘરેથી તેમનાં માબાપ જ વિરોધ કરે અને કહે કે 'આ તમારું કામ નથી, તમે ભણાવવાનું કામ કરો.'

પુસ્તકમાં ગિજુભાઈ કહે છે, "રમત એ જ સાચું ભણતર છે. દુનિયાની મહાનમાં મહાન વ્યક્તિઓ રમતના મેદાન પર ઘડાઈ છે. રમત એટલે ચારિત્ર્ય."

ગિજુભાઈએ પ્રૌઢશિક્ષણના પણ વર્ગો ચલાવેલાં, તસવીર વર્ષ 1931-32ની છે

ઇમેજ સ્રોત, Dakshinamurti Vidyarthi Bhavan

ઇમેજ કૅપ્શન, ગિજુભાઈએ પ્રૌઢશિક્ષણના પણ વર્ગો ચલાવેલા, તસવીર વર્ષ 1931-32ની છે

શિક્ષક અને એક ધર્મગુરુ વચ્ચેની વાતચીત રજૂ કરી ગિજુભાઈ બાળકોને ધર્મનું જ્ઞાન ક્યારે આપવું એ અંગે પણ વાત કરે છે.

તેઓ કહે છે, "મને લાગે છે કે ધર્મોપદેશ નાનાં બાળકો પાસે ન કરાય. તેમને તો આજે સ્વસ્થ શરીર, તંદુરસ્ત મન, નિર્મળ બુદ્ધિ, અથાક ક્રિયાશક્તિ એ આપવાં જોઈએ. તેમને બધી રીતે બળવાન કરવાં જોઈએ. "

"જેમ એક કાળે યૌવન ફાટી નીકળે છે તેમ એક કાળે ધર્મજિજ્ઞાસા ફાટી નીકળે છે. મારું તો માનવું છે કે ધર્મને આપણે જીવવા પ્રયત્ન કરીએ. માબાપો પ્રયત્ન કરે, શિક્ષક પ્રયત્ન કરે. પાઠ્યપુસ્તકોમાં ધાર્મિક પુરુષોની વાત, સાથે પુરાણ-ઉપનિષદની વાર્તાઓ પણ કહીએ. આટલા સંસ્કાર અને પૂર્વતૈયારી બસ છે. બાકી બધું કર્મકાંડ, શ્લોકો બોલાવવા, ધર્મશિક્ષણ ને ધર્મના પુસ્તકોની સ્મૃતિ એ બધું ધાર્મિક શિક્ષણને નામે રહેવા દેવું જોઈએ. "

ગિજુભાઈના આ 'દિવાસ્વપ્ન'માં શિક્ષક ઇતિહાસ પણ વાર્તાઓથી ભણાવે છે. અહીં લેવાતી પરીક્ષાઓમાં જિજ્ઞાસા, આંતરિક વિકાસ અને ભાષાશિક્ષણને પ્રાધાન્ય અપાય છે. પરીક્ષામાં ઝાડ પર ચડીને બતાવવું, ભમરડા જેવી દેશી રમતો રમી બતાવવી, શાળાની સફાઈ કરવી બધું પૂછાય છે.

નદીકાંઠે ફરવા જવું અને ત્યાં રમવું, શાળાના અભ્યાસક્રમ સિવાયનાં પુસ્તકોનું વાંચન કરવું, કવિતાઓ લખવી એ બધું અભ્યાસક્રમનો મુખ્ય ભાગ છે.

અહીં ચિત્રના વર્ગમાં નિશાળનો નકશો કેવી રીતે દોરાય એ બતાવવા સર્વેયર પણ બોલાવવામાં આવતા અને પછી મોજણી બતાવવા માટે વિદ્યાર્થીઓને શાળાની બહાર લઈ જવા એ પણ સામેલ હતું.

ટૂંકમાં કહીએ તો ગિજુભાઈના 'દિવાસ્વપ્ન'માં બાળકોની હૈયાઉકલતને વિશેષ પ્રાધાન્ય હતું. તેઓ બાળકોમાં હિંમતનું સિંચન કરવામાં, બેપરવાહપણું દાખલ કરવાના હિમાયતી હતા.

આઝાદીની લડાઈમાં પણ ગિજુભાઈએ ઝંપલાવ્યું

ગાંધીજીએ ગિજુભાઈને તેમના શબ્દોમાં આપેલી અંજલિ

ઇમેજ સ્રોત, Dakshinamurti Vidyarthi Bhavan

ઇમેજ કૅપ્શન, ગાંધીજીએ ગિજુભાઈને તેમના શબ્દોમાં આપેલી અંજલિ

'ગિજુભાઈનું કેળવણીમાં પ્રદાન' પુસ્તકમાં ભારતલાલ પાઠક લખે છે, "1930માં નાનાભાઈ ભટ્ટે સક્રિય રીતે નમક સત્યાગ્રહોમાં ભાગ લીધો. ત્યારે ગિજુભાઈનો શિક્ષક જીવ વિચારતો હતો કે એમણે શું કરવું? તેમાંથી અક્ષરજ્ઞાન યોજનાનો જન્મ થયો અને લોકશિક્ષણની ધારા પ્રગટી. નાનાભાઈ જેલમાં ગયા અને ગિજુભાઈએ સીધું જ સંગ્રામમાં ઝુકાવ્યું."

"ગિજુભાઈએ બારડોલીના હિજરતી ખેડૂતોની વચ્ચે રહેવાનો નિર્ધાર કર્યો અને માંડવો બાંધીને તેની વચ્ચે રહ્યા. વહેલા ઊઠી નાનાં છોકરાંને એકઠાં કરવાં, તેમને નવડાવી ધોવડાવી સાફ કરવાં, રમાડવાં, ગીત ગવડાવવાં, વાર્તાઓ કહેવી, લખતાં-વાંચતાં શીખવવું, મોટેરાંઓને ભજન સંભળાવવાં અને કથા-વાર્તાઓ કરવી વગેરે જેવી પ્રવૃત્તિઓ કરી. ગિજુભાઈના આગમનથી હિજરતીઓને હૂંફ મળી, તેમનામાં હિંમત આવી."

તેઓ લખે છે, "ગિજુભાઈની વાનરસેના, માંજારસેના, વાનર પરિષદો જેવી પ્રવૃત્તિઓ પણ ત્યાં ચાલી અને ગ્રામ અધ્યાપનમંદિર અને શિક્ષણની જાણે કે ઍક્સટેન્શન સર્વિસ શરૂ થઈ. તેઓ નવાં બાલમંદિરો ચાલુ કરાવે, ચાલતાં બાલમંદિરોને પત્રો દ્વારા, રૂબરૂ જઈને માર્ગદર્શન આપે. કેળવણીની સંસ્થાઓ કે સરકારી કે દેશી રાજ્યોનાં કેળવણી ખાતાંને પણ માર્ગદર્શન આપે."

ગિજુભાઈએ સ્વાતંત્ર્યસંગ્રામમાં તેમનો રોલ કંઈક આવી રીતે અદા કર્યો હતો.

બાલમંદિરની સ્થાપના થઈ ત્યારથી જોઈએ તો એ પછીના 19મે વર્ષે તો ગિજુભાઈએ આ દુનિયામાંથી 53 વર્ષની ઉંમરે વિદાય લઈ લીધી હતી. આટલા સમયગાળામાં તેમણે શિક્ષણક્ષેત્રમાં એવું વિશાળ કામ કર્યું કે દેશ-વિદેશમાં તેમની ખ્યાતિ થઈ.

તેમને જેમની શિક્ષણપદ્ધતિએ પ્રભાવિત કર્યા એવા મૅડમ મેરીઆ મૉન્ટેસોરીએ એ પછી એક સંદેશમાં ગિજુભાઈ વિશે લખ્યું હતું કે,

"મને તેમનો પરિચય નહોતો. જો થયો હોત તો ઘણું સારું થાત. કારણ કે ગિજુભાઈ મહાન બાળપ્રેમી હતા. બાળકોને જીવનમાં સ્વાતંત્ર્ય અને આનંદ મળે તેના માટે પ્રયત્નો કરતાં તેમને કોઈ અડચણ રોકી શકી નહોતી. હું એ બધાં લોકોની પ્રશંસક છું જેમણે બાળકો માટે પોતાના સ્વાર્થનો ત્યાગ કરીને, પોતાના જીવનનો ભોગ આપીને એવું કામ કર્યું છે જેને લોકો યાદ રાખી શકે. બાળકોનું હિત જેમને હૈયે છે એવાં સૌનાં હ્રદયમાં તેમનું સ્થાન ચિરંજીવ રહો."

પરીક્ષા વિશે ગિજુભાઈના વિચારો શું હતા?

જામનગરમાં બાલમંદિરના બાળકો સાથે ગિજુભાઈ

ઇમેજ સ્રોત, Dakshinamurti Vidyarthi Bhavan

ઇમેજ કૅપ્શન, જામનગરમાં બાલમંદિરનાં બાળકો સાથે ગિજુભાઈ

પરીક્ષા વિશે ગિજુભાઈના વિચારો ખરેખર અલગ હતા. તેમણે દાયકાઓ પહેલાં ઑપન બુક ઍક્ઝામની વાત કરી હતી.

તેમણે દિવાસ્વપ્નમાં લખ્યું છે એ પ્રમાણે...

  • છમાસિક કે વાર્ષિક પરીક્ષાને બદલે માસિક પરીક્ષા લેવી. આ પાછળનો તેમનો હેતુ એવો કે જેટલો પરીક્ષાનો પરિચય વધુ, એટલો તેનો ત્રાસ ઘટે.
  • પરીક્ષા હોંશિયાર વિદ્યાર્થીને માપવા માટે નહીં, પરંતુ કાચા વિદ્યાર્થીને જગાડવા માટે છે. તેમની કચાશ કેટલી છે એ શોધી કાઢવા માટે છે.
  • ઇચ્છાપૂર્વક વિદ્યાર્થી પોતાની કચાશ મપાવવા પરીક્ષા આપે, કચાશ નહીં મપાવે તો તેની કચાશ નહીં દૂર થાય તેવી સમજણ વિદ્યાર્થીઓમાં આપવામાં આવે.
  • પરીક્ષાથી માપી શકાય તેવા જ વિષયોની પરીક્ષા રાખવામાં આવે અને બાકીના વિષયોની પરીક્ષા જ ન લેવાય.
  • પરીક્ષા વખતે વિદ્યાર્થી પાઠ્યપુસ્તકો જોઈને જવાબ આપી શકે તેવી છૂટ આપવી જોઈએ. ન આવડે તો જોઈને જવાબ આપે. વિદ્યાર્થી પાઠ્યપુસ્તકને જવાબ આપવામાં કેવી રીતે વાપરે છે તેનાથી તેની સ્વત: પરીક્ષા થઈ જશે.
  • પરિણામમાં ઉપલા ધોરણમાં જવા લાયક, નથી લાયક અને કાચું હોય તે પાકું કરે પછી જવાને લાયક એમ ત્રણ કૅટેગરી હોવી જોઈએ. પહેલો નંબર, બીજો નંબર એ સિસ્ટમ રદ કરવી જોઈએ.

એકવાર તેમના શિષ્યો, સાથીમિત્રોએ સન્માનથેલી અર્પણ સમારંભ આયોજિત કર્યો હતો અને તેમને પુરસ્કાર આપીને સન્માનિત કરવાનું આયોજન કર્યું હતું.

એ વખતે આપેલા એક ભાષણમાં ગિજુભાઈએ કહ્યું હતું કે, "આ થેલીના થોડાક હજાર રૂપિયામાં આપણે બાળકો માટે શું કરી શકીએ? લગભગ કંઈ જ નહીં. ગુજરાત ધારે તો તે લાખો રૂપિયાથી બાળસન્માન કરી શકે. તેની શક્તિ જબ્બર છે. ગુજરાતને આંગણે એકાદ બાળસન્માન મંદિર હોય, એકાદ બાલશિક્ષણ વિદ્યાપીઠ હોય, એકાદ બાલજ્ઞાનાકોષ હોય, ત્યારે ગુજરાતે બાળકોનું સાચું સન્માન કર્યું કહેવાશે."

"સૌ પ્રાંતોમાં ગુજરાત આગળ છે, જીવંત છે. તેની આગળ આવા ગાંડાઘેલા તરંગો, વાતો મૂકતાં મને જરા પણ સંકોચ થતો નથી."

પણ આજની તારીખે ગિજુભાઈના સ્વપ્નનું ગુજરાત બાળકો માટે આપણે બનાવી શક્યા કે નહીં એ મોટો સવાલ છે. એમણે સ્થાપેલી, સીંચેલી સંસ્થાઓ, એમના કેળવણીમાર્ગે સ્થપાયેલી સંસ્થાઓની હાલત આજે કેવી છે એ વિચાર માગી લેતો સવાલ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન