'વૈભવ સૂર્યવંશી ત્રણેય ફૉર્મેટમાં ધમાલ મચાવી શકે છે' - મૅથ્યુ હેડને કહ્યું : ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Reuters
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- દ્વારા રિપોર્ટિંગ, નવી દિલ્હી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓપનિંગ બૅટ્સમૅન મૅથ્યુ હેડને કહ્યું છે કે વૈભવ સૂર્યવંશી પાસે વન-ડે, ટી-20 અને ટેસ્ટ, ત્રણેય ફોર્મેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની ક્ષમતા છે.
સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં હેડને સૂર્યવંશીની માનસિક મજબૂતી અને આઈપીએલ જેવા મોટા ટુર્નામેન્ટમાં તેમના દેખાવની પ્રશંસા કરી હતી.
તેમણે જણાવ્યું કે સૂર્યવંશી પાસે વિશ્વસ્તરીય ખેલાડી બનવા માટે જરૂરી બધી વિશેષતાઓ હાજર છે.
તાજેતરમાં સૂર્યવંશીએ ઝિમ્બાબ્વે સામેની ત્રણ ટી-20 મૅચોમાં 151 રન બનાવ્યા હતા. ભારતે આ શ્રેણી 3-0થી જીતી હતી.
તે પહેલાં, ઇંગ્લૅન્ડ સામે રમાયેલી ટી-20 શ્રેણીમાં ડેબ્યૂ કરીને વૈભવ સૂર્યવંશી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત તરફથી રમનાર સૌથી ઓછી ઉંમરના ખેલાડી બન્યા હતા.
મુંબઈના ઘાટકોપરમાં ચાલ ધરાશાયી થતાં સાત લોકોનાં મોત થયાં

મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં બુધવારે વહેલી સવારે ભૂસ્ખલનના કારણે એક ચાલ ધરાશાયી થતાં સાત લોકોનાં મોત થયાં અને અન્ય સાત લોકો ઘાયલ થયા છે.
આ ભૂસ્ખલન ઘાટકોપરના ચિરાગનગર વિસ્તારમાં આવેલી ગૌસિયા ચાલમાં થયું છે.
બીબીસીની મરાઠી સેવાના જણાવ્યા મુજબ, હાલમાં મહાનગરપાલિકાનો અગ્નિશામક વિભાગ, પોલીસ, વૉર્ડના કર્મચારીઓ, સંબંધિત વીજ વિતરણ કંપની અને ઍમ્બ્યુલન્સ સેવા ઘટનાસ્થળે પહોંચી ગઈ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઘાયલોની સારવાર ભાભા અને રાજાવાડી હૉસ્પિટલોમાં ચાલી રહી છે અને તેમની સ્થિતિ સ્થિર છે.
એએનઆઈની એક અહેવાલ મુજબ, આ ભૂસ્ખલન કુર્લાના ચિરાગનગર વિસ્તારમાં રાઠોડ મેડિકલ નજીક આવેલી ગૌસિયા ચાલમાં વહેલી સવારે અંદાજે 3:48 વાગ્યે થયું હતું.
ડીસીપી ગણેશ શિંદેએ જણાવ્યું કે સતત પડી રહેલા વરસાદના કારણે ભૂસ્ખલન થયું છે.
અમદાવાદમાં 32મા માળે ક્રૅનથી લટકતાં 22 વર્ષીય કામદારનો મૃતદેહ મળ્યો

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમદાવાદના એસજી હાઈવે પર છારોડી તળાવની સામે એક બાંધકામ હેઠળની ઇમારતમાં બુધવારે વહેલી સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી.
32મા માળે એક 22 વર્ષીય કામદારનો મૃતદેહ ક્રૅન સાથે લટકતો મળી આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
ઉલ્લેખનીય છે કે બુધવારે વહેલી સવારે લોકોએ આ મૃતદેહ લટકતો જોયો હતો. ત્યાર બાદ સંબંધિત અધિકારીઓને જાણ કરાઈ હતી.
ઘટનાની જાણ થતા સોલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને નીચે ઉતારવાના પ્રયાસો શરૂ કર્યા હતા.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા સોલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે.એન. ભુકને આપેલી વિગતો અનુસાર, યુવક બાંધકામ સ્થળ પર ક્રૅન ઑપરેટર તરીકે કામ કરતો હતો.
તેમના જણાવ્યા અનુસાર, "આ કામદાર મૂળ ઝારખંડનો હતો, તેમનું નામ પ્રીતમસિંહ હતું, તેમણે કથિત રીતે ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું."
પોલીસે વધુમાં જણાવ્યું કે "કામદારનો મૃતદેહ તેમના પરિવારને સોંપી દેવામાં આવ્યો છે અને આ મામલે હજુ તપાસ ચાલુ છે."
(આત્મહત્યા એક ગંભીર માનસિક અને સામાજિક સમસ્યા છે. જો તમે પણ તણાવનો સામનો કરી રહ્યા હો, તો તમે ભારત સરકારની જીવન સાથી હેલ્પલાઇન 18002333330 દ્વારા મદદ મેળવી શકો છો. તમારે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે પણ આ વિશે વાત કરવી જોઈએ.)
ફૂટબૉલ સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આ મૉડલ સાથે લગ્ન કર્યાં

ઇમેજ સ્રોત, aleed Zein/Anadolu via Getty Images
ફૂટબૉલના સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તેમનાં પાર્ટનર અને મૉડલ-ઇન્ફ્લુએન્સર જ્યૉર્જિના રૉડ્રિગ્ઝ સાથે લગ્ન કર્યાં છે. બંનેએ પોર્ટુગલમાં એક સિવિલ સેરેમનીમાં આ લગ્ન કર્યાં છે.
રોનાલ્ડોએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શૅર કરી છે જેમાં તેમના બંને હાથમાં લગ્નની વીંટી દેખાય છે.
પોર્ટુગીઝ મીડિયા અનુસાર, આ કપલે 11 ઑગસ્ટના રોજ લિસ્બન નજીક દરિયાકાંઠે આવેલા કાસ્કાઇસ શહેરમાં લગ્ન કર્યાં. આ ખાસ પ્રસંગે તેમનાં પાંચ બાળકો પણ હાજર હતાં.
રોનાલ્ડોની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શૅર થયાના માત્ર 30 મિનિટમાં જ 30 લાખથી વધુ લાઇક્સ મળી ગઈ.
રોનાલ્ડો અને જ્યૉર્જિના છેલ્લાં 10 વર્ષથી સાથે છે. તેઓ મેડ્રિડના એક ગુચી સ્ટોરમાં મળ્યાં હતાં, જ્યાં જ્યૉર્જિના તે સમયે કામ કરતાં હતાં. તે સમયે રોનાલ્ડો પ્રખ્યાત સ્પેનિશ ક્લબ રિયલ મેડ્રિડ માટે રમી રહ્યા હતા.
ગયા વર્ષે 11 ઑગસ્ટના રોજ આ દંપતીએ તેમની સગાઈની જાહેરાત કરી હતી. તે સમયે, જ્યૉર્જિનાએ તેમની સગાઈની વીંટીનો ફોટો શૅર કર્યો હતો અને સ્પેનિશમાં લખ્યું હતું કે તે જીવનભર રોનાલ્ડો સાથે રહેવા માટે તૈયાર છે.
નાસીરનગર ડિમોલિશન વિવાદ : સુરતના મ્યુનિસિપલ કમિશનર નાગરાજનની બદલી

ઇમેજ સ્રોત, ani
ગુજરાત સરકારે સુરતના મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનની બદલી કરીને તેમને સમગ્ર શિક્ષા અભિયાન વિભાગમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર બનાવાયા છે.
તેમની જગ્યાએ શહેરના કલેક્ટર તેજસ પરમારને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
સુરતના વેડ દરવાજા નજીક નાસીરનગર વિસ્તારમાં લગભગ બે મહિના અગાઉ કેટલાંક મકાનોને વિવાદાસ્પદ રીતે તોડી પાડવાની ઘટના પછી આ કાર્યવાહી થઈ હોવાનું માનવામાં આવે છે.
સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશને શરૂઆતમાં આ ડિમોલિશન કોણે કર્યું તે વિશે પોતાને કોઈ જાણકારી ન હોવાનો દાવો કર્યો હતો.
પરંતુ ડિમોલિશનનો મામલો હાલમાં હાઇકોર્ટમાં ચાલે છે જેમાં કોર્ટે વારંવાર તંત્રની ઝાટકણી કાઢી છે અને મ્યુનિસિપલ કમિશનરને કેમ નથી હઠાવાયા તેવી ટીકા કરવામાં આવી છે.
મંગળવારે રાતે એમ. નાગરાજનને સુરતના કમિશનરપદેથી બદલી કરવાના આદેશ અપાયા હતા.
નાસીરનગરમાં 29 અને 30 મે દરમિયાન લગભગ 100 મકાનો તોડી પાડવામાં આવ્યા હતા અને અસરગ્રસ્ત લોકો હાઇકોર્ટમાં ગયા છે.
આ કેસની તપાસ ચાલુ છે ત્યારે નાગરાજન હજુ કેમ કમિશનર પદ પર છે તેવો સવાલ પણ કોર્ટે રાજ્ય સરકારને કર્યો હતો.
આ કેસની સુનાવણી હજુ હાઇકોર્ટમાં ચાલુ છે જે દરમિયાન કેટલાક અસરગ્રસ્તોને કૉમ્યુનિટી હૉલમાં રાખવામાં આવ્યા છે.
હાઇકોર્ટમાં આગામી સુનાવણી 14 ઑગસ્ટે થશે.
માંજલપુરના નવા ધારાસભ્ય સતીષ પટેલે વિધાનસભાના સભ્ય તરીકે શપથ લીધા

ઇમેજ સ્રોત, Gujarat Information
ગુજરાત વિધાનસભાની માંજલપુર બેઠકની તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં વિજેતા બનેલા ધારાસભ્ય સતીષ પટેલે ગાંધીનગર ખાતે વિધાનસભાના સભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.
વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે માંજલપુર બેઠક પર 30,499 લીડ સાથે ભાજપના સતીશ પટેલની જીત થઈ હતી.
આ પેટાચૂંટણીમાં ભાજપની અપેક્ષા કરતાં ઓછું મતદાન થયું હતું.
આ ચૂંટણીમાં મતદાન માત્ર 37.5 ટકા થયું છે, જ્યારે 2022ની ચૂંટણીમાં યોગેશ પટેલની જીતની લીડ 64.8 ટકા હતી.
આ બેઠક પર ભાજપના સતીશ પટેલ અને કૉંગ્રેસના ભીખાભાઈ રબારી વચ્ચે સીધો મુકાબલો હતો.
માંજલપુર બેઠક પર યોગેશ પટેલના નિધન પછી ધારાસભ્ય પદ ખાલી પડતાં અહીં પેટાચૂંટણી યોજાઈ હતી.
અમેરિકાની સેનાનો દાવો, ઈરાન જનારા જહાજને રોકવા માટે મિસાઇલો છોડાઈ

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાની સેનાના સેન્ટ્રલ કમાન્ડે દાવો કર્યો છે કે તેણે ઈરાનના એક બંદર તરફ જતા એક જહાજને અટકાવ્યું હતું અને તેની સ્ટીયરિંગ સિસ્ટમને અક્ષમ કરી દીધી હતી.
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર જાહેર કરાયેલા એક નિવેદનમાં અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે પનામાના ધ્વજવાળું જહાજ ઓમાનની ખાડીમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યું હતું.
અમેરિકન કમાન્ડ અનુસાર, જહાજનો ઉદ્દેશ્ય ઈરાની બંદર સુધી પહોંચીને યુએસ નૌકાદળની નાકાબંધીને તોડવાનો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જહાજના નાગરિક ક્રૂએ યુએસ સૈન્યની વારંવારની ચેતવણીઓને અવગણી હતી.
આ પછી અમેરિકાની નેવીના એમએચ-60 હેલિકૉપ્ટરે જહાજના એન્જિન રૂમ પર બે હેલફાયર મિસાઇલો છોડી.
સેન્ટ્રલ કમાન્ડે કહ્યું, "આ જહાજ હવે ઈરાન જઈ રહ્યું નથી."
સેન્ટકૉમના જણાવ્યા અનુસાર, મંગળવાર 11 ઑગસ્ટ સુધીમાં 55 કૉમર્શિયલ જહાજોને ડાયવર્ટ કરવામાં આવ્યાં છે, ત્રણ અસહકાર આપનાર જહાજોને અટકાવાયાં છે અને બે જહાજોની તપાસ કરવામાં આવી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

























