એવું દાન, જે તમે તિરુપતિ મંદિરમાં આપીને દર્શનની લાંબી લાઇનથી બચી શકો

    • લેેખક, તુલસીપ્રસાદ રેડ્ડી
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • પ્રકાશિત

સારાંશ

  • અશ્વિની હૉસ્પિટલ, તિરુમાલાનાં અધીક્ષક ડૉ. કુસુમાકુમારીએ જણાવ્યું હતું કે તિરુમાલા આવતા ભક્તો વેંકટેશ્વર સ્વામી પાસે સ્વૈચ્છાએ રક્તદાન કરે છે
  • રક્તદાન કરતા લોકોને વિનામૂલ્યે દર્શનનો લાભ તથા પ્રસાદના લાડુ આપવામાં આવે છે
  • શિરડીના સાંઈબાબા સંસ્થાને પણ વર્ષ 2000માં બ્લડ બૅન્ક શરૂ કરી હતી અને તેનો વ્યાપક પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે

તિરુપતિ મંદિરમાં દર્શન કરવા હોય અને મોટી લાઇનથી બચવું હોય તો એક રીતે તમને ઉપયોગી થઈ પડે છે. ખાસ કરીને જ્યારે લોકો દૂર દૂરથી તિરુપતિનાં દર્શન માટે આવતા હોય ત્યારે સમયનો પણ બચાવ થઈ શકે છે.

તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટ (ટીટીડીટી) દ્વારા 37 વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલી આ યોજના વિશે બહુ ઓછા લોકો જાણે છે.

તિરુમાલા આવતા ભક્તોને રક્તદાન માટે પ્રોત્સાહિત કરવાના હેતુસર શ્રીવારીનાં વિશેષ દર્શન ઉપરાંત તેમને મફત પ્રસાદ તથા પ્રશંસા પ્રમાણપત્ર આપવાની આ યોજના ટીટીડીટીએ 1985માં શરૂ કરી હતી.

રક્તદાન કરવા ઇચ્છતા લોકો માટે પહાડ પરની અશ્વિની હૉસ્પિટલમાં પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. આરંભે રક્તદાતાઓ માટે ભૂમિગત માર્ગમાંથી શ્રીવારીનાં દર્શન કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

જોકે, ભૂમિગત માર્ગ મારફત દર્શનની વ્યવસ્થા બાદમાં બંધ કરવામાં આવી હતી અને સુપથમ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી. અહીં રૂ. 300માં ક્યૂલાઈન દ્વારા વિશેષ પ્રવેશ દર્શનની જોગવાઈ પણ છે.

રક્તની જરૂરિયાત

અશ્વિની હૉસ્પિટલ, તિરુમાલાનાં અધીક્ષક ડૉ. કુસુમાકુમારીએ જણાવ્યું હતું કે, તિરુમાલા આવતા ભક્તો વેંકટેશ્વર સ્વામી પાસે સ્વૈચ્છાએ રક્તદાન કરે છે.

તેમણે કહ્યું હતું કે, "તિરુમાલામાં રક્તદાન કરતા ભક્તોને તત્કાલ, મફત દર્શનની સુવિધા અમે આપીએ છીએ. ઉપરાંત તેમને ટીટીડીટી તરફથી વિનામૂલ્યે લાડુનો પ્રસાદ તથા પ્રમાણપત્ર પણ આવવામાં આવે છે. રક્તદાન પછી તરત જ તેમને નાસ્તો તથા ફળો આપવામાં આવે છે. અહીં એકત્ર કરવામાં આવેલો રક્તનો જથ્થો તિરુપતિની બીઆઈઆઈઆરડી હૉસ્પિટલમાં મોકલવામાં આવે છે."

બીઆઈઆઈઆરડી હૉસ્પિટલમાં બ્લડ બૅન્કની સુવિધા છે. હૉસ્પિટલના અધિકારી ડૉ. રાચાપલ્લી રેડપ્પા રેડ્ડીએ બીબીસીને જણાવ્યું હતું કે, આ હૉસ્પિટલમાં રક્તદાન કરતા લોકોને પણ તિરુમાલા શ્રીવારીનાં વિનામૂલ્યે દર્શનની સુવિધા આપવામાં આવે છે.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે, રક્તદાતાઓએ આપેલા રક્તનો ઉપયોગ હૉસ્પિટલમાં ઓપરેશન દરમિયાન જરૂરતમંદ દર્દીઓ માટે કરવામાં આવે છે. બહારના જરૂરતમંદ દર્દીઓ માટે પણ રક્ત પૂરુ પાડવામાં આવે છે.

ડૉ. રેડ્ડીએ કહ્યું હતું કે, "અમારે ત્યાં મુખ્યત્વે ઘૂંટણની સર્જરી માટે વૃદ્ધ લોકો આવતા હોય છે. ભોજનમાં પોષકતત્ત્વોની ઊણપના કારણે એ પૈકીના મોટા ભાગના દર્દીઓમાં હિમોગ્લોબિનની અછત હોય છે."

"ઘૂંટણની શસ્ત્રક્રિયા કરાવતા લોકો પૈકીના 80 ટકાના શરીરમાં લોહીનું પ્રમાણ ઓછું હોય છે. તિરુમાલાની અશ્વિની હૉસ્પિટલમાં એકત્ર કરવામાં આવતા લોહીનો ઉપયોગ અમે આવા લોકો માટે કરીએ છીએ."

રક્તદાતાઓને 24 કલાકમાં દર્શન

તિરુમાલામાં રક્તદાન વિશે જાણતા જૂજ લોકો અશ્વિની હૉસ્પિટલમાં રક્તદાન કરે છે. રક્તદાન સ્વીકારતા પહેલાં તેમના પર હૉસ્પિટલના કર્મચારીઓ વિવિધ પરીક્ષણ કરે છે. સ્વસ્થ અને રક્તદાનની પાત્રતા ધરાવતા લોકોનું રક્ત જ સ્વીકારવામાં આવે છે.

હૉસ્પિટલમાં સવારે આઠથી બપોરે બે વાગ્યા સુધી રક્તદાન મારફત મળેલું લોહી એકત્ર કરવામાં આવે છે. રક્તદાતાઓ 24 કલાકમાં ગમે ત્યારે શ્રીવારીનાં દર્શન કરી શકે છે.

કેટલાક રક્તદાતાઓ છેલ્લાં 15 વર્ષથી અહીં રક્તદાન કરી રહ્યા છે. તેઓ વર્ષમાં બેથી ત્રણ વખત રક્તદાન કરે છે.

વધુ એક વખત રક્તદાન કરવા આવેલા સ્થાનિક રહેવાસી મોહન રાવે કહ્યું હતું કે, "તિરુમાલામાં રક્તદાનની તક મળે એ માટે અમે ખુદને ભાગ્યશાળી માનીએ છીએ."

સ્વાતંત્ર્ય દિવસ, રક્તદાન દિવસ અને ગાંધી જયંતી જેવા વિશેષ દિવસોએ અહીં રક્તદાન શિબિરનું આયોજન પણ કરવામાં આવે છે. સ્થાનિક લોકો ઉપરાંત તીર્થયાત્રીઓ અહીં રક્તદાન કરે છે.

કેટલાક લોકોનું કહેવું છે કે, તેઓ રક્તદાન કરીને જરૂરતમંદોનું જીવન બચાવી રહ્યા છે.

'ટીટીડીટીએ રક્તદાનને પ્રોત્સાહન આપે'

તિરુમાલાથી આવેલા નવીને કહ્યું હતું કે, "હું અહીં જ રહું છું. હું છેલ્લાં ચાર-પાંચ વર્ષથી અશ્વિની હૉસ્પિટલમાં રક્તદાન કરું છું. અહીં રક્તદાન કરતા લોકોને વિનામૂલ્યે દર્શનનો લાભ તથા પ્રસાદના લાડુ આપવામાં આવે છે. જરૂરતમંદનું જીવન બચાવવામાં મદદરૂપ થઈને હું ખુશ છું."

અશ્વિનકુમાર નામના એક અન્ય સ્થાનિક રહેવાસીએ કહ્યું હતું કે, "મેં ગાંધી જયંતી પ્રસંગે પહેલી વાર રક્તદાન કર્યું હતું. કટોકટીના સમયમાં જેમને રક્તની જરૂર હોય એવા લોકો માટે હું અહીં રક્તદાન કરવા આવું છું."

રક્તદાતાઓને તિરુપતિમાં શ્રીવારીનાં વિનામૂલ્યે દર્શનની આ યોજના ભલે વર્ષોથી ચાલી રહી હોય, પરંતુ ટીટીડીટીએ તેનો ખાસ પ્રચાર કર્યો નથી.

ટીટીડીટી બોર્ડના ભૂતપૂર્વ સભ્ય અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પદાધિકારી ભાનુપ્રકાશ રેડ્ડીએ જણાવ્યું હતું કે, દર્શનની ઇચ્છા ધરાવતા અનેક ભક્તો આ યોજના વિશે જાણશે તો તેમને પણ રક્તદાનની અને શ્રીવારીનાં દર્શનની તક મળશે તેમજ રક્તના પુરવઠાની અછત નિવારી શકાશે.

ભાનુપ્રતાપ રેડ્ડીએ બીબીસીને કહ્યું હતું કે, "રક્તદાતાઓને સ્વામીદર્શનનો લાભ મળી રહ્યો છે. મને એ નથી સમજાતું કે ટીટીડીટી આ યોજનાનો પ્રચાર શા માટે નથી કરતી? કોવિડને લીધે રક્તદાતાઓની સંખ્યામાં ઘટાડો થયો હોવાના અહેવાલ છે ત્યારે આ યોજનાનો પ્રચાર કરવામાં આવશે તો રક્તદાતાઓની સંખ્યામાં વધારો થશે. એ રીતે રક્તના પુરવઠાની અછતની સમસ્યાનું પણ મહદંશે નિવારણ કરી શકાશે."

"માનવસેવાને પ્રભુસેવા માનવામાં આવે છે. રક્તદાતાઓને પ્રભુના આશીર્વાદ મળશે અને તેમનું રક્ત કોઈ જરૂરતમંદનું જીવન બચાવવામાં કામ આવશે."

જોકે, ટીટીડીટી બોર્ડના સભ્ય પોકલા અશોકકુમારે બીબીસીને કહ્યું હતું કે, "અશ્વિની હૉસ્પિટલમાં મોટી બ્લડ બૅન્ક છે. 1985થી શરૂ કરવામાં આવેલી આ યોજના હેઠળ લોકો એવું માનીને રક્તદાન કરવા આવી રહ્યા છે કે, શ્રીવારીની ઉપસ્થિતિમાં રક્તદાન કરવું તે શુભકર્મ છે."

"અમે દેવસ્થાનમ તરફથી તેમના માટે સુપથમના માધ્યમથી તત્કાલ દર્શનની વ્યવસ્થા કરી છે. અમે આ યોજના ચાલુ રાખીશું. ટીટીડીટી વધુ સુવિધાના નિર્માણ માટે પણ તૈયાર છે."

વર્ષમાં એક હજારથી ઓછા રક્તદાતા આ યોજનાનો લાભ લે છે

અશ્વિની અસુપાત્રી બ્લડ બૅન્કે આપેલી માહિતી મુજબ, 2007થી સપ્ટેમ્બર 2022 સુધીમાં અહીં 10,600 લોકોએ રક્તદાન કર્યું હતું.

2021માં 918 લોકોએ રક્તદાન કર્યું હતું અને આ વર્ષે 11 ઑક્ટોબર સુધીમાં 548 લોકો રક્તદાન કરી ચૂક્યા છે.

રક્તદાન કરવા ઇચ્છતા લોકો તિરુમાલાની અશ્વિની હૉસ્પિટલમાં કે તિરુપતિની બીઆઈઆઈઆરડી હૉસ્પિટલમાં સવારે આઠથી બપોરના બે વાગ્યા દરમિયાન જઈ શકે છે.

શિરડીસ્થિત સાંઈબાબા સંસ્થાને પણ વર્ષ 2000માં બ્લડ બૅન્ક શરૂ કરી હતી અને તેનો વ્યાપક પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે.

શિરડીમાં રક્તદાન કરતા ભક્તોને વિશેષ દર્શનની સુવિધા આપવામાં આવે છે.

રક્તદાતાઓ બ્લડ બૅન્કનો સંપર્ક સાધી શકે એ માટે એક ફોનનંબર પણ જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ તિરુમાલામાં આવી યોજનાનો યોગ્ય પ્રચાર ન થવાને કારણે બહુ ઓછા શ્રદ્ધાળુઓ રક્તદાન કરવા આગળ આવી રહ્યા છે.